મિડલ ક્‌લાસ મેન્ટાલિટી અને આપણે સૌ

તડકભડક : સૌરભ શાહ

(સંદેશ,’સંસ્કાર’ પૂર્તિ, રવિવાર, ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૯)

આપણે સૌ મિડલ ક્‌લાસી જીવ છીએ. આર્થિક રીતે સમાજનો સૌથી ઉપરનો બે–પાંચ–દસ ટકા જેટલો વર્ગ શ્રીમંતની કેટેગરીમાં આવતો હશે. અને સૌથી નીચેનો દસેક ટકા જેટલો વર્ગ ગરીબાઈની વ્યાખ્યામાં ગણાતો હશે. પણ આ બેઉ વર્ગમાંની મોટા ભાગની વ્યક્તિઓ મિડલ ક્‌લાસી મેન્ટાલિટી કે મિડલ ક્‌લાસી મિજાજ ધરાવતી હોવાની. ખાનદાની કે ગર્ભ શ્રીમંતો તથા જન્મજાત ગરીબીમાં સબડ્યા કરનારાઓ જ મિડલ ક્‌લાસ મિજાજથી દૂર હોવાના. તો મિડલ ક્‌લાસ અત્યારની વાત પૂરતું આપણા માટે કોઈ આર્થિક કેટેગરી નથી પણ માનસિકતા છે.

મિડલ ક્‌લાસ મિજાજના ફાયદા-ગેરફાયદા બન્ને છે. અહીં આપણે ગેરફાયદાઓની વાત કરીએ. ફાયદાની વાત ફરી ક્યારેક. મિડલ ક્‌લાસ મેન્ટાલિટી હોવાનો સૌથી મોટો ગેરફાયદો એ કે આર્થિક રીતે ગમે એટલી પ્રગતિ સાધ્યા પછી પણ આપણે આ મિજાજ સાથે સંકળાયેલી કેટલીક ટિપિકલ લાક્ષણિકતાઓથી મુક્ત થઈ શકતા નથી. ક્યારેક તો આવી લાક્ષણિકતાઓને લીધે જ આપણી ઝાઝી આર્થિક પ્રગતિ થતી નથી. મિડલ ક્‌લાસના મિજાજનું સૌથી મોટું અપલક્ષણ તે દેખાડો. અમુક કામ થાય જ નહીં, અમુક કામ તો કરવાં જ પડે, અમુક રીતે નહીં રહીએ તો લોકો શું કહેશે આવી બધી ચિંતામાં મિડલ ક્‌લાસી જીવો પછેડી પ્રમાણે સોડ તાણવાનું ભૂલી જાય છે, તમાચા મારી મારીને ગાલ લાલ રાખતા થઈ જાય છે.

તમારી આસપાસના લોકો જે રીતે જીવતા હોય અને જે કંઈ કરતા હોય એના કરતાં સાવ જુદું જ કરવાનો વિચાર મિડલ ક્‌લાસી જીવને ભાગ્યે જ આવતો હોય છે. ક્યારેક વિચાર જન્મે તો એને અમલમાં મૂકવાની હિંમત નથી થતી અને આવી હિંમત એકઠી પણ થાય તો આ વિચારને ઉછેરે એવું વાતાવરણ નથી મળતું. ઊલટાનું તમારા જ લોકો તમને હતોત્સાહ કરવા માટે જાતજાતના પેંતરા કરતા હોય છે. એમના સબકૉન્શ્યસમાં એક વાત હોય છે કે જે કામ મેં નથી કર્યું કે હું નથી કરી શક્યો તે કામ બીજું કોઈ કરી શકે જ કેવી રીતે? અને કરવામાં એ સફળ જશે તો એનો આડકતરો અર્થ એ નીકળશે કે એવું કામ કરવાની મારી કોઈ હેસિયત નહોતી, હું નિષ્ફળ લોકોમાં ગણાઈ જઈશ.
તમારામાં મિડલ ક્‌લાસી મેન્ટાલિટી છે કે નહીં એની પરીક્ષા કેવી રીતે કરવી? નીચે આપેલાં પાંચમાંનું એક પણ વાક્ય જિંદગીમાં ક્યારેય તમે બોલ્યા છો? જો હા, તો તમે મિડલ ક્‌લાસી મિજાજ ધરાવો છો. અમે તો આ પાંચેય વાક્યો વારંવાર ઉચ્ચારતા આવ્યા છીએ/ આસપાસના લોકોના મોઢે સાંભળતા આવ્યાં છીએ.

