તમામ સંબંધો સ્વાર્થને આધીન છે એવું ચાણક્ય કહે છે : સૌરભ શાહ


( ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ, મંગળવાર, 7 એપ્રિલ 2020)

ધન વિશે ચાણકયે કહ્યું કે માણસે પોતે અમર છે એમ માનીને ધનનો સંગ્રહ કરવો જોઈએ. અર્થાત્ ‘આજે નહીં તો કાલે, મરવાનું તો નિશ્ર્ચિત જ છે. ક્યાં આ બધી લક્ષ્મી છાતીએ બાંધીને લઈ જવાની છે’ એવા વિચારો કરીને માણસે ઉદ્યમ કરવામાં આળસ કરવી નહીં. પૂરતા ધન વિના, જો વૃદ્ધાવસ્થા લંબાય તો, જીવન આકરું બની જાય.

કમાણી કરવા માટે કેટલાક લોકો ‘પાપી પેટને ખાતર કરવું પડે છે’ એવું બહાનું આગળ ધરીને કોઈ પણ પ્રકારનાં હીન કામો કરવા તૈયાર થઈ જાય છે. પણ ચાણકય કહે છે કે ‘માણસ ભૂખ્યા પેટે પણ જીવી લેતો હોય છે.’ બે ટંકના ભોજન માટે અનૈતિક કામ કરવાં અનિવાર્ય નથી હોતાં. ભૂખ ક્યારેય વ્યક્તિની ખુમારીને તૂટવા દેતી નથી. પાંગળું મનોબળ જ માણસની નિષ્ઠાને ડગમગાવી દે છે. બહુ સરસ વાત છે આ – ભૂખ્યા રહીને પણ જીવી શકાય છે.

ચાણકય માને છે કે ચતુર માણસને ક્યારેય રોજી-રોટીનો ભય નથી સતાવતો. પોતાની વ્યવહાર કુશળતાથી એ ગમે તેવા કપરા સંજોગોમાં આજીવિકા મેળવી લે છે. ધન વિશેની એક કડવી સચ્ચાઈ ચાણકય પાસેથી જાણી લઈએ. એ કહે છે કે પૈસા વિનાના માણસની સાચી શિખામણને પણ કોઈ કાને ધરતું નથી. બીજી એક વાત ચાણકય કહે છે કે જરૂરી દ્રવ્યની જોગવાઈ કર્યા વિના કોઈપણ કાર્યનો આરંભ કરવો એ રેતીમાંથી તેલ કાઢવાનો પ્રયત્ન કરવા બરાબર છે. કામ તો શરૂ કરો, પૈસાની જોગવાઈ આગળ જતાં આપોઆપ થઈ રહેશે એવું કહેનારાઓની સલાહ માનનારાઓ ભવિષ્યમાં ઊંધે માથે પછડાય છે. જે કામ માટે જેટલા ધનની આવશ્યકતા હોય તે અંગે કાર્યના આરંભે જ નિશ્ર્ચિત ગોઠવણ થઈ ગઈ હોવી જોઈએ.

ચાણકયના આ એક સૂત્રને ઉવેખવાની બેદરકારી પણ ન ચાલે: ‘દરેક પ્રકારના પ્રયત્નો કરીને સંપત્તિ એકઠી કરવી જોઈએ.’ આ સલાહ રાજા માટે છે અને દરેક માણસ પોતાના મનોરાજ્યનો નૃપ છે એવું માનીને તમે ચાલી શકો છો. સ્વકલ્યાણ માટે કે પરોપકાર માટે સંપત્તિ હોવી અનિવાર્ય.

આડ વાત. ગો. મા. ત્રિ.ની નવલકથાનો સરસ્વતીચંદ્ર સુવર્ણપુર છોડીને ગાડામાં મનોહરપુરી થઈ રત્નનગરીની દિશામાં જતો હતો ત્યારે રસ્તામાં અર્થદાસ નામનો વાણિયો પોતે ગરીબ અને લાચાર છે એવું કહીને સરસ્વતીચંદ્રને કરગરતો હતો. આવે વખતે સરસ્વતીચંદ્રને પોતાની જાતની ઘૃણા ઉપજી કે હું શા માટે છતી લક્ષ્મીએ અકિંચન થઈ ગયો. ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીના વાચકોને યાદ હશે કે સરસ્વતીચંદ્રને પિતા પાસે આઠથી દસ લાખ રૂપિયા હતા. ૧૮૮૦-૯૦ના ગાળામાં આજના અમુક સો કરોડ રૂપિયા થાય. સરસ્વતીચંદ્રન પાસે માનો વારસો મળ્યાથી લાખની મૂડી તેમ જ વાલકેશ્ર્વરમાં પિતાના ત્રણચાર બંગલામાંનો એક બંગલો હતો. પિતાની મૂડીમાંથી, જે વારસો મળે એમ હતો તે તો પાછો જુદો. આ બધું છોડીને ભાઈ (સરસ્વતીચંદ્રને એના ઘરમાં પિતા, ઓરમાન મા ગુમાન ઈત્યાદિ ભાઈ કહેતા. ૧૮૮૫માં લખાયેલી નવલકથાની આ વાત છે. તે વખતે દાઉદના દાદાનોય જન્મ થયો નહોતો) પહેરેલા કપડે નીકળી પડ્યો છે. સરસ્વતીચંદ્ર અફસોસ કરે છે: ‘એનું દુ:ખ ભાંગવા જેટલો પઈસો મ્હારી કને હતો, તે મ્હેં છોડ્યો. દ્રવ્યનો આવા પ્રસંગે ઉપયોગ થતો હશે તેનું મને ભાન ન રહ્યું.’

