કોરોનાને કારણે કળિયુગ પૂરો થશે, સતયુગ ફરી આવશે

લાઉડમાઉથ : સૌરભ શાહ
(‘સંદેશ’ , ‘અર્ધ સાપ્તાહિક’ પૂર્તિ, બુધવાર, ૨૨ એપ્રિલ ૨૦૨૦)

કોઈ સ્વજનની અંતિમક્રિયા વખતે જીવન વિશે, જીવનની ક્ષણભંગુરતા વિશે, આપણને જે કંઈ ત્યાગ-સંયમ-વૈરાગ્યના વિચારો આવે તેને સ્મશાન વૈરાગ્ય કહે. ઘરે પાછા આવતાં જ એ બધી વાતો ભૂલી જઈએ, પૂર્વવત્‌ જિંદગી શરૂ થઈ જાય.

લૉકડાઉન દરમ્યાન અવતા આ વિચારો પણ સ્મશાન વૈરાગ્ય જેવા જ હોઈ શકે. કદાચ ન પણ હોય. લૉકડાઉનનો અનુભવ બે-ચાર કલાક પુરતો જ નથી. ત્રીજી મેએ ૪૦ દિવસ પુરા થશે અને પછી, ચોથી મેથી જિંદગી તરત જ ધમધમતી થઈ જવાની નથી. ઘરની બહાર નીકળવાની શરતી છૂટ મળશે પણ પર્સનલ જિંદગી, સામાજિક જીવન, અંગત આર્થિક પરિસ્થિતિ તેમ જ દેશનું અર્થતંત્ર – આ બધું જ પૂર્વવત્‌ થતાં મહિનાઓ લાગી જવાના, કદાચ વર્ષો. અને એ પછી પણ અમુક બાબતો કાયમ માટે બદલાઈ ગયેલી જ રહેવાની. કઈ કઈ?

ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસથી લૉકડાઉનનો આરંભ થયો. તે જ દિવસથી જિંદગી બદલાતી ગઈ. એકટાણાં શરૂ કર્યાં અને શરીર-મન બેઉની પરિસ્થિતિઓમાં પરિવર્તન આવવા માંડ્યું. ઘરમાં-રસોડામાં પણ ઘણું બધું બદલાઈ ગયું. ચાળીસ દિવસમાં હજુ ઘણું બધું બદલાશે અને આ સ્મશાન વૈરાગ્ય નહીં હોય તો એ પછી પણ બદલાયેલું રહેશે – કદાચ આજીવન. લેટ્‌સ સી. પણ માત્ર આ એક જ વાતને કારણે, રોજ ફક્ત એક જ વખત ભોજન કરવાને લીધે, જો શારીરિક ફાયદા ઉપરાંત માનસિકતામાં પણ બદલાવ આવતો હોય, અન્ય ભૌતિક બાબતોમાં પણ મોટું પરિવર્તન આવતું હોય તો આટલો મોટો પોઝિટિવ ચેન્જ શા માટે બાકીની આખી જિંદગી માટે અપનાવી ન લેવો એવો સતત વિચાર આવ્યા કરે છે.

વૉટ્‌સઍપ પરના ચાંપલા, વાયડા, વેવલા અને બાયલા મેસેજીસથી તમને જેટલો ત્રાસ થતો હશે એટલો જ અમને પણ થાય છે. આવા એક લાખ ફૉરવર્ડ્‌સમાંથી એક કામનું નીકળે તો નીકળે. એક મિત્રે સવા બે મિનિટની ક્‌લિપ મોકલી છે જે મેં ઘણાને ફૉરવર્ડ કરી – ખાસ જોવાના આગ્રહ સાથે. લાખોમાં એક જેવી આ ક્‌લિપ તમે પણ જોઈ હશે. ન જોવામાં આવી હોય તો જાણી લો કે એમાં શું છે? લૉકડાઉન દરમ્યાન લખાયેલા મારા અડધોએક ડઝન લેખોમાં આ વાત આટલી અસરકારક રીતે ક્યારેય નથી કહેવાઈ. જેણે આ ક્‌લિપ ક્રિએટ કરી તેની સૂઝબૂઝનાં વખાણ કરીએ એટલાં ઓછાં છે.

