( લાઉડમાઉથ: ‘સંદેશ’, ‘અર્ધસાપ્તાહિક’ પૂર્તિ, બુધવાર, ૫ જુલાઈ ૨૦૨૩ )
“દરેકની અંદર ભરપૂર શક્તિનો ભંડાર છે. આ શક્તિ સારી પણ નથી, ખરાબ પણ નથી – ન્યુટ્રલ છે. આ શક્તિ તમને મદદરૂપ થઈ શકે છે, તમારા માટે બાધારૂપ પણ થઈ શકે છે. તમે એનો કેવી રીતે ઉપયોગ કરો છો એના પર બધો આધાર છે, માત્ર તમારા પર એનો આધાર છે.”
ક્વોટ – અનક્વોટમાં રજનીશજીના વિચારો છે. અવતરણ ચિહ્નો વિના હવે જે અવતરી રહ્યા છે એ એમના વિચારોનો પડઘો છે.
આપણી પાસે એટલી જ શક્તિ છે જેટલી ગાંધીજીમાં હતી. સમય પણ એટલો જ છે. આપણે આપણી આપણામાં રહેલી શક્તિનો ઉપયોગ ક્યાં કેટલો કરીએ છીએ એના આધારે આપણા જીવનની ઉપયોગિતા, એનું મહત્ત્વ સિદ્ધ થાય છે. આ શક્તિને જો આપણે વ્યવહારો સાચવવામાં, લગ્ન-મૃત્યુ-માંદગીના પ્રસંગોએ અવરજવર કરવામાં અને ટોળટપ્પા કરવામાં વાપરીશું તો આપણા જીવનને મીડિયોક્રિટીથી ઉપર નહીં લઈ જઈ શકીએ. સવારે બ્રાહ્મ મુહૂર્તમાં ઊઠીને રોજના 7 કલાક રિયાઝ કરીશું તો કદાચ પંડિત રવિશંકર કે ઉસ્તાદ અલ્લારખા બની શકીશું. આપણી શક્તિનો ઉપયોગ કેવી રીતે કરવો એ નક્કી કરવાની જવાબદારી આપણી છે.
ખબર નહીં કેમ પણ આપણે માની લઈએ છીએ કે અમુક કામ આપણાથી નહીં થઈ શકે. મારું આસપાસનું વાતાવરણ એ માટે કોન્ડયુસિવ નથી, અનુકૂળ નથી કે પછી મારા ફેમિલીને નહીં ગમે કે પછી મારું પોતાનું ગજું નથી એવાં કારણો આપણે આપણી જ સામે ધરીએ છીએ અને મીડિયોક્રિટીનો ઊંબરો ઓળંગવાની હિંમત કરતા નથી. આપણામાંની શક્તિ વપરાયા વગરની રહી જાય છે. આપણે ન કરી શક્યા હોઈએ એવાં કામ બીજાઓને કરતાં જોઈએ છીએ ત્યારે મનોમન કહીએ છીએ કે: એ તો એની પાસે અમુક સગવડ હતી, એને અમુક લોકોની મદદ મળી, એનો તો સ્વભાવ જ એવો ઘૂસણખોર કે પોતાનું કામ કરાવવા બધે પહોંચી જાય.
નેગેટિવ વિચારો આપણામાંની એનર્જીને પણ નેગેટિવ બનાવી દેતા હોય છે. બીજાઓ વિશેના નકારાત્મક વિચારો કર્યા કરવાથી આપણે પોતે જિંદગી માટે પોઝિટિવ રહી શકતા નથી. બહાનાંબાજી અને દુનિયાને ગલત દૃષ્ટિએ જોવાની આદત આપણી પોતાની શક્તિઓને આપણા વિરુદ્ધ કામ કરવા પ્રેરે છે. જે લોકો આ વાત સમજી શકતા નથી તેઓનો સ્વભાવ ક્રમશ: પંચાતિયો બનતો જાય છે. એમને દુનિયા આખીમાં ખોડખાંપણ સિવાય બીજું કશું દેખાતું નથી. પોતાનામાં શક્તિનો ભંડાર ભરેલો હોવા છતાં એ તમામ શક્તિનો તેઓ દુરૂપયોગ કરતા રહે છે. એમને ખબર નથી હોતી કે આવા દુરૂપયોગને કારણે દુનિયાનું નહીં, પોતાનું જ નુકસાન થતું હોય છે. એમની પોતાની જિંદગી કડવી, અધૂરી અને રુક્ષ બની જતી હોય છે.