સત્તર વર્ષે એમ.એ. પછી એલ.એલ.બી. અને બેરિસ્ટર થયેલા વિદ્વાન ગર્ભશ્રીમંતને મોડે મોડે પણ દ્રવ્યનું મૂલ્ય સમજાયું. હાલ તુરંત એની પાસે આપવા જેવું કંઈ નહોતું સિવાય કે ધોતિયાના છેડે બાંધેલી છ-સાત હજારની કિંમતની મણિમુદ્રા અર્થાત્ વીંટી જે કુમુદસુંદરીની આંગળી શોભાવવા બનાવવામાં આવી હતી. ભાઈએ એ ગરીબ વાણિયાને આપી દીધી. એ વાત અલગ છે કે સરસ્વતીચંદ્રને બહારવટિયો ધારીને પેલા વાણિયાએ ગરીબ હોવાનું માત્ર નાટક કર્યું હતું.

આખી વાત કહેવા જઈશું તો ચાણકય રહી જશે. એક વાત નક્કી છે કે ગો. મા. ત્રિ.ના દિમાગમાં આ મહાનવલના લેખન દરમ્યાન ચાણકયનાં સૂત્રો રમતાં હશે. લિટરેચરના સ્ટુડન્ટ્સ માટે પીએચ.ડી.ની થીસિસનો વિષય બની શકે: ‘ગોવર્ધનરામ પર ચાણકયની અસર – સરસ્વતીચંદ્રના સંદર્ભમાં.’

પૉલ જ્હૉન્સને વિશ્વના કેટલાક ઉત્તમ સાહિત્યકારો, ચિંતકો, વિચારકોની પોલ ખોલતું ‘ઈન્ટલેક્ચ્યુઅલ્સ’ પુસ્તક લખવાનું માંડી વાળ્યું હોત જો એણે ચાણકયની આ સલાહ માથે ચડાવી હોત: ‘રત્ન ક્યારેય અખંડિત હોતું નથી.’ અર્થાત્ કિંમતીમાં કિંમતી મણિમાં પણ ક્યાંક કોઈક પ્રકારની નાનકડી ય ખરાબી હોવાની. જેવું રત્નનું એવું જ મહાપુરુષોનું. વ્યક્તિ સાધારણ હોય કે અત્યંત પ્રતિભાવાન, એના નાના નાના અવગુણોને જ કેન્દ્રમાં રાખીશું, એનામાં રહેલા સદ્ગુણો પર નજર નહીં રાખીએ તો નુકસાન આપણને જ છે, એને નહીં.

ચાણકય નીતિના ગ્રંથમાં જે સૂત્ર સોનાના અક્ષરે લખાવું જોઈએ તે હવે આવે છે: ‘તમામ સંબંધો સ્વાર્થને આધીન છે.’ બે રાજ્ય વચ્ચે હોય કે બે વ્યક્તિઓ વચ્ચે, પરસ્પર સ્વાર્થ ન હોય તો સંબંધો બંધાતા જ નથી. પ્રયોજન વિનાનો, હેતુ વિનાનો સંબંધ હોઈ શકે જ નહીં. એક આખું પુસ્તક લખાય એવી માર્મિક વાત આ એક સૂત્રમાં ઠાંસી ઠાંસીને ભરેલી છે.

