સાહસ, મહેનત, પ્રામાણિકતા, વફાદારી, ઉદારતા અને વચનપાલનનો સરવાળો એટલે ગુજરાતી :સૌરભ શાહ

(તડકભડક : ‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ. રવિવાર, 28 ઑગસ્ટ 2022)

રાજકારણ અને રાજકીય નેતાઓની ચાલબાજીથી નક્શાઓ બદલાતા હશે પણ ભૂગોળની વાસ્તવિકતા નથી બદલાતી. ગુજરાત અને મહારાષ્ટ્ર જ્યારે સંયુક્ત હતાં ત્યારે બેઉ પ્રદેશો મુંબઈ રાજ્ય ( બૉમ્બે સ્ટેટ) તરીકે ઓળખાતાં. એટલું જ નહીં છેક કરાંચી પણ મુંબઈ રાજ્યમાં ગણાતું. 1947 પછી કરાંચી છૂટું થઈને પાકિસ્તાનનો હિસ્સો બન્યું અને 1960માં મુંબઈના બે ભાગલા પડ્યા – ગુજરાત અને મહારાષ્ટ્ર.

1956થી 1960 દરમ્યાન જે રાજકારણ ખેલાયું તેનો અછડતો ખ્યાલ લઈ લઈએ. મુંબઈ ગુજરાતની રાજધાની બનશે એવી પરિસ્થિતિ હતી જે બધી જ રીતે યથાયોગ્ય હતી. મુંબઈના વિકાસમાં અને એની સભ્યતામાં ગુજરાતીઓ-પારસીઓ જેટલો ફાળો બીજી કોઈ પ્રજાનો નથી એ વાત ઘણાને પચતી નથી. રાજકારણ એ ખેલાયું કે આ શહેરને ગુજરાતમાં જતું અટકાવવા મુંબઈને કેન્દ્ર શાસિત પ્રદેશ ઘોષિત કરવાનું નક્કી થયું જેથી બેઉ રાજ્યોની માગણી સંતોષી શકાય! કારણ કે મહારાષ્ટ્રની માગણી હતી કે મુંબઈ ગુજરાતને ન મળે અને ગુજરાતની માગણી હતી કે મુંબઈ મહારાષ્ટ્રને ન મળે.

એ પછી વધુ રાજકારણ ખેલાયું અને કેન્દ્રમાં વધુ વજન ધરાવતા મહારાષ્ટ્રના રાજકારણીઓએ છેવટનો ફેંસલો કરાવ્યો કે મુંબઈ મહારાષ્ટ્રને મળે. નક્શામાં ભલે મુંબઈ મહારાષ્ટ્રની રાજધાની હોય પણ ગુજરાતી માટે, વિશ્વના દરેક ગુજરાતીઓના હૈયા માટે, મુંબઈ જ ગુજરાતની રાજધાની છે.

પોતાના બાપદાદાઓ અને પરદાદાઓએ વસાવેલા, સમૃદ્ધ કરેલા અને જાળવેલા મુંબઈની ભૂમિ આજની તારીખે પણ પ્રત્યેક ગુજરાતીને પોતીકી લાગે છે. એક સૂત્ર એક જમાનામાં આ લખનારે રચેલું જે ખૂબ જાણીતું થયેલુઃ ‘સુંદર મુંબઈ, ગુજરાતી મુંબઈ’. પરંતુ મહારાષ્ટ્ર વિધાનસભામાંથી કેટલાક તોફાની તત્ત્વોની દાદાગીરીને લીધે એ સૂત્ર રોળાઈ ગયું.

