એકમેવ કિશોર કુમાર : સૌરભ શાહ

( ગુડ મૉર્નિંગ : શુક્રવાર, ૧૩ ઑક્ટોબર ૨૦૨૩)

હિન્દી ફિલ્મો હોત, હિન્દી ફિલ્મોનાં ગીતોય હોત પણ કિશોર કુમારનો અવાજ ન હોત આ દુનિયામાં તો? તો પર્સનલી આજે મારું આંતરિક વિશ્વ જેટલું સમૃદ્ધ છે તે ન હોત, એટલું વૈભવશાળી ન હોત, ગરીબ અને રાંક અને બિચારું હોત.

આજે કિશોર કુમારની પુણ્યતિથિ. જન્મ: ૪ ઑગસ્ટ ૧૯૨૯, વિદાય : ૧૩ ઑક્ટોબર ૧૯૮૭.

પાંચ વર્ષ પહેલાં એમની જન્મતિથિએ એક સિરીઝ શરૂ કરી હતી જે વાજપાયીજીના નિધન વખતે અધૂરી રહી ગઈ. વાજપાયીજી વિશેના લેખો પુરા થાય એટલે કિશોરદાવાળો તંતુ સાંધી લેવાનો હતો. પણ રહી જ ગયું. હવે રિકૅપ સાથે આગળ વધીએ.

કહેવું ઘણું આસાન છે તમારા માટે, કે કિશોર કુમાર ન હોત તો કોઈ બીજા સિંગરનો અવાજ ગમતો હોત પણ મારા માટે એ સ્વીકારવું એટલું આસાન નથી. જેમ હું બીજા કોઈ માબાપને ત્યાં જન્મ્યો હોત તો મારું જીવન કેવું હોત એવી કલ્પના કરવી મારા માટે અશક્ય છે કે જેમ શ્રીજીબાવા મારા ઈષ્ટદેવ ન હોત એવી કલ્પના કરવી અશક્ય છે એ જ રીતે અત્યારે યાદ આવી રહેલાં ધોધમાર ગીતોમાં કિશોર કુમારને બદલે બીજા કોઈ ગાયકનો અવાજ હોત તો એ ગીતો કેવાં લાગતાં હોત એની કલ્પના કરવી પણ શક્ય નથી, જરૂરી પણ નથી, અને ફ્રેન્કલી કહું તો એવી કલ્પના જ સાવ બેહૂદી છે.

‘કોરા કાગઝ થા યે મન મેરા’ કોઈ બીજો ગાયક ગાઈ શકે જ કેવી રીતે? અને શબ્દો શરૂ થતાં પહેલાં પહાડીઓમાં પડઘાતા અવાજરૂપે ૨૩ સેકન્ડ્સ સુધી સંભળાતું ‘હે હે… હે હે… આહા… અંહં… અંહં…’ ગાવાનું તો કોઈનું ગજું નહીં. એ જ આલ્બમમાં હશ-હશ અવાજમાં ગવાતું ‘રૂપ તેરા મસ્તાના’ કિશોર કુમાર સિવાય બીજું કોણ ગાઈ શકે? અને અફકોર્સ, ઍપરન્ટલી ટપોરી ટાઈપનું લાગતું ગીત પણ કિશોરદાએ કેટલા શાલીન-સુશીલ- ભદ્ર અંદાજમાં ગાયું છે: બિતી જાયે ઝિન્દગાની કબ આયેગી તૂ… ગીત પનઘટ પે કિસ દિન ગાયેગી તૂ… ફૂલ સી ખિલ કે, પાસ આ દિલ કે, દૂર સે મિલ કે, ચૈન ના આયે વગેરે વગેરે વગેરે.

