કિશોર કુમારને રિયલ જબરજસ્ત બ્રેક કોણે આપ્યો : સૌરભ શાહ

(ગુડ મોર્નિંગ, ન્યુઝપ્રેમી ડૉટ કૉમ: શનિવાર, ૧૪ ઑક્ટોબર ૨૦૨૩)

ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટેનું આકર્ષણ કિશોર કુમારને પોતાના મોટાભાઈને કારણે થયું. પણ કિશોર કુમારની લાઈફમાં, એમની કરિયરમાં દાદામુનિ અશોક કુમાર કરતાં પણ વધારે મોટું કૉન્ટ્રિબ્યુશન પિતા સમાન સચિન દેવ બર્મનનું હતું.

૧૯૬૬ની ૮મી એપ્રિલે દેવ આનંદની ‘ગાઈડ’ રિલીઝ થઈ પહેલાંની આ વાત છે. એ ગાળો સચિનદા માટે અને કિશોરદા માટે – બેઉના માટે ડાઉન પિરિયડ હતો.

સચિનદાને સિવિયર હાર્ટ અટેક આવ્યો હતો. એ વખતે એમના સંગીતમાં બે ફિલ્મો તૈયાર થઈ રહી હતી. ગુરુદત્તની ‘બહારેં ફિર ભી આયેગી’ અને દેવ આનંદની ‘ગાઈડ’.

‘બહારેં’… માટે સચિનદાએ પાંચ ગીતો કમ્પોઝ કરી નાખ્યાં હતાં. ‘ગાઈડ’નું કામ શરૂ કરવાની તૈયારી ચાલતી હતી. સચિનદાને હાર્ટ અટેક આવ્યો, હૉસ્પિટલાઈઝ કરવામાં આવ્યા. ગુરુદત્તને ફિલ્મ પૂરી કરવાની ઉતાવળ હતી. સચિનદાએ માંદગીને બિછાનેથી કહેવડાવ્યું કે પાંચ ગીતોની ધૂન તૈયાર કરી નાખી છે, મારી ગેરહાજરીમાં મારા દીકરા સહિતના મારા મદદનીશો રેકોર્ડિંગ કરીને તમને આપી દેશે. ગુરુદત્તને સચિનદા સિવાય બીજાઓ પર ભરોસો નહોતો, બીજું કોઈ એમની ગેરહાજરીમાં રેકોર્ડિંગ કરે તે મંજૂર નહોતું. ગુરુદત્તે રાહ જોવાને બદલે ઓ.પી. નાય્યરને સાઈન કરીને ગીતો તૈયાર કરાવવા માંડ્યા.

‘બહારેં ફિર ભી આયેંગી’નું શૂટિંગ થઈ ગયું. હજુ થોડું કામ બાકી હતું. એ પહેલાં હિન્દી ફિલ્મ જગતમાં કરુણતમ ઘટના બની. ૧૯૬૪ની ૧૦મી ઑક્ટોબર ૩૯ વર્ષની વયના ગુરુદત્તે આત્મહત્યા કરી. એ અધૂરી ફિલ્મ ૧૯૬૬માં ગુરુદત્તને બદલે ધર્મેન્દ્રને લઈને રિલીઝ કરવામાં આવી.

આ બાજુ દેવ આનંદે નક્કી કર્યું કે ‘ગાઈડ’ ત્યારે જ શરૂ થશે જ્યારે સચિન દેવ બર્મન તાજામાજા થઈને ફરી કામે ચઢશે. ૧૯૬૫માં તડામાર તૈયારીઓ સાથે ‘ગાઈડ’ શરૂ થઈ. સચિન દેવ બર્મને તમામ ગીતો રેકોર્ડ કરી લીધાં. મોહમ્મદ રફીના અવાજમાં ‘કયા સે ક્યા હો ગયા’ રેકોર્ડ કર્યું . રફીના જ અવાજમાં ‘તેરે મેરે સપને’ પણ રેકોર્ડ થયું. લતા મંગેશકરે ‘આજ ફિર જીને કી તમન્ના હૈ’ ને કંઠ આપ્યો. બીજાં પણ બે ગીત ગાયાં: ‘પિયા તોસે નૈના લાગે રે’, ‘સૈયાં બેઈમાન’. મન્ના ડેએ કોરસ સામે ‘હે રામ, હમારે રામચન્દ્ર’ ગાયું અને સચિનદાએ પોતે ‘અલ્લાહ મેઘ દે, પાની દે’ તેમ જ ‘વહાં કૌન હૈ તેરા…’ ગાયું. કિશોર કુમારનું એક પણ ગીત ‘ગાઈડ’માં નહોતું, તે વખતે.

