અયોધ્યામાં પૂજ્ય મોરારિબાપુની ‘માનસ:ગણિકા’ રામકથાનો વિરામ દિવસ

ગુડ મૉર્નિંગસૌરભ શાહ

( મુંબઇ સમાચાર : સોમવાર, 31 ડિસેમ્બર 2018)

હનુમાન ચાલીસાનો પાઠ તો દરેક ભારતીયને કંઠસ્થ હોવાનો જ. પૂજ્ય મોરારિબાપુની કથાના પ્રત્યેક દિવસનો આરંભ શંખનાદ બાદ હનુમાન ચાલીસાના ગાનથી થાય. પંડિત જસરાજના કંઠે ગવાયેલું હનુમાન ચાલીસાનું વર્ઝન અમારું ફેવરિટ છે અને પંડિતજીએ ગાયેલું મધુરાષ્ટકમ પણ.

હનુમાન ચાલીસા બાદ કથામાં વેદના મંત્રોચ્ચાર દ્વારા વાતાવરણ બંધાય છે. આ નો ભદ્રા: ક્રતવો યન્તુ વિશ્વત: (શુભ વિચારો વિશ્વભરમાંથી અમારા સુધી આવો)થી શરૂ કરીને પૂર્ણમદ: પૂર્ણમિદમ્ પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે સુધીના વેદ-ઉપનિષદોના મંત્રોને એક સૂત્રમાં પરોવીને એની મેડલી તૈયાર કરવામાં આવી છે જેને સાંભળીને તમે હજારો વર્ષ પહેલાંના તપોવનમાં પહોંચી જાઓ.

ગઈ કાલે અમારા ઉતારા પર કોઈ પૂછતું હતું કે કપડાં ધોવા આપવાનાં છે તો અહીં ધોબી છે? અમે કહ્યું: ‘આ અયોધ્યા છે. ધોબી તો હોય જ ને.’ પછી ઉમેર્યું: ‘આ ન્યૂઝ ચેનલવાળાઓ બાઈટ્સ લેવા માટે ધોબીઓ પાસે તો જતા હોય છે.’

‘માનસ : ગણિકા’નો આજે વિરામ દિવસ છે. મને ૧૯૮૩ની બાપુની મુંબઈની રામકથા યાદ આવે છે. ગિરગામ-ચોપાટી પર લાખેકનો માનવમહેરામણ. રોજેરોજની રામકથા લખવાનો મારો સૌપ્રથમ અનુભવ. બાવીસ-ત્રેવીસની ઉંમર. બાપુ પોતે કાળા વાળના સંપૂર્ણ જથ્થા સાથે અત્યારે છે એના કરતાં લગભગ અડધી ઉંમરના, ૩૬-૩૭ વર્ષના. સ્વ. વિનુભાઈ મહેતાની વગ વાપરીને બાપુને સંદેશો મોકલ્યો હતો અને રોજેરોજની રામકથા લખવા માટે આશીર્વાદ મેળવ્યા હતા.

