લાચારી, અફસોસ અને ગિલ્ટનો ત્રિવેણી સંગમ

સન્ડે મોર્નિંગસૌરભ શાહ

( મુંબઇ સમાચાર : રવિવાર, 25 નવેમ્બર 2018)

‘ક્યાબાત હૈ સર, આજ આપ અકેલે પી રહે હૈં?’

‘બાતેં કરને કે લિયે ઈતના તરસ રહા થા કિ સોચા થોડી પી કર અપને આપ સે કુછ કહુંગા… મણિ, મૈં કુછ ચીડચીડાસા હો ગયા હૂં. કભી ગુસ્સે મેં બુરાભલા કહ ડાલા કરું તો બુરા મત માનના…

‘મેરી ક્યા મજાલ, સર’

‘ઝિંદગી ભી એક નશા હૈ, દોસ્ત… જબ ચડતા હૈ તો પૂછો મત ક્યા આલમ રહતા હૈ. લેકિન જબ ઉતરતા હૈ…’

રાજુ ગાઈડ અને એના પર્સનલ સેક્રેટરી મણિ વચ્ચેનો આ યાદગાર સંવાદ જેમણે ‘ગાઈડ’નાં ગીતો એલ. પી. રેકૉર્ડ પર સાંભળ્યાં હશે તેમને યાદ હશે અને એ પણ યાદ હશે કે આ સંવાદ દરમ્યાન ગ્લાસમાં શરાબ રેડવાનો અને પછી સોડા નાખવાનો અવાજ પણ સ્પષ્ટ સંભળાય છે.

રાજુ અને રોઝી વચ્ચે અત્યાર સુધી જે ગુલાબી-ગુલાબી હતું તે બધું બ્લેક એન્ડ વ્હાઈટ થઈ ચૂક્યું છે. રોઝીની કમાણી પર જુગારમાં પૈસા ઉડાવતો રાજુ રોઝી માટે આવેલી માર્કોની કિતાબને છુપાવતો અને ભલે બદઈરાદો ન હોય છતાં પણ કાયદેસર જે ગુનો ગણાય તે રોઝીની બનાવટી સહી પણ કરી ચૂક્યો છે. રોઝીને હજુ માત્ર પેલી બુકવાળી જ વાતની ખબર છે, સહીવાળી વાત હજુ એના કાને આવી નથી. રાજુ અને રોઝી વચ્ચેનું અંતર વધતું જાય છે. રાજુ રોઝીને મનાવવાની ઘણી કોશિશ કરે છે. છેવટે હારીને એ પોતાના સેક્રેટરી સાથે પીવા બેસી જાય છે. આ એ જ સેક્રેટરી છે જેણે અજાણતાં, ઈનોસન્ટલી માર્કોની બુક આપી છે એ વાત રોઝીને કહી દીધી હતી જેને કારણે રોઝી રાજુથી રૂઠી ગઈ હતી અને રાજુએ આ ખાનગી વાત રોઝી આગળ જઈને કહી આવવા બદલ મણિને તતડાવી નાખ્યો હતો. અત્યારે આ જ મણિને રાજુ એનો અને પોતાનો – બેઉના પેગ તૈયાર કરવાનું કહે છે, માફી પણ માગે છે. રાજુ જિંદગીમાં હતાશ થઈ ગયો છે. દિવસ તો જેમ તેમ કામની દોડાદોડીમાં પૂરો થઈ જાય છે પણ સાંજ પછી આવતી ભેંકાર રાતે એની પાસે કોઈ નથી, એની સાથે કોઈ નથી.

દિન ઢલ જાયે, હાય રાત ન જાયે
તૂ તો ન આયે તેરી યાદ સતાયે

પ્યાર મેં જિનકે સબ જગ છોડા ઔર હુએ બદનામ
ઉનકે હી હાથોં હાલ હુઆ યે, બૈઠે હૈ દિલ કો થામ
અપને કભી તો, અબ હૈ પરાયે
દિન ઢલ જાયે…

દિલ કે મેરે પાસ હો ઈતને ફિર ભી કિતની દૂર
તુમ મુઝ સે, મૈં દિલ સે પરેશાન દોનો હૈ મજબૂર
ઐસે મેં કિસ કો કૌન મનાયે
દિન ઢલ જાયે…

લાચારી, અફસોસ અને ગિલ્ટના ત્રિવેણી સંગમ જેવા શૈલેન્દ્રના આ શબ્દો તમારા દિલમાં સોસરવા ઊતરી જાય, દિલની અંદર એકલતાની વરાળ ઉમટે એનું વાદળું બંધાય જેની વર્ષા આંખમાંનાં આંસુરૂપે બહાર નીકળે. દારૂ પીતા હો કે ન પીતા હો – આ ગીત સાંભળીને/જોઈને તમારી આંખ ભીની થયા વિના નહીં રહે.