૧. પછી આપણી ઈજ્જત શું રહે એમાં?ઃ

મિડલ ક્‌લાસી જીવોને પોતાની ‘ઈજ્જત’ની બહુ પડી હોય. એટલે સારી દૌલત એક તરફ અને એકલી ઈજ્જત બીજી તરફ. આવું એટલા માટે કે આપણને ખબર છે કે એવી તે કંઈ મોટી દૌલત તો છે નહીં આપણી પાસે. તો પછી સમાજમાં કૉલર ઊંચો કરીને ફરવા માટે બીજું રહ્યું શું? આ સો કૉલ્ડ ‘ઈજ્જત’ જ જેને આપણે વારંવાર વટાવતા રહીએ છીએ. એ વાત જો કે જુદી છે કે આ ઈજ્જત આપણને ન તો બેન્કમાંથી લોન અપાવી શકે છે, ન દીકરીને સારું ઠેકાણું અપાવી શકે છે. બધે જ પૈસાનું ચલણ ચાલતું હોય છે, ‘ઈજ્જત’નું નહીં.

૨. પૈસા ખર્ચીને બેઠા છીએ, કંઈ મફતમાં નથી માગતાઃ

કોઈ પણ જગ્યાએ સર્વિસમાં ઉન્નીસ-બીસ થયું તો આ વાક્ય મોંમાંથી અચૂક ઉછળવાનું. રૅસ્ટોરાંમાં, વૅકેશન પર હૉટલમાં, થિએટરમાં, ટ્રેનમાં, ટોલ ભરેલા રસ્તા પર, મૉલમાં. દરેક જગ્યાએ ક્યાંક જો આપણી અપેક્ષા કરતાં ઓછું વત્તું મળ્યું તો તરત આપણો મિજાજ છટકવાનો. હ્યુમન ઍરર થઈ શકે છે, ઈવન કૉમ્યુટરની ભૂલ પણ થઈ શકે છે એ વાત સ્વીકારવા જ આપણે તૈયાર હોતા નથી. પૈસા શું આપી દીધા કે જોહુકમી કરવાનું લાયસન્સ મળી ગયું. કરોડો રૂપિયા ખર્ચ્યાં પછી ચંદ્રયાનનો પ્રોજેક્‌ટ છેલ્લી પળોમાં ફ્લૉપ થઈ શકે છે. અને આવું કંઈ બને ત્યારે બાજી કેવી રીતે સંભાળી લેવી તે પીએમ પાસેથી શિખવા મળ્યું.

૩. ચાવી લીધી?ઃ

આ એક ટિપિકલ મિડલ ક્‌લાસી શબ્દપ્રયોગ છે. મૂકેશભાઈ કોઈ દિવસ ઘરની બહાર નીકળતી વખતે નીતાભાભીને પૂછતા નહીં હોય કેઃ ચાવી લીધી? શ્રીમંતો પાસે એમની ગેરહાજરીમાં એમના ઘર – એમની ઑફિસની રખેવાળી કરનારી સિસ્ટમ હોય છે. આપણને આવી સિસ્ટમ પોસાતી નથી એટલે દર વખતે દરવાજો બંધ કરતાં પહેલાં પૂછી લેવું પડે છેઃ ચાવી લીધી?

૪. એમાં આપણા જેવાનું કામ નહીંઃ

મિડલ ક્‌લાસી જીવોનો સ્વભાવ ડિફિટિસ્ટ હોય છે. પહેલેથી જ હથિયાર હેઠાં મૂકી દેવાનાં. ધંધામાં કે કરિયરમાં કોઈ સાહસ કરવાનું આવે કે પછી કોઈ સાવ જુદા-ક્રાંતિકારી વિચારોને સપોર્ટ કરવાનું આવે, આપણને હંમેશાં એવું જ લાગતું હોય છે કે આવું તો બીજા લોકો કરી શકે, આપણે નહીં.