એ વખતે બાપુ રોજ બે સેશનમાં કથા કહે. સવારે ત્રણ કલાક. પછી ભોજન માટે બે-ત્રણ કલાકનો વિરામ. ફરી સાંજ સુધી બીજા ત્રણ કલાક. બહુ મઝા પડે. રામ-ભરતની વાતને બાપુ માંડીને કહે. અમે જમણા હાથે પેન પકડીને લખીએ અને ડાબા હાથે આંખમાંથી અવિરત વહ્યા કરતા આંસું લૂછતાં રહીએ. રોજની કથા રાતોરાત પુસ્તિકારૂપે છાપીને બીજા દિવસે કથા શરૂ થાય એ પહેલાં અમારા સ્ટૉલ પરથી વેચાય. આઠ આનાની એક નકલ. ચપોચપ ઉપડી જાય. ધ્યાન રાખજો પાંત્રીસ વરસ પહેલાંનો એ જમાનો છે. પ્રિન્ટિંગ માટે ઑફસેટ આવી ગયું હતું પણ અમારું કામકાજ હજુય જુનવાણી પદ્ધતિએ ચાલતું. હૅન્ડ કમ્પોઝ થાય. પણ કામ મજબૂત. જે ચોપાઈ ટાંકીએ એને રામચરિત માનસમાંથી શોધીને એક પણ ભૂલ ન થાય એવી કોશિશ સાથે લખીએ. ‘રોજેરોજની રામકથા’ની ડિમાન્ડ એટલી કે પાંચમે-છઠ્ઠે દિવસે ખરીદવાની પડાપડી કરતા લોકોની ધક્કામુક્કીને કારણે અમારો સ્ટૉલ તૂટી પડ્યો. ફરી આવું ન થાય એટલે અમે એક તુક્કો લડાવ્યો. સ્ટૉલથી થોડે દૂર મંડપના એક થાંભલા પાસે ટેબલ પર સો નકલની થપ્પી અને એક પાત્રમાં પચાસ પૈસાના સિક્કા, રૂપિયા-બે-પાંચ રૂપિયાની નોટો વગેરેનું પરચૂરણ ગણીને મૂકી દીધું. ગિર્દી વધે એટલે તરત જ એને ખાળવા માટે સૂચના આપવામાં આવે કે પેલા ‘સેલ્ફ સર્વિસ સ્ટૉલ’ પરથી લઈ લો. પ્રયોગ હતો. નુકસાનીનો ધંધો હતો. પણ અમારા આનંદ અને આશ્ચર્ય વચ્ચે દિવસ પૂરો થયા પછી પાઈએ પાઈનો હિસાબ મળી ગયો. પછી તો બાકીના દિવસોમાં પણ સેમ અખતરો સક્સેસફુલી ચાલુ રહ્યો. મુંબઈ જેવી નગરી. ચોપાટી જેવી જગ્યા. અને છતાં ન તો કોઈએ મફતમાં ચોપડી લીધી, ન ખુલ્લેઆમ દેખાતી રોકડ રકમ સાથે છેડછાડ કરી.

હું આને બાપુની કથાનો પ્રભાવ ગણાવું છું. આજે જ નહીં, એ જમાનામાં આ નવેનવ પુસ્તિકાઓને એક પુસ્તકરૂપે પ્રગટ કરી ત્યારે પ્રસ્તાવના લખતી વખતે મેં આ કિસ્સાને વર્ણવીને એનો જશ બાપુની કથાના પ્રભાવને આપ્યો હતો.

આજે કથારંભે બાપુએ અનેક સંસ્થાઓ તરફથી આવી રહેલા પત્રો-સંદેશાઓનો ઉલ્લેખ કરીને જાહેરાત કરી કે આ સંસ્થાઓ ગણિકાઓની ઉત્તરાવસ્થામાં દેખભાળ રાખવા માટે, એમને તબીબી સહાય પૂરી પાડવા માટે, એમને રોજગાર આપવા માટે, એમનાં સંતાનો માટે શિક્ષણની વ્યવસ્થા ગોઠવવા માટે આગળ આવી છે. બાપુએ કહ્યું કે જે સાડા છ કરોડ રૂપિયા જેટલી રાશિ એકઠી થઈ છે તેની પાઈએ પાઈ આ લોકોના કલ્યાણ માટે વપરાય એવી ગોઠવણ થશે અને શું ગોઠવણ થઈ છે એની જાહેરાત આવતી કથા જે પ્રયાગરાજ (અલાહાબાદ)માં કુંભમેળા દરમ્યાન યોજાવાની છે તેના વિરામ દિવસ પહેલાં એટલે કે આગામી ૩૦ દિવસની અંદર અંદર થઈ જશે. આવું સમયસર થાય એની કોશિશ કરવાની જવાબદારી હું લઉં છું, બાપુએ કહ્યું.

બાપુની રામકથાના નવ દિવસ દરમ્યાન વ્યક્તિને, સમાજને અને આખા વિશ્વને કાયમી ધોરણે ઉપયોગી થાય એવું મળતું રહે છે. મેળવવાની હોંશ જોઈએ, પાત્રતા જોઈએ અને મળશે જ એવી શ્રદ્ધા જોઈએ.

