ઘર જેવો બાર નહીં, ઘર જેવી ઑફિસ નહીં

ગુડ મૉર્નિંગ ક્લાસિક‘ – સૌરભ શાહ

(‘મુંબઇ સમાચાર‘ : સોમવાર, 29 ફેબ્રુઆરી 2016)

(વર્ક ફ્રોમ હોમ. કોરોના વાયરસના આ કપરા વખતમાં આ કન્સેપ્ટે ઘણું જોર પકડ્યું છે. WFH -Work From Home- આ ઇનિશ્યલ્સ સાવ નવી નવાઈના નથી. અત્યારે કોણ કોણ ઘરેથી કામ કરી શકે (મારા જેવા અનેક કરી શકે) અને કોણ કોણ ઘરેથી કામ ન કરી શકે ( ફિદાઈન આતંકવાદી) એ વિશેની એક મસ્તીવાળી પોસ્ટ મેં હમણાં જ લખી જેથી અત્યારના ડિપ્રેસ્ડ અને ભયભીત માહોલથી મુક્તિ મળે. એ પોસ્ટની લિન્ક લેખના અંતે શેર કરી છે.

એક વાચકે એવી કમેન્ટ મૂકી કે : ” સૌરભ શાહે ઘરથી કામ કરતા હોઈએ ત્યારે કેવી શિસ્ત કેળવવી જોઈએ એ વિશે ભૂતકાળમાં સરસ લેખ પણ લખ્યો હતો.”

આ વાંચીને સોશ્યલ મિડિયાનું મારું કામકાજ નિ:સ્વાર્થભાવે હોંશે હોંશે સંભાળતા મારા મિત્ર વિનયભાઈ ખત્રીએ પોતાના અતિ વ્યસ્ત શેડ્યુલમાંથી સમય ચોરીને ચાર વર્ષ પહેલાં, 29 ફેબ્રુઆરી 2016એ, લખેલો લેખ શોધી કાઢ્યો.)

રોજ સવારે ઊઠીને તૈયાર-બૈયાર થઈને હાથમાં બ્રીફકેસ-લંચ બોકસ-લૅપટૉપ લઈને રિક્શા-ટ્રેન પકડીને કે ટ્રાફિકમાં અટવાઈને, ઑફિસે પહોંચીને, આખો દિવસ કામ-કામ-કામ કરીને બાર કલાકે થાક્યાપાક્યા ઘરે આવવાનું કોને ગમે? આમ છતાં આવું કરવું પડે છે. આજીવિકા મેળવવા કરવું પડે છે.

ઘરબેઠાં આજીવિકા કમાવા જેવું સુખ આ દુનિયામાં બીજું એકેય નહીં. આઠ કલાકને બદલે જવાઆવવાના બીજા બબ્બે કલાક ઉમેરો તો રોજના બાર કલાક કામ કરી શકો અને ઑફિસ સુધી લાંબા થવામાં જે એનર્જી વપરાય તેને સમયમાં ફેરવી નાખો તો ૧૪ કલાક જેટલું કામ કરી શકો.

ઘરે જ એક રૂમમાં ઑફિસ બનાવીને કામ કરવાની મઝા વર્ષોથી માણી રહ્યો છું પણ એ વિશે લખવાનો કોઈ દિવસ વિચાર નહોતો આવ્યો. ગઈ કાલે ‘સન્ડે બ્રન્ચ’માં સીમા ગોસ્વામીએ એમની ‘ઈન્ડલ્જ’ કોલમમાં આ વિષય ઉપાડ્યો અને સાત મુદ્દા કહ્યા ત્યારે મને થયું કે યાર, પહેલાં મને કેમ આવો વિચાર ન આવ્યો. અહીં જે સાત મુદ્દા છે તે સીમા ગોસ્વામીના છે અને હું શત પ્રતિશત એકેએક પોઈન્ટ સાથે સહમત થાઉં છું એટલે એમને સેલ્યુટ કરીને એમની વાત નીચે મારા પણ દસ્તખત કરું છું.

સીમા ગોસ્વામી કહે છે એવો અનુભવ મેં પણ ઘણી વખત કર્યો છે કે જે લોકો ઘરેથી કામ કરતા હોય એમને સાંજે ચાર વાગ્યે એટલે ફાળ પડે કે સવારથી ઘરના પરચૂરણ કામોમાં એટલો બધો સમય વેડફાઈ ગયો કે આજનું કામ બાકી રહી ગયું અને તમે ફટાફટ વર્કિંગ ડેના બાકી બચેલા કલાકોમાં તમારું એ દિવસનું કામ આટોપવા ઉતાવળા થઈ જાઓ. આનો ઈલાજ શું? સીમા ગોસ્વામીના આ સાત મુદ્દા.

