તુમ સે મિલ કે ઐસા લગા તુમ સે મિલ કે —આજના જમાનામાં ગુજરાતી નાટકોના સુવર્ણયુગની ઝલક : સૌરભ શાહ

( ગુડ મૉર્નિંગ : ન્યુઝપ્રેમી.કૉમ, શનિવાર, ૨૯ જુલાઈ ૨૦૨૩)

મુંબઈમાં બનેલાં ગુજરાતી નાટકો જોવા મળે એ દિવસ તહેવાર જેવો બની જાય.

પ્રવીણ જોષીનો સૂરજ ભરબપોરે ઝળહળતો હતો ત્યારે, ટીન એજમાં, એમનાં નાટકો જોયાં છે- સંતુ રંગીલી, ખેલંદો, મોસમ છલકે, સળગ્યાં સૂરજમુખી. કાંતિ મડિયા (અમે બરફનાં પંખી), શૈલેષ દવે (રમત શૂન ચોકડીની), રૂબી અને બરજોર પટેલ (સોળમી જાન્યુઆરીની મધરાતે) અને અરવિંદ જોષી (બાણશય્યા)નાં નાટકો માણ્યાં છે. સરિતા જોષી, સુજાતા મહેતા, મીનળ દવે, દીપક ઘીવાળા-રાગિણી, પરેશ રાવલ, સિદ્ધાર્થ રાંદેરિયાથી માંડીને લતેશ શાહ, સંજય ગોરડિયા અને સૌમ્ય જોષી સુધીના તમામ ટેલેન્ડેટ અને લોકપ્રિય રંગમંચવીરોને વખાણી વખાણીને ભાઈદાસ-તેજપાલનાં બટાટાંવડાં અને ચટણી સેન્ડવિચ આરોગ્યાં છે.

પૃથ્વીની પેરેલલ રંગભૂમિ પર મહેન્દ્ર જોશીથી લઈને મનોજ શાહ સુધીના પ્રતિભાવંત નાટ્યવીરોને ગળે લગાડીને, ત્યાંની આઈરિશ કૉફી અને સુલેમાની ચા લીટરબંધ પીધી છે.

છેલ્લાં પચાસ વર્ષથી મુંબઈનું આ નાટ્યજગત મારામાં વસે છે.

ગુજરાતી નાટકો કોરોનાનાં બે વર્ષ દરમિયાન ખોવાઈ ગયાં. દુનિયા આખીની એન્ટરટેઈન્મેન્ટ ઇન્ડસ્ટ્રી ખોવાઈ ગઈ હતી એ બે વર્ષ દરમિયાન. કોરોનાનો ભય દૂર થયા પછી હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રી તો હજુય લંગડાય છે. ગુજરાતી નાટ્યજગત ભલે ફરી સોળે કળાએ ખીલ્યું નથી, ખીલશે, પણ અત્યારે કેટલાંક સારાં નાટક આવી રહ્યાં છે. જેમાંના એક વિશે લખવાનું ઘણા વખતથી મન હતું પણ રહી જતું હતું. આજે લખવાનાં બે કારણ છે- એક તો એ નાટક પોતે. અને બીજું એ નાટકનું વેન્યુ.

નીતા મૂકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર જ્યારે બાન્દ્રા-કુર્લા કૉમ્પ્લેક્સમાં ખૂલ્યું ત્યારે એના પહેલા જ દિવસે ફિરોઝ અબ્બાસ ખાન દિગ્દર્શિત ભવ્ય શો જોઈને ન્યૂયોર્ક-લંડનના બ્રોડવે-વેસ્ટ એન્ડની સાથે સ્પર્ધા કરે એવા ગ્રાન્ડ થિયેટર વિશે વાત કરી હતી. તમને યાદ છે. ન્યુઝપ્રેમી ડૉટ કોમ પર એ લેખ છે. એ પછી ત્યાં ‘સાઉન્ડ ઑફ મ્યુઝિક’ જોયું. એની પણ વાત કરી હતી. એ પછી એ જ સંકુલના એક નાના ઑડિટોરિયમમાં જાવેદ અખ્તરનો જબરો શો જોયો હતો જેમાં મૂકેશભાઈ-નીતાબહેન સ્વયં હાજર હતા.

આ છઠ્ઠી ઑગસ્ટના સન્ડેએ નીતાબહેને આ સેન્ટરના વિશાળ ગ્રાન્ડ સેન્ટરમાં ‘માધુરી દીક્ષિત’ નામના ઉમેશ શુક્લે લખેલા નાટકના બે શો મૂક્યા છે. બપોરે અઢી વાગ્યે અને સાંજે સાડા સાત વાગ્યે. નોર્મલી પચ્ચીસથી પાંત્રીસ હજાર રૂપિયાની હાઈએસ્ટ ટિકિટ આ ગ્રાન્ડ થિયેટરમાં હોય છે. ગુજરાતી નાટક માટે હાઈએસ્ટ ટિકિટ માત્ર પાંચસોની છે, લોએસ્ટ ત્રણસોની છે. (ઇન કેસ છઠ્ઠીના રવિવારે ન જવાય તો 13મીએ ભવન્સ ચૌપાટી કે 20મીએ એસપી, મલાડમાં જોઈ આવજો પણ જોજો જરૂર.)