વિરામના દિવસની કથાના આરંભે બાપુએ અયોધ્યાની રામ જન્મભૂમિ પર ભગવાન રામનું વિશ્વમંદિર બંધાશે જ એવો વિશ્વાસ વ્યક્ત કર્યો અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું નામ લઈને સૌ કોઈને અપીલ કરી કે ‘સ્વીકાર’ અને ‘સંવાદ’ની બે ઈંટ જેના પાયામાં હોય એવું ભવ્ય રામમંદિર બાંધવા માટે સૌ કોઈએ લાગી પડવું જોઈએ. બાપુએ વારંવાર ‘સ્વીકાર’ અને ‘સંવાદ’ની બે ઈંટને પાયામાં મૂકવાની વાત કહી. એમણે એનો અર્થ-વિસ્તાર નથી કર્યો. એવું એમણે સહેતુક કર્યું છે. બાપુ શું કહેવા માગે છે એ આપણે સમજીએ. સરળ વાત છે. તરત સ્વીકારી લેવાય એવી વાત છે. સૌ કોઈને ગળે ઊતરે એવી વાત છે.

બાપુ ‘માનસ : ગણિકા’ દ્વારા થયેલા કાર્યથી સંતોષ અનુભવે છે પણ કહે છે કે: એવી કોઈ ભાવના મારા મનમાં નથી કે મેં કોઈ બહુ મોટું કાર્ય કરી નાખ્યું છે. પણ શરૂઆત થઈ છે એનો આનંદ છે.

સાતમા દિવસના અંતે કથાનો ટ્રેક નહીં જાળવી શકેલા એક મિત્રે મને પૂછ્યું હતું: કથા ક્યાં સુધી પહોંચી? મેં કહ્યું: જુઓને, પાંચમા-છઠ્ઠા દિવસે બે પાર્ટમાં રામજન્મ ઉજવ્યો પછી આજે ચારેય ભાઈઓની નામકરણ વિધિ થઈ.

બાપુ જાણે છે અને કથા દરમ્યાન કહે પણ છે કે રામાયણની કથા તો તમે સૌ જાણો જ છો.

બાપુએ હવે પહેલાંની જેમ રામચરિત માનસના દરેક પ્રસંગને દરેક કથામાં ગાવાની જરૂર નથી. બાપુ પોતાના શ્રોતાઓને એક જમાનામાં બાળ મંદિરમાં રામાયણ ભણાવતા. આ જ શ્રોતાઓ બાપુ પાસે ભણીને પ્રાથમિક શાળામાં માનસની કથાનો અભ્યાસ કરતા થયા. ક્રમશ: બાપુએ એમને માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક તથા ગ્રેજ્યુએટ લેવલના અભ્યાસને લાયક બનાવ્યા. હવે બાપુ પોસ્ટ ગ્રેજ્યુએટ લેવલ પણ પાર કરીને પીએચ.ડી.ની પદવી માટે એમના શ્રોતાઓને તૈયાર કરી રહ્યા છે. આ સ્તરે એકડિયાબગડિયાની જેમ ‘ક’ કમળનો ‘ક’, ‘ખ’ ખડિયાનો ‘ખ’ અને ‘ગ’ ગણપતિનો ‘ગ’ થોડું ભણાવાય. 