આપણે એવા ભ્રમમાં હતા કે આ પૃથ્વીને બચાવી શકીએ છીએ – અહીંથી ક્‌લિપની શરૂઆત થાય છે. ‘સેવ ધ અર્થ’ કેમ્પેન પરના કટાક્ષ પછી વાત આગળ વધે છે. આપણને એમ કે આપણે પોલ્યુશન ઘટાડી શકીએ છીએ. પણ હવે આપણને ખબર પડે છે કે માણસ પોતે જો ટાંગ ન અડાવે તો આ પૃથ્વી આપમેળે પોતાને થયેલા નુકસાનને બહુ ઝડપથી ભરપાઈ કરી લેવા સક્ષમ છે. આપણે ભ્રમમાં રહ્યા કે બર્ગર, ફ્રેન્ચ ફ્રાઈઝ, પિત્ઝા જેવા ફાસ્ટ ફૂડ વિના જીવી શકાય એમ નથી. દુનિયા આખીની મૅકડોનાલ્ડ્‌સ, કેએફસી, ડોમિનોઝ, સ્ટાર બક્‌સ બંધ થઈ ગઈ. છતાં દુનિયા ચાલે છે. આપણે ભ્રમમાં હતા કે ઘરે બેસીને તે કંઈ કામ થતું હશે, ઑફિસે તો જવું જ પડે ને. આપણે ભ્રમમાં હતા કે આપણું મિડિયા બહુ સમજદાર છે. આપણે ભ્રમમાં હતા કે આપણા ક્રિકેટ સ્ટાર્સ – ફિલ્મ સ્ટાર્સ રિયલ હીરો છે. ખબર પડી કે એ લોકો તો માત્ર મનોરંજન પીરસે છે. આપણે ભ્રમમાં હતા કે યુરોપના-અમેરિકાના લોકો વધુ સમજદાર છે, ભણેલાગણેલા અને મૉડર્ન છે. આપણે ભ્રમમાં હતા કે પેટ્રોલ ખૂબ મૂલ્યવાન છે, પેટ્રોલ નહીં હોય તો દુનિયા થંભી જશે. હવે આપણને ખબર પડે છે કે આપણા વિના પેટ્રોલની કોઈ કિંમત નથી. આપણે ભ્રમમા હતા કે શૉપિંગ મૉલ્સ બંધ થઈ ગયા તો દુનિયા ઠપ થઈ જશે. શૉપિંગ મૉલ્સ બંધ છે. છતાં દુનિયા ચાલી રહી છે. બ્રાન્ડ્‌સ નહોતી ત્યારે પણ દુનિયા ચાલતી હતી. આપણે વૅકેશનમાં બહારગામ ફરવા નથી જઈ શકતા છતાં દુનિયા ચાલે છે. મોડી રાત સુધી ચાની કિટલી પર કે દારૂના બારમાં કે કૉફી શૉપમાં બેસીને ટાઈમપાસ નથી કરી શકતા. છતાં દુનિયા ચાલે છે. જે ફરક પડ્યો છે તે બનાવટી, કૃત્રિમ, નકલી, દેખાદેખીથી સર્જાયેલી જિંદગીને પડ્યો છે – અસલી જિંદગીને કોઈ ફરક નથી પડ્યો. ખોટા ખર્ચાઓ બંધ થઈ ગયા છે. કુટુંબના સભ્યો સાથે બે ઘડી વાત કરવાની ફુરસદ નહોતી. બાળકો શું ભણે છે, પત્ની કેવી રીતે ઘર ચલાવે છે, પતિના નોકરીધંધાકારિબારની સમસ્યાઓ શું છે – કોઈને એકબેજાની ખબર નહોતી. લાગતું હતું કે પરિવારમાં કોઈને એકબીજાની પડી નહોતી. પણ હવે ખબર પડે છે કે એવું નહોતું. દરેકને એકબીજાની જિંદગીની ફિકર હતી પણ એ અભિવ્યક્તિ કરવા જેટલી માનસિક ફુરસદ નહોતી, રોજની દોડાદોડીમાં એ માટેનો સમય પણ નહોતો.

