એ વખતે આર.ડી.ની જગ્યાએ તમે હોત તો શું કર્યું હોત? : સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ : સોમવાર, ૨૮, જૂન ૨૦૨૧)

એક વખત બન્યું એવું કે પ્રોડ્યુસર વિનોદ શાહે ‘અબ ઈન્સાફ હોગા’ શરૂ કરી. મિથુન ચક્રવર્તી અને રેખા. મ્યુઝિક માટે આર.ડી. બર્મનને જ સાઈન કરવાના હોય. ફિલ્મનું બજેટ પણ સારું હતું. અગાઉ આર.ડી. વિના કરેલી ‘હૉટેલ’ જેવી નાની ફિલ્મ નહોતી. ૧૯૯૦ના દશકની શરૂઆતનાં વર્ષોમાં રૂપિયા બે કરોડનું બજેટ સાવ કંઈ નાનું સૂનું ન ગણાય. સંગીત માટે આર.ડી.ને જ સાઈન કરવાના હોય. એ વખતે રેકૉર્ડ કંપનીઓનું રાજ ચાલે ઈન્ડસ્ટ્રીમાં. વીનસ, ટી સિરીઝ વગેરે. આવી જ એક રેકૉર્ડ કંપની હતી ‘ટિપ્સ’ જેની મોડેસ્ટ શરૂઆત તૌરાની બ્રધર્સે છેક ૧૯૭૫માં મુંબઈના લેમિંગ્ટન રોડની નાનકડી દુકાનથી કરી હતી. એ વખતે કુમાર એસ. તૌરાની અને રમેશ એસ. તૌરાની એચ.એમ.વી., મ્યુઝિક ઈન્ડિયા અને સીબીએસ જેવી રેકૉર્ડ કંપનીઓ દ્વારા બનાવાતી એલ.પી. (લૉન્ગ પ્લેયિંગ) રેકૉર્ડ્સ વેચતા. વિનાઈલની બનેલી આ એલ.પી. અને એ પછી કેસેટો વેચી વેચીને તૌરાની ભાઈઓએ ખુદ પોતાની રેકૉર્ડ કંપની શરૂ કરીને હિંદી ફિલ્મોના સંગીતના રાઈટ્સ ખરીદવા માંડ્યા. એચ.એમ.વી. પાછળથી ગોએન્કા ગ્રુપને વેચાઈને ‘સારેગામા’ બની, મ્યુઝિક ઈન્ડિયા વેચાઈને યુનિવર્સલ બની અને સીબીએસ અત્યારે સોની મ્યુઝિક તરીકે ઓળખાય છે. ‘ટિપ્સ’ના તૌરાની બંધુઓ પછી તો ફિલ્મ પ્રોડકશન અને ડિસ્ટ્રિબ્યુશનમાં પણ પડ્યા.

૧૯૯૦નો દશક અને ૧૯૮૦ના દશકના અંતિમ વર્ષો હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો દરેક રીતે બહુ માથાભારે ગાળો હતો. એક બાજુ અંડરવર્લ્ડના ફાઈનાન્સનું જોર વધતું જતું હતું, બીજી બાજું આ રેકૉર્ડ બધી કંપનીઓ દાદાગીરી અને મનમાની કરતી થઈ ગયેલી. આવા વખતમાં ઈન્ડસ્ટ્રીના ક્રિયેટિવ લોકોએ શોષાવું જ પડે. યશ ચોપડા જેવા નિર્માતા-દિગ્દર્શકો આ ગાળામાં કેટલા હતાશ હતા એનું બયાન તમને ૨૦૦૨માં પ્રગટ થયેલા રેચલ ડ્વાયરે લખેલા અને બ્રિટિશ ફિલ્મ ઈન્સ્ટિટયુટે પ્રગટ કરેલા પુસ્તક ‘યશ ચોપરા’માંથી મળી રહેશે. આ ગાળો ગુલઝાર માટે પણ ભારે હતો. આર. ડી. બર્મન પણ સ્વાભાવિક રીતે આ ગાળામાં પોતાની સંગીતકળા ઓસરી રહી હોય એવું અનુભવતા હતા. આરડીનો આ ડાઉન પિરિયડ જોઈને રેકૉર્ડ કંપનીઓ એમના મ્યુઝિકવાળી ફિલ્મોને હાથ અડાડતી નહોતી. વિનોદ ચોપરાએ ‘પંચમ અનમિક્સ્ડ’ નામની બ્રહ્માનંદ સિંહની ડૉક્યુમેન્ટરીમાં કહ્યું છે કે નાઈન્ટીન ફોર્ટી ટુ અ લવસ્ટોરી વખતે એમણે આરડીને સાઈન કર્યા ત્યારે રેકૉર્ડ કંપનીઓએ આ ફિલ્મના સંગીતના રાઈટ્સ લેવાની ના પાડી દીધી હતી. આરડી વિશેની આ ડૉક્યુમેન્ટરી વિશે અગાઉ આપણે આ જ કૉલમમાં ઘણા વખત પહેલાં વાંચી ચૂક્યા છીએ. 