રામચરિત માનસના સાતેય સોપાનની કથાને બાપુ આજે નવમા દિવસે ખૂબ રસપ્રદ રીતે, એમની આગવી ચુંબકીય શૈલીમાં, ચોપાઈ-દોહાઓના ગાનનું ભરતકામ કરીને ફાસ્ટ ફોરવર્ડમાં પૂરી કરે છે. બાલકાંડ, અયોધ્યાકાંડ, અરણ્યકાંડ, કિષ્કિન્ધાકાંડ, સુંદરકાંડ, લંકાકાંડ અને ઉત્તરકાંડના સાત સોપાનોમાં વહેંચાયેલા રામચરિતમાનસનો અરણ્યકાંડ સૌથી મોટો છે, સુંદરકાંડ સૌથી નાનો છે. આ કથા નિમિત્તે બાપુ જીવનને સ્પર્શતા દરેક વિષયને એક પછી એક આવરી લે છે. શ્રોતાઓને બાળમંદિરમાંથી ઊંચકીને ડૉક્ટરેટની ડિગ્રી અપાવવા સુધીનું બાપુનું તપ એમની આ વિશિષ્ટ અને અનઅનુકરણનીય (ઈનઈમિટેબલ, જેને ઈમિટેટ ન કરી શકાય, જેનું અનુકરણ કે જેની નકલ ન કરી શકાય) એવી શૈલીને કારણે ચિરસ્મરણીય રહેવાનું છે. બાપુની મૌલિકતાનો, એમના આગવા વિચારોનો પડઘો આજે મંચ પર વિશાળ આસને બિરાજમાન રામજન્મભૂમિ શિલાન્યાસ ટ્રસ્ટના પ્રમુખ મહંતશ્રીએ પણ પાડ્યો. વયોવૃદ્ધ મહંતશ્રીએ નવેનવ દિવસની કથા એકધ્યાને સાંભળી છે એનો પુરાવો ત્યારે મળ્યો જ્યારે બાપુએ કહ્યું: રામને શીલ રૂપ બલ ધામ કહ્યા છે. શીલથી રામે અયોધ્યાને, રૂપથી જનકપુરી મિથિલાને અને બલથી લંકાને વશ કરી. બાપુનું આ ઈન્ટરપ્રીટેશન સાંભળીને તરત જ મહંતશ્રીએ હાથ ઊંચો કરીને જાણે ‘વાહ, ક્યા બાત હૈ’ પોકારતા હોય એવી રીતે બાપુને વધાવી લીધા. જ્ઞાનવૃદ્ધ અને અનુભવવૃદ્ધ સંતો પણ બાપુની વાણીને એક્નોલેજ કરે છે. 

એક અલગ સંદર્ભમાં બાપુએ આજે કહ્યું: ભય કે પ્રલોભનથી વશ થઈને જો આ ત્રણ જણ પોતાની ફરજ ભૂલી જાય તો ઘણું મોટું અહિત થાય. સચિવ રાજાને ખોટી સલાહ આપે, વૈદ્ય દર્દીને ગેરમાર્ગે દોરે અને ગુરુ શિષ્યની ખોટી ખુશામત કરે – ભય અને/અથવા પ્રલોભનથી પ્રેરાઈને- તો ઘણો અનર્થ સર્જાય. 

રામનો રાજ્યાભિષેક થઈ રહ્યો છે. મંગળ ચોપાઈઓ ગાઈને કથા મંડપમાં ઉત્સવનો માહોલ સર્જાઈ રહ્યો છે. બાપુ રૉક કૉન્સર્ટને ઝાંખી પાડી દે એવી પ્રયુક્તિ અજમાવવાનું શ્રોતાઓને કહે છે: બધા પોતપોતાનો મોબાઈલ ખિસ્સામાંથી બહાર કાઢો. સાધુ મહારાજો, આપ પણ જો કમંડળમાં કે ઝોલામાં મોબાઈલ લઈને આવ્યા હો તો બહાર કાઢો. હવે એની બૅટરી ઑન કરો અને હાથમાં આરતીની થાળી હોય એ રીતે મોબાઈલ ઘુમાવો અને રામના રાજ્યાભિષેકમાં જોડાઈ જાઓ.

શું ગજબનું દૃશ્ય હતું આ. અવર્ણનીય. શબ્દોમાં કહીશું તો ફિક્કું લાગશે. જાતે જ યુટ્યુબ પર જોઈ લેજો.

અયોધ્યામાં યોજાયેલી ‘માનસ : ગણિકા’નું નવ દિવસીય આયોજન હેમખેમ પાર ઊતર્યું છે. કોઈ વિઘ્નો નથી નડ્યાં. એક ક્રાન્તિકારી ઘટનાના સૌ સાક્ષી બન્યા છીએ જેના કેન્દ્રમાં બાપુ છે, રામચરિત માનસ છે, સમાજનો એક એવો હિસ્સો છે જેને અત્યાર સુધી લોકોએ તરછોડ્યો છે.

