સબ બંદર કા વેપારી બનવામાં ફાયદો છે કે નુકસાન

તડકભડક : સૌરભ શાહ

(‘સંદેશ’, ‘સંસ્કાર’ પૂર્તિ, રવિવાર, ૨૦ ઑક્ટોબર ૨૦૧૯)

સંતાનોને બને એટલા વધારે ફિલ્ડનું એક્‌સપોઝર આપવું એ સારી વાત છે અને આપણા પોતાના રસના વિષયો ઘણા બધા હોય એ પણ સારી વાત છે. પણ જે દિકરીને સ્પોર્ટ્‌સમાં ઊંડો રસ હોય એને તમે પરાણે ચિત્રકામના અને નૃત્યના ક્‌લાસમાં અને થિયેટર વર્કશૉપમાં મોકલો છો તે ખોટું છે. એને સ્પોર્ટ્‌સમાં ઈન્ટરેસ્ટ હોય પણ નક્કી ન કરી શકતી હોય કે ટેનિસમાં આગળ વધવું છે કે બૅડમિન્ટન કે પછી ટેબલ ટેનિસમાં તો ભલે થોડો વખત એ આ ત્રણેય રમતો રમે અને એથ્લેટિક્‌સની પણ ટ્રેનિંગ લે. વહેલુંમોડું એ બધું જ કામ આવવાનું છે. પણ ગિટારના ક્‌લાસમાં કે ચારકૉલ પેઈન્ટિંગના ક્‌લાસમાં શીખેલું એને સ્પોર્ટ્‌સમાં આગળ વધવા માટે કામ નહીં આવે. વખત જતાં એ સ્પોર્ટ્‌સમાં પ્રોફેશનલી આગળ વધી જશે ત્યારે મન ડાયવર્ટ કરવા માટેની એક હૉબી તરીકે એને ગિટાર કે ચિત્રકામ ઉપયોગી થશે. કદાચ. બાકી, અત્યારે તો એણે પોતાનું બધું જ કોન્સન્ટ્રેશન સ્પોર્ટ્‌સ પર જ કેન્દ્રિત કરવાનું હોય. ઈવન ભવિષ્યમાં પણ રિલેક્‌સ થવા માટે એ જે સ્પોર્ટ્‌સમાં એક્‌સપર્ટ હોય તે સિવાયની બીજી કોઈ રમતગમત હૉબી તરીકે વિકસવી શકે. કપિલ દેવ જગપ્રસિદ્ધ ક્રિકેટર અને રિલેક્‌સ થવા માટે એ શું રમતા? ગોલ્ફ.

કેટલાંય પેરન્ટ્‌સને ગૌરવ થતું હોય છે કે મારો દીકરો તો ડ્રમસેટ પણ વગાડે, ક્રિકેટ શીખવા પણ જાય અને અત્યારથી જ ઑઈલ પેઈન્ટિંગ પણ એને આવડે છે. માબાપને ખબર નથી કે આવું ઓવર એન્થુઝિયસમ દીકરાની ટેલન્ટ્‌સને વધારવાને બદલે એના મગજનું દહીં કરી નાખશે. પછી છોકરો નવમા-દસમામાં કે ટ્‌વેલ્ફ્‌થમાં આવશે એટલે મા કે બાપ( કે પછી બંને) દીકરાને કહેશેઃ હવે માત્ર સ્ટડી કરવાની, ક્‌લાસ ભરવાના. આ એક જ વર્ષ છે ભણવા માટે. આ એક વર્ષ માટે ચોવીસે કલાક ધ્યાન રાખીને ભણી લો, પછી જે કરવું હોય તે કરજો જિંદગીમાં.

ભલા માણસ, તો પછી અગાઉ શું કામ ક્રિકેટ, પેઈન્ટિંગ, મ્યુઝિકના રવાડે ચડાવ્યા? કન્ફ્‌યુઝ્‌ડ માતાપિતાનાં સંતાનો પણ મોટાં થઈને કન્ફ્‌યુઝ્‌ડ જિંદગી જીવવાના.
માબાપને પોતાને ગૌરવ હોય છે કે અમે કેટલી બધી પ્રવૃત્તિઓ કરીએ છીએ. જૅક ઑફ ઑલ જેવા લોકોમાંથી અનેક લોકો ખૂબ પ્રતિભાશાળી હોય છે પણ પોતાની આળસ કે અધીરાઈને લીધે અથવા તો મનમાં ખોટા ખ્યાલોનું ભૂંસું ભરાઈ ગયું હોય છે એટલે – તેઓ કોઈપણ વિષયમાં પારંગત બની શકતા નથી. કોઈ એક વિષય પર હથોટી મેળવવા માટે તમારે વર્ષો સુધી તપસ્યા કરવી પડે. આજુબાજુમાં વિખેરાઈ જતા ધ્યાનને એક જગ્યાએ કેન્દ્રિત કરવું પડે. અર્જુને પક્ષીની અને માછલીની આંખ પર કોન્સનટ્રેટ કર્યુ હતું એવી રીતે.