‘મેરે જીવનસાથી’ અને ‘કાલા સોના’ જેવી ફિલ્મોના નિર્માતા વિનોદ શાહ અગાઉ હિટ મ્યુઝિક આપી ચૂકેલા આર.ડી. બર્મનને જ ‘અબ ઈન્સાફ હોગા’માં લેવા માગતા હતા પણ મ્યુઝિકના રાઈટ્સ જેને વેચવામાં આવ્યા હતા તે ‘ટિપ્સ’ કંપનીના રમેશ તૌરાનીએ સ્પષ્ટ કહી દીધું કે આર.ડી. બર્મનનું સંગીત હોય તો અમારે આ ફિલ્મના રાઈટ્સ નથી જોઈતા. કાં તો આનંદ-મિલિંદને સાઈન કરો કાં પછી… બધે જ આવો માહોલ હતો. કોઈ રેકૉર્ડ કંપની આર.ડી.નું મ્યુઝિક ખરીદવા તૈયાર નહીં. આ વાત કરતાં પુણેના તિલક સ્મારક મંદિરમાં આર.ડી. બર્મનની ૨૫મી પુણ્યતિથિએ ચોથી જાન્યુઆરીએ યોજાયેલા રોમાન્સિંગ વિથ આર.ડી.બર્મનના કાર્યક્રમમાં પ્રોડ્યુસર વિનોદ શાહ ૧,૧૦૦ શ્રોતાઓ સમક્ષ જાહેરમાં કબૂલાત કરે છે કે અમે આનંદ-મિલિંદને સાઈન કર્યા અને અમે પંચમદાની સાથે આંખ મેળવવાને પણ લાયક રહ્યા નહીં.

એ પંચમદા જેમણે કોઈ ટેન્ટ્રમ ફેંક્યા વગર, ‘મેરે જીવનસાથી’ માટે ડિરેક્ટરે અપ્રુવ કરેલી ધૂન પ્રોડ્યુસર-હીરો દ્વારા રિજેક્ટ થઈ તો પણ નવી ટ્યુન સંભળાવવા તબલાં-પેટી લઈને રાજેશ ખન્નાના બંગલે પહોંચી જવાની તત્પરતા દેખાડી હતી, જેમણે ‘કાલા સોના’નું બેકગ્રાઉન્ડ મ્યુઝિક પોતાના ખર્ચે પૂરું કર્યું, કારણ કે ‘મેરી ફિલ્મ હૈ, ખરાબ નહીં હોની ચાહિયે’ એવું માનતા હતા. જે ‘હૉટેલ’ જેવી લો બજેટ ફિલ્મ બીજાને આપવામાં આવે છે ત્યારે ઝઘડો કરવા પ્રોડ્યુસરની ઑફિસે પહોંચી જાય છે, કારણ કે ‘યે તો મેરા બૅનર હૈ’ આવી આત્મીયતાથી જેના પર હક્ક જતાવી શકો એવા પ્રોડ્યુસરે શિયર મજબૂરીથી સમાધાન કરીને, ઈન્ડસ્ટ્રીમાં ટકી રહેવા માટે કોઈ રેકૉર્ડ કંપનીઓની દાદાગીરી સામે ઝૂકી જવું પડે ત્યારે પ્રોડ્યુસરને એનું કેટલું દુખ હશે એની કલ્પના તમે કરી શકો છો અને એ વખતે આરડી બર્મનને કેટલી પીડા થઈ હશે એનો પણ અંદાજ લગાવી શકો છો. આવા સંજોગોમાં તમે આર.ડી. બર્મન હો તો તમારી કેવી પ્રતિક્રિયા હોય? આર.ડી. બર્મને શું કર્યું તે વિનોદ શાહના શબ્દોમાં સાંભળો: એક દિવસ પંચમદાનો ફોન આવ્યો. કહે કે ‘કલ મૈં (આનંદ) બક્ષીસા’બ કે ઘર પર ગયા થા. ફિકર થી કી યે નઈ ફિલ્મ કે ગાને અચ્છે બને હૈં કિ નહીં. ઉનકે પાસ જો ચાર ગાને આપને રેકૉર્ડ કિયે હૈ ઉસકી કેસેટ થી. સુની. દોનોં લડકોંને અચ્છા કામ કિયા હૈ. ગાને બહોત હી અચ્છે હૈ. કોઈ પ્રોબ્લેમ નહીં હોગા. પિક્ચર ચલેગી. 