એક: રૂટિન એસ્ટાબ્લિશ કરો. તમારે ઑફિસે જઈને ટાઈમ માટેનું કાર્ડ સ્વાઈપ નથી કરવાનું, તમારા બૉસને રિપોર્ટિંગ નથી કરવાનું, ઑફિસમાં મોડા પડવાની ચિંતા નથી. આટઆટલી આઝાદી છે તો પછી જાત ઉપર થોડી શિસ્ત લાદીને નક્કી કરો કે રોજ તમે કેટલા વાગ્યે કામ શરૂ કરશો. લંચ બ્રેક અને ટી બ્રેકનો ટાઈમ પણ નક્કી કરો, એક્ઝેટલી કેટલી મિનિટ્સના એ બ્રેક્સ હશે તે પણ નક્કી કરો. અને સૌથી વધારે મહત્ત્વનું તો કામ પૂરું કરવાનો ટાઈમ નિશ્ર્ચિત રાખો. સમય થાય એટલે શટર પાડી દેવાનું.

બે: કામ કરવાનો સમય અને ગામગપાટાનો સમય – આ બન્ને વચ્ચેની લક્ષ્મણ રેખા દોરી રાખો અને એ ક્યારેય ક્રોસ કરવાની નહીં (અન્યથા આળસ નામનો બાવો તમારું અપહરણ કરી જશે). સવારે બ્રેકફાસ્ટ કરતી વખતે કામને લગતા ઈમેલ્સ ચેક નહીં કરવાના અને રાત્રે પથારીમાં સૂતાં સૂતાં કામને લગતા વૉટ્સએપિયા ખોલવાના નહીં. જે ટાઈમટેબલ ગોઠવ્યું હોય તે ઈમરજન્સી વિના તોડવાનું નહીં અને ઈમરજન્સી સિચ્યુએશન એને જ કહેવાય જ્યારે દુનિયામાં પ્રલય આવે અને આખું જગત એમાં તણાઈ જવાનું હોય.

ત્રણ: કપડાં, ઘરમાં પહેરવાનાં કપડાં સાથે કામ કરવાનું નહીં. ઘરમાં જ તો રહેવાનું છે, કોણ જોવા આવવાનું છે એવું વિચારીને લોચા જેવા કપડાં પહેરીને કામ કરશો તો કામ પણ લોચા જેવું જ થશે. ઑફિસે પહેરવાનાં કપડાં જેવાં કપડાં ન પહેરવા હોય તો તમારી મરજી પણ કામ કરતી વખતે જુદાં કપડાં પહેરવાનાં. એમાં આળસ નહીં કરવાની અને ખર્ચો બચાવવાની કંજુસાઈ પણ નહીં કરવાની.

ચાર: ઘર નાનું હોય કે મોટું, ઘરમાંથી કામ કરવા માટેની જગ્યા નિશ્ર્ચિત હોવી જોઈએ. એક અલગ ડેસ્ક કે એક અલગ રૂમ (અને જો ફૉર્ચ્યુનેટ હો તો એક અલગ ફલોર!) તમારા કામ માટે અલાયદો હોવો જોઈએ. કોન્સ્ન્ટ્રેશન માટે એ અનિવાર્ય છે. તમારી આસપાસ ઘરની વસ્તુઓ વેરણછેરણ થઈને પડેલી હોય એને બદલે તમારા કામને લગતો પેરાફર્નેલિયા પથરાયેલો હોય તો કામ કરવાનો મૂડ આવશે અને મેન્ટલી તમે ઑફિસના સિરિયસ (એટલે કે ગંભીર નહીં પણ પ્રોફેશનલ) વાતાવરણમાં છો એવું લાગશે.

પાંચ: તમે જ્યારે ઘરેથી કામ કરો છો એવી બધાને ખબર હોય ત્યારે લોકો ગમે તે ટાઈમે તમને ફોન કરવાના, ગમે તે ટાઈમે વૉટ્સઍપ-ઈમેલ કરીને એક્સ્પેક્ટ કરવાના કે તમે તરત જવાબ આપશો – નવરા જ તો બેઠા હશો, ઑફિસે ક્યાં જાઓ છો? ઘરમાં તમે કામ કરવાના જે કલાકો નક્કી કર્યા છે એ દરમ્યાન તમારા કામના સંદર્ભમાં આવ્યા હોય એવા ફોન સિવાયના કોઈ ફોન ઉપાડવાના નહીં. સામેવાળી વ્યક્તિ કદાચ નવરી હશે, તમે નવરા નથી. કામના સમયે ફોન પર ગામ આખાની પંચાત કરતાં તમને કોઈ સાંભળવાનું નથી, ટોકવાનું નથી, સીસીટીવી પર તમારી આ કામચોરી રેકોર્ડ પણ થવાની નથી છતાં ફાલતુ ફોનો ઉપાડવાના નહીં. અન્યથા તમારી એકાગ્રતા ઓછી થઈ જશે અને કામ રખડી પડશે. ઑફિસમાં કામ કરતાં લોકોને જે નિયમો લાગુ પડે છે તે જ તમારે તમને લાગુ પાડવાના. સ્ટેશન પર બૂટ પૉલિશ કરનારો ક્રીમ પૉલિશ વડે સોફ્ટ બ્રશથી તમારા બૂટ ચમકાવતો હોય ત્યારે એ પોતાનો સેલફોન વાગે ત્યારે ઉપાડીને વાતો કરતો હોય છે? તો તમારે પણ નહીં કરવાની.