બાપુ કહે છે: કશું કહેવાનું બાકી રહ્યું નથી એવું લાગે છે. લાંબી ખામોશી પછી ઉમેરે છે: કથાના આયોજનમાં કથાકાર દ્વારા, યજમાન દ્વારા, શ્રોતાઓ દ્વારા, કોઈનાય દ્વારા કશી ત્રુટિ રહી ગઈ હોય તો એની પૂર્તિ માટે ઋષિઓની પ્રવાહી પરંપરામાં જે એક મંત્ર છે એનું ઉચ્ચારણ ત્રણ વાર કરવાનું: હરયે નમ: હરયે નમ: હરયે નમ:

પ્રથમ દિવસે જે બે ચોપાઈ દ્વારા કથાનો કેન્દ્રીય વિચાર વ્યક્ત કર્યો હતો અને જેના શબ્દો સૌને હવે કંઠસ્થ છે તે ચોપાઈઓનું બાપુ સમૂહગાન કરાવે છે. તમે પણ ગાઓ:

અપતુ અજામિલ ગજ ગનિકાઉ
ભએ મુકુત હરિ નામ પ્રભાઉ

પાઈ ન કેહિ ગતિ પતિત પાવન રામ ભજિ સુનુ સઠ મના.
ગનિકા અજામિલ બ્યાધ ગીધ ગજાદિ ખલ તારે ઘના

બંનેના અર્થ કથાના છઠ્ઠા દિવસ વિશેના લેખમાં અપાઈ ચૂક્યા છે.

હનુમાનજીને આમંત્રણ આપીને કથાનો આરંભ કર્યો હતો. હવે એમને વિદાય આપવાનો સમય થઈ ગયો છે. પણ એ પહેલાં:

અચ્યુતમ્ કેશવમ્ શ્રી રામ નારાયણમ્
કૃષ્ણ દામોદરમ્ વાસુદેવમ્ હરિ

અને હવે:

કથા વિસર્જન હોત હૈ
સુનહુ વીર હનુમાન
રામ લછમન જાનકી
સદા કરો કલ્યાણ
સિયાવર રામચંદ્ર પ્રિય હો
રાધાવર કૃષ્ણચંદ્ર પ્રિય હો
ઉમાપતિ મહાદેવ પ્રિય હો
પવનસુત હનુમાન પ્રિય હો
બોલો ભાઈ, સબ સંતન પ્રિય હો
હરિ ઓમ…

રામકથા હોય કે ભાગવદ્ કથા- દરેક કથામાં કથાકાર પોતાની જે કથાપોથી વ્યાસપીઠ પર રાખે તેનું અનેરું મહત્ત્વ હોય. કથાના મંગળાચરણના દિવસે પોથીયાત્રા કાઢવામાં આવે. યજમાનની વહુ/દીકરી પોતાના માથે મૂકીને પોથી કથામંડપમાં લાવે અને કથાકારને સોંપે. કથા વિરામ લે એ દિવસે, છેક છેલ્લે, પોથીની આરતી થયા બાદ યજમાનની વહુ/દીકરી ફરી એ પોથીને માથે મૂકીને મંડપમાંથી વિદાય લે.

બાપુએ આ લહાવો, જેમના માટે કથા યોજાઈ છે એ બહેનબેટીઓને આપ્યો. દરેકે મંચ પર આવીને પોથી પોતપોતાના માથે ઊંચકી પછી છેવટે યજમાનની વહુ/દીકરીના માથે એને સ્થાન મળ્યું. આવું ભાવભીનું દૃશ્ય ક્યારેય કોઈએ જોયું નહીં હોય. દરેક આંખ સજળ બનીને બાપુની આ નિષ્ઠાની સાક્ષી બની. આવું દુર્લભ દૃશ્ય કથામંડપમાં સગી આંખે જોવા મળ્યું એ અયોધ્યા આવવાની અમારી સૌથી મોટી ઉપલબ્ધિ.

