લોકોને ઈમ્પ્રેસ કરવામાં જિંદગી વેડફાઈ રહી છે? : સૌરભ શાહ

(લાઉડ માઉથઃ ‘સંદેશ’, અર્ધ સાપ્તાહિક પૂર્તિ, બુધવાર, ૧૦ માર્ચ ૨૦૨૧)

જ્યાં સુધી આપણે બીજાઓને ઈમ્પ્રેસ કરવા માટે તરફડિયાં મારીએ છીએ ત્યાં સુધી આપણે આપણી જિંદગી આપણી રીતે જીવવાને બદલે બીજાઓની મરજી પ્રમાણે જીવીએ છીએ.

તમે કંઈક કરો અને બીજાઓ પ્રભાવિત થાય એમાં અને બીજાઓ પ્રભાવિત થાય એ આશયથી તમે કંઈક કરો – આ બે વાતમાં જમીન -આસમાનનું અંતર છે.

બહુ સાહજિક રીતે તમારાથી કોઈ સત્કાર્ય થઈ ગયું રેલવે સ્ટેશને પ્લેટફોર્મ પર કોઈ માણસ ટ્રેનની અડફેટે આવી જતો હતો અને તમે સમયસૂચકતા વાપરીને તમારા જાનના જોખમે એ માણસને બચાવી લો છો. આખીય ઘટના સીસીટીવી પર કંડારાઈ ગઈ અને પછી એનું ફૂટેજ વાઈરલ થયું એમાંથી લીધેલી તસવીરો છાપામાં છપાઈ. તમારી વાહ વાહ થઈ. લોકો તમારાં વખાણ કરવા લાગ્યાં. કશું ખોટું નથી એમાં રાધર, સારું જ છે. આવી પબ્લિસિટી તમને મળવી જ જોઈએ જેથી બીજાઓ તમારા દાખલાને અનુસરે.

પણ કોઈક પોતાની સાથે ફોટોગ્રાફરોને લઈને, ટીવી ચેનલવાળાઓને લઈને, પોતાના વીડિયો કેમેરાવાળાઓને લઈને પરોઢિયે ફૂટપાથ પરના ગરીબોને ધાબળા ઓઢાડવા નીકળે ત્યારે એને જે પબ્લિસિટી મળે છે તે ખોટી છે. આવું કરવાનો આશય બીજાઓને ‘પ્રેરણા’ આપવાનો હોય તો પણ એ ખોટું છે, કારણ કે અલ્ટિમેટલી તો એ આવું પોતાના અહંકારને પોષવા માટે કરે છે, બીજાઓને પ્રભાવિત કરીને એમની પાસે પોતાના માટે તાળીઓ વગડાવવા માટે કરે છે.

મોટા ભાગના લોકોની જિંદગી બીજાઓને પ્રભાવિત કરવામાં વીતી જતી હોય છે. એમનું ઘર પોતાની મરજી કે પોતાની જરૂરિયાત કે પોતાના ગમાઅણગમાથી નહીં પણ બીજાઓને પ્રભાવિત કરવા માટે સજાવાતું હોય છે. એમનાં પરિવારનાં લગ્નો પોતાની હોંશથી નહીં પણ બીજાઓને પ્રભાવિત કરવા માટે ઊજવાતાં હોય છે. પરદેશમાં હરવુંફરવું કે ખાડાટેકરાવાળા રસ્તાઓ પર કમ્ફર્ટેબલી જર્ની કરી શકાય તે માટે મોંઘી ગાડીઓ વસાવવી કે ફિટ અને કપડું સારું હોય એટલા માટે મોંઘી બ્રાન્ડનાં કપડાં પહેરવામાં કંઈ ખોટું નથી. કમાતા હોઈએ તો ખર્ચવું જ જોઈએ. પોતાની કમ્ફર્ટ માટે કે લક્ઝરીઓ ભોગવવાના સંતોષ માટે જે કંઈ કરીએ તે સારું છે, પણ બીજાઓને ઈમ્પ્રેસ કરવા માટે જે મોંઘી બ્રાન્ડનાં કપડાં તમારા ઈન્ડિયન બૉડીને પ્રોપ્રલી ફિટ પણ નથી થતા (દાખલા તરીકે મગરવાળી લાકોસ્ટે બ્રાન્ડ) તે પહેરીને ડાગળા જેવા દેખાવું તે ખોટું છે. ઈન્ટિરિયર ડેકોરેટરે આપણને પટ્ટી પઢાવી એટલે અમુક પ્રકારના બાથરૂમ બનાવવા પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરી નાખવો કે પછી પોતાના કામકાજનું સ્થળ કે પોતાની ફેક્ટરી —બંને એક જ વિસ્તારમાં હોય છતાં તે છોડીને બીજા વિસ્તારમાં રહેવા જવાનો વિચાર આવે તો માનવાનું કે બીજાઓને પ્રભાવિત કરવા માટે, સોશિયલ સ્ટેટસ મેળવવા માટે, આ વિચાર આવી રહ્યો છે.

