આપણે આપણો ધર્મ સંભાળવો એનો મતલબ શું?

તડકભડક : સૌરભ શાહ

(‘સંદેશ’, ‘સંસ્કાર’ પૂર્તિ, રવિવાર, ૬ ઑક્ટોબર ૨૦૧૯)

‘તું ભણવામાં જરાક વધારે મહેનત કરે તો પેલાની જેમ તારો પણ પહેલો નંબર આવે.’

નાનપણથી માબાપ એને કહ્યા કરતા અને એની જ કૉલોનીમાં રહેતા એના દોસ્તાર સાથે કમ્પેરિઝન કર્યા કરતા. પેલો દોસ્તાર ભણીગણીને સફળ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ બન્યો. આ ભણવામાં પહેલો નંબર લાવવાની મહેનત કરવાને બદલે ક્‌લાસમાં પ્રથમ પાંચ કે દસમાં આવવા જેટલી મહેનત કરીને બાકીનો સમય ભણવા સિવાયની ચોપડીઓ વાંચવામાં, ગપ્પાં મારવામાં, રખડવામાં અને ખાવાપીવામસ્તીધમાલમાં વિતાવતો રહ્યો. બેઉએ એક જ સ્કૂલ પછી એક જ કૉલેજમાં જઈને સી.એ. બનવાની તૈયારીઓ શરૂ કરી હતી. તેનો દોસ્તાર તો બની ગયો સીએ પણ આ સીએ ઍન્ટ્રન્સમાં જ અટવાઈ ગયો. લખવા-વાંચવાની આડી લાઈને ચડી ગયો. પેલો ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ તરીકે ઠરીઠામ થાય ત્યાં સુધીમાં આ એના લેખનના ક્ષેત્રમાં એક મોટું નામ બની ગયો. આજની તારીખે બેમાંથી કોઈ દુઃખી નથી. આને જિંદગીમાં ક્યારેય ક્‌લાસમાં પહેલો નંબર નહીં લાવ્યાનો ગમ નથી. પેલા દોસ્તારને થ્રુઆઉટ પહેલો નંબર આવ્યાનો કોઈ મોટો સંતોષ પણ નથી.

બીજાઓની વાદે નહીં ચડવું – આવી શિખામણ નાનપણથી માબાપ આપણને આપતા હોય છે પણ વ્યવહારમાં જુઓ તો આ જ પેરન્ટ્‌સ બીજાઓની સાથે આપણી સરખામણી કરીને આપણને એની વાદે ચડીને આપણું પોતાનું આગવાપણું ભૂંસાઈ જાય એવી હરકતો કરવાની પ્રેરણા આપતા રહેતા હોય છે.

આ તો થઈ બે દોસ્તારોની વાત. પેરન્ટ્‌સ લોકો તો આપણી સરખામણી સાવ અજાણ્યા અને તદ્દન જુદા જ માહોલમાં ઉછરેલા લોકો સાથે કરતા હોય છે. તમે સારું ક્રિકેટ રમતા હો તો સચિન તેન્ડુલકરના બાળપણ સાથે, ટેક્‌નોલૉજિમાં ઈન્ટરેસ્ટ હશે તો કૉલેજ ડ્રૉપઆઉટ બિલ ગેટ્‌સ સાથે, અભિનયમાં રસ હશે તો બચ્ચનજીના શરૂઆતના સ્ટ્રગલના દિવસો સાથે નહીં તો પછી સ્વામી વિવેકાનંદના બાળપણ સાથે કે ગાંધીજીના સ્કૂલના દિવસો સાથે કે પછી આવી કંઈ પણ સરખામણીઓ તેઓ આપણી તત્કાલીન પરિસ્થિતિ સાથે કરતા રહેતા હોય છે.

વિચિત્ર વાત છે. પેરન્ટ્‌સ એટલું પણ સમજતા નથી કે એકસરખા વાતાવરણમાં ઉછરતા અને એક જ પ્રકારનું બૅકગ્રાઉન્ડ ધરાવતા બે કિશોરોનું ભવિષ્ય જ્યારે એકસરખું નથી હોતું( ઈવન બે સગા ભાઅઈઓનું ભવિષ્ય પણ એકસરખું નથી હોતું. મૂકેશભાઈ અને અનિલભાઈનો જ દાખલો લઈ લો ને) તો તદ્દન જુદી જ દુનિયામાં વસતી બે વ્યક્તિઓના ભવિષ્યની તુલના તમે કેવી રીતે કરી શકો?

