સફળતા પહેલાંની નિષ્ફળતા, સફળતા પછીની નિષ્ફળતા: હારજીતની સાપસીડી-લેખ 4: સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ: મંગળવાર, 5 મે 2020)

નિષ્ફળતાનાં ચાર કારણો તપાસી લીધાં. નિષ્ફળતાના ત્રણ તબક્કા વિશે વાત કરતાં પહેલાં નિષ્ફળતાના પ્રકાર જાણી લેવા જોઈએ.

નિષ્ફળતા બે પ્રકારની હોય છે. એક, સફળતા મળ્યા પછીની નિષ્ફળતા અને બીજી સફળ જવાના પ્રયત્નોમાં મળતી નિષ્ફળતા.

પ્રથમ પ્રકારની નિષ્ફળતા આવે છે ત્યારે તમે સફળતાનો સ્વાદ ચાખી ચૂક્યા હો છો.

બીજા પ્રકારની નિષ્ફળતા તમે સફળતા ન મેળવો ત્યાં સુધી ચાલુ રહેતી હોય છે.

આ સિરીઝનું ફોકસ પહેલા પ્રકારની નિષ્ફળતા છે. બીજા પ્રકારની નિષ્ફળતાની અવગણના થતી હોય એવું ન લાગે એ માટે આજના હપ્તામાં એના વિશે વાત કરીને પૂરી કરી દેવી છે.

બીજા પ્રકારની નિષ્ફળતા વિશે, સફળ બનવાના પ્રયત્નો નિષ્ફળ જતા હોય ત્યારે શું શું કરવું ને શું શું નહીં તે વિશે, ખૂબ લખાઈ ચૂક્યું છે. એટલે આ લેખસિરીઝમાં આ એક જ હપ્તામાં ટૂંકમાં વાત કરી લઈશું. પ્રથમ પ્રકારની નિષ્ફળતા, ભરપૂર સફળતા મળ્યા પછીની નિષ્ફળતા, વિશે ભાગ્યે જ કંઈ લખાયું છે એટલે આપણે સમગ્ર ધ્યાન એ તરફ જ કેન્દ્રિત કરવાનું છે.

જેને સફળતા હજુ નથી મળી એણે એક રીતે જુઓ તો પોતાની નિષ્ફળતાને ખરા અર્થમાં નિષ્ફળતા ગણાવાની જ ન હોય. એ બધા પ્રયત્નો કાં તો સંઘર્ષનાં પગથિયાં સમાન હોય છે, કાં પછી લર્નિંગ લેસન્સ જેવાં હોય છે. સફળતા પામતાં પહેલાંની નિષ્ફળતાઓ મેળવનાર વ્યક્તિઓને જો સલાહ આપવાની હોય તો તે એક જ કે : લગે રહો, મુન્નાભાઈ! મચ્યા રહો, ખંતથી અને ધીરજથી મંડી પડો. પર્સિવિયરન્સ. આ એક શબ્દમાં જ એનો બધો ઈલાજ આવી જાય. પર્સિવિયરન્સ એટલે ખંત. કરતાં જાળ કરોળિયો ભોંય ફરી પછડાયવાળી આખી કવિતા તમને યાદ ન રહેતી હોય તો આ એક શબ્દ તમારે યાદ કરી લેવાનો. ખંત અને અંગ્રેજીમાં યાદ રાખવો હોય તો – પર્સિવિયરન્સ.

મચી રહેલા, મંડી પડેલા લોકોની લાખો સંઘર્ષકથાઓ તમને ગૂગલ સર્ચ કરવાથી મળી જશે. સફળતા કેમ પામવી વિશેનાં પુસ્તકો આવી કથાઓથી છલોછલ છે. આમાંની બે સત્યકથાના આધારે આજની વાત જરા વધારે સ્પષ્ટ કરીએ. લેખક છીએ એટલે લેખકોની વાતમાં સ્વાભાવિક રીતે વધારે રસ પડવાનો.