ચેલેન્જ.

આ ગીતની ધૂન, એના શબ્દો આ નહોતા. એસ. ડી. બર્મને અલગ ધૂન અને અલગ શબ્દો ધરાવતું ગીત રેકોર્ડ કરી લીધું હતું પણ દેવ આનંદ – વિજય આનંદે એ જ્યારે સાંભળ્યું ત્યારે લાગ્યું કે એમણે આ ધૂન ઓકે કરવામાં ભૂલ કરી છે. પણ સિંહને કોણ કહે કે મોઢું ગંધાય છે. સચિનદાને ફોન કરવાની હિંમત તો કરી પણ કહેવું શું. કહે કે, ગીત બહુ સરસ બન્યું છે, પણ એમાં એ ભાવ નથી આવતો જે સિચ્યુએશન માગે છે.

બેઉ ભાઈઓએ ગરમ મિજાજના સચિનદા પાસે રૂબરૂ જઈને ફરી સિચ્યુએશન સમજાવી. જે કંઈ તૂટ્યું છે તેમાં માત્ર રોઝીનો કે માત્ર રાજુનો વાંક નથી. રાજુએ કિતાબ છુપાવી તો રોઝીને છેતરવા નહીં પણ માર્કો ફરી રોઝીના જીવનમાં પ્રવેશવાની કોશિશ કરશે એવી અસલામતીથી છુપાવી. રોઝીએ રાજુને જુગાર માટે વધારાના પૈસા આપતી વખતે આટલા બધા પૈસા ક્યાં ખર્ચાય છે એવું કહ્યું તે કંઈ એવા ભાવથી નહીં કે આ બધી મારી એકલીની કમાણી છે, રાજુ તો માત્ર મારા પૈસે તાગડધિન્ના કરે છે. પણ એવા ભાવથી કે જરા સંભાળીને ખર્ચા કરીશું તો ભવિષ્યમાં જ્યારે હું સ્ટેજ શો કરવાની ઉંમર વટાવી ગઈ હોઈશ ત્યારે પૈસા બચાવ્યા હશે તો કામ લાગશે – એવી ભાવનાથી ઠપકાનો સૂર કાઢયો હતો.

સચિનદાએ કહ્યું: ઠીક છે. બેઉ ભાઈઓ પાછા ગયા. થોડા જ દિવસમાં અચાનક સચિનદાનો ફોન આવ્યો. નવી ધૂન તૈયાર છે. સંભળાવી. ખુશ ખુશ. પણ શબ્દો? શૈલેન્દ્રને ફોન કરીને બોલાવવામાં આવ્યા. ધૂન સાંભળીને શૈલેન્દ્રે પંદર જ મિનિટ એકાન્તમાં બેસીને ગીતનું સર્જન કર્યું. દિગ્દર્શકની સૂઝ, નિર્માતાની ફરી ખર્ચ કરવાની તૈયારી, સંગીતકારની ખેલદિલી અને ગીતકારની તત્પરતાનું પરિણામ છે ‘દિન ઢલ જાયે’ જેવું અમર ગીત. મોહમ્મદ રફીએ જીવ નીચોવીને ગાયું છે. ‘તૂ તો ન આયે તેરી યા…દ સતાયે’માં યાદ શબ્દનો બે અક્ષર વચ્ચેની જગ્યાને લંબાવીને આ દર્દનો નીચોડ એમાં ઠાંસી ઠાંસીને રફીસા’બે ભર્યો છે. ‘દિલ કે મેરે પાસ હો ઈતને’વાળા અંતરામાં વહીદાજી નિસરણી ઊતરીને નીચે આવે છે, અડધે આવીને રોકાઈ જાય છે અને નિસરણીની બીજી બાજુ દેવસા’બ છે. બેઉ ફરી મળવાને આતુર છે, છતાં મળતાં નથી, મળી શકતાં નથી, બેઉના મનમાં એવું ઘણું બધું છે જેને છોડીને ફરી મળવાનું કોઈના માટે શક્ય નથી. ગેરસમજો અને અહમ વચ્ચે ટકરાવ થાય ત્યારે પહેલો ભોગ સંબંધનો લેવાતો હોય છે. આ શોટ પહેલાં વરસાદવાળા અંતરામાં મણિ અધૂરો ગ્લાસ છોડીને, દેવસા’બને એમના પોતાના વાતાવરણમાં મૂકીને, જતો રહ્યો છે. રાજુ ફરી એકલો પડી ગયો છે. રોઝી આવે છે પણ પૂરેપૂરી નિસરણી ઉતરતી નથી. પાછી ઉપર જતી રહે છે. બેઉના જીવનમાં, આ ફિલ્મમાં હવે કઈ આંધી આવવાની છે એની એંધાણી આ ગીત પૂરું થયા પછીના દૃશ્યમાં મળી જાય છે. રાજુ રોઝીનો સાથ છોડી દે છે, સંગાથ છોડી દે છે. ગાઈડ તરીકેના પોતાના અસલી પહેરવેશમાં આવીને રોઝીને એકલી જ શો માટે થિયેટર પર મોકલી આપે છે. અને પોતે મામાને ત્યાં જતી રહેલી માને પત્ર લખીને જણાવી દે છે: માં, તુમ્હારા રાજુ લૌટ આયા હૈ, મગર તુમ્હારે બગૈર ઘર ઘર નહીં લગતા. રાત રાત પડા રહતા હૂં, નીંદ નહીં આતી, ન કોઈ ખિલાનેવાલા, ન કહાની સુનાકર સુલાનેવાલા…