મોહમ્મદ રફી અને કિશોર કુમાર. બંને મહાન ગાયકો. હિન્દી ફિલ્મ સંગીતના કેટલાક ચાહકો આપસમાં ઝઘડો કરતા રહે છે કે કોણ મહાન ગાયક? રફી કે કિશોર? મારે હિસાબે એવી કોઈ કમ્પેરિઝન જ ન હોય. એવો ઝઘડો તો ઝનૂનીઓ જ કરે. બાકી આપણે કોણ નક્કી કરવાવાળા કે બેમાંથી મહાન ગાયક કોણ, વધુ મોટો ગાયક કોણ. જેમને રફી ગમે છે તેમને રફી ગમશે જ. જેમને કિશોર ગમે છે તેમને કિશોર જ ગમશે.

એક કિસ્સો ઘણો જાણીતો છે. એ જમાનામાં ટાઈમ્સ ગ્રુપનું એક હિન્દી ફિલ્મ મૅગેઝિન આવતું ‘માધુરી’ જેના સંપાદક હતા વિનોદ તિવારી. ફિલ્મી મૅગેઝિનમાં પણ તેઓ તંત્રીલેખ લખતા અને પત્રરૂપે લખાતા એ સંપાદકીયના અંતે મોટા અક્ષરે લખાતું: શેષ ફિર. ઈન અ વે એ એમની કૉલમનું નામ હતું. ‘માધુરી’માં એક વખત ચર્ચા ચાલી. પાનાં ભરીને વાચકોના પત્રો છપાતા. કેટલાક રફીનો પક્ષ લેતા, કેટલાક કિશોરનો. ઉગ્ર ચર્ચા પરાકાષ્ઠાએ પહોંચી. જાણે રફીના ચાહકો તથા કિશોરના ચાહકો વચ્ચે ઘમાસાણ રમખાણ ફાટી નીકળશે એવી પરિસ્થિતિ ઊભી થઈ. મહિનાઓની ચર્ચા પછી સંપાદકે એક વાચકનો લાંબો પત્ર પ્રગટ કર્યો જેમાં લખ્યું હતું કે આ આખી ચર્ચા જ નકામી છે, રફીએ આ આ ગીતો ગાયાં છે જે ગાવાની કોઈ તાકાત નથી કિશોરની. બેમાંથી મહાન ગાયક કોણ એવી સરખામણી જ ના થઈ શકે. મોહમ્મદ રફી જ મહાન છે. કિશોર કુમારની કોઈ વિસાત નથી, રફીની આગળ.

આ લાંબા પત્રના લેખક કિશોર કુમાર હતા. અને આ પત્ર છાપ્યા પછી સંપાદકે ચર્ચા આટોપી લીધી.

ઉંમરમાં મોહમ્મદ રફી પાંચ વર્ષ મોટા. રફીનો જન્મ ૧૯૨૪માં, કિશોર ૧૯૨૯માં. પોતાનાથી સિનિયર કળાકારોને કેવી રીતે આદર આપવો એ કોઈ કિશોર કુમાર પાસેથી શીખે. લતા મંગેશકર તો કિશોરદા કરતાં દોઢ-બે મહિના નાના. લતાજીનો જન્મ ૨૮ સપ્ટેમ્બર ૧૯૨૯ના રોજ, છતાં કિશોર પોતાને એમના જુનિયર ગણતા હોય એમ લતાદીદી લતાદીદી કરતા.