મારા માટે આ નાટક ઉમેશ શુક્લનું છે. હાલાંકિ મૂળ લેખક અભિજિત ગુરુ અને દિગ્દર્શક સ્વપ્નિલ બારસકર છે. પ્રોડ્યુસર ઉમેશ શુક્લ છે, સૌમ્ય જોષી પણ પ્રોડ્યુસર છે અને ત્રીજું નામ ચેતન ગાંધીનું છે. રજૂઆત ચિત્રક શાહ અને કિરણ માલવણકરની છે. મુખ્ય ભૂમિકામાં રિદ્ધિ નાયક શુક્લ છે. સાથે નેહા પકાઈ, હર્ષદ પટેલ અને હેમાંગ વ્યાસ. ચારેય અભિનેતાઓએ જબરદસ્ત ટીમવર્ક સાથે નાટકને ગજબની ઊંચાઈ બક્ષી છે. પણ નાટક ઉમેશ શુક્લનું છે.

‘માધુરી દીક્ષિત’ ટાઈટલ અજીબ લાગે છે ને ? અજીબ જ છે. નાટક જોશો ત્યારે ખબર પડશે કે શું કામ આ ટાઈટલ છે. કોઈને હીરોઈન બનવાનું મન થયું છે એટલે આ નામ નથી. ફિલ્મી દુનિયા સાથે આ ટાઈટલને આટલી પણ લેવાદેવા નથી છતાં આ શીર્ષક નાટકને બરાબર બંધબેસે છે.

નાટકના વિષયવસ્તુની વાત કરવા જઈશું તો ઘણાં બધાં સ્પોઈલર્સ આવી જશે અને વાર્તા ઉઘાડી પાડ્યા વિના એના પ્લોટ વિશે લખવું શક્ય નહીં બને. એટલે નાટકની કથા કહેવાને બદલે એના વાતાવરણ વિશે વાત કરીને પૂરું કરું.

અઢી મહિના પહેલાં, તેજપાલમાં 14મી મેના રવિવારે મોડી સાંજે મેં આ નાટક જોયું. રાત્રે નાટક પૂરું થયું અને તરબતર થઈને ઑડિટોરિયમની બહાર નીકળ્યા. પ્રવીણ જોષી, કાન્તિ મડિયા, શૈલેષ દવે, રૂબી-બરજોર પટેલ, અરવિંદ જોષીનો જમાનો ફરી જીવી લીધો, આ અઢી કલાકમાં.

કથા, સ્ક્રિપ્ટ, દિગ્દર્શન, સેટ્સ, મ્યુઝિક અને અફકોર્સ અભિનય- આ બધાંની કક્ષા એ ક્લાસિક જમાનાના પ્રોફેશનલ અપ્રોચની યાદ અપાવે. ઉમેશ શુક્લ હવે તો હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સફળ દિગ્દર્શક છે, પણ ગુજરાતી તખ્તા માટેનો લગાવ એમને અહીં ખેંચી લાવે છે. નાટકના દરેક દૃશ્યમાં ઉમેશ શુકલનો ટચ તમે જોઈ શકશો.

છેલ્લે એક વાત. પૃથ્વી થિયેટર્સ જેવી જગ્યાએ તો ઘડાયેલા પ્રેક્ષકો આવે, તાતા એનસપીએમાં પણ એવું જ ઑડિયન્સ આવે. નાટક પૂરું થયા પછી કર્ટન કૉલ વખતે ટીમને વધાવી લેવા માટે સીટ પરથી ઊભા થઈને તાળીઓનો ગડગડાટ કરે એ આપણે જોયું છે.

‘માધુરી દીક્ષિત’ના મેં જોયેલા તેજપાલના શોમાં સ્ટેન્ડિંગ ઓવેશન એટલું લાંબું, એટલું લાંબું ચાલ્યું જે મેં પૃથ્વી-એનસીપીએમાં નસિરુદ્દીન શાહ અભિનિત નાટકો સિવાય ક્યારેય સાંભળ્યું નથી, જોયું નથી–એટલું લાંબું.

મુંબઈના ગુજરાતી નાટ્યરસિક પ્રેક્ષકો સારી ચીજ માટે કેટલા ભૂખ્યા છે તેનો અંદાજ આ સ્વયંભુ સ્ટેન્ડિંગ ઓવેશન પરથી આવ્યો.બાકી બીજા કેટલાય કાર્યક્રમોમાં તો બિચારો કોમ્પેયર ગિવ ધેમ અ બિગ એપ્લોઝ કહી કહીને ગળું રગડીને ચિલ્લાયા કરતો સાંભળવા મળે.

‘માધુરી દીક્ષિત’ જેવાં બીજાં નાટકોની ગુજરાતી રંગમંચને તાતી જરૂર છે. મુંબઈની કમર્શિયલ રંગભૂમિ મુંબઈના, ગુજરાતના અને દેશ-વિદેશના પ્રેક્ષકોની સારી ચીજો માટેની ભૂખ ભાંગતી રહી છે. મેઈન સ્ટ્રીમનાં નાટકો કે પ્રોસિનિયમમાં ભજવાતાં નાટકો ઉપરાંત સમાંતર રંગભૂમિને ચાહનારા ગુજરાતી પ્રેક્ષકો પણ છે જ છે. ‘માધુરી દીક્ષિત’ નાટકથી ફરી એક વાર ખાતરી થાય છે કે ગુજરાતી પ્રેક્ષકોને શું જોઈએ છે? પ્રવીણ જોશી જેવી ઑલરાઉન્ડરકળા, કાંતિ મડિયાની દિગ્દર્શનકળા, અરવિંદ જોષીની અભિનયકળા, શૈલેષ દવેની લેખનકળા અને રૂબી—બરજોરજી જેવું ટીમવર્ક.

તમે યાર આટલું કરો. બાકી ગુજરાતી પ્રેક્ષકો રાહ જોઈને જ બેઠા છે—તમારી બૉક્સ ઑફિસ છલકાવી દેવા માટે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here