કિશોર કુમારનો એ ડાઉન પિરિયડ હતો. ‘ઢાકે કી મલમલ’ (૧૯૫૬), ‘ચલતી કા નામ ગાડી’ (૧૯૫૮), ‘ઝૂમરુ’ (૧૯૬૧) અને ‘હાફ ટિકિટ’માં એમની સાથે જે હીરોઈને કામ કર્યું હતું અને ૧૯૬૦માં જેમની સાથે તેઓ લગ્નબંધનથી જોડાયા તે હિન્દી ફિલ્મ જગતનાં ઈટર્નલ બ્યુટિ મધુબાલા ગંભીર બીમારીથી પીડાતાં હતાં. કિશોરદાને આ બીમારીની ખબર હતી. ટ્રીટમેન્ટ માટે લંડન પણ લઈ ગયા હતા. માંદગીને કારણે મધુબાલાનો સ્વભાવ ઈરિટેટિંગ થઈ ગયો હતો એવું અશોક કુમારે ‘ફિલ્મફેર’ને આપેલા એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું. કિશોરદાના મોટાભાગના દિવસો આઉટડોર શૂટિંગમાં જતા હતા. મધુબાલા એમના પિતા (અને દિલીપ કુમારની પર્સનલ લાઈફના વિલન) અતાઉલ્લા ખાનના ઘરે જ મોટે ભાગે રહેતાં થઈ ગયેલાં. પતિ – પત્ની વચ્ચેની દૂરી વધી ગયેલી. કિશોરદા મધુબાલાથી છૂટા થઈ જવા માગતા હતા એવું પણ ઘણા માને છે—એ હદ સુધી મધુબાલાનો સ્વભાવ આકરો થઈ ગયો હતો. પણ આવા સંજોગોમાં છૂટા પડવું યોગ્ય ન ગણાય એમ માનીને કિશોર કુમારે આ બંધન નાછૂટકે નિભાવ્યું જે ૨૩ ફેબ્રુઆરી ૧૯૬૯ના રોજ મધુબાલાનું ૩૬ વર્ષની વયે નિધન થયું ત્યાં સુધી અતૂટ રહ્યું. (‘આરાધના’ મધુબાલાના મૃત્યુના સાત મહિના પછી, ૨૭ સપ્ટેમ્બર, ૧૯૬૯ના રોજ રિલીઝ થઈ).

૧૯૬૪-૬૫ના ગાળામાં કિશોર કુમારનું કામકાજ ઘણું ઘટી ગયું હતું. ફિલ્મો મળતી ઓછી થઈ ગઈ હતી. ઍક્ટિંગનું કામ મોનોટોનસ થઈ ગયું હતું. પ્લેબેક સિંગિંગ મોટેભાગે દેવ આનંદ માટે જ કરતા અને દેવ આનંદનાં ગીતો માટે મોહમ્મદ રફીને પણ લેવામાં આવતા. પર્સનલ અને પ્રોફેશનલ સ્તરે કિશોર કુમારનો આ સંધિકાળ ચાલી રહ્યો હતો.

‘ગાઈડ’નું શૂટિંગ પૂરું થઈ ગયું. પોસ્ટ પ્રોડકશન ચાલી રહ્યું હતું. દેવ આનંદને પોતાના મિત્ર કિશોર કુમારની યાદ આવી. આજકાલ પ્રોફેશનલી કિશોર કુમારના સમાચાર સંભળાતા નથી, બહુ એકલા પડી ગયા લાગે છે એમ વિચારીને દેવસા’બ કિશોરદાના ઘરે પહોંચી ગયા. સુખદુખની વાતો કરીને એમને સચિન દેવ બર્મનના ખારના ‘જેટ’ બંગલો પર લઈ આવ્યા. સચિનદા અને કિશોર કુમાર બેઉ એકબીજાને જોઈને ભાવવિભોર થઈ ગયા, ભેટી પડ્યા. થોડીવારે સેટલ થયા પછી સચિનદાએ કહ્યું, ‘ચાલ, આપણે રિહર્સલ કરીએ. મારી પાસે એક ગીત તૈયાર છે.’ સચિનદાએ હાર્મોનિયમ કાઢીને તાબડતોબ કિશોર કુમાર પાસે ‘ખ્વાબ હો તુમ યા કોઈ હકીકત’ તૈયાર કરાવ્યું.