આપણામાંની શક્તિને નેગેટિવ બનતાં રોકવા માટે સૌથી પહેલાં તો આપણી આસપાસના નેગેટિવ લોકોથી દૂર થઈ જવું પડે. જેઓ સતત બીજાનું વાટ્યા કરે છે તે નેગેટિવ છે. જેમને દુનિયામાં કોઈ વ્યક્તિ સારી નથી લાગતી, જેઓ દરેક વ્યક્તિમાં કંઈ ને કંઈ ખામીઓ શોધ્યા કરે છે તે નેગેટિવ છે. જેઓ તટસ્થતાના નામે પોતાના ઓપિનિયનો આપતી વખતે અડધો કિલો વખાણની સાથે અડધો કિલો ટીકાઓ જોખે છે તેઓ નેગેટિવ છે. આવા તટસ્થોથી, આવા નિરપેક્ષોથી દૂર રહેવું – જો નેગેટિવિટીથી બચવું હોય તો.
નેગેટિવ લોકોથી જ નહીં આપણામાં નેગેટિવિટી પ્રેરે એવી દરેક બાબતથી દૂર રહેવું. એવાં સ્થળો, એવા ટીવી કાર્યક્રમો, એવું વાચન, એવાં ફિલ્મો-નાટકો, એવાં પ્રવચનો, એવાં દૃશ્યો. આપણામાં રહેલી શક્તિને નેગેટિવ બનાવી દેનારી આ તમામ બાબતોથી દૂર રહેવું.
પણ એટલું ધ્યાન રાખવું કે આ શક્તિમાં પોઝિટિવિટીનો સંચાર કોઈ બાહ્ય કારણોથી થવાનો નથી. પોઝિટિવ થિન્કિંગનાં ચોપડાં વાંચીને કે એવાં પ્રવચનો સાંભળીને તમે પોઝિટિવ થઈ જવાનાં નથી. કદાચ એ બધું તમારામાં ફ્રસ્ટ્રેશન પણ લાવે. કારણ કે એમાં ઘણી આંબલી-પીપળીઓ દેખાડવામાં આવતી હોય છે, ફટ દઈને તમારી સમસ્યાઓનું સમાધાન આવી જશે એવી લાગણીઓ તમારામાં જન્માવવામાં આવતી હોય છે. આ બધું પણ એટલું જ ડેન્જરસ છે જેટલું નેગેટિવ લોકો સાથે રહેવું. આપણામાં રહેલી શક્તિ નેગેટિવ ન બની જાય એની તકેદારી રાખ્યા પછી એને પોઝિટિવ બનાવવાના કોઈ સભાન પ્રયત્નો કરવાની જરૂર નથી. જરૂર છે માત્ર નક્કર કાર્યો કરવામાં પરોવાઈ જવાની, નક્કર પ્રવૃત્તિઓમાં ઓતપ્રોત થઈ જવાની. એ કામ, એ પ્રવૃત્તિ કોઈ પણ હોઈ શકે. આપણી મનગમતી કોઈ પણ પ્રવૃત્તિમાં ખૂંપેલા રહેવાથી આપોઆપ આપણામાંની શક્તિનો પોઝિટિવ ઉપયોગ થતો જશે.
આ દુનિયામાં જે કંઈ સર્જન થયું છે તેમાં પહેલો હાથ સર્જનહારનો છે, બીજો મનુષ્યનો છે. સર્જનહાર જ દરેક મનુષ્યમાં શક્તિનો ભંડાર આપીને પોતાનું બાકીનું કામ મનુષ્ય પાસે કરાવે છે. આપણાં સૌમાં રહેલી આ શક્તિ એના આશીર્વાદ છે. આટલું સમજી-સ્વીકારી લીધા પછી હવે કંઈ પણ કામ કરવા માટે નવેસરથી એના આશીર્વાદ લેવા જવાની જરૂર નહીં લાગે.
સાયલન્સ પ્લીઝ
મિલતા તો બહુત કુછ હૈ
ઈસ ઝિન્દગીમેં
બસ, હમ ગિનતી ઉસી કી
કરતે હૈ
જો હાંસિલ ના હો સકા,
-અજ્ઞાત
• • •
તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો
હરિ ઓમ
જબરદસ્ત….જોરદાર વાત કહી તમે
નકારાત્મક પરિબળો થી દૂર રહીએ… આવા પરિબળો ને દૂર રાખીએ
હકારાત્મક અભિગમ આપમેળે સ્થાપિત થઇ જશે
ભગવદ્દગીતા મા શ્રીકૃષ્ણ ભગવાન આજ સંદેશ આપે છે
મુળરુપે જીવ આનંદ સ્વરૂપ જ છે પણ બાહ્યાડંબર ને કારણે આપણે આપણા સ્વરૂપ ને ઓળખી શકતા નથી અને કસ્તુરી મૃગ ની માફક જીવન જીવીએ છીએ
It is precise and crisp message.
Very much reonates with Shrimad Bhagwad Gita’s shlok.Adhyay6.Shlok 5.
Thank you for sharing.