ગુજરાતી ભાષાના ટોચના સફળ સર્જકોના પ્રસન્ન ઘરસંસારની ખાટીમીઠી વાતો : સૌરભ શાહ

( ‘ગુડમૉર્નિંગ’ : શનિવાર, ૯ સપ્ટેમ્બર ૨૦૨૩)

દર અઠવાડિયે નહીં તો કમ સે કમ દર પંદર દિવસે કે છેવટે દર મહિને એક વખત તો મારે લખવું જોઈએ – ગુજરાતીમાં પ્રગટ થતાં સારાં, વાંચવાં જેવાં, ખીરીદીને ઘરમાં રાખવાં જેવાં પુસ્તકો વિશે.

આવું મને ઘણા વખતથી લાગતું રહ્યું છે. પણ મુહૂર્ત નહોતું આવતું.

પ્રૉબ્લેમ મોટો એ છે કે ગુજરાતીમાં હવે અગાઉનાં કરતાં ઘણાં વધારે પુસ્તકો પ્રગટ થાય છે અને વેચાય પણ છે – પ્રૉબ્લેમ એ નથી કે ગુજરાતીમાં હવે અગાઉના કરતાં ઘણાં વધારે પુસ્તકો પ્રગટ થાય છે. એ તો સારું જ છે. પ્રૉબ્લેમ એ પણ નથી કે ગુજરાતી પુસ્તકો હવે ઘણી મોટી સંખ્યામાં વેચાતાં થયાં છે. એ પણ સારું છે. પ્રૉબ્લેમ એ છે કે હવે અગાઉનાં કરતાં પણ ઘણાં નકામાં પુસ્તકો છપાય છે. એટલું જ નહીં, આમાંનાં કેટલાંય નકામાં પુસ્તકો પાછાં બેસ્ટસેલર પણ બની જાય છે.

હવે આવી પરિસ્થિતિમાં ખરેખર સારાં, વાંચવાં જેવાં અને વસાવવાં જેવા પુસ્તકો વિશે તમને જણાવવું હોય તો મારે બીજા કોઈ પર ડિપેન્ડન્ટ રહેવાને બદલે, બીજાઓનાં સૂચનોને આધારે જ ચાલવાને બદલે, જાતે વાંચીને નક્કી કરવું જોઈએ કે કયું પુસ્તક સારું છે ને કયું નહીં. અફકોર્સ, સારા પુસ્તકનો મારો એકમાત્ર માપદંડ એ છે કે મને એ વાંચવાની મઝા આવી કે નહીં. ફુલસ્ટોપ. આથી વિશેષ બીજો કોઈ માપદંડ ન હોઈ શકે-મારા માટે. અને આનો અર્થ એવો બિલકુલ નહીં કે જે પુસ્તક વાંચવાની મને મઝા ન આવે, જે પુસ્તક વિશે લખવાની મને મારી અંદરથી સ્ફુરણા ન થાય તે પુસ્તક તમને પણ નહીં ગમે કે તે પુસ્તકને હું નકામું ગણું છું – તેવું પુસ્તક મારા માટે કામનું નથી એટલું જ. બસ.

બીજો એક માપદંડ એ રાખવો છે કે જે પુસ્તક નહીં જામ્યું તો એ વિશે નહીં લખવાનું. માત્ર ગમતાં પુસ્તકો વિશે જ લખવાની મહેનત કરવાની. પુસ્તક વાંચીને જે મઝા આવી તે બધા સાથે વહેંચવાની. દોઢ ડાહ્યા થઈને પુસ્તકની ખામીઓ વિશે કોઈ વાત નહીં કરવાની. તમે પુસ્તકપ્રેમી છો, કોઈ વિવેચક નહીં.

