આજે માથું દુઃખે છે એટલે કામ નથી કરવું

લાઉડ માઉથ : સૌરભ શાહ

(‘સંદેશ’, ‘અર્ધસાપ્તાહિક’ પૂર્તિ, બુધવાર, ૬ નવેમ્બર ૨૦૧૯)

આપણે સૌ બહાનાંબાજ છીએ. આળસુ પણ. કોઈ કામ ન કરવું હોય ત્યારે સો ખોટેખોટાં કારણો આપણને મળી રહે છે. આવતા સોમવારથી શરૂ કરીશું. આ મહિનો જવા દો, પહેલી તારીખથી. નવા વર્ષથી. મારી વરસગાંઠથી. અમુક તહેવારથી. આપણી પાસે નવું કામ ઠેલવા માટે ભવ્ય કારણો હોય છે. એટલું જ નહીં અત્યારે જે જવાબદારી તમારા માથે છે એને ટાળવા માટે પણ બહાનાં તૈયાર જ હોય છેઃ આજે ઑફિસે નહીં અવાય? કેમ? પડોશીનો ડોગી/સાઢુ/સાળો મરી ગયો છે. બે દિવસની રજા લેવી પડશે. સાળીની દીકરીની દેરાણીને ત્યાં પ્રસંગ છે, જવું પડે. આજે માથું દુઃખે છે, પરમ દિવસે કમરમાં દુઃખાવો છે. આપણી શારીરિક તકલીફોને બિલોરી કાચ નીચે મૂકીને જોવામાં/બતાવવામાં આપણે સૌ એક્‌સપર્ટ થઈ ગયા છીએ.

પૅશન, ડેડિકેશન અને ઈન્ટેગ્રિટી કોને કહેવાય એ આપણે ભૂલી રહ્યા છીએ. કમ વૉટ મે, જમીનાઅસમાન એક થઈ જાય તો ભલે થાય પણ મારે આ કામ કરવું જ છે, આ જવાબદારી નિભાવવી જ છે, કોઈ બહાનાં નથી કાઢવાં એટલું જ નહીં જેન્યુઈન કારણ હોય કે નાનીમોટી કે પછી તોતિંગ અડચણ હોય તોય મારે એ વિઘ્નોને પાર કરીને મારું કામ કરવું છે. આવું માનીને જે જિંદગી જીવે છે એને ક્યારેય નિષ્ફળતા મળતી નથી અને કુદરતના નિયમ પ્રમાણે તડકીછાંયડી આવે તો પણ એ વ્યક્તિ તરત બેઠી થઈ જતી હોય છે.

બચ્ચનજીની તડકીછાંયડી વિશે સૌને ખબર છે, એમની કાર્યનિષ્ઠાની વાતો પણ જાણી છે. અનુપમ ખેર પણ એ જ ગાળામાં બચ્ચનજી જેવી જ તડકીછાંયડીમાંથી પસાર થયા હતા અને બચ્ચનજીની જેમ એમાંથી બહાર આવ્યા એ વાત ક્યારેક કરીશું. અત્યારે બચ્ચનજી જેવી જ અનુપમ ખેરની કાર્યનિષ્ઠા વિશેનો કિસ્સો કહેવો છે. પેટમાં દુઃખે છે ને કમરનો દુઃખાવો છે એવી ફરિયાદોને કારણે ઑફિસમાં રજા મૂકી દેનારાઓને બે વાત શીખવા મળે એવો આ કિસ્સો છે.