અને પિક્ચર રિલીઝ થઈ ત્યારે બોક્સ ઑફિસ પર ચાલી એટલું જ નહીં મહારાષ્ટ્રમાં એને ટૅક્સ-ફ્રી પણ કરવામાં આવી. જોકે, આ પિક્ચરની સફળતાનો આનંદ શેર કરવા માટે પંચમ હયાત નહોતા. એમના અવસાનના બરાબર એક વર્ષ, બે દિવસ પછી ૬ઠ્ઠી જાન્યુઆરી ૧૯૯૫ના રોજ આનંદ-મિલિંદના મ્યુઝિકવાળી ‘અબ ઈન્સાફ હોગા’ પ્રોડ્યુસર વિનોદ શાહે થિયેટર્સમાં રિલીઝ કરી જેના દિગ્દર્શક એમના જ ભાઈ હરીશ શાહ હતા. 

આર.ડી. બર્મન વિશેની વાત તમે જ્યાં સાંભળો, જેમની પણ પાસે સાંભળો તમને સંગીતના ક્ષેત્રના આ જિનિયસની ઉદારતા, માનવતા, મોટપ, દરિયાદિલી, ઈન્વોલ્વમેન્ટ, નમ્રતા, ખાનદાની વગેરેનો પરિચય થયા વિના રહે નહીં. 

વિનોદ શાહે આર.ડી. બર્મનની વાતોથી શ્રોતાઓને તરબતર કર્યા પછી મધ્યાંતર બાદ લુઈ બૅન્ક્સ અને પંચમદા માટે એમણે વગાડેલા યાદગાર પિયાનોના પિસીસ સાંભળવાના હતા. પણ ઈન્ટરવલ પહેલાં એક ઔર સરપ્રાઈઝ હતું. કરણ શાહ અને એમનાં પત્ની ભાવના બલસાવર. કરણ શાહને તમે ‘જવાની’ના હીરો તરીકે આર.ડી. બર્મનનું આ ગીત નીલમ કોઠારી સાથે ગાતાં સાંભળ્યા છે: 

તૂ રૂઠા તો મૈં રો દૂંગી
સનમ, આ જા મેરી બાહોં મેં
આ… આ… આ… 

આ ગીતની ટયુન એટલી મધુર હતી કે એના પર જો ગીતકાર ચીલાચાલુ શબ્દો જડી દે તો ટ્યુનની મઝા બગાડી જાય. ગુલશન બાવરાએ આ ટ્યુન પર ગીત લખવાનું હતું. દસ દિવસ સુધી કંઈ સુઝે નહીં. જે સુઝે તે બધું ચીલાચાલુ હોય. ઈન ઝુલ્ફોં પે…

પણ આવા શબ્દો ટ્યુનને ન્યાય નહીં આપે એની ગીતકારને ખબર. છેવટે બે નવોદિત કળાકારો જે બે ઈનોસન્ટ-મુગ્ધ પ્રેમીઓનાં કિરદાર ભજવી રહ્યાં છે એમને ખ્યાલમાં રાખીને ગુલશન બાવરા લખે છે: તૂ રૂઠા તો મૈં રો દૂંગી…