લોકો વાતવાતમાં બીજાને પ્રભાવિત કરવા નેમ ડ્રોપિંગ કરતા રહે છે (‘ઈશાના લગ્નમાં પ્રિયંકાના રિસેપ્શન કરતાં વધારે સગવડ હતી’). પોતે કેટલા નાના છે એવું છતું થઈ જાય છે આવા નેમ ડ્રોપિંગથી. તમે જો ખરેખર મોટા હો તો ઈશા અને પ્રિયંકા એકબીજાને ફોન કરીને કહેશે: મારા લગ્નમાં તો હિલેરી ક્લિન્ટન આવી હતી, તારા લગ્નમાં આવી હતી?

મોટા લોકો તમારા નામનો ઉલ્લેખ કરે તો તમે મોટા કહેવાઓ, તમારી વાતોમાં મોટાં નામોનો ઉલ્લેખ આવે તો ઔર નાના બની જતા હો છો.

ત્રેવડ ન હોય તોય લોકોને પ્રભાવિત કરવામાં આપણે આપણી બચત સુધ્ધાં વાપરી કાઢતા હોઈએ છીએ. ઈચ્છા ન હોય તો પણ બીજાઓને પ્રભાવિત કરવા, એમની આંખોમાં રિસ્પેક્ટેબલ લેખાવા, એવી લાઈફસ્ટાઈલ રાખીએ છીએ, એવી વર્તણૂકો કરીએ છીએ, એવા વ્યવહારોમાં ઘસડાઈએ છીએ જે આપણી ઔકાત બહારના છે. પછી ભગવાનને ફરિયાદ કરીએ છીએ કે હું તો બાર સાંધું ત્યાં તેર તૂટે છે.

પોતાની જાતમાં વિશ્ર્વાસ નથી હોતો ત્યારે બીજાઓ પાસેથી સર્ટિફિકેટો ઉઘરાવવાનું મન થાય છે. લઘુતાગ્રંથિથી પીડાતા હોઈએ, ઈન્ફિરિયોરિટી કૉમ્પ્લેક્સથી પીડાતા હોઈએ ત્યારે એને છુપાવવા માટે આપણે સુપિરિયોરિટી કૉમ્પ્લેક્સથી છલકાતું વર્તન કરીએ છીએ, બધે પોતાનું પ્રભુત્વ છવાઈ જાય એ રીતે બ્રેવાડો કરતું વર્તન કરીએ છીએ. લોકો પોતાના વિવેકને કારણે કોઈક અભદ્ર વર્તન ચલાવી લે એનો મતલબ એ નથી થતો કે આવા વર્તનને સ્વીકૃતિ મળી ગઈ. હકીકત તો એ હોય છે કે તેઓ સમજતા નથી કે એમનામાં ઈન્ફિરિયોરિટી કૉમ્પ્લેક્સ નથી, તેઓ પોતે જ ઈન્ફિરિયર છે, હલકા છે, છીછરા છે.