કેટલાય લોકોને પોતાના માટે ગૌરવ હોય છે કે મને તો બધું જ ખબર હોય, કોઈ પણ ફિલ્ડની દરેક બાબત મને ખબર હોય. ચાર ઈંચનો સ્ક્રુ બજારમાં ક્યાં સસ્તામાં સસ્તો મળશેથી માંડીને આજે ડૉલરનો શું ભાવ છે, વિરાટ કોહલીએ ગઈ કાલે ક્યો રેકૉર્ડ તોડ્યો, રમણલાલ વસંતલાલ દેસાઈએ ૧૮૫૭ના પ્રથમ સ્વાતંત્ર સંગ્રામના બૅકગ્રાઉન્ડમાં લખેલી નવલકથાનું નામ અને અનુષ્ટુપ છંદનું બંધારણથી માંડીને ઉત્તર પ્રદેશના સિંચાઈ પ્રધાનનું નામ કે પછી બિલિમોરાથી મહેમદાવાદ જતી ટ્રેનો કઈ કઈ છે અને મહેસાણામાં સ્ટ્રીટ ફૂડ ખાવું હોય તો બેસ્ટ કઈ જગ્યાએ મળે એ બધી જ એમને ખબર હોય. વાહ, ખૂબ સરસ. ધન્યવાદ. પણ પર્સનલી આવી વ્યક્તિ સાથે પરિચય કરીને દોસ્તી બાંધવાને બદલે હું પસંદ કરીશ કે કોઈ એવા મોટર મિકેનિક સાથે ઓળખાણ થાય જેની પાસે દરેક પ્રકારની કારના ઍન્જિનની જાણકારી હોય, જે કોઈ પણ વાહનનું સમારકામ કરવાની ક્ષમતા ધરાવતો હોય જેણે નાનપણથી જ ચોવીસે કલાક મોટર ગૅરેજના વાતાવરણને પોતાના મગજનું વાતાવરણ બનાવી દીધું હોય. આવી વ્યક્તિ ભવિષ્યમાં દિલીપ છાબરિયા બનીને પોતાની ડી.સી.બ્રાન્ડને ફેમસ કરવાની ક્ષમતા ધરાવતી હોય છે – નહીં કે જેની પાસે આજના ડૉલરનો ભાવ અને મહેસાણાના સ્ટ્રીટ ફૂડનું મેન્યુ વગેરે બધું જ હોય. હાલાંકિ આ પ્રકારના લોકો તમને જલદીથી ઈમ્પ્રેસ કરી જાય, પોતાના વર્તુળમાં પૉપ્યુલર પણ બને પરંતુ પેલા ડેડિકેટેડ મોટર મિકેનિક પાસે આવા લોકો કરતાં ઘણું ઉજ્જ્વળ ભવિષ્ય હોવાનું.

વીસ-પચીસની ઉંમર થતાં સુધીમાં નક્કી કરી લેવાનું હોય છે કે તમારે જૅક ઑફ ઑલ બનવું છે કે માસ્ટર ઑફ વન. અને માસ્ટર ઑફ વન ફિલ્ડ બનવાનું નક્કી કર્યા પછી નેક્‌સ્ટ સ્ટેપ એ આવે છે કે તમારા ફિલ્ડના ક્યા પેટા ક્ષેત્રમાં કોન્સનટ્રેટ કરવું છે. જેમ એમ.બી.બી.એસંઈ ડિગ્રી પછી ડૉક્ટર બનીને તમારે તમારી ડિસિપ્લિન નક્કી કરવાની હોય છે કે ગાયનેક બનવું છે કે પિડિયાટ્રિશ્યન કે ઓર્થોપેડિક. અને પછી સુપર સ્પેશ્યાલિટી નક્કી કરવાની કે ગાયનેક બનીને આઈ.વી.એફ.માં જ આગળ વધવું છે, પિડિયાટ્રિક તરીકે નિયો-નાતાલના કેસીસ જ લેવા છે અને ઓર્થોપેડિકમાં આગળ વધીને ઘૂંટણની ઢાંકણીના રિપ્લેસમેન્ટમાં એક્‌સપર્ટીસ મેળવવી છે. આવું જ ફિલ્મ લાઈનમાં, મિડિયામાં, સાહિત્યમાં, ફાઈનેન્શ્યલ, એન્જિનિયરિંગ કે પછી દરેક ક્ષેત્રમાં.