આ ગીતમાં જે ક્લેપ્સ આવે છે તે તાળીઓ કેર્સી લૉર્ડે વગાડી છે. સિન્થેસાઈઝર પર. ગીતના છેલ્લા અંતરામાં એક વખત આ તાળીઓના અવાજમાં બિટ ચૂકી જવાય છે, એક બિટ ઓછી વગાડવામાં આવી છે. આવું કોઈ ખાસ કારણથી કરવામાં આવેલું? ‘જવાની’ના હીરો કરણ શાહ કહે છે કે ફિલ્મ સેન્ટરના સ્ટુડિયોમાં રેકૉર્ડિંગ વખતે હું હાજર હતો. એવું ભૂલથી થયું છે. પણ પંચમદાએ રેકૉર્ડિંગ સાંભળીને કહ્યું કે આને આમ જ રહેવા દઈએ, સારું લાગે છે. કરણ શાહનાં પત્ની ભાવના બલસાવરને તમે ‘દેખ ભાઈ દેખ’ સિરિયલમાં જોયાં છે. બીજી ઘણી સિરિયલો-ફિલ્મોમાં જોયાં છે. આર.ડી. બર્મન જે મરાઠી ફિલ્મના મ્યુઝિક માટે એમના મિત્ર (અને ‘નમકહરામ’ના પ્રોડ્યુસર) સતીષ વાગળેને મળવા ૩ જાન્યુઆરી ૧૯૯૪ના દિવસે સેલ્ફ ડ્રાઈવ કરીને મુંબઈથી પુણે આવીને એ જ સાંજે મુંબઈ પાછા ગયા કે ફિલ્મ ‘સુખી સંસારાચે બારા (ટ્વેલ્વ) સૂત્ર’નાં ભાવના બલસાવર હીરોઈન છે. એમની બીજી ઓળખાણ આપું. અભિનેત્રી દુર્ગા ખોટે જેમની માસી થાય તે વિજુ ખોટે ( એટલે કે ‘શોલે’ના કાલિયા) ભાવનાના મામા અને શોભા ખોટે ભાવનાનાં માતા. 

ઈન્ટરવલ પછી પડદો ઉઘડે છે ત્યારે અશ્ર્વિન શ્રીનિવાસન ફ્લ્યુટ પર હમેં તુમ સે પ્યાર કિતના અને મૈં શાયર બદનામ સંભળાવીને લુઈ બૅન્ક્સના આગમનની ઈંતેજારી વધારે છે. અશ્ર્વિનની સાથે સંગતમાં માત્ર તબલાં છે. પ્યોર ઍન્ડ સિમ્પલ મ્યુઝિક. કશું જ ઉમેરેલું નથી. 

અશ્ર્વિન શ્રીનિવાસનનું વાંસળીવાદન પૂરું થતાં જ લુઈ બૅન્ક્સ સ્ટેજ પર પ્રવેશે છે. એમના નામની જાહેરાત થતાં જ તાળીઓનો ગડગડાટ. લુઈ બૅન્ક્સે પહેલીવાર ફિલ્મ ‘મુક્તિ’ (૧૯૭૭) માટે આર.ડી. બર્મનના રેકૉર્ડિંગમાં પિયાનો વગાડ્યો: સુહાની ચાંદની રાતેં હમેં સોને નહીં દેતી, તુમ્હારે પ્યાર કી બાતેં હમેં સોને નહીં દેતી… મૂકેશજીએ ગાયેલું આ ગીત મારા જેવા પંચમભક્તના દિમાગમાં પણ કલ્યાણજી-આણંદજીનું છે એ રીતે જડાઈ ગયેલું. આ ગીત તમે યુટ્યુબ પર સાંભળી લેજો. આર. ડી. બર્મનના આ સંગીતમાં કલ્યાણજી-આણંદજીની છાયા દેખાય છે તમને?

આનું એક કારણ છે. પંચમદા વિશે પાંચ પીએચ.ડી. કરી શકે એટલી માહિતી ધરાવતા અજયભાઈ શેઠની મેં લીધેલી મુલાકાત યુટ્યુબ પર છે. એ જોઈને સમજ પડી જશે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવું શું કામ થતું હોય છે. આ રહી એ સદાબહાર મુલાકાતની લિન્ક.

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને આર્થિક સપોર્ટ આપો : સૌરભ શાહ

પ્રિય વાચક,

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના કે જાહેરખબરોની આવક વિના ચાલતું કોઈનીય સાડીબારી ન રાખતું એક વિશ્વસનીય ડિજિટલ મિડિયા છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનોનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા સ્વતંત્ર પ્લેટફૉર્મની આજે સખત જરૂર છે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મી એવા પત્રકાર સૌરભ શાહ દ્વારા થઈ રહી છે. પૈસાની અપેક્ષા તમારે પૂરી કરવાની છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here