સંતાનોને મહાપુરુષોના દાખલાઓ આપવાનું બંધ કરીએ. નવી પેઢીને દુનિયાના મહાનુભાવો જેવી વ્યક્તિ બનાવી દેવાની હોંશ છોડીએ. જે જમીન પર આ બીજ વાવવામાં આવ્યું છે તે જમીનનો આદર કરીએ. આ જમીન પેલી જમીન કરતાં જુદી છે. એને મળતું પાણી, એને મળતો સૂરજનો તડકો અને એને મળતું કુદરતી કે કૃત્રિમ પોષણ જુદાં છે અને સૌથી મોટી વાત તો એ છે કે આ જે બીજ છે એ જ તદ્દન નોખું છે પેલા બીજ કરતાં. પેલું બીજ જેમાંથી જન્મ્યું છે એ છોડ-વૃક્ષ-ફળમાંથી આ બીજ નથી જન્મ્યું. બધાં જ પેરામીટર્સ જ્યારે સાવ અલગ હોય ત્યારે અંતિમ પરિણામ સરખું આવવાની આશા રાખનારાઓને શું કહેશો તમે? વેલ, પેરન્ટ્‌સ માટે એવા શબ્દો ન વાપરીએ પણ વાત તો સાચી જ છે. એવાં માબાપને બેવકૂફ જ કહી શકાય. કમસેકમ એટલું તો ધ્યાન રાખીએ કે જે થઈ ગયું છે તે ભલે થઈ ગયું, આપણે એવા બેવકૂફ પેરન્ટ્‌સ બનવામાંથી બચીએ, જરા સમજીએ અને વિચારીએ.

વિચારવાનું એ છે કે જેની સાથે આપણે આપણી જાતની કોઈ સરખામણી કરતા નથી એવી વિભૂતિઓના દાખલાઓ આપીને આપણે પેરન્ટ્‌સ તરીકે આપણા સંતાનોને શું કામ ઊંધા રવાડે ચડાવતા હોઈશું? દરેક વ્યક્તિને પોતાના આગવા સંજોગો હોય છે. એ આગવી પરિસ્થિતિ જ્યારે સર્જાતી હોય છે ત્યારે એ વ્યક્તિ પોતે અત્યાર સુધીમાં મેળવેલાં અનુભવ, જ્ઞાન, માહિતીના આધારે તેમ જ પોતાની કોઠાસૂઝના આધારે વર્તતી હોય છે, નિર્ણયો લેતી હોય છે. આ પ્રક્રિયા દુનિયાની દરેક વ્યક્તિ માટે ભિન્ન ભિન્ન હોવાની. ફર્સ્ટ ક્‌લાસની ટિકિટ હોવા છતાં ટીસી તમને તમારી ચામડીના રંગને કારણે અન્યાય કરીને અડધી રાતે ટ્રેનમાંથી ઊતારી મૂકે એ બધા જ પૅસેન્જરોનાં મોઢાં મોટા થઈને ચલણી નોટો પર છપાવાના નથી. મ્યુનિસિપાલિટીના લાઈટના થાંભલા નીચે બેસીને અભ્યાસ કરનાર કે પછી બળબળતા ઉનાળામાં પગે પાંદડું બાંધીને શાળાએ જનાર કે પછી એક જોડી કપડાં ધોઈને સુકાય નહીં ત્યાં સુધી ઝૂંપડીની ચાર દિવાલોમાં બેસી રહેનાર બધા જ કંઈ મોટા થઈને જગમશહૂર પર્સનાલિટી બની જતા નથી.

ઈનફેક્‌ટ, જે મહાનુભાવોના દાખલાઓ આપણે આપતા હોઈએ છીએ એમની પોતાની જિંદગીમાં પણ આવા કિસ્સાઓ એ જ રીતે બન્યા હોય તે જરૂરી નથી. એમનું જીવન ચરિત્ર લખનારાઓએ મુઠ્ઠીઓ ભરીભરીને આવા કિસ્સાઓમાં મીઠું–મરચું નાખેલું હોય છે. જેમણે આત્મકથામાં ફર્સ્ટ હૅન્ડ અનુભવોનું વર્ણન કર્યું હોય એમણે પણ અજાણતાં અતિશયોક્તિઓ કરી હોઈ શકે છે, એ પર્ટિક્યુલર પ્રસંગને લગતી અન્ય આનુષંગિક વિગતોને તેઓ જાણ્યે-અજાણ્યે વિસરી ગયા હોય એવું પણ બને. અને ક્યારેક કોઈ વ્યક્તિ પોતાની ઈમેજ બનાવવા કે પછી અન્ય સ્વાર્થ ખાતર એ કિસ્સાને લગતી વિગતો ટ્‌વિસ્ટ કરીને તમારા સુધી પહોંચાડે એવું પણ બને. અને ધારો કે આમાંનું કંઈ પણ ન થયું હોય તોય એવા કિસ્સાઓમાં એમણે લીધેલો નિર્ણય આપણાથી ન લઈ શકાય એવું શક્ય છે કારણ કે એમનો ઉછેર, એ ઉછેર દરમ્યાનના એમના અનુભવો અને એ અનુભવોને કારણે ઘડાયેલી એમની માનસિકતા – આ બધુંય તમને એમનાથી અને એમને તમારાથી જુદા પાડે છે.