૫. વર્લ્ડ બેસ્ટ સેન્ડવિચ/ વડાપાંઉ/ પાણીપુરીઃ

જાણે કેમ આપણે ન્યુયોર્ક, ઝુરિચ અને ટોકિયોનાં વડાપાંઉ ખાઈને બેઠા હોઈએ. આપણા નાનકડા જગતમાં આપણી આસપાસનું કંઈ પણ, જે જરા સરખું પણ સારું હોય, તેને આપણે ‘વર્લ્ડ બેસ્ટ’ માની લેતા હોઈએ છીએ. સેન્ડવિચ-પાણીપુરી જ નહીં, પતિ-પત્ની, સંતાનો, ભાઈબહેન, માબાપ, પડોશીઓ પણ આપણને ‘વર્લ્ડ બેસ્ટ’ લાગવા માંડે છે. આપણાં સ્ટાન્ડર્ડ્‌સ ઘણાં સાધારણ હોય છે. એટલે જ આપણે ઉચ્ચ લક્ષ્યો સિધ્ધ કરી શકતા નથી.

મિડલ ક્‌લાસી મિજાજ છોડીને જે લોકોએ કામ કર્યું છે તે સૌ આજે બિલ ગેટ્‌સ, બચ્ચનજી અને અંબાણી બની ગયા છે, અને આપણે સૌ ત્યાંના ત્યાં રહી ગયા છીએ.

પાન બનાર્સવાલા

જે વ્યક્તિ પોતાની સ્ટ્રગલ દરમ્યાન જાતને કે નસીબને કોસતી નથી એ જ મિડલ ક્‌લાસ મેન્ટાલિટીમાંથી છૂટી શકે છે.

_અજ્ઞાત

8 COMMENTS

  1. JAY SHREE KRUSHNA

    TAMARO AA LEKH VANCHINE ANAND AAVI GAYO. SAURABH BHAI, PAN EK VAAT TAME EKDUM UTAVAL THI
    LAKHI NAKHI KE JENE MIDDLE CLASS MENTALITY CHODI TE AMBANI KE AMITABHA BACCHAN BANI GAYA AA VAT SATHE HU JARA PAN SAHMAT NATHI. MUKESH BHAI NO DAKHLO LO TO TEMNE ANE ANIL AMBANI NE BANE NE SARKHU J DHIRUBHAI AAPYU HATU ATYARE MUKESH AMBANI KYA CHE ANE ANIL AMBANI KYA CHE.
    MIDDLE CLASS HOY KE GARIB KE PACHI DHANWAN MANASO NE SAMAJDAARPURAK RITE RISK LETA AAVDAVU JOIYE. SATHE BIJU RISK PARIVAAR THI DOOR RAHEVAANI TYARI HOVI JOIYE .

  2. કેમ જાણે બિલ ગેટ્‌સ, બચ્ચનજી અને અંબાણી બનવામાં જ જીવનની સાર્થકતા રહેલી હોય! અબજોની વસ્તીમાંથી પ્રસિદ્ધિ મળી મળીને કેટલાને મળી શકે?

  3. લેખ તો સારો જ છે,, પરંતુ સચોટ વાક્ય..”તમારા જ તમને હતોસ્તાહ કરવા જાત જાતના પેતરા કરતા હોય છે.” અમે મીડલ ક્લાસના જે નથી તેનો દેખાડો કરવામા છે તેને માણી નથી શકતા…

  4. લેખ તો સારો જ છે,, પરંતુ સચોટ વાક્ય..”તમારા જ તમને હતોસ્તાહ કરવા જાત જાતના પેતરા કરતા હોય છે.” અમે મીડલ ક્લાસના જે નથી તેનો દેખાડો કરવામા છે તેને માણી નથી શકતા…

  5. વાહ,તમે તો વાસ્તવિકતા કહી દીધી…..આ ‘ચાવી લીધી ‘વાળુ તો મારે રોજીંદુ છે…….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here