પણ એ માટે મારે નવાં નવાં પ્રગટ થતાં પુસ્તકો મગાવવા પડે. ખર્ચનો વાંધો નથી. પુસ્તક પાછળ ખર્ચ કરવામાં કોઈ વાંધો જ નથી. બીજા ખર્ચાઓ પર કામ મૂકીને પણ પુસ્તકો તો ખરીદવાં જ જોઈએ. વાંધો એ બધાં જ પુસ્તકોમાંથી પસાર થવા માટે જે ટાઈમ અને એનર્જી જોઈએ એનો છે. ઉપરછલ્લી રીતે જોઈ જાઓ તોય ઘણો સમય જાય, થાકી જવાય. એ પછી ફરી એકવાર એ પુસ્તકો પર નજર નાખી જાઓ – પ્રથમ દૃષ્ટિએ જે ગમ્યું કે ન ગમ્યું તે પુસ્તક વિશે ફેરવિચાર કરો. એ પછી ગમતું પુસ્તક પાસે રાખો. વાંચો. એમાંની જે વાત ગમી જાય તે અંડરલાઈન કરો અથવા હાઈલાઈટ કરો અથવા એના પર પોસ્ટ-ઈટની કાપલી મૂકો અથવા એ વાતનો પાના નંબર પુસ્તકના પ્રથમ પાને પેન્સિલ/પેનથી નોંધી રાખો. અથવા એ વાત મનોમન યાદ રાખી લો એવું પણ બને.

સારું પુસ્તક હાથમાં આવે ત્યારે મન અધીરું બની જાય. બીજાં બધાં જ કામ પડતાં મૂકીને તાબડતોબ એમાં ડૂબી જવાનું મન થાય. ક્યારેક તો ચાર-પાંચ પુસ્તકો એકસાથે વંચાતાં હોય. એક પુસ્તક શરૂ કર્યું, ન કર્યું ત્યાં બીજું પુસ્તક શરૂ થઈ જાય. આવું કરવામાં રસભંગ નથી થતો હોતો. ઊલટાની મઝા આવતી હોય છે. ગુજરાતી થાળી જમતી વખતે રોટલીને દાળમાં ઝબોળો તો ક્યારેક વાલમાં, તો ક્યારેક તૂરિયાપાતરાના શાક સાથે રોટલીનો કોળિયો મોઢામાં મૂકો તો ક્યારેક વચ્ચે દૂધપાક/બાસુંદી/શ્રીખંડની ચમચી તો ક્યારેક વટાણાના ઘૂઘરાનું બટકું ભરો.

સારી વાત એ છે કે ગુજરાતીમાં સારાં-સારાં પુસ્તકો પણ પ્રગટ થતાં રહે છે. શોધવાં પડે. ન ગમતાં પુસ્તકોનો ઢગલો કરીને વીણવાં પડે. ગમતાં પુસ્તકો રાખીને બાકીનાં પુસ્તકોનો કોઈ અફસોસ વિના યોગ્ય નિકાલ કરવો પડે જેથી તમારી લાયબ્રેરી છલકાઈને પાડોશીના ઘરમાં સજાવવી પડે એવી હાલત ઊભી ન થાય.

અત્યારે મારી પાસે નવાં પ્રગટ થયેલાં પુસ્તકોમાંથી મને ગમતાં કેટલાંક પુસ્તકો તારવ્યાં છે તે મારી ડેસ્ક પર છે. મારો ઈરાદો મને જે મઝા આવી એ તમારી સાથે વહેંચવાનો છે. આ બધાં જ લેટેસ્ટ પુસ્તકો છે. આ ઉપરાંત છેલ્લાં એકબે વર્ષમાં પ્રગટ થયેલાં અને મને ગમેલાં પુસ્તકો પણ અલગ રાખી મૂક્યાં છે. એ અગાઉ, છેલ્લાં ત્રણથી પાંચ વર્ષમાં પ્રગટ થયેલાં અને મને વાંચવાની મઝા આવી હોય એવાં પુસ્તકો પણ છે. એના વિશે પણ લખીશું. ભવિષ્યમાં પ્રગટ થનારાં નવાં ગુજરાતી પુસ્તકોમાંથી જે ગમી જાય એના વિશે પણ લખીશું. લખતા રહીશું.

આજે એક એવા મઝાના જબરજસ્ત પુસ્તક વિશે હું વાત કરીશ જેની હું ઘણા લાંબા સમયથી રાહ જોઈ રહ્યો હતો.