મુંબઈનાં રેલવે પ્લૅટફૉર્મ પર સ્ટેશનોનાં નામ ગુજરાતીમાં લખવામાં આવતાં એ જાણે હજુ ગઈ કાલની જ વાત છે. આજે રેલવેનાં ગુજરાતી પાટિયાં ભૂંસાઈ ગયાં છે. અંગ્રેજી માધ્યમની શાળાઓમાં વિદ્યાર્થી પાસે ગુજરાતીને એક વિષય તરીકે ભણાવવાનો વિકલ્પ આંચકી લેવામાં આવ્યો હતો.
મુંબઈ રાજ્ય એટલે કે બૉમ્બે સ્ટેટનું બાયફર્કેશન થયું તે વખતે માગણી કરવામાં આવી હતી કે મહારાષ્ટ્રમાં ગુજરાતીને બીજી રાજ્યભાષાને દરજ્જો મળવો જોઈએ. 1971માં દૂરદર્શન-મુંબઈ શરૂ થયું ત્યારે અનેક ગુજરાતી કાર્યક્રમો આવતા – આવો મારી સાથે, ઘેર બેઠાં, યુવદર્શન વગેરે. ક્રમશઃ એ તમામ ગુજરાતી કાર્યક્રમો ભૂંસાઈ ગયા. આકાશવાણી પરથી મુંબઈ ‘એ’ ચેનલ પર પણ મહિલામંડળથી માંડીને બહુરૂપી, ગીતગુંજન ઇત્યાદિ અનેક ગુજરાતી કાર્યક્રમો આવતા. સિત્તેર-એંશીનો દાયકો આવતાં એ પણ ભૂંસાઈ ગયા. હવે તો એ પરિસ્થિતિ છે કે મુંબઈમાં ગુજરાતી સંસ્કારોને બચાવવાની ઝુંબેશ શરૂ કરવાની કોઈ વાત પણ નથી કરતું— ગુજરાતમાં ‘ગુજરાતી બચાવો’ની ઝુંબેશ શરૂ કરવી પડે છે!

આપણા લોહીમાં ગુજરાતીતા હશે ત્યાં સુધી ગુજરાતનું કલ્ચર, ગુજરાતની પરંપરા, ગુજરાતની માનસિકતા, ગુજરાતનો વૈભવ – આ બધું જ જીવતું રહેવાનું છે, એટલું જ નહીં ઉત્તરોત્તર વધુને વધુ સમૃદ્ધ પણ થવાનું છે. જેમ દેશનાં આ તમામ અંગ (સંસ્કૃતિ, પરંપરા, વૈભવ ઇત્યાદિ)ની સમૃદ્ધિ માટે સજાગ હોઈએ એમ માતૃભૂમિ ગુજરાત માટે પણ આવી સજગતા હોવી અનિવાર્ય છે. એ કેવી રીતે શક્ય બને? આ રીતેઃ

૧. ગુજરાતી ભાષા એક ઘણું મોટું માધ્યમ છે આ સંસ્કારોને સાચવવાનું. (ભાષા એક માત્ર માધ્યમ નથી. પણ ઘણું મોટું માધ્યમ છે.) ગુજરાતી લખતાં-વાંચતાં આવડશે તો જ ગુજરાતીમાં વિચારો કરતાં આવડશે. હિન્દી, અંગ્રેજી કે અન્ય કોઈ પણ ભારતીય કે વિદેશી ભાષાનો ત્યાગ કરવાની બિલકુલ જરૂર નથી પણ ગુજરાતી ભાષાને વધુને વધુ પોતીકી બનાવવાની જરૂર છે. ભાષા હવે માત્ર લેખન-વાચનનું માધ્યમ રહી નથી. ક્યારેય નહોતી. ભાષા બોલવા-સાંભળવાનું માધ્યમ છે. કમ્યુનિકેશનનું માધ્યમ છે. સંવાદ એટલે કે, એક વ્યક્તિની વાત બીજી વ્યક્તિ સુધી પહોંચાડવાનું માધ્યમ છે. છાપાં-પુસ્તકો ઉપરાંત યુટ્યુબ અને પોડકાસ્ટિંગ જેવાં નવાં માધ્યમો દ્વારા ગુજરાતીનો પ્રચારપ્રસાર અનેકગણો થઈ રહ્યો છે. યુટ્યુબની પૉપ્યુલર ગુજરાતી ચેનલો પર બોલાતી ગુજરાતી ભાષા બોલચાલની ભાષા છે. એ ચેનલોની વીડિયોના થમ્બનેઇલ પર લખાતી ગુજરાતીમાં જોડણી-વ્યાકરણની અપાર ભૂલો હોય છે એવું ગુજરાતીના કોઈ પણ સજ્જ શિક્ષક-પ્રોફેસર-પ્રૂફ રીડર કહેશે. આમ છતાં આ ગુજરાતી વીડિયો રોજ લાખો લોકો જુએ છે – સાંભળે છે અને શેર કર્યા પછી જગત આખાના કરોડો ગુજરાતીઓ સુધી એ પહોંચે છે. પોડકાસ્ટનું માધ્યમ, ઑડિયો દ્વારા કે માત્ર બોલાયેલા શબ્દો દ્વારા કમ્યુનિકેશન કરવાનું માધ્યમ, હજુ ગુજરાતી ભાષામાં એટલું પોપ્યુલર નથી થયું, ધીમે ધીમે થશે.