આ પત્ર વાંચીને તરત મામા કહે છે: ‘ચલો, બહન સામાન બાંંધો, શહર જાયેંગે…’

રોઝી માટે જેણે બધું જ છોડી દીધેલું એવો થાકેલો હારેલો રાજુ મા સાથેના પુનર્મિલનની રાહ જોતો પોતાના જૂના આવાસમાં રોઝીની તસવીરો પંપાળી રહ્યો હોય છે ત્યાં જ દરવાજા પર ટકોરા પડે છે. રોઝી મનાવવા આવી હશે? મા પાછી આવી હશે?

ના. રાજુનો જૂનો દોસ્ત ગિરધારી છે. પોલીસ અફસર બની ગયો છે. દોસ્ત તરીકે નહીં, ફરજપરસ્ત સરકારી નોકર તરીકે આવ્યો છે. આ ગિરધારીનો રોલ કૃષ્ણ ધવને કર્યો છે. આ કૃષ્ણ ધવન એટલે? શૈલેન્દ્ર નિર્મિત ‘તીસરી કસમ’માં ‘ચલત મુસાફિર’ ગીત સાંભળ્યું છે ને તમે? રાજ કપૂર એ ગીતમાં માત્ર હાથમાં ડફલી લઈને બજાવ્યા કરે છે. મન્નાડેના અવાજમાં ગીત ફિલ્મમાં કોણ ગાય છે? ‘ગાઈડ’નો પોલીસવાળો ગિરધારી ઉર્ફે કૃષ્ણ ધવન, એના દીકરાને પણ તમે ટીવી સિરિયલોમાં તથા ફિલ્મોમાં જોયો છે. કોણ? યાદ કરો. આવતા રવિવારે ‘ગાઈડ’નાં બાકીનાં ગીતો ગાઈને પૂરું કરીએ.

કાગળ પરના દીવા

મોદી તો માત્ર પ્રેરણા આપે છે આપણને – ભાજપને વોટ આપવા માટે.

આ રાહુલ તો આપણને ફરજ પાડી રહ્યો છે – ભાજપને વોટ આપવા માટે.

– વૉટ્સઅપ પર વાંચેલું

સન્ડે હ્યુમર

બકો: બજારમાં જાઉં છું, કંઈ લાવવું છે?

બકી: કેરોસીન, સ્ટવની વાટો, ફાનસ, સાઈકલ, માટીનાં માટલાં…

બકો: ગાંડી થઈ છે કે શું. હવે આ બધાની શું જરૂર છે?

બકી: સાંભળ્યું છે કે કૉન્ગ્રેસ આવે છે.

3 COMMENTS

  1. બોસ અફલાતુન આર્ટીકલ અને ખાસ તો ગાઈડની એલ પી મિત્ર પાસે 15રૂપિયા ઉધાર લઈને લીધી હતી અને મરફીના fiesta મોડલમાં સંભળાતોઅવાજ યાદ આવી ગયો. Thanks Boss

  2. Krishna Dhawan etle Anil ane David Dhawan na father. He was very well known actor. Emne chelle chelle Ram Teri Ganga Malli ma blind man no role karyo hato.

    • ના, મને લાગે છે એ આ બંનેના નહીં પરંતુ ટીવી સિરિયલોના કલાકાર દિલીપ ધવનના પિતા હતા.
      ભૂલચૂક લેવીદેવી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here