અર્લી નાઈન્ટીઝની વાત છે. એક દિવસ સવારે અનુપમ ખેર ઊઠે છે અને બાથરૂમમાં બ્રશ કરવા જાય છે ત્યારે એમને અરીસામાં પોતાનો વંકાઈ ગયેલો ચહેરો દેખાય છે. હોઠ ત્રાંસા થઈ ગયા છે. રાત્રે ઊંઘમાં જ પેરેલિસિસનો અટેક આવી ગયો અને મોઢાને લકવો મારી ગયો. પાણીથી કોગળા કરતાં પણ તકલીફ પડે. તાબડતોબ ડૉક્ટરને મળવા ગયા. ડૉક્ટરના વિઝિટિંગ રૂમમાં બેઠેલા બીજા પેશન્ટ્‌સને લાગ્યું કે અનુપમ ખેર કૉમેડી કરી રહ્યા છે, મોઢું વંકાવીને અહીં બેઠેલા સૌ કોઈને હસાવવાની કોશિશ કરી રહ્યા છે.
પણ વાત સિરિયસ હતી. ડૉક્ટરે કહ્યું કે ટ્રીટમેન્ટ અને ફિઝિયોથેરપી ચાલુ કરી દઈએ અને બે-ત્રણ મહિનામાં ઠીક થઈ જશે પણ આ દરમ્યાન સંપૂર્ણ બેડ રેસ્ટ, કામકાજ બંધ.

અનુપમ ખેર એ વખતે સૂરજ બડજાત્યાની ‘હમ આપકે હૈ કૌન’નું શૂટિંગ કરી રહ્યા હતા. સ્ટુડિયોમાં જઈને યંગ ડિરેક્‌ટરને મળ્યા. દિગ્દર્શકે જોઈને તરત જ કહ્યું કે બે-ત્રણ મહિના શૂટિંગ અટકાવી દઈએ છીએ. અનુપમ ખેરે ના પાડી. માધુરી અને સલમાન ઉપરાંત ફિલ્મમાં બીજા અડધો-પોણો ડઝન ખૂબ વ્યસ્ત હોય એવાં અભિનેતા-અભિનેત્રીઓ હતાં. સૌની કૉમ્બિનૅશન ડેટ્‌સ પછી ક્યારે મળે અને ફિલ્મ ક્યારે પૂરી થાય. પ્રોડ્‌યુસર રાજશ્રી ફિલ્મ્સને ખૂબ મોટું નુકસાન થાય. ફિલ્મમાં અનુપમ ખેરનું શૂટિંગ એટલું બધું થઈ ચૂકેલું કે પ્રોડ્‌યુસર માટે એ પણ હવે શક્ય નહોતું કે એમને પડતા મૂકીને બીજા કોઈ અભિનેતાને લઈને રિશૂટ કરવામાં આવે. અનુપમ આ પરિસ્થિતિ બરાબર સમજતા હતા. એમણે દિગ્દર્શક સૂરજ બડજાત્યાને કહ્યું કે તમે મને કૅમેરા ઍન્ગલમાં સાચવી લેજો અને બાકીના સહકલાકારોને કહ્યું કે જ્યાં જ્યાં જરૂર લાગે ત્યાં તમે મને ઢાંકી દેજો પણ હું રોજ શૂટિંગમાં આવીશ, ફિલ્મ ડિલે ન થવી જોઈએ.

ભાભી રેણુકા શહાણેની ડિલિવરી પછી એનાં માતાપિતા અનુપમ ખેર તથા રીમા લાગૂ પોતાની નાની પુત્રી માધુરી દીક્ષિતને લઈને પોતાના ઘેર પાછા જવાના છે પણ વેવાઈ આલોકનાથ પોતાન મિત્ર સતીષ શાહ સાથે મીઠું કાવતરું કરીને એ સૌને રોકી રાખે છે જેને લીધે સલમાન ખુશ થઈ જાય છે. આ સિચ્યુએશન પછી તમને યાદ હશે કે પાસિંગ ધ પિલોવાળી ગેમ ‘હસતા હુઆ નૂરાની ચહેરા’ ગીતની રેકોર્ડ મૂકીને શરૂ થાય છે. આ સીનમાં એના પછી તરત શરૂ થતા ‘માઈની માઈ’ ગીત દરમ્યાન તમે બરાબર માર્ક કરજો. ઉછળકૂદ કરતા અનુપમ ખેરનો વંકાયેલો ચહેરો ક્યારેક ક્યારેક દેખાઈ જાય છે. અનુપમ ખેરને ગેમમાં પનિશમેન્ટ મળે છે ત્યારે તે શોલેનો ટાંકી પર ચડીને આપઘાતની ધમકી આપતા ધરમપાજીવાળો સીન કરે છે. એ ઑરિજિનલ સીનમાં ધર્મેન્દ્ર વંકાયેલા હોઠે દારુડિયાના ડાયલોગ બોલે છે એટલે અનુપમ ખેર પોતાની તત્કાલીન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, કોઈ પ્રેક્ષકને ખબર ન પડી જાય એ માટે, આ સીન કર્યો જાણે ધર્મેન્દ્રની નકલ કરતા હોય એમ. પણ એમના હોઠ તે વખતે ખરેખર વંકાયેલા હતા.