૨. ગુજરાતી સંસ્કૃતિની સાચવણી એટલે આપણા બાપદાદાઓ આપણામાં પેઢી દર પેઢી જે સંસ્કારો રેડ્યા તેની જાળવણી. ચાહે એ રોજબરોજની જિંદગી હો, ચાહે તહેવારો-પ્રસંગોની ઉજવણી હો, ફૂડ-ફેશન-મ્યુઝિક-નીતિ વિચારો વગેરે જે કંઈ પણ વારસામાં મળ્યું હોય તેને હવે પછીની ગુજરાતીની પેઢીઓ સુધી પહોંચાડીએ. બે-પાંચ વર્ષનાં બાળકોને ગુજરાતી જોડકણાં, બાળવાર્તાઓનો સમૃદ્ધ ખજાનો આપીને એમને પણ ન્યાલ કરીએ. તળાવે ફરવા જતી જાડી બીલાડીની સાડીનો પાલવ લહેરાવીએ અને મિયાં ફુસકી-બકોર પટેલ-અડુકિયા દડુકિયાનાં સાહસો-છબરડાઓથી ગેલગમ્મત કરીએ. પિત્ઝા પાસ્તા ભલે ખાતા પણ ખમણ પર ચીઝ નાખતાં અટકીએ. રોટલો ને ઘી ગોળ ખાઈએ અને એને ટૉમેટો કેચઅપ સાથે ખાવાની આદત ન પાડીએ. મૅગી ભલે ખવાતી પણ ઘઉંની ઓસાવેલી સેવ પર દળેલી ખાંડ નાખીને ખાવાનું ન ભૂલીએ. માબાપને મૉમડૅડ ભલે કહીએ પણ સાથે જય શ્રીકૃષ્ણ, જય સ્વામિનારાયણના ઉચ્ચારો સાથે એમને આદરપૂર્વક ચરણસ્પર્શ કરવાનું ન ભૂલીએ. આપણા તહેવારોની ઉજવણી પ્રસંગે બિનગુજરાતીઓને આમંત્રણ આપીને એમને પણ આપણી વૈભવી સંસ્કૃતિનો પરિચય આપીએ.

૩. વિશ્વ આખામાં ગુજરાતીઓની એક આગવી ઓળખ છે. સાહસ, મહેનત, પ્રામાણિકતા, ઉદારતા અને વફાદારી માટે આપણે વખણાઈએ છીએ. વચનબદ્ધતા આપણી પ્રજાનો એક ઘણો મોટો ગુણ છે. કોઈપણ ભોગે વચન પાળીને બતાવવાની ટેક લેનારાઓના અનેક પાળિયા આપણા આ ગુણના સાક્ષી છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રાજકારણ સહિત અનેક ક્ષેત્રોમાં હવે ગુજરાતીઓની બોલબાલા છે. ગુજરાતીઓ પ્રત્યેની આ વધતી જતી આદરની લાગણી સાથે કદમ મિલાવીએ. છીએ એના કરતાં પણ વધુ સારા બનીને દુનિયાને બતાવી દઈએ કે વિશ્વની શ્રેષ્ઠ પ્રજાઓમાં આપણું પણ આગવું સ્થાન છે.

૪. જે ગુજરાતીએ ગુજરાતમાં રહીને કે ગુજરાતની બહાર રહીને પોતાના ગુજરાતીપણા માટે ગૌરવ લેવું હોય એણે પ્રથમ તો આ દેશ માટે ગૌરવ લેવું જોઈએ. ભારત છે તો ગુજરાત છે. ગુજરાતમાં વસતા કે દુનિયાના કોઈપણ ખૂણે વસતા ગુજરાતીને ભારત માટે અભિમાન હશે તો જ ગુજરાતી તરીકેનું એનું સ્વાભિમાન ટકશે.