જે.કે. રોલિંગનું નામ તમને ખબર છે અને ચાન્સીસ આર ધેર કે ‘હેરી પૉટર’ની નવલકથાઓ તમે ઑલરેડી વાંચી ચૂક્યા છો કે એની ફિલ્મો પણ જોઈ ચૂક્યા હશો. જોઆન રોલિંગ નામની આ કાકી અત્યારે 54 વર્ષની છે. ‘હેરી પૉટર’ની પહેલી નવલકથા 1997માં પ્રગટ થઈ પણ તે પહેલાં, 1995માં, બધા જ મેજર પ્રકાશકોએ ‘હેરી પૉટર’ની સ્ક્રિપ્ટ નામંજૂર કરી હતી. એ પછી 1997માં તે વખતે જેનું બહુ નાનું નામ હતું તે બ્લુમ્સબરીએ માત્ર દોઢ હજાર પાઉન્ડ એડવાન્સ આપીને ‘હેરી પૉટર’ની માત્ર 1,000 નકલ છાપી જેમાંથી 500 નકલો લાયબ્રેરીઓમાં ગઈ. છપાયા પછી એ નવલકથાને ખૂબ અવૉર્ડસ મળ્યા, લોકોના ધ્યાનમાં આવી અને ધ રેસ્ટ ઈઝ હિસ્ટરી. આજે જે.કે. રોલિંગની ચોપડીઓની કુલ મળીને 40 કરોડ નકલો વેચાઈ ચૂકી છે. ‘હેરી પૉટર’નો આઈડિયા એને સૌથી પહેલાં 1990માં સૂઝ્યો હતો. લખવાનું ધડાધડ શરૂ પણ કરી દીધું હતું પણ એ જ વર્ષે એની મા દસ વરસ જૂની બીમારીમાં ગુજરી ગઈ. તે વખતે જોઆનની ઉંમર કેટલી? 25 વર્ષની.

1992માં એ પેટિયું રળવા પોર્ટુગલ શિફ્ટ થઈ અને ઇંગ્લિશ ભણાવવા લાગી. ત્યાં એ પરણી, દીકરી જન્મી ને 1993માં એના ડિવોર્સ થઈ ગયા. એડિનબરો (સ્કૉટલેન્ડ) પાછી આવી. તે વખતે ‘હેરી પૉટર’નાં ત્રણ પ્રકરણો લખાયાં હતાં. બેરોજગાર, ઉપરથી પાછી ત્યક્તા અને અધૂરામાં પૂરું નવજાત શિશુની માતા. બેન્કમાં ફુટી કોડી નહીં. ડિપ્રેશનના દૌરા આવ્યા કરે. સરકારી ખૈરાતથી ઘર ચલાવવું પડે. પણ એ મચી પડી, મંડી પડી. ખંતપૂર્વક, હતાશ થયા વિના એણે નવલકથા પૂરી કરી, મઠારી, ફાઈનલ સ્ક્રિપ્ટ બનાવી.

પ્રયત્નો કરવામાં પાછી પાની ન કરવી, આળસ ન કરવી. દૂર ક્ષિતિજે સૂર્યનું પહેલું કિરણ પણ ન દેખાતું હોય એવા કાળમાં, કાળા ડિબાંગ અંધારામાં પણ, જેઓ આગળપાછળ જોયા વિના કામ કરતા રહે છે, એમને વહેલી-મોડી સફળતા મળવાની ને મળવાની જ. જેઓ માત્ર સફળતાનાં સપનાં જ જુએ છે, કામ કરવામાં સખત મહેનત કરવામાં માનતા નથી, જેમને બધું તૈયાર ભાણે જોઈએ છે તેઓ ક્યારેય ફરિયાદ ન કરી શકે કે મને કેમ સફળતા મળતી નથી. સમય, સંજોગો, નસીબ બધું જ અનુકૂળ હોય છતાં તમે જો આકરી મહેનત કરવાની દાનત ન ધરાવતા હો તો તમને સફળતા મળવાની નથી, તમારા જે કંઈ કાચાકોરા અધૂરા પ્રયત્નો હશે તે બધા નિષ્ફળ જ જવાના. આવી વારંવારની નિષ્ફળતાઓ પછી તમે હતાશ થઈને વધારે ડિપ્રેસ થવાના. આવા સમયે ડિપ્રેશન દૂર કરવા માટેનો એક જ ઈલાજ હોય છે – કામ શોધો, કામ કરો અને કામમાં ગળાડૂબ રહો.