આ વાત વિજય આનંદે ૧૯૯૦ના ગાળામાં કલકત્તાના આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ દરમ્યાન પીયૂષ શર્માને આપેલા ઈન્ટરવ્યૂમાં કહી હતી.

મજરૂહ સુલતાનપુરીનું આ ગીત એસ.ડી. બર્મને ગુરુદત્તની ‘બહારેં ફિર ભી આયેગી’ માટે તૈયાર કર્યું હતું એવું કહેવાય છે. કિશોરદાના અવાજમાં ગીત રેકોર્ડ તો થઈ ગયું. ઘણા લાંબા ગાળા પછી કિશોરદાએ ગીત ગાયું. દેવ આનંદે આ ગીત ‘તીન દેવિયાં’માં કામ લાગશે એ વિચારથી રેકોર્ડ કરી લીધું હતું. આ બહાને કિશોરદાની કરિયર પાટે ચડી જશે એવું પણ વિચાર્યું હતું. પણ પછી ખ્યાલ આવ્યો કે ‘તીન દેવિયાં’ તો હજુ બની રહી છે. એના પહેલાં ‘ગાઈડ’ રિલીઝ થશે. (એ વખતે એવો પ્લાન હતો, પણ છેવટે ‘ગાઈડ’ની રિલીઝ ૧૯૬૬ પર ઠેલાઈ અને એ પહેલાં, ૧૯૬૫માં ‘તીન દેવિયાં’ રિલીઝ થઈ ગઈ). બીજું, ‘ગાઈડ’ની કમ્પેરિઝનમાં ‘તીન દેવિયાં’ ઘણી નાની ફિલ્મ હતી. ‘ગાઈડે’ ખૂબ મોટો હાઈપ ઊભો કર્યો હતો. એટલે ‘ખ્વાબ’વાળું ગીત ખોવાઈ જશે. એને બદલે જો ‘ગાઈડ’માં જ કિશોર કુમાર પાસે ગીત ગવડાવ્યું હોત તો બધાને ઊડીને આંખે વળગે (કાને વળગે!) અને કિશોર કુમાર પાછા મેદાનમાં આવી જાય. દેવ આનંદે દિગ્દર્શકને (એટલે કે ભાઈને) વાત કરી. વિજય આનંદે તરત સિચ્યુએશન ઊભી કરી. સચિનદાએ એક ટ્યુન તૈયાર કરીને શૈલેન્દ્ર પાસે એમાં શબ્દો લખાવી દીધા. ‘સીએનએન – આઈબીએન’ ટીવી ચેનલને આપેલી એક મુલાકાત દરમ્યાન વહીદા રહેમાને કહ્યું હતું કે, ‘ગાઈડનું શૂટિંગ પૂરું થઈ ગયું હતું. એ પછી આ ગીત ઉમેરવામાં આવ્યું’.

ગાતા રહે મેરા દિલ, તૂ હી મેરી મંઝિલ. લતાજી સાથેનું કિશોરદાનું આ ડ્યુએટ સંજીવનીની જેમ કિશોર કુમાર માટે સેકન્ડ ઈનિંગ્સ લઈને આવ્યું. હવે જ્યારે પણ તમે ‘ગાઈડ’ જુઓ ત્યારે માર્ક કરજો કે આ ગીત ન હોત તો પણ ફિલ્મ સંપૂર્ણ જ હતી. પણ આ ગીતને કારણે સોનામાં સુગંધ ભળી છે એવું તમને લાગશે. દેવ આનંદ અને સચિન દેવ બર્મનના કિશોર કુમાર પ્રત્યેના લગાવને કારણે આ ગીત સર્જાયું.

કિશોરદાની કારકિર્દી તો પાટે ચડી જ ગઈ. એમના ચાહકોના જીવમાં પણ જીવ આવ્યો – અને કિશોરદાને, એમના અવાજને સંબોધીને આપણે સૌએ એમને કહ્યું: ઓ મેરે હમરાહી, મેરી બાંહ થામે ચલના. બદલે દુનિયા સારી, તુમ ના બદલના.