પેરેલિસિસવાળી વાત અનુપમ ખેરે આત્મકથામાં લખી છે. એ વાંચ્યા પછી આ ફિલ્મ ફરી ફરી ફરી એકવાર જોઈ ત્યારે જે જે શોટમાં અનુપમ ખેરનું લકવાગ્રસ્ત મોઢું જોવા મળ્યું તે જોઈને તમારી આંખ ભરાઈ આવે. આને કહેવાય કામ માટેનું ડેડિકેશન, આને કહેવાય પોતે લીધેલી જવાબદારીને સમગ્રતયા નિભાવવાની જીદ.

કોઈનુંય જીવન એને જે રીતે જોઈએ છે એ રીતનું ગોઠવેલું હોતું નથી. આપણા સંજોગો આપણા કાબૂમાં નથી હોતા, આપણી આસપાસની વ્યક્તિઓનું વર્તન આપણા કાબૂમાં નથી હોતું, આપણાં પોતાનો સ્વભાવ – મૂડ – તબિયત પણ આપણા કાબૂમાં હોતાં નથી. ઘણી વખત. દર વખતે નહીં.

પણ જ્યારે જ્યારે વિષમ પરિસ્થિતિ ઊભી થાય કે જ્યારે જ્યારે આપણું ધાર્યું વાતાવરણ આપણને ના મળે ત્યારે કોઈ બહાનું કે કારણ આગળ ધર્યા વિના આપણી નિષ્ઠા સાચવીને આપણે આપણું કામ કરતાં રહેવું. મોટા માણસો એ જ રીતે મોટા બનતા હોય છે.

સાયલન્સ પ્લીઝ

વિઘ્નો તો આવ્યા કરવાના. દરેક વિઘ્નોને પાર કરવાનો માર્ગ એ વિઘ્નના જન્મ સાથે જ તૈયાર થઈ ગયેલો હોય છે.

_અજ્ઞાત

8 COMMENTS

  1. સૌરભભાઈ – અમુક અમુક વિષય પર આપની વિશેષ ટીપણી અથવા દૃષ્ટિકોણ ને માણવાની ખરેખર લિજ્જત પડે છે જેમ કે આ લેખમાં મહામાનવો ના જીવનમાં આવતી તડકી છાયડીમાં તેઓનું વર્તન તેમજ કાર્યશૈલી બીજાને સ્ફુરણા આપે છે.
    આપે આ બાબતે જણાવ્યું કે આપણા સંજોગો – સ્વભાવ – મૂડ – તબિયત તેમજ આપણી આજુબાજુની વ્યક્તિના વર્તનને આપણી રીતે / સાથે ચાલતા ગોઠવી નથી શકતા છતાં આગળ વધવું પડે છે જેમ આપે લખ્યું કે વિઘ્ન ઊભું થાય ત્યારે જ તેના ઉકેલનો પણ જન્મ થઈ જતો હોય છે.

  2. Hmm..?? સાચ્ચી વાત.. આળસ મનુષ્ય નો મહાન શત્રુ છે…!!!…

  3. Hmm..?? સાચ્ચી વાત.. આળસ મનુષ્ય નો મહાન શત્રુ છે…!!!

  4. Good write up Shurabhji,
    Request you to write- rewrite on current political situation and our social responsibilities.
    Mainly what is cenario of Modi 2.0 regime.

  5. This is really nice and inspiring message by giving an example of Anupam Kher’s life experience. I salute Anupam Kher and you too for writing.

  6. Truly inspiring. Thanks for sharing sir.Anupam Kher- brilliant example of commitment.

  7. This is inspiring. These people become legends.. salute to Anupam Kher. Thanks for writing this article. Worth sharing and forwarding

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here