અંગત રીતે બીજી એક ઉપલબ્ધિ એ કે ‘માનસ : ગણિકા’ના શ્રવણ પછી મારામાં એક એવી નૈતિક હિંમતનું સિંચન થયું છે જેનો અગાઉ મારામાં અભાવ હતો જે હું આ લેખશ્રેણીમાં એક તબક્કે કબૂલ કરી ચૂક્યો છું. પણ હવે હામ આવી છે. બાપુએ જે વિષય પર નવ દિવસની કથા કહી તે વિષયને આગળ લઈ જવા, મારા આ બાબતે જે વિચારો છે, તે પ્રગટ કરતી એક દીર્ઘ લેખશ્રેણી અથવા તો એક સ્વતંત્ર પુસ્તક લખીશ. (મનોરથ છે. પાર પડ્યો તો હરિકૃપા, નહીં તો હરિઈચ્છા. બાપુ પાસેથી ધીમે ધીમે ઘણું શીખવાનું છે).

બાપુએ ગઈ કાલે જે ‘મોબાઈલ કથા’ના મનોરથનો ઉલ્લેખ કર્યો તેનો રૂટ ગઈ કાલે તેમ જ આજે પણ શ્રોતાઓને મોઢે થઈ જાય એ રીતે પાકો કરાવ્યો. ગલીમહોલ્લા કક્ષાના કેટલાક ગુંડામવાલીઓનાં બેજવાબદાર નિવેદનોની લેભાગુ મીડિયાવાળાઓ કેવી રીતે હેડલાઈનો બનાવે છે તેનાથી સૌ કોઈ પરિચિત છે. કોઈ સ્થાનિક ચિરકુટે પાંચ દિવસ પહેલાં એવું નિવેદન આપ્યું કે આ વખતે ભલે મોરારિબાપુને કથા કરવા દઈએ પણ હવે પછી એમની કથા અયોધ્યામાં નહીં થવા દઈએ. કારણ કે ગણિકાઓને લાવીને બાપુએ અયોધ્યાને અપવિત્ર બનાવ્યું છે.

આવા અણસમજુઓને કોણ અક્કલ આપશે કે વિશ્વમાં કોઈ ધર્માચાર્યે ન કર્યું હોય એવું કાર્ય બાપુએ અયોધ્યા આવીને કર્યું છે જેના માટે માત્ર તમામ અયોધ્યાવાસીઓને જ નહીં, ભારતના તમામ સાધુસંતોને, સમગ્ર વિશ્વને ગૌરવ છે.

બાપુએ ‘માનસ : અયોધ્યાકાંડ’ માટે જે મનોરથ કર્યો છે તેનો રૂટ જે ગોઠવ્યો છે એની સમજણ રામાયણપ્રેમીઓને આપવાની જરૂર નથી. પણ જેઓ રામકથામાં નવા નવા જોડાઈ રહ્યા છે એમને આ નવ દિવસીય ચરૈવેતિ કથાના નવ સ્થળોનું શું મહાત્મ્ય છે તેની સંક્ષિપ્તમાં જાણકારી આપીને ભવિષ્યની અયોધ્યા કથા માટે માનસિક રીતે તૈયાર કરવાની જવાબદારી નિભાવી લઈએ.

પ્રથમ દિવસ અયોધ્યામાં જે રામની જન્મભૂમિ છે. બીજો દિવસ પણ અયોધ્યામાં જ્યાંથી રામે ૧૪ વર્ષના વનવાસ માટે પ્રયાણ કર્યું. કથાનો ત્રીજો દિવસ તમસાને તીરે. તમસા નદી ગંગાજીમાંથી ફંટાઈ છે. ૧૪ વર્ષના વનવાસનો સૌથી પહેલો દિવસ ભગવાન રામ, લક્ષ્મણજી અને સીતામાતાએ તમસા નદીના તટ પર ગાળ્યો હતો. આખી અયોધ્યાનગરી એમની સાથે વનવાસ ગાળવા આવી હતી. ભગવાને સૌની સાથે એક રાત અહીં વીતાવવાનું આશ્વાસન આપ્યું અને રાત પડી એટલે સૌને ઊંઘતા મૂકીને પ્રભુએ પોતાનો પ્રવાસ આગળ વધાર્યો એવી કથા છે.