કિશોર કુમારના અવાજનો એ રણકો ક્યારેય બદલાયો નહીં. એસ.ડી. બર્મનના સંગીતમાં જ નહીં, બાકીના ચાર સંગીતકારો માટે એમણે જ્યારે જ્યારે ગાયું ત્યારે એ જ રણકા સાથે, એ જ ભાવભીની ખુમારી સાથે ગાયું.

‘ગાતા રહે મેરા દિલ’થી શરૂ થયેલી કિશોર કુમારની સેકન્ડ ઈનિંગ્સનો એક પડાવ ‘મિલિ’ના ‘બડી સુની સુની હૈ’ ગીતથી આવ્યો. ગીતનું રિહર્સલ પૂરું થઈ ગયું હતું. ત્રીજે દિવસે રેકોર્ડિંગ હતું. પણ એ પહેલાં જ સચિન દેવ બર્મનને પૅરેલિસિસનો અટેક આવ્યો. શેડયુલ મુજબ ગીત રેકોર્ડિંગ તો થયું પણ સચિનદાની ગેરહાજરીમાં. હૃષિકેશ મુખર્જીએ અમિતાભ બચ્ચન અને જયા ભાદુરી સાથે બનાવેલી આ ફિલ્મ રિલીઝ થઈ એના થોડાક જ મહિના બાદ સચિનદા આ દુનિયા છોડીને જતા રહ્યા. તારીખ હતી 31 ઑક્ટોબર 1975. ઉંમર 69. ‘મિલિ’ ચાર મહિના પહેલાં, 20મી જૂને રિલીઝ થઈ ગઈ હતી.

‘ગાઈડ’ અને ‘મિલિ’ વચ્ચેના દાયકામાં કિશોર કુમારે સચિન દેવ બર્મન માટે અનેક યાદગાર ગીતો ગાયાં. ‘મિલિ’ પછી સચિનદાના નિધન બાદ, ત્રણ ફિલ્મો રિલીઝ થઈ જેમાં એસ. ડી. બર્મનનું સંગીત હતું અને એ ત્રણેયમાં કિશોર કુમારે કંઠ આપ્યો હતો. એક તો હતી ‘ઝિદ્દી’, લવ ઈન ટોકિયો’, ‘તુમ સે અચ્છા કૌન હૈ’ અને ‘નયા ઝમાના’ તથા ‘જુગ્નુ’ જેવી હિટ ફિલ્મોના ડિરેકટર પ્રમોદ ચક્રવર્તીએ રિશી કપૂરની સાથે રીના રૉય તથા શોમા આનંદ નામની નવી છોકરીને લઈને બનાવેલી ‘બારૂદ’.

બીજી હતી હૃષિકેશ મુખર્જી દિગ્દર્શિત સંજીવ કુમાર અભિનીત ‘અર્જુન પંડિત’ અને ત્રીજી ફિલ્મ ‘ત્યાગ’ જે શર્મિલા ટાગોરના સેક્રેટરી એન. એસ. કબીરે શર્મિલાજીના ખર્ચે પ્રોડ્યુસ કરી હતી જેમાં હીરોઈન નેચરલી શર્મિલા ટાગોર અને હીરો રાજેશ ખન્ના હતા. ક્રિટિક્સે વખાણેલી આ ફિલ્મ બૉક્સ ઑફિસ પર ડૂબી ગઈ હતી. આ ત્રણેય ફર્ગેટેબલ ફિલ્મો અને એનું બહુ સફળ પુરવાર નહીં થયેલું એવું સંગીત ધ્યાનમાં લઈએ તો ‘મિલિ’ને જ સચિન દેવ બર્મનનું સ્વૉન સૉન્ગ કહી શકીએ.

‘મિલિ’ પહેલાં હૃષિકેશ મુખર્જીની ‘ચુપકે ચુપકે’ માટે કિશોર કુમારે એસ. ડી. બર્મન માટે ધર્મેન્દ્ર-અમિતાભની ક્લાસિક જુગલબંદીવાળું ગીત મોહમ્મદ રફીની સાથે ગાયું: સારેગમ… ગીત પહેલે બના થા યા બની થી યે સરગમ… આ જ વર્ષે અમિતાભ-ધર્મેન્દ્રની જોડીએ સચિન દેવ બર્મનના પુત્ર રાહુલ દેવ બર્મન માટે આવું જ એક, આયકોનિક બનેલું ગીત ગાયેલું એ તમને યાદ છે!