ફૉરવર્ડની વાત પૂરી.

૧૯૨૯ની અમેરિકાને આર્થિક મંદી પછી અમેરિકાએ જ નહીં જગત આખાએ અનેક પરિવર્તનો જોયાં. બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન, એની સમાપ્તિ પછી પણ દુનિયામાં ધરખમ ફેરફારો આવ્યા. અત્યારની ક્રાઈસિસ માત્ર અમેરિકા કે અમુક દેશો સુધી સીમિત નથી. વિશ્વવ્યાપી છે. દુનિયાના દરેકેદરેક દેશને સ્પર્શે છે. હવે જે પરિવર્તનો આવશે તે પણ વિશ્વવ્યાપી હશે, મોટે પાયે હશે. ઘરેથી કામ કરીને જીવનનિર્વહ ચલાવી શકાય એવા બહુ ઓછા સુખી લોકો હતા. અમે એમાંના એક છીએ. પણ હવે આવા સુખીજનોની સંખ્યામાં ધરખમ વધારો થવાનો. તોતિંગ ભાડાં ધરાવતી ઑફિસોની જગ્યામાં કાપ મૂકીને કેટલીય કંપનીઓ પોતાના સ્ટાફને ઘરે બેસીને કામ કરવાનું કહેશે. કર્મચારીઓ પણ ઓછા પગારેય આવી ઑફર સ્વીકારી લેશે. ઑફિસે આવવા-જવામાં વપરાતાં સમય-પૈસા-શક્તિ ત્રણેયની બચત થાય એવું કોને ન ગમે?

ભારતની અત્યારની એક પણ જનરેશને રિયલ ક્રાઈસિસ, તંગી, અછત કોને કહેવાય તે અનુભવ્યું નથી. નેવુંની આસપાસના વડિલો પણ સેકન્ડ વર્લ્ડવૉર વખતે બહુ બહુ તો ટીનએજમાં હશે, યુદ્ધ વખતે સંસાર ચલાવવામાં કેટલી અગવડો પડે તેનો પ્રત્યક્ષ અનુભવ એમને ન હોય. એ ઉપરાંત બીજા વિશ્વયુદ્ધની અસરો અમેરિકા-બ્રિટન-જર્મની-રશિયા કે જપાનની પ્રજાએ જેટલી અનુભવી એની માંડ દસ ટકા જેટલી ભારતીય પ્રજાએ અનુભવી. અત્યારની ક્રાઈસિસને કારણે દસ-બાર વર્ષના પ્રી-ટીન એજર્સથી માંડીને દરેક જનરેશનની વ્યક્તિને વત્તેઓછે અંશે રિયલાઈઝ થશે કે બે જણ સાથે સ્ટારબક્‌સમાં જઈને પાંચસો રૂપિયાની નોટ ઉડાવી દેવાનો કોઈ અર્થ નથી. ત્યાગ, સંયમ, કરકસર. આ ત્રણેય ભારેખમ શબ્દો છે પણ હવે તે ત્રણેય આપણા સૌના જીવનમાં વણાઈ જવાના. આપણા એટલે માત્ર ભારતીયો જ નહીં, કન્ઝ્યુમરિઝમની સંસ્કૃતિમાં ઉછરેલા પશ્ચિમના દેશોના જીવનમાં પણ વણાઈ જવાના. કોઈપણ વસ્તુનો બગાડ કરતાં પહેલાં, ચીજોને વેડફતાં પહેલાં બે વાર વિચાર કરીશું. ભારતમાં તો રિસાયકલિંગની નવાઈ નથી. પસ્તી અને ભંગારમાંથી કેટલા પૈસા નિપજે એની આપણને ખબર છે. પશ્ચિમી દેશો, ધનિક ગણાતાં રાષ્ટ્રો પણ હવે જખ મારીને રિસાયકલિંગ તરફ વળશે. માત્ર પર્યાવરણ બચાવવા જ નહીં, નાણાં બચાવવાના હેતુથી રિસાયકલિંગ કરતા થશે.