કથાનો ચોથો દિવસ શ્રૃંગવેરપુરમાં. પ્રયાગરાજ (અલાહાબાદ)થી ૪૦ કિલોમીટરના અંતરે આવેલા આ પવિત્ર સ્થળેથી ભગવાને ગંગા પાર કરી. કેવટવાળો પ્રસંગ અહીં બન્યો હતો. રામની ચરણરજથી શીલામાંથી અહલ્યા થઈ ગઈ એવી રીતે પોતાની નાવ જો સ્ત્રી બની જશે તો કેવી રીતે પોતે એનું ભરણપોષણ કરશે એવું કહીને કેવટ રામને નૈયામાં બેસાડતાં પહેલાં એમનાં ચરણ ધોવાની અનુમતિ માગે છે. ભગવાનને ગંગા પાર કરાવીને રામ જ્યારે કેવટને ઊતરાઈ પેટે કશુંક આપવા માગે છે ત્યારે કેવટ કહે છે કે જાતભાઈ પાસેથી ઊતરાઈ કેવી રીતે લેવાય? હું લોકોને ગંગા પાર કરાવું છું, તમે સંસારસાગર પાર કરાવો છો, આપણે બેઉ સરખા છીએ! આ કેવટને યાદ રાખીને, ભગવાન જ્યારે લંકાથી પુષ્પક દ્વારા અયોધ્યા જઈ રહ્યા છે ત્યારે, એને પુષ્પકમાં પોતાની સાથે અયોધ્યા લાવે છે એવી કથા છે. 

પાંચમો દિવસ પ્રયાગરાજમાં અલાહાબાદનું ઑફિશ્યલ નામ હવે પ્રયાગરાજ છે. ૧૫૭૫ની સાલ સુધી પ્રયાગરાજ તરીકે જ ઓળખાતું હતું આ તીર્થ સ્થળ. પણ પછી ઈલાહાબાદ બન્યું. સનાતન પરંપરામાં આગવું સ્થાન ધરાવતું આ પવિત્ર તીર્થ સ્થળ વેદોમાં તેમ જ અનેક શાસ્ત્રોમાં ઉલ્લેખ પામેલું છે. રામાયણમાં એનો ઉલ્લેખ એ રીતે છે કે વનવાસી ભગવાન રામે ચિત્રકૂટ તરફ પ્રયાણ કરતાં પહેલાં થોડોક સમય અહીં ભરદ્વાજ મુનિના આશ્રમમાં વીતાવ્યો હતો. 

કથાનો છઠ્ઠો દિવસ વાલ્મીકિ આશ્રમમાં. અહીં વાલ્મીકિએ ક્રૌંચ વધથી વ્યથિત થઈને રામાયણના પ્રથમ શ્લોકની રચના કરી. 

સાતમો દિવસ ચિત્રકૂટમાં. આ પવિત્ર સ્થળ ભરતમિલાપની ભૂમિ છે. રામને પાછા અયોધ્યા લાવવાની વિનંતી કરવા આવેલા ભરતજી અહીં આવ્યા પછી રામના સમજાવ્યા બાદ રામની પાદુકા લઈને અયોધ્યા પાછા જાય છે. રામ અહીંથી દંડકારણ્ય જાય છે. 

આઠમો દિવસ ફરી અયોધ્યામાં જ્યાં રામનો રાજ્યાભિષેક થાય છે, રામરાજ્ય સ્થપાય છે. 

નવમો અને વિરામનો દિવસ નંદીગ્રામમાં. આ પવિત્ર સ્થળ અયોધ્યાથી વારાસણી તરફ જતા ફૈઝાબાદની નજીક આવેલું છે. રામ વનવાસમાં હતા ત્યારે ભરતજીએ અયોધ્યાના રાજમહેલમાંથી નહીં પણ મુનિની જેમ અહીં તપસ્યા કરીને અયોધ્યા જેની રાજધાની હતી તે કોસલ રાજ્યનું સંચાલન કર્યું હતું. 