બીજો દાખલો મારા પ્રિય લેખક સ્ટીફન કિંગનો છે. (એમના નામનો ઉચ્ચાર સ્ટીવન થાય છે પણ લખાય છે સ્ટીફન). સ્ટીફન કિંગની સૌથી પહેલી નૉવેલ ‘કેરી’ પ્રગટ થઈ તે પહેલાં ત્રીસ જણાએ એને પ્રગટ કરવાની ના પાડી હતી. આ વર્ષે સપ્ટેમ્બરમાં 73 વર્ષ પૂરાં કરનારા આ કાકા આધુનિક જગતના ચાર્લ્સ ડિકન્સ ગણાય. એટલી લોકપ્રિયતા એમણે મેળવી છે અને એવી કક્ષા એમનાં લખાણોની હોય છે. પ્રોલિફિક રાઈટર છે. એમના માટે ચાહકો પ્રેમથી ફરિયાદ કરતા હોય છે કે અમે તમારી એક નવલકથા વાંચવાની હજુ પૂરી કરીએ એ પહેલાં તો તમારી નવી નવલકથા પ્રગટ થઈ ચૂકી હોય છે. વાચકો વાંચી શકે એના કરતાં વધારે ઝડપથી લખી શકે અને લાખો નકલમાં વેચાઈ શકે એવી નવલકથાઓ લખનારા બહુ ઓછા હોય છે. ‘ઑન રાઈટિંગ’ એમની આત્મકથનાત્મક લેખનયાત્રાની ચોપડીનું નામ છે. અને એમની એક લાંબી શૉર્ટ સ્ટોરી પરથી બનેલી ફિલ્મ ‘શૉ શેન્ક રિડેમ્પશન’ હૉલિવુડની ટૉપ હન્ડ્રેડ ફિલ્મોની યાદીમાં હંમેશાં એકથી પાંચના ક્રમે મૂકાતી હોય છે.

‘કેરી’ (1974) ત્રીસ જણાએ પબ્લિશ કરવાની ના પાડી ત્યારે સ્ટીફન કિંગે એની હસ્તપ્રત કચરાના ડબ્બામાં નાખી દીધી હતી. ભલું થજો આપણી ભાભી ટબિથા કિંગનું કે એમણે એ હસ્તપ્રત બચાવી લીધી. કપડાં ધોવાની લૉન્ડ્રીમાં, બફારાવાલા અનહાઈજેનિક વાતાવરણમાં કામ કરીને પણ સ્ટીફન કિંગે લખ્યું છે. પછી અંગ્રેજી ભણાવવાનું કામ મળ્યું તો એ કર્યું. આજની તારીખે 61 નવલકથાઓ લખી ચૂકેલા સ્ટીફન કિંગની ચોપડીઓની કુલ સાડા ત્રણ કરોડ નકલો વેચાઈ ચૂકી છે. આજે તો હવે તેઓ જરૂરતમંદ લેખકોને ખૂબ મદદ કરે છે, સમાજ પાછળ ખૂબ દાનધર્માદો કરે છે. પણ કરોડોની આવક નહોતી તે જમાનામાં હતાશ-નિરાશ થઈને સ્ટીફન કિંગ દારૂડિયા બની ગયા હતા, નશેડીગંજેડી બની ગયા હતા એવું એમણે ‘ઑન રાઈટિંગ’માં લખ્યું છે.