* * *

વિનોદ ભટ્ટ અમેરિકાના પ્રવાસે હતા ત્યારે બીમાર પડ્યા. જમણો હાથ કેમેય કરીને કામ ન કરે. લખવાનું બંધ થઈ જાય એ તો પોસાય નહીં. પત્ની નલિનીબહેન મદદે આવ્યા. વિનોદ ભટ્ટ બોલે ને નલિનીબહેન ડિક્ટેશન લે. આવું થોડા મહિના ચલાવ્યું પણ લેખ પૂરો થયા પછી વંચાય ત્યારે ન તો વિનોદ ભટ્ટને મજા આવે, ન નલિનીબહેનને. વિનોદ ભટ્ટે ડાબા હાથે લખવાનું શરૂ કર્યું. જમણા હાથે અક્ષરો પડતા હતા તેના કરતાં ડાબા હાથે સારા અક્ષરો લખાવા માંડ્યા. એકાદ વર્ષમાં વિનોદ ભટ્ટ ડાબા હાથે લખતા થઈ ગયા. જમણા હાથે લખવાનું બંધ જ થઈ ગયું.

વિનોદ ભટ્ટ સાથે અલમોસ્ટ સાડા ત્રણ દાયકાનો સંબંધ હોવા છતાં મને આ વાતની ખબર નહોતી.

ઉમાશંકર જોશીએ 80ના દાયકામાં ‘સંસ્કૃતિ’ માસિકનો એક વિશેષાંક બહાર પાડેલો જે પછીથી ‘સર્જકની આંતરકથા’ નામે પુસ્તકરૂપે પ્રગટ થયો. એમાં ટોચના સાહિત્યકારોએ પોતાની સર્જનપ્રક્રિયા વિશે વાત કરી હતી.

‘સર્જકની આંતરકથા’ પુસ્તક પ્રગટ થયાના લગભગ ચાર દાયકા બાદ જ્યોતિ ઉનડકટનું ‘સર્જકનાં સાથીદાર’ પુસ્તક પ્રગટ થાય છે જેમાં જાણીતા ગુજરાતી સર્જકોની સફળતાના પડદા પાછળ રહેલાં સ્વજનોની વાતો છે. આ પુસ્તકમાં લગભગ ત્રણ ડઝન જેટલા ટોચના ગુજરાતી લેખકો, નવલકથાકારો, કવિઓ ઉપરાંત ગાયકો-સંગીતકારો પણ છે. મઝાની વાત એ છે કે આ ત્રણ ડઝનમાંથી અલમોસ્ટ ત્રીસેક જેટલા સર્જકો સાથે મારે કાં તો અંગત મૈત્રી છે, પરિચય છે અથવા તો વર્ષો જૂની ઓળખાણ છે; છતાં એમની જિંદગીની એવી ઘણી વાતો મને ખબર નથી જે જ્યોતિ ઉનડકટના આ પુસ્તકમાં મેં વાંચી. જેમ કે વિનોદ ભટ્ટ ડાબા હાથે લખતા થઈ ગાય તે વાત. જેમ કે અશોક દવેનાં પત્નીનું સાચું નામ હકી નહીં પણ પ્રમિલા છે તે વાત. જેમ કે ગુણવંત શાહને લખવા માટે જે. કે. નો કોપિયર ફુલસ્કેપ કાગળ અને એડ જેલની પેન જોઈએ તે વાત. જેમ કે ડૉ. શરદ ઠાકરે 1993ના અરસામાં ‘ગુજરાત સમાચાર’માં ‘ડૉક્ટરની ડાયરી’ કૉલમ શરૂ કરી તે પહેલાં એમને ‘સ્ટેથોસ્કોપ’ નામની કોલમમાં એમના પ્રોફેશનની બીમારીઓ વિશેની વાતો લખવાનું કહેવામાં આવ્યું હતું તે વાત. જેમકે તારક મહેતાનાં પત્ની ઈન્દુબહેનને આશાપુરામાતા પર બહુ શ્રદ્ધા અને એક વખત ‘દુનિયાને ઊંધાં ચશ્મા’નો એક લેખ વાંચીને કેટલાક લોકોનું દિલ દુભાયું ત્યારે કેવી ઈન્દુબેને માતાના મઢ જઈને માના દરબારમાં ખોળો પાથર્યો તે વાત.