ઘણા લોકોને પોતાની નબળાઈઓ જાહેરમાં કે અન્ય વ્યક્તિઓ સમક્ષ પ્રગટ કરી દેવાની બહુ હોંશ હોય છે. ભાઈ, મારાં નસીબ એવાં ફૂટેલાં નીકળ્યાં કે ધંધામાં ચાર કરોડની ખોટ ગઈ – કોઈએ પૂછયું નહીં હોય તો ય સામેથી કહેશે. કે પછી, શું કરું આ બધું મારી આળસનો પ્રતાપ છે – એવું કહેશે. કહેનારને લાગે કે આમ કહીને પોતે બહુ મોટી નિખાલસતા દેખાડી રહ્યા છે, પોતે કેટલા પારદર્શક છે એવું સ્થાપી રહ્યા છે. પણ દરેક સાંભળનારનું મન તમે કળી શકવાના નથી. ચાણકય કહે છે કે ‘પોતાનાં છિદ્રોની જાણ ક્યારેય કોઈને ન કરવી.’ કારણ? તો કહે: શત્રુ હંમેશાં તમારી નબળાઈઓ વિશે જાણકારી મેળવીને એના પર જ પ્રહાર કરે છે. આ સાથે ચાણકય સલાહ આપે છે કે શત્રુનાં છિદ્રોની તમને જાણકારી હોવી જોઈએ એટલું જ નહીં લાગ મળ્યે એનાં છિદ્રો પર પ્રહાર પણ કરવો જોઈએ અને જ્યાં સુધી શત્રુનાં છિદ્રોનો તાગ ન મળે ત્યાં સુધી એને મિત્રતાના ભ્રમમાં રાખવો જોઈએ.

ચાણકયનું એક ઔર સૂત્ર કોતરાવી રાખવા જેવું છે: ‘સંયોગવશાત્ ઊધઈ પણ સુંદર આકૃતિ દોરે છે.’ અર્થાત્ લાકડાની દુશ્મન એવી ઊધઈ લાકડાને અંદરથી ખોખલું બનાવી દે ત્યારે કોઈ કોઈ વખત સપાટી પર સુંદર આકૃતિ સર્જાયેલી હોય એવું દેખાય છે. દુર્જન દ્વારા તમને લાભ થયો છે એવું જતાવવાની કોઈ કોશિશ કરે ત્યારે તમારું ધ્યાન સપાટી પરની ડિઝાઈન તરફ નહીં પણ ખવાઈ ગયેલા લાકડા પ્રતિ જવું જોઈએ. બાહ્ય રીતે કોઈ આપણું સારું કરી રહ્યું છે એવો ભાસ થાય ત્યારે અંદર એનાં શું પરિણામ આવશે તે વિચારવું જોઈએ.

ચાણકયની એક ઔર સલાહ હરીન્દ્ર દવેએ માની હોત તો એમને ક્યારેય આ શેર લખવાની નોબત ન આવી હોત:

મારી જો શીખ લ્યો તો મુલાયમ થશો નહીં,
રહીને સુંવાળા સૌને દુભવ્યાનો થાક છે.

ચાણકયે કહ્યું છે કે ‘મૃદુ સ્વભાવવાળા લોકોનું એમના પોતાના આશ્રિતો પણ અપમાન કરતા હોય છે.’ માત્ર રાજકાજના ક્ષેત્રમાં જ નહીં, બધે આ સૂત્ર લાગુ પડે. સુરેશ દલાલ કહેતા એમ: ડંખીએ નહીં પણ ફૂંફાડો રાખવાનો. આ જ સંદર્ભમાં બીજું એક ચાણકય સૂત્ર છે કે, ‘અગંભીર વિદ્વાનને લોકો સન્માન નથી આપતા.’ આનો અર્થ એ નથી કે માણસે વિદ્વતાનો ડોળ કરવા ઘુવડ ગંભીર ચહેરે ફરવું. અર્થ એ કે વિદ્વાનોએ ઉછાંછળું વર્તન કરવું નહીં. સામાન્ય પરિચિતોને કે દૂરના મિત્રોને તમારી સાથે બોલવા – વર્તવામાં અઘટિત છૂટ લેવા દેવી નહીં અને જો એવું કરે તો એમને ટકોર કરીને રોકવા.

આખી દુનિયાનું ડહાપણ પોતાનાં સૂત્રોમાં ઠાલવી દેનારો ચાણકય ક્યારેક તમને કઠોર, લાગણીશૂન્ય લાગે. પણ ના, એવું નથી. એક જગ્યાએ એ એક નાનકડી પણ ખૂબ મોટી વાત કહી દે છે: ‘પુત્ર અથવા તો સંતાનોના સ્પર્શથી ચડિયાતું બીજું કોઈ સુખ નથી.’

સાચી વાત છે. સંતાનોના માથે હાથ ફેરવવાથી કે એમને છાતીએ વળગાડવાથી માબાપને જે સુખ મળે છે એનાથી ચડિયાતું બીજું કયું સુખ હોઈ શકે આ સંસારમાં.

ચાણક્ય નીતિ વિશે હજુ થોડી વાતો કરવાની બાકી છે. કાલે.

7 COMMENTS

  1. આપના લેખો રસ્પદ હોવાથી આતુરતાથી પ્રતિક્ષા રહે છે.
    Keep it up.

  2. ‘ચાણક્ય નીતિ’ સરસ લેખ. સરસ્વતીચંદ્ર નવલકથા નો સંદર્ભ અંને હરીન્દ્ર દવેનો શેર સરસ. અને ‘ સંતાનોના સ્પર્શ…..’ !. વાંચવા ની મજા આવી ગઈ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here