‘ચુપકે ચુપકે’ના સારેગમ ગીતના શૂટિંગ વખતે ધરમપાજી-બચ્ચનજી કાં તો બહુ બિઝી હતા, કાં કહેવાય છે કે બંને વચ્ચે કોઈ બાબતે ઈગો પ્રૉબ્લેમ્સ થઈ ગયા હતા એટલે, જે હોય તે, પણ તેઓ હૃષિદાને મૅચિંગ ડેટ્સ નહોતા આપતા. હૃષિદાએ એક-બે ફ્રેમ સિવાય બેઉ કલાકારોનું શૂટિંગ અલગ અલગ કરીને એવું સીમલેસ એડિટિંગ કર્યું છે કે તમે યુ ટયુબ પર જઈને જુઓ તો ચોકડાવાળી બંડી પહેરીને ગાતા તમારા બેઉ પ્રિય અભિનેતાઓ હંમેશાં સેટ પર સાથે જ રહેતા હશે એવું લાગે. મોહમ્મદ રફી સાથે કિશોર કુમારે કેટલાંક ગીતો ગાયા છે એમાંનાં ઘણાં જાણીતા પણ છે – આ એમાંનું એક.

‘ચુપકે ચુપકે’ પહેલાં 1974માં ‘સગીના’ આવી. તપન સિન્હાની આ ફિલ્મમાં એસ. ડી. બર્મને દિલીપ કુમાર માટે કિશોર કુમાર પાસે ગવડાવ્યું: સાલા, મૈં તો સાહબ બન ગયા… મજરૂહ સુલતાનપુરીના શબ્દો. આ ફિલ્મમાં સુધેન્દુ રૉયને બેસ્ટ આર્ટ ડિરેક્શનનો અવૉર્ડ મળ્યો હતો. હિંદી ફિલ્મ જગતના ખૂબ જાણીતા આર્ટ ડિરેક્ટર. ‘મધુમતી’ (1959) અને ‘મેરે મહેબૂબ’ (1964) માટે પણ એમને આ જ અવૉર્ડ મળ્યો હતો. ‘સુજાતા’ અને ‘કાબુલીવાલા’થી લઈને ‘બંદિની’, ‘બ્રહ્મચારી’, ‘સફર’, ‘આપ કી કસમ’ અને ‘ડૉન’ સહિતની ડઝનબંધ હિટ ફિલ્મોનું આર્ટ ડિરેક્શન કહેતાં સેટ ડિઝાઈનિંગ સુધેન્દુ રૉયનું હતું. એમણે ‘ઉપહાર’ અને ‘સૌદાગર’ (બચ્ચનજી-નૂતનજીવાળી) ફિલ્મોનું ડિરેક્શન પણ કર્યું હતું. આજની તારીખે ફિલ્મોમાં આર્ટ ડિરેક્ટર નથી હોતા, પ્રોડક્શન ડિઝાઈનર્સ હોય છે. જેમ સિનેમેટોગ્રાફરને બદલે ડી.ઓ.પી. (ડિરેક્ટર ઑફ ફોટોગ્રાફી) હોય છે. નામરૂપ જૂજવાં અંતે તો હેમનું હેમ. સુધેન્દુ રૉયની યંગેસ્ટ ડૉટર શર્મિષ્ઠા રૉયનું નામ તમે સાંભળ્યું હશે. ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’, ‘દિલ તો પાગલ હૈ’, ‘કુછ કુછ હોતા હૈ’, ‘કભી ખુશી કભી ગમ’, ‘વીર ઝારા’ વગેરે મેગા ફિલ્મોની ભવ્યતા પ્રોડક્શન ડિઝાઈનર શર્મિષ્ઠા રૉયની કલાને આભારી છે. મોરનાં ઈંડાંને ચીતરવાં ના પડે.

