પચ્ચીસ વર્ષની ઉંમર સારી કે પંચાવનની?

તડકભડક : સૌરભ શાહ

(‘સંદેશ’, ‘સંસ્કાર’ પૂર્તિ, રવિવાર, ૩ નવેમ્બર ૨૦૧૯)

વાંચનારાઓમાંથી કેટલાકની ઉંમર ૨૫થી ૩૦ વર્ષની વચ્ચે છે, કેટલાક હજુ ૨૫ વર્ષના થયા નથી અને કેટલાક ૩૦ પ્લસ કે પછી ૪૦ પ્લસ કે ૫૦ પ્લસ કે ૬૦ પ્લસ કે ૭૦ -૮૦ -૯૦ પ્લસના પણ હશે. ૨૫થી ૩૦ વર્ષની વયે તમારી સૌથી મોટી ફરિયાદ કઈ હોવાની? ‘મારી પાસે અનુભવ નથી, સિનિયોરિટી નથી. અને એટલે મારા કરતાં વધારે ઉંમરવાળા લોકો મને પૂરતી તક આપવા દેતા નથી, મને આગળ આવવાની ઑપોર્ચ્યુનિટી મળતી નથી.

જે લોકો ૨૫ – ૩૦ વર્ષની ઉંમર જોઈ ચૂક્યા છે એમને પણ યાદ હશે કે એ ઉંમરે તમે પણ આવું જ વિચારતા હતા કે તમારાથી સિનિયર લોકો તમને ‘બિન અનુભવી’ ગણીને તમારા પર ચડી બેસતા હતા. અને હવે ૫૫ કે ૬૫ની ઉંમરે તમે શું વિચારો છો? હવે મારે કેટલાં વર્ષ? હવે તો નિવૃત્તિ લેવાનો સમય આવ્યો. હવે ક્યાં ૨૫ -૩૦ -૩૫ વર્ષ જેટલી ઍનર્જી-ઉત્સાહ કે જોશ રહ્યાં છે?

ઍનર્જી-ઉત્સાહ અને જોશ જે ઉંમરે હતાં ત્યારે એટલે કે ૨૫ -૩૦ -૩૫ની ઉંમરે એ તમારાં પ્લસ પોઈન્ટ્‌સ છે એવું લાગ્યું હતું? ના. અને ૫૫ -૬૫ની ઉંમરે તમારી પાસે અનુભવ છે એવું તમને લાગે છે? ના. કારણ કે તમે તમારા એ પ્લસ પોઈન્ટ્‌સને અવગણીને જે નથી તેની ફરિયાદ કરતાં રહો છો.

આ આપણો સ્વભાવ છે – જે નથી એની ફરિયાદ કરવી અને જે છે એની અવગણના કરવી, એને ટેકન ફૉર ગ્રાન્ટેડ ગણવું.

દરેક ઉંમર, દરેક અવસ્થા અને જિંદગીની દરેક પરિસ્થિતિને એના પોતાના પ્લસ પોઈન્ટ્‌સ હોય છે અને આ દરેકને એના માઈનસ પોઈન્ટ્‌સ પણ હોય છે. પણ બને છે શું કે આદતવશ કે આજુબાજુનું વાતાવરણ આપણા પર છવાઈ જવાને લીધે આપણે સહુ મોટેભાગે તો આ બધાના માઈનસ વિશે જ વિચાર્યા કરતા હોઈએ છીએ.

મૃત્યુ જેવી ઘટનામાં પણ પ્લસ પોઈન્ટ જોઈ શકીએ પણ નહીં જોઈએ કારણ કે આપણને શીખવાડવામાં આવ્યું છે કે એ તો અશુભ, અમંગળ છે. સગા પિતા કે પતિ કે પત્ની વગેરેના મૃત્યુ સમયે થોડા સ્વસ્થ થઈને જો તમને વિચારવાનું મન થાય કે છેવટે તો જે થયું તે સારું જ થયું તો તમે જ તમને નહીં ગમો. તમને ડર લાગશે કે મારો આવો વિચાર કોઈ બીજી-ત્રીજી વ્યક્તિ સુધી પહોંચશે તો એ મારા વિશે કેવું વિચારશે? મૃત્યુ છેવટે તો શોકનો પ્રસંગ છે. એ વ્યક્તિ જે હવે નથી તે તમને જિંદગીમાં ક્યારેય મળવાની નથી, તમે ગમે એટલા ધમપછાડા કરશો તો પણ નહીં મળે, તમે ગમે એટલા પૈસા ખર્ચવા તૈયાર હશો તો પણ એને તમે હવે પાછી તમારી જિંદગીમાં નહીં લાવી શકો અને તમે વર્લ્ડના પાવરફુલમાં પાવરફુલ માણસ હશો તો પણ એ મૃત વ્યક્તિને ફરી જીવતી નહીં કરી શકો. સ્વાભાવિક છે કે તમને શોક થવાનો જ છે. પણ યાદ કરો તમારા જીવનમાંથી જે સૌથી નિકટની વ્યક્તિઓએ વિદાય લીધી છે એમને કે પછી અત્યારે તમારી સાથે હોય એવી સૌથી નિકટની વ્યક્તિઓને આ સૌના મૃત્યુથી જે ધક્કો લાગે તે તો લાગવાનો જ. પણ એમના જવાથી તમારા જીવનમાં જે ટેમ્પરરિ કે કાયમી ઈમોશનલ કે ફિઝિકલ શૂન્યાવકાશ સર્જાયો કે સર્જાશે તેના ફાયદા પણ હોવાના. આ પરિસ્થિતિ તમારા જીવન માટે લાંબા ગાળે ફાયદાકારક પુરવાર થવાની – કોઈ બીજું આ સત્ય સ્વીકારે કે ન સ્વીકારે, કંઈ ફરક પડતો નથી.