: ડે ટાઈમમાં ટીવી ઑન નહીં કરવાનું. ઘરમાં છો એટલે કોઈ ઈન્ટરેસ્ટિંગ ન્યૂઝ સ્ટોરી બ્રેક થઈ રહી છે કે પછી કોઈ નહીં જોયેલી ફિલ્મ આવી રહી છે કે પછી જે એપિસોડ છૂટી ગયેલો તે બતાવે છે કે પછી જસ્ટ આમ કંટાળો આવે છે એટલે ટીવી ખોલીને બેસી ગયા એવું નહીં કરવાનું. ઑફિસમાં તમારો બૉસ તમને કામના ટાઈમે ટીવી જોતાં જોઈ જાય તો એ શું કરે? અહીં ઘરમાં તમે જ તમારા બૉસ છો. તો નેક્સ્ટ ટાઈમ આવું કરો ત્યારે ધમકાવજો તમારી જાતને.

સાત: કામ માટે ઈન્ટરનેટની જરૂર હોય તો એટલા જ સમય પૂરતા ઑનલાઈન રહેવાનું બાકી તમારા લૅપટૉપને વાયફાયથી દૂર કરી દેવાનું. બને તો સ્માર્ટ ફોનને પણ વાયફાયથી દૂર રાખવાનો. કામના સમયે કામ. વાયફાય ચાલુ હશે તો ઈમેલ-વૉટ્સએપ – ટ્વિટર – ઈન્સ્ટાગ્રામ – ફેસબુક વગેરેમાં ડાફોળિયાં મારવાનું મન થવાનું જ છે.

આ સાત મુદ્દા પછી સીમા ગોસ્વામી એક સૌથી અગત્યની વાત કહે છે જે મારે ખાસ શીખવી પડશે અને તે એ કે ઘરેથી કામ કરતા હો તો દિવસમાં કમ સે કમ એકવાર ઘરની બહાર નીકળીને ઘર માટેની નાની મોટી ખરીદી માટે જાઓ, નજીકની કૉફી શૉપમાં જાઓ અને છેવટે કઈ નહીં તો અમસ્તાં ચાલી આવો, જેથી તમને બીજા લોકોના ચહેરા જોવા મળે. ઘરમાં ને ઘરમાં જ રહેશો તો સોશ્યલાઈઝિંગની તમારી અર્જ તમને સતત વૉટ્સએપ – એફબી તરફ ઘસડી જશે.

મારે આ ખાસ એટલા માટે અમલમાં મૂકવું પડશે કે હું જ્યારે જ્યારે ઘરની બહાર નીકળું છું ત્યારે અમારી વિંગના વૉચમૅનના મોઢા પર એટલો બધો આનંદ છવાઈ જાય છે જાણે એને સંતોષ થયો છે કે હાશ, આ માણસ હજુ જીવે છે… બાકી એટલા દિવસથી એમનો ચહેરો નહોતો જોયો કે લાગતું હતું ક્યાંક…

હરકિસન મહેતા બહાર જવાને બદલે ઘરે બેસીને પીવામાં વધારે લિજ્જત આવે એવું માનતા અને બહાર (બા’ર) શબ્દ પર શ્લેષ કરીને કહેતા કે ઘર જેવો બાર નહીં. હવે એમાં ઉમેરીએ કે ઘર જેવી ઑફિસ પણ નહીં.

Facebook:

Twitter:

8 COMMENTS

  1. માહિતીપૂર્ણ લેખ ..બધા જ જો આ રીતે કરે તો કેટલો બધો ફાયદો…અધધ ધ..ઓફિસનાં ભાડાં,ફર્નિચર, ફોન,પાર્કિગનો પ્રશ્ન, ટ્રાફિકનો પ્રશ્ન …ઘર અને પરિવાર સાથે રહેવાનો મોટોલાભ..મોટો પ્રશ્ન પેટ્રોલની બચતનો..
    પણ..તમે કહી એ રીતે કામ કરીએ તો…..??!!

  2. નિયમો બધા બરોબર છે પણ આ નિયમો પત્ની ને સમજાવવા અઘરા છે. વળી કોઈ મહેમાન આવે ત્યારે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here