મનોરંજન પાછળ વપરાતાં સમય અને પૈસા ઓછા થશે. બહાર જઈને સિનેમા-નાટક-શોઝ જોવાનો, ભીડમાં બેસવાનો ડર લાગશે. સ્ટેડિયમો છલકાતાં બંધ થઈ જશે. એની સામે નેટફ્લિક્‌સ કે એમેઝોન પ્રાઈમ વિડિયો જેવાં ડઝનબંધ ઓ.ટી.ટી. (ઓવર ધ ટૉપ) પ્લૅટફોર્મ્સનો ધંધો વધી જશે. છાપાં-પુસ્તકોનાં ડિજિટલ વર્ઝન્સ, ઈ-બુક્‌સ વગેરેનું કામકાજ વધારે જોર પકડશે. લૉકડાઉનના સમયમાં બેસણાં – ઉઠમણાં –પ્રાર્થનાસભાઓ પર પાબંદી છે. સ્મશાનયાત્રામાં પણ લિમિટેડ સંખ્યામાં જ ડાઘુઓને જવાની પરવાનગી છે.લૉકડાઉન ખુલ્યા પછી ઘણા લોકો વિચારશે કે મૃત્યુ સમયે ગામ આખાને ભેગું કરવું જરૂરી છે? કે પછી અમેરિકા-બ્રિટનમાં દાયકાઓથી જે પ્રથા ચાલે છે તે અપનાવવાની? લગ્નસમારંભની જેમ શોકના પ્રસંગે પણ જેમને આમંત્રણ મળે તેમણે જ રૂબરૂ આવવાનું. બાકીનાઓએ દૂર રહીને ઈમેઈલ, વૉટ્‌સએપ વગેરે પર ખરખરો કરી દેવાનો. કોઈપણ ઠેકાણે ભીડ ભેગી કરવાનું કલ્ચર ઓછું થતું જશે. વિદેશોમાં થતી કૉન્સર્ટ્‌સમાં સ્ટેડિયમો છલકાતા, આપણે ત્યાં ક્રિકેટની મેચો વખતે ભીડ થતી, ચૂંટણીસભાઓમાં ભીડ થતી, ધાર્મિક-સામાજિક પ્રસંગો તો ભીડથી દીપી ઊઠે એવું મનાતું. આ બધું હવે ઓછું થઈ જવાનું. લાઈવ ટીવી, યુટ્‌યુબ, ફેસબુક લાઈવ, ઝૂમ જેવી ઍપ્સ વગેરેનો ઉપયોગ વધવાનો.