હલકા અને છીછરા લોકોને બીજાઓને પ્રભાવિત કરવાનું બહુ ગમે. હું જો કોઈ બાબતે ઈન્ફિરિયર હોઉં તો મારે શું કરવું જેથી લોકો પ્રભાવિત થાય? જે બાબતે મને લાગતું હોય કે હું ઈન્ફિરિયર છું એ બાબતમાં હું મારું ધોરણ સુધારું. મને ગાતાં ન આવડતું હોય ને લોકો મારી ગાયકીથી પ્રભાવિત થાય એવી ઈચ્છા હું રાખતો હોઉં તો મારે ગાતાં શીખવું પડે. જે બાબતમાં હું કાચો હોઉં તે બાબતમાં મારે મારી કચાશ છોડીને નક્કર બનવું પડે. મારી વર્તણૂક લોકોને ન ગમતી હોય તો મારે મારું વર્તન સુધારવું પડે. હું કચરપટ્ટી લખાણો લખતો હોઉં તો મારે લખાણમાં સત્ત્વ ઉમેરીને સારા લેખક બનવું પડે. ત્યારે લોકો પ્રભાવિત થશે મારાથી. પણ હું જેવો છું તેવો જ નબળો ગાયક કે અસંસ્કારી વર્તન કરનારો કે સી ગ્રેડ લેખક રહું અને બ્રાન્ડેડ કપડાં વગેરેથી બીજાઓને પ્રભાવિત કરવાની કોશિશ કરીશ તો એનાથી નુકસાન મારું જ થવાનું છે. લોકો તો મારી અસલિયત જાણતા જ હોય છે. લોકો વધારે સ્માર્ટ હોય છે. તેઓ તમારી પાસેનાં સ્ટેટસ સિમ્બોલ્સથી ઘડીભર પ્રભાવિત થવાનું દેખાડશે પણ બીજી જ સેકન્ડે તમારા પ્રભાવમાંથી બહાર આવી જશે. લોકોને પ્રભાવિત કરવાના ચક્કરમાં હું મારી જાતને સુધારવાની તક ચૂકી જઈશ, મારી જિંદગીને સત્ત્વશીલ રીતે અપગ્રેડ કરવાની તક ચૂકી જઈશ.

બીજાઓને ઈમ્પ્રેસ કરવાની ચિંતામાં આપણે આપણી જાતને સત્ત્વશીલ બનાવવાનું ચૂકી જતા હોઈએ છીએ.

સાયલન્સ પ્લીઝ!

ફરિયાદ નહીં કરવાની. જાતને સુધારવાની, જેટલી સુધારાય એટલી. બધી ફરિયાદો આપોઆપ ઓગળી જશે.

— અજ્ઞાત

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને આર્થિક સપોર્ટ આપો : સૌરભ શાહ

પ્રિય વાચક,

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના કે જાહેરખબરોની આવક વિના ચાલતું કોઈનીય સાડીબારી ન રાખતું એક વિશ્વસનીય ડિજિટલ મિડિયા છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનોનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા સ્વતંત્ર પ્લેટફૉર્મની આજે સખત જરૂર છે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મી એવા પત્રકાર સૌરભ શાહ દ્વારા થઈ રહી છે. પૈસાની અપેક્ષા તમારે પૂરી કરવાની છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

3 COMMENTS

  1. ભાઈ શ્રી,
    ખૂબ આનંદ છે. કે લેખકો અને સાહિત્ય નાં આ કલી કાળ માં
    સામન્ય જન માનસ ની મશાલ બની આપ ને હું કલ્કિ રૂપે જોવ છું.

    કાંદિવલી માં રહુ છું. અને તમને મળવું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here