કિશોર કુમારની એક્સેન્ટ્રીસિટીઝ વિશે ઘણી વાતો વહેતી થયેલી. એમાં કેટલી સાચી અને કેટલી મનોરંજનના આશયથી ઉપજાવી કાઢવામાં આવેલી તે ભગવાન જાણે. કલ્યાણજીભાઈ મૂડમાં હોય ત્યારે (એ હંમેશાં મૂડમાં જ હોય) કિશોર કુમારના ધૂની સ્વભાવ વિશે કહેતા ‘ખઈ કે પાન બનારસવાલા’ ગીતના રેકોર્ડિંગ વખતે કિશોરદાએ જ્યાં સુધી પોતાને પાન મોઢામાં મૂકીને ગાવા ન મળે ત્યાં સુધી રેકોર્ડિંગ અટકાવી દીધેલું. કે પછી ‘પીછે પડ ગયા ઈન્કમટૅક્સમ’ વાળા ગીતમાં સાધુનો વેશ પહેરીને ચારપાઈ પર બેસીને જ ગાઈશ એવી જીદ કરેલી. આવી વાતો એમ્યુઝિંગ લાગે. કાલ્પનિક જ હશે એવું ખબર હોય છતાં વ્યક્તિની પર્સનાલિટીમાં એને કારણે ઉમેરાતા રંગો જોઈને માનવાનું મન થાય કે આવું બધું સાચું જ હશે.

અને કદાચ સાચું પણ હોય! ગુલઝારે કિશોર કુમારના બે એક કિસ્સા કહ્યા છે. એક તો ‘દો દૂની ચાર’ વખતનો. ગુલઝાર તે વખતે ફિલ્મના ચીફ આસિસ્ટન્ટ ડિરેક્ટર. આર્ટિસ્ટને એમના ડાયલોગ્સ આપીને સીન સમજાવવાની, સિચ્યુએશન સમજાવવાની જવાબદારી. કિશોર કુમાર તે વખતે ગુલઝારને સિરિયસ મોઢું રાખીને કહેતા: ‘તું શું સમજાવે છે, મને કંઈ ખબર પડતી નથી. જરા ઍક્ટિંગ કરીને બતાવ.’

ગુલઝાર કહે છે: કિશોર કુમાર પોતાના જેવી કૉમેડી કરવાનું મને કહે! કેવી રીતે શક્ય છે. પણ એમની આ મારી ટાંગ ખેંચવાની રીત હતી!

બીજી કોઈ ફિલ્મમાં, ગુલઝાર યાદ કરે છે કે, કિશોર કુમારે ગાડીમાં બેસીને કમ્પાઉન્ડની બહાર જવાનું હતું. સીન ઓકે થયા પછી કિશોર કુમાર ગાડી રિવર્સ લઈને પાછા ન આવ્યા. થોડા કલાક પછી ફોન આવ્યો કે ‘હું પનવેલ સુધી પહોંચી ગયો છું.’ કેમ? ડિરેક્ટરે મને કહેવું જોઈએ કે મારે કમ્પાઉન્ડ છોડીને ક્યાં સુધી જવાનું છે.

કિશોર કુમારની જિંદગીના લૂઝલી બે તબક્કા પાડી શકીએ. પ્રી-આરાધના ડેઝ અને પોસ્ટ-આરાધના ડેઝ. કિશોર કુમારનો અમારી જિંદગીમાં પ્રવેશ થયો ‘આરાધના’થી. સ્કૂલના દિવસો. ચોથા-પાંચમા ધોરણમાં. બધા છોકરાઓ રેડિયો પર બિનાકા ગીતમાલા સાંભળીને હે… હે… હા… હા… કરતા થઈ ગયેલા.

કિશોર કુમાર એક વર્સેટાઈલ ગાયક હતા. એમણે ગાયેલાં ગીતોને મુખ્ય ત્રણ પ્રકારમાં વહેંચીએ તો એક તો રોમેન્ટિક ગીતો આવે, પછી ગંભીર – ઉદાસ – થૉટ પ્રોવોકિંગ-ચિંતનપ્રધાન-સૅડ સૉન્ગ્સ આવે અને ત્રીજો પ્રકાર ધમાલમસ્તીનાં ગીતોનો અર્થાત્ પ્યાર હમેં કિસ મોડ પે લે આયા જેના પૂર્વજરૂપે પાંચ રૂપૈયા બારા આનાને મૂકી શકીએ. ઈનામીનાડિકા, ખઈકે પાન બનારસ અને જય જય શિવશંકર તો ખરું જ.