જ્યોતિ ઉનડકટ સિઝન્ડ જર્નલિસ્ટ છે. ખૂબ મહેનત પછી ‘સર્જકનાં સાથીદાર’ પુસ્તક બન્યું છે. યાદગાર બન્યું છે. વાંચવા અને વસાવવા જેવું બન્યું છે. ત્રણ ડઝન સર્જકોની અને એમની પત્નીની પણ મુલાકાતો લેવી, શબ્દસ્થ કરવી, એ પછી એ મુલાકાતોને મઠારીને એને પુસ્તકનું સ્વરૂપ આપવું – આ બધું કામ ચોકસાઈપૂર્વક કરવામાં વર્ષો વીતી જાય. અને વર્ષોની આવી મહેનત પછી જે પુસ્તક બને તે દાયકાઓ સુધી જીવતું રહે.

પુસ્તક વાંચીને મને દરેક સર્જકની જે એક-એક નવી વાત જાણવા મળી તે તમારી સાથે શેર કરું છું. કવિ અંકિત ત્રિવેદી પોતાની લોકપ્રિય કૉલમ પોતાના અક્ષરે કાગળ પર નથી ઉતારતા. એમનાં માતા જયશ્રીબહેન ડિક્ટેશન લઈ લે અને સુઘડ કૉપી બનાવે. ‘કેવી રીતે જઈશ’, ‘બે યાર’ અને ‘રૉન્ગ સાઈડ રાજુ’ ના સર્જક અભિષેક જૈનનાં પત્ની શૈલી જૈન વ્યવસાયે દાંતના ડૉક્ટર છે, સ્માઈલ ડિઝાઈનરનું ભણેલાં છે. કવિ ડો. રઈશ મનીઆરે ક્યારેય પોતાની પત્ની ડો. અમીને પ્રેમપત્ર નથી લખ્યો. એટલું જ નહીં કવિ કહે છે : ‘તમામ આર્થિક વ્યવહાર પણ (અમી) સંભાળે છે. સો રૂપિયાથી ઉપરનો ખર્ચ કરવાનો આવે ત્યારે અમીને હું કહું થોડા રૂપિયા આપ ને વાપરવા….’

કવિ-સાહિત્યકાર અને ભૂતપૂર્વ આઈએએસ અફસર ભાગ્યેશ ઝાનાં પત્ની ઝરણાબેન કહે : ‘(એમણે લખેલી) કવિતાઓ મોટા ભાગે સમજાઈ જાય, પણ લેખો મને કોઈ વાર ભારે લાગે. બે વાર વાંચી લઉં તો પણ ખાસ કંઈ ન સમજાય…. ઘણીવાર એવું લાગે કે એમનું લેખન સુરેશ જોષીની ભાષા તરફ આગળ વધી રહ્યું છે.’!

સલિલ દલાલ (હસમુખ ઠક્કર) ‘ફિલમની ચિલમ’ કૉલમ મોટેભાગે સવારે પાંચ વાગે ઉઠીને લખે અને ત્રણ કલાકની એક જ બેઠકમાં લેખ પૂરો કરે.’ ગુજરાતીમાં કૉલમની નીચે ટેલપીસ કે લટકણિયું મૂકવાની શરૂઆત 1974માં સલિલભાઈએ કરી (બક્ષીસાહેબનો દાવો છે કે 1977માં પોતે એ પ્રથા શરૂ કરી).

સિનિયર પત્રકાર દીપક સોલિયાનાં લગ્ન હતાં એ દિવસને યાદ કરતાં એમનાં પત્ની હેતલ દેસાઈ કહે છે : ‘લગ્ન હતાં એ દિવસે ‘અભિયાન’માં લેખ લખી આપવાની ડેડલાઈન હતી. ઘરે લેખ પૂરો કર્યો. રિકશામાં બેસીને લગ્નના સ્થળે આવતાં પહેલાં ‘અભિયાન’નાં તંત્રીને લેખ લખીને લગ્ન કરવા આવ્યા’.

નાટ્યકાર મનોજ શાહને જોવા માટે કલ્પનાબહેનનાં ઘરનાં વડીલો આવ્યા ત્યારે મનોજે ખિસ્સામાંથી સિગારેટ કાઢીને સળગાવી. મનોજ શાહ કહે છે : ‘…. પછી મને દારૂ અને છોકરીઓ વિશે પૂછવામાં આવ્યું. મેં કહ્યું કે : હા, મારું આ (નાટકનું) કાર્યક્ષેત્ર છે અને એમાં આવાં પ્રલોભનો હોય જ…’

સિનિયર પત્રકાર અને સાહિત્યકાર નીલેશ રૂપાપરાની સગાઈ પ્રીતિબહેન સાથે થઈ એ પછી લગ્ન બે વર્ષે લેવાયાં. નીલેશ કહે છે : ‘… બે વર્ષના ગાળામાં પ્રીતિને લેટર્સ લખેલા. એમાં ફિલ્મી ગીતો જેવી કવિતાઓ લખી હતી.’

