મેથીની ભાજીની પીડીએફ મળે તો કયું શાક બનાવશો : સૌરભ શાહ

(આજનો તંત્રીલેખ: શનિવાર, ૨૫ એપ્રિલ ૨૦૨૦)
#2MinuteEdit

સમાચારોનું મહત્ત્વ છે, સમાચારપત્રોનું નહીં. મુંબઈ હાઈકોર્ટની નાગપુર બેન્ચને સરકારે રોકડું પરખાવી દીધું છે કે મુંબઈ-પૂણે તેમ જ અન્ય કેટલાંક શહેરોમાં વર્તમાનપત્રો છાપવાની છૂટ છે જ પણ છાપાં નાખવાવાળા ફેરિયાઓને ઘેરઘેર જવાની છૂટ નથી. આ સરકારનો ફાઇનલમાં ફાઇનલ હુકમ છે.

પ્રિન્ટ મિડિયાનો ધંધો આમેય ચોપટ થઈ ગયેલો, કોરોનાએ આવીને બંધ શટરને તાળું લગાવી દીધું. છાપાંવાળાઓને અફસોસ છે કે સરકારે શાકભાજીવાળાઓને લોકોના મકાનના કમ્પાઉન્ડ સુધી છૂટ આપી છે તો અમને કેમ નહીં, અમે પણ જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓની સરકારી યાદીમાં આવીએ છીએ.

સરકારે જેમ અનેક જરી-પુરાણા કાયદાઓ રદ કર્યા, સુધાર્યા એમ જીવનાવશ્યક ચીજવસ્તુઓની યાદીમાંથી છાપાં-મેગેઝિનોને કાઢી રાખવા જોઈએ. આવું કરવાથી મિડિયાના અખબારી સ્વાતંત્ર પર કોઈ આપત્તિ આવવાની નથી. તમામ અખબારો ડિજિટલ માધ્યમ દ્વારા-પીડીએફ દ્વારા તમારા ફોન-કોમ્પ્યુટર સુધી પહોંચી શકે જ છે, પ્રિન્ટેડ આવૃત્તિઓની કોઈ જરૂર રહી નથી. શાકભાજીની ડિલિવરી પીડીએફ દ્વારા થઈ શકવાની નથી. લોકો માટે રિયલ શાકભાજી જ જોઈએ, રિયલ દૂધ જ જોઈએ, રિયલ દવાઓ જ જોઈએ. પ્રિન્ટવાળાઓ ખોટી ઉધમકુદ કરે છે. સરકારે છાપાં છાપવાની ના નથી પાડી. ડિસ્ટ્રિબ્યુશનની ના પાડી છે. ફેરિયાને ત્યાં જઈને લઈ આવો. પણ ફેરિયાઓ ઘરે ઘરે આવીને પોતાની જાતને અને પોતાના ગ્રાહકોને કોરોનાના જોખમમાં નહીં મૂકે.

સુરત માં રહેતા મિત્રો નરેશભાઈ કાપડિયા ( 9909921100 ) તથા જયેશભાઈ સુરતી ( 9427778036 ) વર્ષોથી ‘અખબારી વાચન ગ્રુપ’ ચલાવી રહ્યા છે. તમામ ગુજરાતી-અંગ્રેજી છાપાંની પીડીએફ તમને વૉટ્સએપ પર મોકલી આપે છે.

સરકારના હુકમનો આદર કરવાને બદલે છાપાંવાળાઓ ફ્રન્ટ પેજ પર તંત્રી લેખ ઠોકીને સરકારને ફટકારે છે, શાસનની બેઈજ્જતી કરે છે. અત્યારના કાળમાં પ્રજા અને પ્રશાસનનું હિત જાળવવાને બદલે પોતાનાં ગજવાં ભરવાની દાનત રાખનારા તંત્રી-કમ-મેનેજરજ્યાદાઓને પૂછવું જોઈએ કે આ લૉકડાઉનમાં લોકો માટે શું અગત્યનું છે? કોરોના ફેલાવી શકે એવા ન્યુઝપેપરો હાથમાં પકડવાને બદલે એ જ છાપું પીડીએફરૂપે કે અન્ય કોઈ ડિજિટલ સ્વરૂપે વાચક વાંચીને ખતરાથી દૂર રહેવા માગતો હોય તો એમાં ખોટું શું છે? વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઈઝેશન (ડબ્લ્યુ એચ ઓ)નો હવાલો આપીને છાપાંવાળાઓ વારંવાર છાતી કૂટતા રહે છે કે ‘ડબ્લ્યુ એચ ઓ’ એ તો કહ્યું છે કે છાપાંથી કોરોના ફેલાતો નથી. કૉમન સેન્સ કહે છે કે કોરોના ગમે તે માધ્યમથી ફેલાઈ શકે છે– શાકભાજી અને દૂધથી પણ. પરંતુ શાકભાજીને ખાવાના સોડાથી ધોઈને તમે વાપરી શકો છો, દૂધના પાઉચને પણ સાબુ-પાણીથી સાફ કરી શકો છો. વાચકો તમારું વર્તમાનપત્ર ધોવામાટે બાથરૂમમાં બાલદી ભરીને સાબુ-પાણી વાપરે અને છાપું નીચોવીને વાંચે એવી કલ્પના કરી શકો છો?