કિશોર કુમારે ગાયેલાં રોમેન્ટિક ગીતોમાં વેવલાપણું નથી, ખુલ્લાશ છે – ગાતા રહે મેરા દિલ જેવી. એમનો ઝિંદાદિલ અવાજ આયમ શ્યોર કે રાજેન્દ્ર કુમાર કે મનોજ કુમાર જેવા અભિનેતાઓને સૂટ જ ના થાય. ઓ મેરે દિલ કે ચૈન, પલ પલ દિલ કે પાસ, દિલ ક્યા કરે, યે શામ મસ્તાનીથી માંડીને મેરે દિલ મેં આજ ક્યા હૈ સુધીનાં ડઝનબંધ ગીતો યાદ આવી જાય. દરેક ગીત પર એક એક અલાયદો નિબંધ લખી શકો.

ગંભીર, ઉદાસ કે ચિંતનપ્રધાનવાળી કેટેગરીમાં પણ કેટલાં બધાં ગીત. કુછ તો લોગ કહેંગે અને ઝિંદગી કે સફર મેં ગુઝર જાતે હૈં જો મકાં વો ફિર નહીં આતે – એ બે ગીતોની ગણેશ સ્થાપના વિના આ કૅટેગરીની યાદીનો આરંભ જ ન થઈ શકે. ઓ સાથી રે તેને બિના ભી ક્યા જિના જેવાં ગીતો માણવા માટે પ્રેમમાં પડવું જરૂરી છે એટલું જ નહીં, પ્રેમમાં ધોખો ખાવો પણ એટલો જ જરૂરી છે. ત્યારે જઈને આવાં રેશમી ગીતોની ચુભનનો આનંદ માણી શકીએ. યે જીવન હૈ, મેરા જીવન કોરા કાગઝ, ખિલતે હૈં ગુલ યહાં, ખિઝાં કે ફૂલ પે આતી કભી બહાર નહીં કભી, મૈં શાયર બદનામ – કેટલાં ગીતો યાદ કરવાનાં. જેટલી ભૂતપૂર્વ પ્રેમિકાઓ એટલાં આવાં ગીતો.

કિશોર કુમારે પાંચ સંગીતકારો માટે શ્રેષ્ઠ ગાયું. આમ તો ડઝનબંધ સંગીતકારો માટે પણ વિપુલ પ્રમાણમાં શ્રેષ્ઠ ગીતો પાંચ સંગીતકારો માટે ગાયાં. આ પાંચમાં બપ્પી લાહિરી નથી, હાલાકિ પગ ઘૂંઘરું બાંધ મીરા નાચી રે અને ચલતે ચલતે મેરે યે ગીત એમણે બપ્પીદા માટે જ ગાયાં છે. રાજેશ રોશન પણ આ યાદીમાં નથી. હાલાકિ જુલીનાં અને કુંવારા બાપનાં ગીતો ક્યારેય ભુલાય એવાં નથી. આ ઉપરાંત પણ બીજા અનેક ટેલન્ટેડ સંગીતકારોએ કિશોર કુમાર પાસે ખૂબ બધાં યાદગાર ગીતો ગવડાવ્યાં જ છે.