‘સગીના’ના રિલીઝ વર્ષે જ સચિન દેવ બર્મને રાજેશ ખન્ના – હેમા માલિનીની ફિલ્મ ‘પ્રેમનગર’માં સંગીત આપ્યું. કિશોરદાએ એમાં અન્ય ગીતો ઉપરાંત આ બે ગીતો ગાયાં: યે લાલ રંગ કબ મુઝે છોડેગા અને જા, જા, જા મુઝે ના અબ યાદ આ…

એ જ વર્ષે આવેલી બાસુ ચેટર્જીની ‘ઉસ પાર’માં સચિન દેવ બર્મને મન્નાડે અને મોહમ્મદ રફી પાસે ગવડાવ્યું પણ એમાં કિશોર કુમારનું એક પણ ગીત નહોતું.

એના આગલા વર્ષે રાજિન્દર સિંહ બેદી (‘દસ્તક’ અને ‘એક ચદ્દર મૈલી સી’ ફેઈમ રાઈટર – ડિરેક્ટર)ની ધર્મેન્દ્ર, વહીદા રહેમાન, જયા ભાદુરીવાળી ફિલ્મ ‘ફાગુન’ આવી હતી. એસ. ડી. બર્મને એમાં બે ગીત કિશોર કુમાર પાસે ગવડાવ્યાં. એ વર્ષે ‘છુપા રૂસ્તમ’ આવી જે દેવ આનંદની ફિલ્મ હતી. (પ્રોડયુસર – ડિરેકટર વિજય આનંદ) એટલે નેચરલી કિશોર કુમાર પાસે સચિનદાએ ગવડાવ્યું જ હોય. આ ફિલ્મના સાઉન્ડ ટ્રેકમાં એક મઝાનું ગીત છે. એસ. ડી. બર્મને એક જમાનામાં પોતાના અવાજમાં ગીત ગાયેલું: ધીરે સે જાના બગિયન મેં રે ભંવરા ધીરે સે જાના બગિયન મેં. લતા મંગેશકરે દાદા ભગવાનની ‘અલબેલા’ ફિલ્મ માટે જુદી ટયૂન પર, પણ એ જ શબ્દો યાદ આવી જાય એવું ગીત ગાયું: ‘ધીરે સે આ જા રે અખિયન મેં નિંદિયા આજા રે આ જા… ચુપકે સે નૈનન કી બગિયન મેં… 1951ની એ ફિલ્મમાં સી. રામચંદ્રનું સંગીત હતું. 1973ની ‘છુપા રૂસ્તમ’માં સચિનદાના સંગીતમાં, એમણે જ ગાયેલા ગીતની કવિ નીરજે લખેલી સુંદર પેરડી કિશોર કુમારે ગાઈ જે પડદા પર દેવ આનંદે હેમા માલિનીને સંભળાવી; ધીરે સે જાના ખટિયન મેં ઓ ખટમલ ધીરે સે જાના ખટિયન મેં, સોઈ હૈ રાજકુમારી દેખ રહી મીઠે સપને, જા જા છુપ જા તકિયન મેં ઓ ખટમલ…

1973માં બીજી બે ફિલ્મો એસ. ડી. બર્મનના મ્યુઝિકમાં આવી. પ્રમોદ ચક્રવર્તીની ‘જુગ્નુ’ જેમાં ધર્મેન્દ્રએ હેલિકોપ્ટર ચલાવતાં બીજા હેલિકોપ્ટરમાં બેઠેલી હેમા માલિનીને હેડ ફોન્સમાં કિશોર કુમારે ગાયેલું આ ગીત સંભળાવ્યું: પ્યાર કે ઈસ ખેલ મેં, દો દિલોં કે મેલ મેં, તેરા પીછા ના મૈં છોડુંગા સોનિયે, ભેજ દે ચાહે જેલ મેં…

આ જ ફિલ્મમાં એક ડયુએટ હતું: ગિર ગયા ઝુમકા ગિરને દો, ખો ગઈ મુંદરી ખોને દો, ઉડ ગઈ ચુનરી ઉડને દો, કાહે કા ડર હૈ, બાલી ઉંમર હૈ, છોડો બહાના, ના ના…