જીવનની દરેક અશુભ, અમંગળ કે કમનસીબ પરિસ્થિતિઓની પોઝિટિવ બાજુ હોવાની, હોવાની ને હોવાની જ. તમારી નિકટની વ્યક્તિનું મૃત્યુ હોય કે પછી તમારા ધંધામાં નુકસાની થઈ હોય, તમારા છૂટાછેડા થયા હોય કે પછી તમે પ્રેમભંગ થયા હો કે તમારે દેવાળું કાઢવું પડ્યું હોય, તમારી વર્ષો જૂની નોકરી છૂટી જાય કે તમે ઘરબાર વિનાના થઈ જાઓ કે પછી તમે દરેક રીતે તબાહ થઈ જાઓ એવી અશુભ પરિસ્થિતિઓને પણ એના પ્લસ પોઈન્ટ્‌સ હોવાના. શુભ પરિસ્થિતિઓને તો હોવાના જ છે. પણ શુભ-અશુભ બેઉ પ્રકારના સંજોગોમાં આપણે એ પરિસ્થિતિના માઈનસ પોઈન્ટ્‌સ વિશે જ વિચારતા રહીએ છીએ. ૨૫ વર્ષની ઉંમરે આપણામાં જે જોશ છે તે જોતા નથી અને અનુભવહીન છીએ એવી રડારોળ કરીએ છીએ અને ૫૫ વર્ષની ઉંમરે ઢેર સારો અનુભવ જમા કર્યો છે એના પર ફોકસ કરવાને બદલે ‘હવે મારે માટે કેટલાં વર્ષ કામ કરવાનું છે’ એવો કકળાટ કરતાં થઈ જઈએ છીએ.

જિંદગીની દરેક પરિસ્થિતિ કામની છે, ઉપયોગી છે. આપણને દુઃખી કરી નાખે એવી પરિસ્થિતિને એના પોતાના પ્લસ પોઈન્ટ્‌સ છે એવા પ્લસ પોઈન્ટ્‌સ જે તમને તમે સુખી હશો ત્યારે પ્રાપ્ત થવાના નથી. તમારો કપરો સમય તમને જે કંઈ શિખવાડશે તે પાઠ દુર્લભ હશે. એ પાઠ શીખીને જ તમે સમૃધ્ધ થવાના કે તમારી સમૃદ્ધિને સાચવી રાખવાના.

જિંદગીની દરેક ઉંમર કામની છે, આ દરેક ઉંમરને એના પોતાના આગવા પ્લસ પોઈન્ટ્‌સ છે, જો તમે જોઈ શકો તો. તમે જે નોકરી-ધંધો-વ્યવસાય કરતા હો એના પોતાના પ્લસ પોઈન્ટ્‌સ છે. તમે જે જગ્યાએ, જે શહેરમાં રહેતા હો એના પણ પ્લસ પોઈન્ટ્‌સ છે. તમે જેની સાથે રહેતા હો, જે પરિવારમાં જે અડોશી-પડોશી સાથે રહેતા હો એના પ્લસ પોઈન્ટ્‌સ છે – જો પારખતાં આવડે તો.

પણ આપણામાંના ઘણા દોષદેખા થઈ જતા હોય છે. આપણે દરેક વાતમાં, દરેક વ્યક્તિમાં ઓછપ જ શોધતા હોઈએ છીએ. આપણે દરેક પરિસ્થિતિમાં ઊણપ જ ખોજીએ છીએ. અને એટલે જ આપણે દરેક ઉંમરે, દરેક સ્થળે, દરેક સંજોગોમાં ફરિયાદ કરી કરીને દુઃખી થતાં રહીએ છીએ.

જેમને કોઈ પણ ઉંમરના, કોઈપણ પરિસ્થિતિના, કોઈપણ સ્થળના પ્લસ પોઈન્ટ્‌સ ઓળખતાં આવડે છે એ હંમેશાં પ્રસન્ન રહેશે અને પોતાની આસપાસની વ્યક્તિઓને પણ પ્રસન્ન રાખશે.

પાન બનાર્સવાલા

જિંદગીનો રિયલ હેતુ છે દરેક વ્યક્તિમાંથી, દરેક પરિસ્થિતિમાંથી અને દરેક સ્થળમાંથી કંઈક મેળવીને પ્રસન્ન થવાનો, નહીં કે એ દરેકમાંથી ખામીઓ શોધી શોધીને દુઃખી થવાનો.

_અજ્ઞાત

5 COMMENTS

  1. Exactly.. ઘણા લોકો સમજતા નથી હોતા અને આખી જિંદગી માઈનસ પોઈન્ટ પર જ ધ્યાન આપીને રોદણાં રડયાં કરતા હોયછે. એમને સમજાવીએ તો પણ સમજવા તૈયાર નથી હોતા અને દુઃખી થતા હોય છે.

  2. Exactly.. પણ ઘણા લોકો સમજતાં નથી હોતા અને આખી જિંદગી માઈનસ પોઈન્ટ પર જ ધ્યાન આપીને રોદણાં રડયાં કરતા હોય છે. એમને સમજાવીએ તો પણ સમજવા તૈયાર નથી હોતા. અને જાતે જ દુઃખી થતા હોય છે..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here