વધારે સ્વતંત્રતા મેળવવી હોય તો વધારે જતું કરવું પડે : સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ : મંગળવાર, ૯ માર્ચ ૨૦૨૧)

આઝાદી સાપેક્ષ છે. આઝાદી એક છલના છે અને સંપૂર્ણ સ્વતંત્રતાનો કન્સેપ્ટ સંપૂર્ણ ભ્રમણા છે. દેશની કે વ્યક્તિની – કોઈનીય આઝાદી સંપૂર્ણ હોતી નથી. બંધન ગણો કે અંકુશ દરેકે ક્યારેક ને ક્યરેક સ્વીકારવા જ પડે છે. અન્યથા એનાર્કી ફેલાઈ જાય, અરાજકતા છવાઇ જાય, અંધાધૂંધી મચી જાય. બધું સમુંસૂતરું ચાલે એ માટે કેટલાંક બંધન, કેટલીક મર્યાદા, કેટલાંક અંકુશ અનિવાર્ય હોવાનાં. દરેક દેશમાં, દુનિયાની હરએક વ્યક્તિના અંગત કે જાહેર જીવનમાં – ચાહે એ સામાન્ય નાગરિક હોય કે પછી દેશના સર્વોચ્ચ આસને બિરાજતી વ્યક્તિ હોય.

આઝાદીનો એક અંતિમ છે – મનફાવે તે કરવાની છૂટ. આ અંતિમને સ્વછંદતા કહેવાય. સ્વછંદતા અને સ્વતંત્રતા વચ્ચેની ભેદરેખા સ્પષ્ટ છે. સમજીએ.

એક વ્યક્તિ તરીકે માણસ કેટલો સ્વતંત્ર છે અને કઈ કઈ બાબતોમાં એના હાથ બંધાયેલા છે એની યાદી તૈયાર કરવા જઈએ તો મહાભારત જેવડો ગ્રંથ લખાય. જન્મતાંની સાથે જ વ્યક્તિને ઉછરવા માટે એક વાતાવરણ મળે છે જેની પસંદગી એણે કરી હોતી નથી. એની પાસે કોઈ વિકલ્પો નથી હોતા કે પોતે કેવી વિચારધારાઓ વચ્ચે, કેવી લાગણીઓ વચ્ચે, કેવા સમાજ વચ્ચે પોતાનું ઘડતર કરવા માગે છે – આ એના જન્મ વખતની વાત છે. વખત જતાં એને એ વિકલ્પો મળે છે પણ જન્મ વખતે એમાંની કોઈ ચોઈસ નથી હોતી એની પાસે. મનનું તો ઠીક પોતાના શરીરનું ઘડતર કેવી રીતે કરવું એ વિશેની પણ છૂટ નથી હોતી. શરીરના સૌથી મહત્વના ઘડતરકામ દરમ્યાન એના શરીરને ઉછેરવાનો હવાલો એના પોતાના સિવાયની અન્ય વ્યક્તિઓએ લઈ લીધો હોય છે.

પોતે ક્યું શિક્ષણ પામવા માગે છે એ નક્કી કરવાની એને છૂટ નથી. સરકારી સ્તરે નક્કી થયેલા અભ્યાસક્રમોમાં એણે જકડાઈ જવાનું હોય છે. પોતાની મૌલિક વિચારસરણીની પાંખો એણે પોતાના જ હાથે કાપીને બૌધ્ધિક કબૂતરખાનામાં ગોઠવાઈ જવાનું છે.

અભ્યાસ પૂરો કર્યા પછી ભ્રમણા થાય કે હવે પોતે મુક્ત છે કારણ કે નોકરી-ધંધો-વ્યવસાય કરીને કમાતો થયો છે. એ કમાણીમાંથી પોતે ધારે તે કરી શકે છે. હકીકતમાં, કમાતા થયા પછી એની પરતંત્રતાઓ વધતી હોય છે. આજીવિકાનું સાધન છીનવાઈ ન જાય તે માટે એ રોજ પોતાની બચીખૂચી આઝાદીના એક એક ટુકડાનો ભોગ આપતો રહે છે. આટલું ઓછું હોય એમ કુટુંબ-સમાજ એની બાકી રહી ગયેલી આઝાદીના ભૂક્કાના એક-એક કણને, કીડીઓની લંગાર ખાંડના દાણા તાણી જાય એમ તાણી જાય છે. વધુ કમાણી કરતા કે સમાજમાં વધુ નામ, વધુ સંપર્કો, વધુ પ્રતિષ્ઠા ધરાવતા માણસની ગુલામબેડી વધુ જડબેસલાક બનતી જતી હોય છે. આવી ગુલામીથી ગૂંગળામણ અનુભવવાને બદલે માણસ સતત એ જ ભ્રમણામાં રાચે છે કે પોતે કેટલો મુક્ત છે. હજારો વર્ષથી એને એક જ વાત શીખવવામાં આવી છે કે આ અંધકાર જ સત્ય છે અને પ્રકાશ જેવું કશું કંઈ હોતું નથી આ જગતમાં. અને ભૂલેચૂકે જો પ્રકાશનું ટપકુંય દેખાય તો આંખો બંધ કરી લેવાની. પછી એવી ટેવ પડી જતી હોય છે, અંધકારમાં રહેવાની. ક્યારેક પ્રકાશનું એકાદ કિરણ જોતાં જ આંખો અંજાઈ જાય, તરત જ મીંચાઈ જાય.