મઝાની વાત એ છે કે સ્ટીફન કિંગે જીવનમાં બેઉ પ્રકારની નિષ્ફળતાઓ જોઈ છે. સફળતા નહોતી મળી તે પહેલાંની અને સફળતા મળ્યા પછીની પણ. જો કે, પછીની જે નિષ્ફળતા આવી તે એમની કરિયરમાં નહીં પણ જિંદગીમાં આવી. રાઈટર તરીકેનો એમનો સૂરજ મધ્યાહ્નને તપતો હતો ત્યારે, 1999ની સાલમાં, એક સાંજે એ ચાલવા નીકળ્યા હતા અને એક મિનિવાને એમને ઉડાવ્યા તે એવા ઉડાવ્યા કે જઈને 14 ફીટ દૂરના ખાડામાં પડ્યા. હાડકાંપાંસળાં એક થઈ ગયાં. અનેક ફ્રેક્ચર્સ થયા. ઑપરેશનો પર ઑપરેશનો થયા. મરવાના વાંકે જીવતા રહ્યા. 2002માં તો એમણે આ બધી શારીરિક યાતનાઓથી આવી ગયેલા હતાશાના દૌરમાં જાહેર પણ કરી નાખ્યું કે હવે મારાથી બેસાતું નથી, સ્ટેમિના રહી નથી, હું લખવાનું બંધ કરું છું.

નસીબ એમના ચાહકોના અને અમેરિકન સાહિત્ય જગતના તથા જગતની પબ્લિશિંગ ઈન્ડસ્ટ્રીના કે સ્ટીફન કિંગે ફરીથી લખવાનું શરૂ કર્યું અને ફરી પાછા એ જ સ્પીડે લખતા થઈ ગયા. અકસ્માતની યાદગીરી રૂપે પગે નાનકડી ખોડ રહી ગઈ છે એટલે ચાલતાં સહેજ લંગડાય છે. એમની લોકપ્રિયતા હજુય અકબંધ છે, કદાચ વધી છે. તે ત્યાં સુધી કે ચારેક વર્ષ પહેલાં બુક પ્રમોશન માટે અમેરિકાથી યુરોપ ગયા ત્યારે એમનો કાર્યક્રમ કોઈ હૉલને બદલે સ્ટેડિયમમાં રાખવો પડ્યો હતો. ત્યાં એકઠી થયેલી ભીડ જોઈને એમણે શ્રોતાઓને માઈક પર કહ્યું હતું કે, ‘આજે જસ્ટિન બીબરની અહીં કોન્સર્ટ છે એવું માનીને તમે આવ્યા લાગો છો!’

સફળતા મળ્યા પહેલાંની નિષ્ફળતાઓને ઓવરકમ કરવા માટેનો એક જ ઉપાય છે. ફરી વાર એ શબ્દનો રટણ કરી લેજો (રટ્ટો મારવો રટણનું સડકછાપ અપભ્રંશ છે) : પર્સિવિયરન્સ.

સફળતા મળ્યા પછીની નિષ્ફળતાઓ વિશેની વાતનું અનુસંધાન કરવું હવે સહેજ સરળ બની જશે આજની આ વાતની સ્પષ્ટતા તથા સમજ પછી. આવતા લેખમાં જોઈશું કે સફળતા મળ્યા પછી આવતી નિષ્ફળતાના આદિ-મધ્ય-અંતને કેવી રીતે ઓળખવાનાં.

6 COMMENTS

  1. Again..વાહ સૌરભ ભાઈ..ગઈ કાલ નો પહેલો..ને આજ નો 4 લેખ વારંવાર વાંચવા નું પ્રલોભન રોકી શકાય એમ નથી..આ ચાર લેખ માં આપે જે શબ્દો ની કોતરણી કરી ને આગળ નાં 6 લેખ માટે ખુબ તાલાવેલી જાગી છે.આ 10 લેખ ની સિરિઝ કોઇ પણ પ્રકારે નિષ્ફળ નહિં જાય…ખાતરી સાથે ?વંદન….આપનો વાચક મિત્ર.

  2. આપનો આજનો લેખ નવજુવાનો માટે ખૂબ જ ઉપયોગી છે. કેમ કે યુવાનો નાની નાની વાતમાં ડિપ્રેશન માં તરત જ આવી જાય છે.

  3. ખંત પૂર્વક કામ ને વળગી રેહવુએ પેરસિવિયારેન્સ સફળતા નો રાજમાર્ગ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here