આપણી જે સૌથી મોટી ભૂલ સતત થયા કરે છે તે એ કે આપણે ગુલાબ પાસે ચંપાની સુગંધની અપેક્ષા રાખીએ છીએ અને અગ્નિને સ્પર્શવાથી બરફને અડકવા જેવો અનુભવ થશે એવા વહેમમાં રાચીએ છીએ.

સરખામણીઓ અને તફાવતોની આ દુનિયામાં એકમાત્ર સત્ય હોય તો તે એ છે કે દુનિયામાં કોઈ બે વ્યક્તિની ફિંગરપ્રિન્ટ્‌સ જેમ એકસરખી હોતી નથી એમ આ જગતમાં કોઈ બે વ્યક્તિઓ ક્યારેય એકસરખી પરિસ્થિતિમાંથી કે એક જ સરખા અનુભવોમાં પસાર થતી નથી હોતી. એટલે જ દરેકની સફળતા માટે ફેક્ટરીની ઍસેમ્બ્લી લાઈનમાં બનેલાં સોલ્યુશન્સ ન હોઈ શકે. દરેક વ્યક્તિએ એના પોતાના સંજોગો, એનું બૅકગ્રાઉન્ડ, એની માનસિકતા તથા એની ક્ષમતા મુજબનું કસ્ટમ મેઈડ-ટેઈલર મેઈડ નિરાકરણ શોધી લેવાનું હોય. કોઈકની જિંદગીમાંથી પ્રેરણા લઈને કે કોઈનું અનુકરણ કરીશું તો એના જેવા બની જઈશું એવા વહેમમાંથી હવે તો બહાર આવીએ.

પાન બનાર્સવાલા

સ્વધર્મે નિધનં શ્રેયઃ,
પરધર્મો ભયાવહઃ

(તમે શિક્ષક હો તો તમારો ધર્મ ભણાવવાનો છે, તમે વેપારી હો તો તમારો ધર્મ વેપાર કરવાનો છે.) તમારા પોતાનો ધર્મ બજાવતાં બજાવતાં મૃત્યુ આવે તો ભલે પણ (બીજાની વાદે ચડીને) બીજાના ધર્મને અનુસરવામાં જોખમ છે.

_ભગવદ્‌ ગીતા

8 COMMENTS

  1. શ્રી સૌરભભાઈ,
    આપનો લેખ અત્યંત તથ્યસભર, દાખલાસભર,તર્કસભર,ચોટપૂર્ણ છે.
    આપણે ત્યાં ધર્મ શબ્દ બોલાય એટલે હિંદુ,મુસ્લિમ,ઈસાઈ,પારસી આવો ખ્યાલ પહેલો આવે અને એવું લોકમાનસમાં જડાયેલું છે.
    ધર્મ એટલે આપણુ કર્તવ્ય એવું સાદી ભાષામાં સમજી શકાય.
    માતા-પિતાએ કરવાના કામો એ લોકો કરે જ છે એ એમનો માતૃધર્મ અને પિતૃધર્મ કહેવાય.બાળકે કરવાના કામો એ કરે એ બાળધર્મ છે અને એ રીતે પુત્ર ધર્મ,પુત્રી ધર્મ, યુવા ધર્મ, શિક્ષક ધર્મ, વગેરે.

    માણસ કંઈક મેળવવા પ્રયત્નશીલ હોય જ. એમાં જીદ ભળે ત્યાં સુધી વાંધો નથી. જીદ જ્યારે હઠ પકડે ત્યારે તકલીફ ની શરૂઆત થાયછે. કદાચ, જીદમાં સખત મહેનત છુપાયેલી છે અને હઠમાં આપણે લાયક ના હોવાં છતાં એ મેળવવાની ઘેલછા/હઠાગ્રહ છુપાયેલી/લો છે.

    પાંચ પાંડવોને અને સો કૌરવોને ભણાવનાર એક જ શિક્ષક દ્રોણાચાર્ય હતા. પણ બધાજ બાણાવળી ના થયા ,બધા જ ગદાધારી ના થયા. જેવી જેની અંદરથી ઉભરી આવતી રૂચી એવો ઘાટ ઘડાયો. શિક્ષકે શિક્ષક ધર્મ નિભાવ્યો અને શિષ્યે શિષ્યધર્મ નિભાવ્યો!