પ્રજામાં બહુ મોટો આંતરિક બદલાવ આવવાનો. લૉકડાઉન પછી બધું નૉર્મલ થશે ત્યારે પણ લોકો પાસે પોતાના માટે અગાઉ હતો એના કરતાં વધારે સમય રહેવાનો. અંદર ઝાંકવાની તક વધારે મળવાની. આંખો મીંચીને દોડ્યા જ કરવાની ટેવમાંથી મુક્તિ મેળવીને જિંદગીમાં ખરું શું છે, ખોટું શું છે; કામનું શું છે, નકામું શું છે એ વિશે વિચારવાની તક મળવાની. કોઈપણ બાબાગુરુ કે મોટિવેશન્લ સ્પીકરો/લેખકોની મદદ વિના લોકો વધારે મૅચ્યોર્ડ બનવાના, વધારે આધ્યાત્મિક બનવાના. કળિયુગની ચરમસીમારૂપે કોરોના આવ્યો છે. આ ગાળો પૂરો થયા પછી સતયુગ પાછો આવી રહ્યો છે. મજાક નથી. અત્યારની ક્રાઇસિસ, અંધાધૂંધી અને ડર-ભયની મનોસ્થિતિ પછી નિરભ્ર આકાશ જેવું ચોખ્ખું સામાજિક, રાજકીય, આર્થિક અને પારિવારિક વાતાવરણ હશે તે યુગપ્રવર્તક હશે, કળિયુગમાંથી નીકળીને સતયુગ તરફનું પ્રયાણ હશે.

સાયલન્સ પ્લીઝ

પહેલાં કહેતા કે નેગેટિવ લોકોથી દૂર રહો. અને હવે કહે છે કે પોઝિટિવ લોકોથી દૂર રહો!
–વૉટ્‌સએપ પર વાંચેલું.

16 COMMENTS

  1. Sirji, Namaskar. Manav Jivan na Mulyo no-Niti no-Rashtra prem no-Kutumb Bhavna no je Nash and hash thyo chhe tatha manvi no Dambh he vadhto jay chhe ,Tema sakaratmak parivartan ave to “SatYug” ave

  2. સૌ નું મંગલ હો. સુંદર સોચ ધરાવતા , લેખની માં માતા સરસ્વતી નો વાસ મહેકતો રહે.

  3. વાસ્તવિકતા માં રહેવું. સરસ બહુજ સરસ ? ? ?

  4. સામાન્ય અને સાદું જીવન જ તમને જીવતા શીખવાડસે …

  5. આ દુનિયાને હજી એક ધક્કા ની જરુર છે. એ છે ઈલેકટ્રીસીટી વગર ની દુનિયા.

    દરેકને પોતાની હેસિયત ની જાણ થઈ જશે.

  6. ખુબ ઓછામાં પણ આનંદપૂર્વક જીવી શકાય એ કોરોના એ શીખવ્યું.

  7. લોકડાઉન દરમિયાન દરેક ને પોતાની શક્તિઓ નો અનુભવ થઈ ગયો જે શબ્દો માં જણાવી અનુભવ કરાવ્યો. અભિનંદન!!

  8. Saurabhbhai… sahebne vinanti kari limited travel inbound kholavone. Females and kids want to travel and they cannot. Pls

  9. વીતેલા સમયમાં માનવીએ જીવેલા જીવનને રીવાઇન્ડ કરી ને ફરી બતાવી અને ઘનઘોર વાદળો ના છેડે દેખાતી રૂપેરી કોર પણ દેખાડી જતો આજનો લેખ અદ્દભુત હતો

  10. Your messages are like jerky , I remember reading Shri Hasmukh Gandhi , your style reminds me that , I’m Osho sanyasi and the way your articles are it feels that they are spoken and jotted down , told , expressed but not written or crafted ..whatsoever has been told is written as it’s ..this is very unique style of expression and I love that ..it wakes you up from slumber and and if you go into deeper context it’s like lullaby! Kudos Saurabh bhai ??

  11. સૌરભ ભાઈ વંદન ?. પરિવર્તન એ સંસારનો નિયમ છે સાહેબ. અને આપે ખુબ સરસ રીતે લેખ રજુ કર્યો છે. આ વખત નું પરિવર્તન એ અંતરાત્મા નું થાય પ્રગતિ આપોઆપ આવી જ્શે..દરરોજ સવારે આપ ની કલમ નો આસ્વાદ થાય છે…એ બદલ આપ નો વાચક મિત્ર આભારી છે ?

  12. Ya. Four dimensional articles make the reader introvert.your sharp intellect makes us happy and provide the power of words to ponder over.
    Thank you.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here