પણ જે પાંચ સંગીતકારો માટે કિશોર કુમારે વિપુલ પ્રમાણમાં હિટ ગીતો ગાયાં એમની વાત કરવી છે. સૌથી પહેલા તો સચિન દેવ બર્મન. કિશોર કુમારે અમીન સયાનીને આપેલા એક રેડિયો ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે સચિનદા માટે એમણે સૌથી પહેલું ગીત 1951માં રિલીઝ થયેલી ફિલ્મ ‘બહાર’ માટે ગાયું: ‘કસૂર આપ કા હુઝૂર આપ કા’ (ગીતકાર રાજેન્દ્ર ક્રિષ્ન). જોકે અભ્યાસીઓ અને રિસર્ચર્સના મતે કિશોરદાનો આમાં સ્મૃતિદોષ દેખાય છે. તેઓ કહે છે કે 1950માં આવેલી રાજ કપૂરવાળી ‘પ્યાર’નું ગીત એસ. ડી. બર્મન માટે ગાયેલું પહેલું ગીત હતું. અફકોર્સ, પ્લેબૅક સિંગર તરીકે પહેલવહેલું ગીત એમણે ખેમચંદ પ્રકાશસમા દિગ્ગજ સંગીતકાર માટે ‘ઝિદ્દી’માં ગાયું જે દેવ આનંદની પણ પહેલી ફિલ્મ હતી. દેવ આનંદ, સચિન દેવ બર્મન અને કિશોર કુમારની ત્રિપુટીએ કેટલાં બધાં ટ્વેન્ટી ફોર કેરેટ્સ ગીતો આપ્યાં. યાદ કરવા જઈશું તો રાત પડી જશે.

આગળ વધતાં પહેલાં એક નાનકડી આડવાત. કિશોર કુમારે 1946માં રિલીઝ થયેલી ‘આઠ દિન’ નામની ફિલ્મમાં ‘બાંકા સિપૈયા ઘર જૈયો’ ગીતમાં કોરસમાં ઊભા રહીને થોડીક લાઈનો ગાઈ હતી એ એમનું પહેલું રેકોર્ડિંગ હતું એવું મનાય છે.

પણ અગેન, કેટલાક જાણકારોનું માનવું છે કે એમણે સરસ્વતી દેવી (અને આર. સી. પાલ) માટે ‘બંધન’માં ‘ચલ ચલ રે નૌજવાન’ ગીતમાં સમૂહસ્વરમાં ગાયું હતું.

‘બંધન’ નામની ફિલ્મો એટલીસ્ટ ચાર વાર બની. 1998માં સલમાન ખાનવાળી, 1969માં રાજેશ ખન્નાવાળી, 1956માં પ્રદીપકુમાર-મીનાકુમારીવાળી અને સૌથી સુપરહિટ ‘બંધન’ 1940માં બની – અશોક કુમારવાળી જેમાં હીરોઈન લીલા ચિટણીસ હતા. ફિલ્મ શશધર મુખર્જીએ બનાવી હતી જે અશોકકુમાર અને અફકોર્સ અનુપકુમાર તથા કિશોર કુમારના) બનેવી હતા.

આ ત્રણ ભાઈઓની ઈકલૌતી બહેન સતી રાનીના પતિ શશધર મુખર્જીસાહેબને લીધે જ અશોક કુમારનો ફિલ્મ લાઈનમાં પ્રવેશ થયો.

આપણે 1940માં રિલીઝ થયેલી એ વર્ષની સેકન્ડ હાઈએસ્ટ કમાણી કરનારી ‘બંધન’ વિશેની વાત શરૂ કરી હતી જેમાં એક ગીત હતું ‘ચલ ચલ રે નૌજવાન’ જેના કોરસમાં 11 વર્ષના કિશોર કુમારનો અવાજ છે એવું એક રિસર્ચરે સંશોધન કરીને લખ્યું છે.

કાલે ફરી કિશોર કુમારનો પાંચ સંગીતકારો સાથેનો દૌર સાંધી લઈશું. આ પાંચમાંના એક તો સચિન દેવ બર્મન. બાકીના 4 કયા કયા? તમે યાદ કરો. પછી આપણી નોટ્સ કમ્પેર કરીએ.

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

• • •

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨090040 99112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

12 COMMENTS

  1. Kishore Kumar did give lot of joy to me through many many hindi songs but I am sure he did the same thing to his fellow Matrubhashis through Bengali songs. I also remember other singers from Bengal– Pankaj Mallick, Jagmohan, Hemantkumar, Dhananjay Bhattacharya ( 1952 Yatrik film)– who have given me equal joy.
    Hearty “Shradhdhanjali” to Kishore Kumar during the present “Shraddha Parva”. Ohm Shanti Ohm.