રામાયણ એક અદ્ભુત વારસો છે આપણી સંસ્કૃતિનો. પૂજ્ય મોરારિબાપુ રામકથા દ્વારા એ વારસાને સાચવીને એનો વિસ્તાર કરી રહ્યા છે. બાપુને વંદન કરીને અયોધ્યાની ‘માનસ : ગણિકા’ની રોજેરોજની રામકથાને અહીં વિરામ આપીએ. આ લખતા દરમિયાન થયેલી ભૂલચૂક લેવી દેવી. હરયે નમ: હરયે નમ: હરયે નમ:

જય સિયારામ.

7 COMMENTS

  1. આખી લેખમાળા વાંચ્યા પછી એક વાત તો બાપુની કથા સંભાળવાનો લાહવો લેવો એવું મનથી નિર્ધાર કર્યો છે.

  2. Saurabhbhai,
    Aape kharekhar Rajkot betha amaraa jeva senior citizens ne Ayodhyaa ni Ramkatha nu jane live sambhalataa hoy tevu ras paan karavyu. Ghanaa badhaa hurdles hovaa chhata Ramkatha khoob ja himmat purvak kari, evi himmat prabhu amne kye divase aapse?Thank Al lot.

  3. નમસ્કાર શાહ સાહેબ..
    હરિ અનંતા હરિ કથા અનંતા..?
    આપની લેખમાળાથી સૌ પાવન થયાં..
    આ વિષય પર આપની દીર્ઘશ્રેણી લખવાનો મનોરથ પરમાત્મા પાર પાડે એવી પ્રભુ પ્રાર્થના..
    આભાર..

  4. સૌરભભાઈ 1983 માં પહેલીવાર બાપુને સાંભળ્યા ત્યારથી તેમનો ફેન થયો હતો અને આજે પણ પૂજનીય બાપુ માટે એટલો કે એથી પણ વધુ આદર છે.

    તમારી લેખમાળા માં સૌથી પ્રિય સાહીર પછી કૂમી કપુર ની ઈમરજન્સી ઉપરની બુક કે ગાઈડ ની. પણ આ લેખમાળા માં તો તમે હદ કરી નાખી. આફરીન.

    મહારાજ જેવી સક્ષમ નવલકથા તમે લખી જછે. તમે આ કથાના વિષય ઉપર પણ અફલાતુન લેખમાળા, પુસ્તક કે નવલકથા લખી જ શકો એમાં કોઈ જ ડાઉટ નો સવાલ જ નથી. ઓલ ધ બેસ્ટ.

    આ કથા માટે અને આ લેખમાળા માટે પૂજ્ય બાપુને અને તમને વંદન અને ખુબ ખુબ આભાર.

    • સૌરભ સાહેબ અદ્ભુત,રોજ કથા મા હાજર હોઈ એવો અનુભવ તમે કરાવીયો

  5. સૌરભ ભાઈ , અદભૂત જ્યારે લેખમાળા શરૂ થઈ ત્યારે મારા જેવા બહુ ધાર્મિક નહીં તેવા ને લાગતું નહોતું કે આ લેખમાળા આટલી રસપ્રદ રહેશે.બાળપણ માં 1980 માં નડિયાદ સંતરામ મંદિર માં બાપુ ની કથા નો લાભ મળ્યો હતો પણ ત્યારે રામાયણ એક વાર્તા જેવું લાગતું હતું.લેખ વાંચવા થી અમને પોતાને અયોધ્યા માં મોરારિબાપુ ની સામે બેઠા એવું લાગ્યું.બાપુ ફેબ્રુઆરી માં ફરી થી સંતરામ મંદિરમાં કથા કરવા ના છે પણ મારા માટે તે નસીબ માં નથી.ગણિકા જેવા વિષયો પર માત્ર વાતો કરવા ને બદલે ખરેખર તેમની વચ્ચે જઈ ને સમાજ માં એક ખુબજ ઉત્કૃષ્ઠ દાખલો બેસાડ્યો છે.અન્ય સંપ્રદાયો અને બીજાઓ એ પણ દાખલો લેવો જોઈએ.ફરી એકવાર ખુબજ રસપ્રદ અભિનંદન.
    રાજન શાહ (નડિયાદ/વેન્કુવર)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here