આનંદ બક્ષીની અમીટ છાપવાળા આ મસ્તીભર્યા ગીતની સાથે 1973માં જ રિલીઝ થયેલી એસ. ડી. બર્મનના મ્યુઝિકવાળી હૃષિદાની ફિલ્મ ‘અભિમાન’ યાદ આવે. અહીં બક્ષીસા’બને બદલે મજરૂહ સુલતાનપુરી ઝુમકા લઈને આવે છે: તેરા ઝુમકા રે, ચૈન લેને ના દેગા સજન તુમકા, રે આયહાય મેરા ઝુમકા રે… જોકે, આ ડયુએટમાં લતાજી સાથે રફીસા’બનો અવાજ છે. ‘અભિમાન’માં કિશોર કુમારનું સોલો ‘મીત ના મિલા રે મન કા’ અને લતાજી સાથે ગાયેલું ‘તેરે મેરે મિલન કી યે રૈના’ સહિતના બધાં જ ગીતો યાદગાર હતા. સચિનદાને આ ફિલ્મ માટે બેસ્ટ મ્યુઝિક અને જયાજીને બેસ્ટ એકટ્રેસનો ‘ફિલ્મફેર’ અવૉર્ડ મળ્યો.

‘અભિમાન’માં અમિતાભ માટે કિશોર કુમાર ઉપરાંત રફીસા’બ અને તે વખતે નવોદિત એવા મનહર ઉધાસનો અવાજ પણ લેવામાં આવ્યો છે. આવું કેમ થયું? કેટલાક તોફાનીઓ આ માહિતી જુદી રીતે વાપરે છે. હકીકત એ છે કે ફિલ્મની પૂરી વાર્તા ખબર પડી એટલે કિશોર કુમારે વિવેકપૂર્વક ફિલ્મ છોડી દીધી. કિશોરદાનાં પ્રથમ પત્ની રૂમાદેવી ( જેમનાં માતા સતિ સત્યજિત રાયનાં પત્ની બિજોયાનાં મોટાં બહેન થાય) પણ ગાયિકા હતાં, ૧૯૫૮માં આઠ વર્ષનાં લગ્નજીવન બાદ છૂટાછેડા લેવાયા તે પહેલાં પતિ-પત્ની વચ્ચે ‘અભિમાન’ના ગાયકદંપતિની જેમ ખટરાગ થતો હતો.

‘ગાઈડ’ (1966) અને‘અભિમાન’ (1973) દરમિયાન એસ. ડી. બર્મનના સંગીતવાળી 13 હિન્દી ફિલ્મો આવી. આમાંની કઈ કઈ ફિલ્મોમાં કિશોર કુમારે ગાયેલાં ગીતો તમને યાદ છે? કાલે મળીએ ત્યાં સુધી આ તેર ફિલ્મોમાંથી સચિનદા-કિશોરદાના દસ ગીતોની યાદી બનાવીને તૈયાર રાખો.

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

• • •

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨090040 99112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

8 COMMENTS

  1. સૌરભભાઈ,
    આપ ની જે you tube પર વિડિઓ આવે છે, તેમાં text અથવા સબ titles જેવું આવે તૉ મારા જેવા ને મજા પડી જાય, કારણ કે કાન ની તકલીફ ના કારણે હું એ વિડિઓ માણી શકતો નથી.

  2. ફિલ્મ ઇન્ડુસટ્રી ની આ વાતો પેહલી વાર જાણી. ખુબ મજા આવે છે. ક્યાં ક્યાંથી શોધી લાવો છો. ખરેખર દાદ દેવી પડે.

  3. પાંચ વરસ પહેલા આ લેખમાલા ચાલુ કરી હતી તો ત્યારના હપ્તા વાચવા હોય તો ?

  4. ફિલ્મ જગત ના દરેક જુના સંગીતકાર,અભિનેતા ,ગીતકાર,ગાયક,લેખક, નિર્માતા ,દિગ્દર્શક વિગેરે ના જીવન ચરિત્ર વાચવાનો મારો મનપસંદ શોખ રહ્યો છે સાહેબ.આપ પણ મારા મનપસંદ લેખક છો એ નાતે આપના દરેક લેખ એકી બેઠકે વાંચી નાખુછુ.સરસ માહિતી આપ રજુ કરી રહ્યા છો તે માટે આપનો ખુબ દિલ થી આભાર વ્યક્ત કરુછુ. ભગવાન તમને તાજા માજા રાખે એ જ અભિલાષા સહ વંદન.🙏💐

  5. અફલાતૂન..at least ૧૫-૨૦ હપ્તા nonstop આમના વિશે j લખવા વિનંતી 🙏 મઝા પડી રહી છે એટલે જ વિનંતી કરું છું 🙏

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here