ભારતની સમૃદ્ધિ અને ભારતનો વૈભવ ગુજરાતને ઉજાળે છે અને ગુજરાતના સંસ્કારની તથા ગુજરાતીઓની માનસિકતાની સીધી અસર ભારતના વર્તમાન તથા ભવિષ્ય પર પડવાની છે. આટલી વાત સમજી લેવાની. ભારતને ઉતારી પાડનારાઓ ક્યારે પોતાના ગુજરાતીપણાને સાચવી શકવાના નથી.

૫. પાંચમી અને છેલ્લી વાત. સૂતાં પછી સપનાં જેને ગુજરાતીમાં આવે છે, ગુસ્સો આવે છે ત્યારે જેની જીભે ગુજરાતીમાં ગાળ આવે છે અને ભૂખ લાગે છે ત્યારે જેને ગુજરાતી આહાર ખાઈને સંતોષના ઓડકાર આવે છે તે તો ખરો ગુજરાતી છે જ. આ ઉપરાંત જેનામાં પોતાના જાતભાઈઓને જ નહીં, અજાણ્યા ગુજરાતીઓને પણ મદદરૂપ થવાની તાલાવેલી છે તે પણ ખરો ગુજરાતી છે. જે ગુજરાતમાં રહેતો હોય કે ગુજરાતની બહાર રહેતો હોય – ગુજરાતની માટી એને સતત સાદ પાડતી હોય, વતનની ધૂળ જેને હંમેશાં બોલાવતી રહેતી હોય, ગુજરાત સાથેનો સંપર્ક જેને જીવંત રાખતો હોય, ગુજરાતનું વાતાવરણ અને ગુજરાતની આબોહવા જેને પોતીકાં લાગતાં હોય તે ખરો ગુજરાતી છે.

પાન બનાર્સવાલા

ગુજરાત મારું વતન છે. કૃષ્ણ, ગાંધી, સરદાર અને હવે નરેન્દ્રભાઈના ગુજરાતમાં તમારું સ્વાગત છે.

—મૂકેશ અંબાણી (‘વાઇબ્રન્ટ ગુજરાત-2015’માં પ્રવચન કરતી વખતે)

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

13 COMMENTS

  1. I don’t have Gujarati fonts therefore in English . Excellent read about Gujarati . Rightly said if you can’t be proud about being Indian , you can’t take pride about being Gujarati . 🙏

  2. નાનપણમાં અંતે “ શું-શાં પૈસા ચાર “ વાળું જોડકણું સાંભળતાં ગ્લાનિ થતી હતી. તમેં ગુજરાતી ભાષાનું , ગુજરાતી પ્રજાનું ગૌરવ વધારી રહ્યા છો તેનો સંતોષ છે.
    સંયુક્ત મુંબઈ રાજ્ય સમયે ગુજરાત તેમજ મહારાષ્ટ્ર દેશી રજવાડાંઓથી વીખરાયેલાં/ વીંટાયેલાં હતાં. સરદારશ્રીની ચાણક્ય બુદ્ધિએ સૌને જોડ્યાં. તેમને કોટી કોટી પ્રણામ.

  3. Your bouquet of various articles are highly appreciated. Even the political detailed analysis are also very good, even I may not agree with it everytime. Thank you.

  4. જય જય ગરવા ગુજરાતી
    તું ભણવ ભણવ નિજ બાળ,

  5. જય જય ગરવી ગુજરાત. દિપે અરુણ પ્રભાત. સુંદર લેખ. જય ભારત🇮🇳

  6. ગુજરાતી ભાષાનો, દરેક ગુજરાતીને ગૌરવની લાગણીનો અનુભવ કરાવે એવો અતિ સુંદર લેખ!

  7. Mast
    Gani babat janva mali
    Je vat khabar hati pan vanchya pachi khyal avyo ha avu thyu hatu
    Jemke tv par gujrati program

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here