  2. Yeh jivan hai…mast song…kishorji nu pan favt hatu..lataji e potana avaj ma sing kari ne kishorji ne birthday gift aapi hati..

  3. કિશોર કુમાર એટલે કિશોર કુમાર.

    મારા ફાધરને પણ કિશોર કુમાર એટલા બધા ગમે કે અમારા ઘરે લગભગ ૧૦૦ કરતાં વધુ કેસેટ્સ એમના ગીતોની હતી. ( HMV કે ‘અનમોલ રતન’ સિરિઝમાં એમની સોલો અને અન્ય ગાયિકાઓ અને કોમ્બિનેશન વાળી, તેમજ અન્ય ઘણી તો ફાધરે કિશોર કુમારના ગમતા ગીતોની અલગ બનાવડાવેલી એવી તો ઘણી, ૧૯૮૧ થી ૧૯૯૦ માં દાયકામાં)

    એમને જેટલાં ગમ્યા એટલાં જ મને પણ ગમ્યા. એટલે મને ગમતા અને ઘરમાં પણ અતિશય સાંભળેલા ગાયકોમાં ૧ થી ૧૦ કિશોર કુમાર જ આવે. અન્ય ગાયકો ‘ Miscellaneous’ માં આવે.

    બચ્ચનજી માટે પણ ધ પરફેક્ટ વોઇસ.
    મર્દાના, રમતિયાળ, ઝિંદાદિલ.

    Surreal charm.

  4. રાજેન્દ્ર કુમાર માટે એક ગીત ફિલ્મ આપ આયે બહાર આયી માં લતા જી સાથે ગાયું છે. બીજું એક ગીત ફિલ્મ સુનહરા સંસાર માટે આશા જી સાથે નૌશાદ નાં સંગીત માં હલ્લો હલ્લો હતું. પણ નૌશાદ કિશોર દા માટે પૂર્વગ્રહ ધરાવતા હતા એટલે ગીત ફિલ્માવવા માટે નિર્દેશક ને આપ્યું જ નહીં.

    • Naushad વિશે મારે કઈ ઉમેરવું નથી પણ આજે એ માણસને કોઈ યાદ પણ કરતું નથી.

    • અફલાતૂન…જોજો આજથી ૫૦૦ વરસ પછી કિશોર કુમાર, અમિતાભ બચ્ચન અને સચિન તેંડુલકર ભગવાન ગણાતા હશે. આપડે બધા એમના યુગ માં જન્મ્યાં છીએ એ આપણું સૌભાગ્ય છે. પંડિત ભીમસેન જોશી સાહેબે એક પત્રકાર ને કહેલું કે સારું થયું કિશોર કુમાર શાસ્ત્રીય સંગીતનો જાણકાર નહોતો, નહોતો અમારું બધાની શું થયું હોત…બાકીના ૪ સંગીતકાર માં RDB, LP, KA અને સલીલ ચૌધરી હશે.

  5. Aa lover of kishore kumars songs, many things comes to know.
    Voice of kishore kumar is so cute that every singer[even I] thought that we can sing in voice of kishore kumar but there will be some difference.
    Can not reach upto that hight that kk had achieved.
    Salute to kishore da.

  6. વન મેન આર્મી ની જેમ ……
    કિશોર એટલે…
    વેન મેન આર્ટિસ્ટ…

    ફિલ્મ લાઈન ની દરેક કળા નો માલીક એટલે
    કિશોરકુમાર..

  7. વાહ વાહ વાહ…કિશોર કુમાર વિશે લખીને દિલ ખુશ કર દિત્તા…શરૂઆતની થોડી લાઇનો વાંચીને લખું છું. આખો લેખ વાંચીને ફરીથી લખીશ….by the way, series લખો તો સારું ભાઈસાબ 🙏

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here