માણસ આઝાદ નથી. એક પરતંત્રતામાંથી છૂટવા માટે એ બીજી પરતંત્રતાનો આશરો લેતો હોય છે. છૂટવાની આ પ્રક્રિયા દરમ્યાનનો સંઘર્ષ એને આઝાદીની લડત જેવો સંતોષ આપે છે, કશુંક કરી છૂટ્યાનો. પણ આ સંતોષ મિથ્યા હોય છે, એની પલાયનવૃત્તિને પોષનારો હોય છે.

આઝાદી તુલનાત્મક છે. અન્યની સરખામણીએ તમને કેટલી આઝાદી મળે છે કે નથી મળતી તે જોવાય છે. કોઈપણ વ્યક્તિ એક નાગરિક તરીકે પૂરેપૂરી રીતે સ્વતંત્ર નથી – ન એના જાહેર જીવનમાં, ન એની પર્સનલ લાઈફમાં.

પણ ભ્રમણામાં રહીને જીવવાનું આપણને ગમતું હોય છે. પોપટના નાનકડા પિંજરામાંથી મુક્ત કરીને એને વાઘના વિશાળ પિંજરામાં પૂરવામાં આવે તો એને મોકળાશ લાગતી હોય છે. પોતાને મુક્તિ મળી ગઈ હોવાનો ભ્રમ એને સ્વતંત્રતાનો એહસાસ કરાવે છે. અને વધુ સ્વતંત્રતા પ્રાપ્ત કરવા માટે એ વધુ મોટા પિંજરાનાં દિવાસ્વપ્નો જોવામાં જિંદગી ખર્ચી કાઢે છે.

આઝાદીનું અને સ્વતંત્રતાનું ખરું મૂલ્ય ત્યારે સમજાય છે જ્યારે એ છીનવાઈ જાય છે. એ વખતે આપણને એહસાસ થાય છે કે જેટલી મળતી હતી એટલી આઝાદીને સાચવી રાખવી જોઈતી હતી. એ વખતે ભાન આવે છે કે આઝાદી માગવાથી નથી મળતી, વધુ ને વધુ જવાબદાર બનતા જઈએ છીએ ત્યારે વધુ ને વધુ સ્વતંત્રતા મળતી હોય છે.
ઝગડવાથી, નારાબાજી કરવાથી કે કોઈનો કૉલર પકડીને તમે તમારી આઝાદીને છીનવાઈ જતાં રોકી શકવાના નથી કે અત્યારે જેટલી મળે છે એનાં કરતાં વધારે આઝાદી મેળવી શકવાના નથી.

તમારામાં તમને મળેલી અને ભવિષ્યમાં વધુ મળનારી સ્વતંત્રતાને પચાવવાની શક્તિ છે એ તમારે પુરવાર કરવું પડે. જેમ જેમ તમારી પાત્રતા વધતી જાય તેમ તેમ તમારા જીવનની સ્વતંત્રતા વધતી જાય અને પાત્રતા વધારવા માટે તમારે ઘણું બધું તમારા જીવનમાંથી જતું કરવું પડે. અત્યારે જે કંઈ ભર્યું છે એમાંથી ઘણું ખાલી કરી દેવું પડે તો જ એ ખાલી કરી આપેલી જગ્યામાં નવી આઝાદીનો જથ્થો ભરી શકીએ. અને એ પછી પણ એક સત્ય તો સ્વીકારવાનું રહેશે જ – સંપૂર્ણ આઝાદીની કલ્પના સંપૂર્ણ ભ્રમણા છે.

આજનો વિચાર

જે વાતે તમને એક ક્ષણ માટે પણ આનંદ આવ્યો હોય એવાતનો કોઈ દિવસ અફસોસ કરવાનો નહીં, એ ક્ષણને કોઈ દિવસ કોસવાની નહીં, એનો ક્યારેય અનાદર કરવાનો નહીં.

— અજ્ઞાત

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને આર્થિક સપોર્ટ આપો : સૌરભ શાહ

પ્રિય વાચક,

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના કે જાહેરખબરોની આવક વિના ચાલતું કોઈનીય સાડીબારી ન રાખતું એક વિશ્વસનીય ડિજિટલ મિડિયા છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનોનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા સ્વતંત્ર પ્લેટફૉર્મની આજે સખત જરૂર છે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મી એવા પત્રકાર સૌરભ શાહ દ્વારા થઈ રહી છે. પૈસાની અપેક્ષા તમારે પૂરી કરવાની છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

1 COMMENT

  1. માણસ પાસે ખરી આઝાદી ફક્ત એક જ છે – સાચું કરવાની આઝાદી. – પાર્થસારથી રાજગોપાલાચારી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here