વાચક મરો, ફેરિયા મરો પણ પ્રિન્ટ મિડિયાનું તરભાણું ભરો એવી માનસિકતા હવે છોડી દેવી પડશે. કોરોનાથી તમારો વાચક મરી ગયો તો ડિજિટલ રીડરશિપ હૌ જશે.

॥હરિ ॐ॥

12 COMMENTS

  1. સૌરભ ભાય, આજે 25/04,શનિવાર ના તંત્રીલેખ ના અનુસંધાનમાં તરભાણુ ભરો વાળી વાત એ રીતે પણ સારી લાગી, કે અંગ્રેજી ટાઈમ્સ ઓફ ઈન્નોડીયા-ઈકોનોમીક ટાઇમસ જોડીના બે વર્ષના એડવાન્સ મા કિંમત લૈ અત્યારે ન તો પેપર ડીલીવર થાય છે કે જવાબ પણ આપતા નથી.
    ભરત જોશી, બોરીવલી

  2. સૌરભ ભાઈ..વંદન ?.આપના આજ ના artical સાથે હું 70ટકા સંમત છું..સાહેબ હજી આપણે ત્યાં ઘરમાં વડીલ કે વયસ્ક લોકો આ છાપા અને મેગેઝિન નાં લેખો વાંચી સમય પસાર કરે છે..ડિજિટલ સારું કહેવાય..પણ આપણા ઘર કે સમાજ ના આવા વર્ગ ને બીજો પયાર્ય શું આપશું…લોકડાઉંન નો આ ખુબ મોટો ફરક કે બદલાવ આવ્યો છે..સાહેબ આમ કઇ મેથી નાં શાક ના pdf થી ચોક્કસ શાક ન બની શકે…આજ નું શિર્ષક જોરદાર છે..વાહ

  3. મહારાષ્ટ્ર સરકાર છાપાંવાળાઓને ફટકારી રહી છે, તેમ છતાં છાપાવાળાઓ મહારાષ્ટ્ર સરકારને પંપાળી રહી છે. કારણ માત્ર એટલું જ કે આ સરકાર મોદી વિરોધી છે.! શું સ્ટાન્ડર્ડ છે આ લોકોનું…

  4. કોરોનાનો રોગી દુબળો થાય કે નહી પણ છાપાં તો દુબળાં થઈ ગયાં છે, પણ કીમત તો એજ!
    ૨૫ થી ૩૦ માર્ચ છાપું આવ્યું નીં પણ બીલ આવ્યું!
    વર મરો કન્યા મરો વાંચક મરો પણ…….

  5. મેથીની ભાજીથી જબરજસ્ત મેથીપાક. અભિનંદન. મને તો તા. 25/3/૨૦૧૯ યાદ આવી જાય છે

  6. ટેકનોલોજી સાથે ડિજીટલ મીડિયાનો વ્યાપ વધતો જાય છે ત્યારે ઈ પેપર, ઓનલાઈન ન્યૂઝપેપર, ડીજીટલ મીડિયા, વેબપોર્ટલ જેવા તમામ મધ્યમોને પ્રોત્સાહિત કરી ડીજીટલ ઇન્ડિયાના વિઝનને સાર્થક કરવા સરકારે RNI ડિપાર્ટમેન્ટમાં પ્રિન્ટ મીડિયાની સાથે આવા તમામ મીડિયાનું રજીસ્ટ્રેશન કરવુ જોઈએ.

    હાલના લોકડાઉનની પરિસ્થિતિમાં ઈ પેપર (ન્યૂઝ પેપર) ફોન પર વાંચનારની સંખ્યામાં ખાસો એવો વધારો થયો છે.

  7. All newspapers should be in PDF format only so natural resources could be saved as paper made from tree skins.Manpower of Media industries can use in infrastructure and other several productivity thereby helping country to March ahead.

  8. Nice Article.
    Now a days Readers are not waiting for hard copy
    Read e’paper.. In future it will be tought to sale news paper in hard copy

  9. આમે ય કેટલાક ન્યુઝ પેપર માલિકો ન્યુઝ પેપર ના ખોટેખોટો ફેલાવો બતાવી પેપર ક્વોટા ના કાળા બજાર માં થી કાળી કમાણીના કારોબાર માં સંડોવાયેલા છે

  10. Digital media is real time solution in this pandemic covid-19 lockdown, conditional lockdown,with maintain social distance between each other,we have to work with safety

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here