    પોતાના મિત્રો, સગાં વહાલાંઓ નો સાથ પકડીને આગળ વધતો જાય છે , શીખતો જાય છે, અને એ રીતે ઘડાતો જાય છે. એક જ સરખા વિચાર, શિક્ષણ , સમયસંજોગોમા પડેલા બે જણા જલદીથી નજીક આવે છે અને પોતપોતાનો ધર્મ કરતા જાય છે.

    ના દેખાય એવી ભેદરેખા પાતળી હોય છે પણ એ પછી ભેદ પાડે છે અને વિચારભેદ, મંતવ્યભેદ,કર્તવ્યભેદ તરફ ખેંચી લઈ જાય છે.
    માતા પિતાનુ પોતાનુ બાળક એક્ઝેટ એના જેવુ કેવી રીતે હોઈ શકે?
    20-25 વર્ષો વીત્યાં હોય ત્યારે સમાજ, સંજોગો, પરિસ્થિતિઓમાં ઘણચ બદલાવ આવ્યો હોય છે.અહીં આગ્રહ હોય ત્યાં સુધી બરાબર છે, પણ દુરાગ્રહ કે હઠાગ્રહ બને તો ઠીક ના કહેવાય.

    આકાશમાં રોજ વાદળો હોતા નથી, તારાઓ સ્થાન બદલે છે, પૃથ્વી ફરતી રહે છે, વૃક્ષો પાંદડા બદલે છે. બધું જ બદલાય છે પણ નિયમને અનુસરીને લયમા. માણસ સ્વભાવ બદલે એનો વાંધો નથી પણ કોઈ ચોક્કસ નિયમમાં, લયમાં.

    લય એટલે તાલમેલ. તો કશો જ વાંધો નથી. લય તૂટે એટલે પડ્યા. મર્યાદા, લિમિટેશન્સ મા બધું જ શોભે નહીં તો તરડાય, ફાટે, કંટ્રોલ બહાર વાત જાય.

    બોલવું,સાંભળવુ, શીખવું , કરવું બધું જ એક લયમાં, તાલમેલથી. આમાં માતાપિતાથી લઈને કોઈ પણ કોર્પોરેટક્ષેત્ર નો અધિકારી આવી પણ ગયો.
    આપણે જાણીએ છીએ કે સુખ સાથે દુખ હોય છે એ રીતે મેળવવા સાથે આપવું/કોઈક રીતે ગુમાવવું પણ જોડાયેલું છે.

    સમુદ્ર બાષ્પાપીભવન સ્વરૂપે પાણી ગુમાવે છે પણ વરસાદ સ્વરૂપે પાછું મેળવે છે.

    દલીલ કરવા ખાતર કરી શકાય કે ???
    હું સંપૂર્ણપણે માનતો નથી પણ એક પણ માણસની કુંડળી કે ગ્રહો સદંતર સરખા હોતા નથી એવું કહેવાય છે.

    જેમ પળ પળ બદલાય છે તેમ પરિસ્થિતિ બદલાય છે એમ માણસ પ્રમાણસર બદલાય એ ઈચ્છનીય છે.

    બંધ પાણીમાં મચ્છર થાય. વહેતુ પાણી સ્વચ્છ રહે. એ રીતે, મનરૂપી ધર્મને સ્વચ્છ રાખવા વહેતા રહેવું પડે.

    હઠાગ્રહ અને પૂર્વાગ્રહ છૂટે તો ધર્મ સચવાય.
    જય શ્રી કૃષ્ણ જય શ્રીરામ જય માતાજી હર હર મહાદેવ.
    — અમીષ ત્રિવેદી

    • Never compare yourself with other. Each one has speciality. We just have to identify it. As God always help those who are doing their best without thinking about result.

  2. બેસ્ટ લાઈન ” જેભ બે વ્યક્તિની ફીન્ગર પ્રીન્ટ સરખી નથી હોતી તેમ…”

  3. એકદમ સાચી વાત. આ દુનિયામાં દરેક વ્યક્તિ અલગ છે. સમય અને સંજોગો દરેક ને ઘડે છે.
    મને ખુશી છે કે મારા પેરેન્ટ્સ બેવકુફ નહોતા. અને સંતોષ છે કે અમે પણ પેરેન્ટ્સ તરીકે બેવકુફ નથી.

  4. આજના લેખમાં એક વાક્ય અયોગ્ય લાગ્યું. પેસેન્જરોના ‘મોઢાં’ ને બદલે ‘ચહેરા’ યોગ્ય હોત. ગુસ્તાખી માફ. લેખ આંખો ઉઘાડનાર છે.

  5. આજના લેખમાં એક વાક્ય અયોગ્ય લાગ્યું. પેસેન્જરોના ‘મોઢાં’ ને બદલે ‘ચહેરા’ યોગ્ય હોત. ગુસ્તાખી માફ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here