1993-94 ના અરસામાં મીઠીબાઈ કૉલેજના કવિસંમેલનમાં દિલીપ રાવલ, મુકેશ જોશી, હિતેન આનંદપરા જેવા નવયુવાન અને ઉગતા કવિઓના હાથે કૉલેજના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન થયું. હિતેન આનંદપરાએ બી.એ.માં યુનિવર્સિટી ફર્સ્ટ આવેલાં ડિમ્પલ પોન્દાને ગુલાબના ફુલની સાથે પોતાનું દિલ પણ આપી દીધું હતું. કવિ-નાટ્યકાર હિતેન આનંદપરાએ એક જમાનામાં છ વર્ષ સુધી મુંબઈ શેરબજારની રિંગમાં કામ કર્યું હતું.

જ્યોતિ ઉનડકટના જાનદાર પુસ્તકની વધુ વાતો આવતી કાલે.

દરમ્યાન, આ પુસ્તક ખરીદવું હોય તો આ રહી વિગતો :

‘સર્જકનાં સાથીદાર’ : જ્યોતિ ઉનડકટ. (પૃષ્ઠ ડેમી સાઈઝના 286 કિંમત રૂા. 300. પ્રકાશક : આર. આર. શેઠ.)

પ્રાપ્તિસ્થાનો :
૧. www.rrsheth.com , વૉટ્સઍપ નં. 70167 41485

૨. લોકમિલાપ: વૉટ્સઍપ નં.87349 18888

૩. બુકપ્રથા www.Bookpratha.com: વૉટ્સઍપ નં. 90335 89090

૪. નવભારત સાહિત્ય મંદિર : વૉટ્સઍપ નં. 98211 46034

૫. પ્રેમ પુસ્તક ભંડાર : વૉટ્સઍપ નં.98796 30387

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

6 COMMENTS

  1. આમ તો કહેવાય કે કોઈના અંગત જીવનમાં ડોકિયું ન કરવું જોઈએ પણ નામી અનામી લેખકોના જીવનની ખટમીઠી વાતો જાણવાની મજા આવે છે. મુંબઈ આવીશ તો પહેલું કામ આર. આર. શેઠ. માંથી આ પુસ્તકની ખરીદીનું કરીશ. 👍

  2. AS SOON AS I REACH MUMBAI MY FIRST VISIT WILL BE R R SHETH & CO TO BUY THIS BOOK. I AM A MEMBER OF R R SHETH SINCE SO MANY YEARS. THANK YOU FOR INFORMATION OF THIS BOOK. LET US KNOW MORE AND MORE BOOKS.

  3. ખૂબ જ મઝા આવે છે ,
    પ્રવીણ પુસ્તક ભંડાર માં ઉપરોકત પુસ્તક મળી શકે , અને આપનું પુસ્તક કટોકટી વાળુ

      • ખૂબ ખૂબ આભાર સૌરભ સર,

        ખરેખર ગુજરાતી ના સારા પુસ્તકો વિશે ના માર્ગદર્શન ની ખૂબ જ જરૂર હતી.

        સારા પુસ્તકો વાંચવાની હંમેશા ઈચ્છા હોય છે. પણ ક્યાં પુસ્તકો ખરીદવા, ક્યાં લેખક ને વાંચવા એ વિશે નું જ્ઞાન ના હોવાથી હમેશા ગડમથલ રહેતી કે ક્યાં પુસ્તકો વાંચવા.

        જો તમારા જેવા વિશ્વાસપાત્ર સ્ત્રોત તરફથી આવા લેખો લખાય તો અમારી મૂંઝવણ હળવી થઇ જય, ને નકામા પુસ્તકો નો ઢગલો ના થાય.

        અને હવે તો તમે થાળી માં પીરસતા હોય એમ પુસ્તક નું ખરીદી સ્થાન પણ સૂચવી ને ગુજરાતી પુસ્તક વાંચન ને ખૂબ જ હાથવગુ બનાવી દીધું છે.

        આભાર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here