તમે ઈસરોના બહુ મોટા અવકાશ વિજ્ઞાનના સાયન્ટિસ્ટ હો અને રિલેક્‌સ થવા માટે હિંદી ફિલ્મનું સંગીત સાંભળતા હો કે પછી વરસને કે મહિનાને વચલે દહાડે રજા-તહેવારે મિત્રો સંબંધીઓને તમારા હાથે બનાવીને રસોઈ જમાડતા હો તો એ સારી જ વાત છે. પણ તમારું બીઈંગ, તમારું અસ્તિત્વ એક સાયન્ટિસ્ટનું છે એ ભૂલાઈ ન જવાય. તમારાથી સંજીવ કપૂર બનવાનાં કે આર.ડી.બર્મન બનવાનાં ખ્વાબ ન જોવાય. આવું થાય ત્યારે બાવાનાં બેઉ બગડે. આવું થાય ત્યારે કુદરતે તમને જે બક્ષિસ આપી છે તેને તમે વેડફી નાખો છો. સાયન્ટિસ્ટ છો, સાયન્ટિસ્ટ બનીને રહો. રવિવારની રજાની બપોરે હાથમાં બિયરનો ગ્લાસ લઈને કરાઓકે સિસ્ટમ પર તુમ આ ગયે હો નૂર આ ગયા હૈના બરાડા પાડો ત્યાં સુધી જ તમારી ઈતર પ્રવૃતિઓને સીમિત રાખો. બાકી તમારું બધું જ ધ્યાન ચંદ્ર પર, મંગળ પર કે કોઈ ન શોધાયેલા ગ્રહ પર હોવું જોઈએ.

પાન બનાર્સવાલા

જાત પર કાબૂ રાખતાં આવડી જાય તો કોઈ પણ ક્ષેત્રમાં તમે મહારત હાંસલ કરી શકો.

– અજ્ઞાત

5 COMMENTS

  1. This article needs to be read by today’s parents. Yes, and the children are confused. Kindly write an article about parents allowing their children to switch careers on their whims and fancies. People have liked movie 3 idiots, personally i feel it was extremely overrated. Not all parents who advise their children to not follow their child like dreams are bad. Kindly write on that

  2. શ્રી સૌરભભાઈ,
    સાચી વાત છે.
    આ મુદ્દા ને આપણી શિક્ષણ પ્રણાલી જોડે સરખાવીએ તો!
    જો કોઈ વિદ્યાર્થી મેથ્સમાં ખૂબ જ રસ ધરાવતો હોય તો બીજા વિષયો શા માટે એને ભણાવવામાં આવે છે? બીજા વિષયમાં ભોપાળું જ કાઢવાનો એ. એને તો એવી વ્યવસ્થા મળવી જોઈએ કે એ મેથ્સમાં નોબેલ પ્રાઈઝ મેળવી શકે અથવા વિશ્વકક્ષાનો ગણિતશાસ્ત્રી થાય. અને પછી લોકોનો icon બની જાય. અને ગણિતના આવિષ્કારો થાય.
    આવું બધાજ ક્ષેત્રોમાં થવું જોઈએ. ધરમૂળથી મોટા ફેરફારોની આવશ્યકતા છે.

  3. અત્યારના ઘણા બધા મમ્મી(પપ્પ)ઓને TV અને social media ઉપર જે કોઈ ક્ષેત્રની વ્યક્તિ સારુ fan following મેળવતી હોય એ બધું જ પોતાના બાળકને શીખવવું હોય છે, કંઈ વધુ ના આવડે તો પણ છેવટે FB અને WhatsApp ઉપર પોતાના બાળકની આવી આ બધી પ્રવૃત્તિના Photographs અને videos મુકીને પોરસાવા માટે પણ. બે ગીતની ટ્યુન ગિટાર પર ને ચાર ગીતની કીબોર્ડ પર વગાડતા આવડી જાય એટલે ભયો ભયો. એકાદ વરસ ક્રિકેટ, એકાદ વરસ ટેનિસ ને એકાદ વરસ બેડમિંટન નું કોચિંગ લેવાનું ને એ દરમિયાન આ રમતોમાં બાળક કમસેકમ એ રમતના સ્ટાર ખેલાડીની માફક સ્ટાઈલ મારતા ને ગોલ/પોઈંટ/રન/વિકેટ વગેરેને એની નકલ કરીને સેલીબ્રેટ કરતા બહુ સારી રીતે શીખી જાય એ સિવાય બાકીનું જે કંઈ શીખે એ તો નફો જ છે. જેનું બાળક ગાવા, વગાડવા કે રમત-ગમતમાં આવા ગોલ હાંસલ મ કરી શકે એ લોકો પછી બાળકને mind power કે ૫/૭ વરસ પછી આવનારી પરીક્ષાઓના પરિણામો superman જેવા લાવવાની તૈયારીમાં ધંધે લગાડી દે છે… જેની સાથે આવા ‘મારા અધૂરા સપના પૂરા કરવાના પ્રયોગો’ ન થતા હેય એ બાળકો ખરેખર બહુ જ નસીબદાર હોય છે, પણ, કદાચ, minority માં હોય છે…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here