શું પ્રાચીન ગ્રંથોમાં જે કંઈ લખાયું તે બધું જ સ્વીકારી લેવાનું? : સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ ક્લાસિક: સોમવાર, ચૈત્ર વદ સાતમ, વિક્રમ સંવત ૨૦૭૭. ૩ મે ૨૦૨૧)

વધુ કોઈ પ્રસ્તાવના વિના વાત આગળ લંબાવીએ. નવમો મુદ્દો:

૯. કોઈ પણ ધર્મગ્રંથ કે હજારો વર્ષ અગાઉ રચાયેલા ગ્રંથમાં વર્ષો, દાયકાઓ, સદીઓ વીતતાં જાણે-અજાણે નાનામોટા ઉમેરા-સુધારા-ઘટાડા થતા રહેવાના. રચનાકાર ઋષિ બોલે જેને એમના શિષ્યો સાંભળે અને યાદ રાખે. આ પ્રક્રિયામાં કેટલીકવાર અજાણતાં કે ક્યારેક જાણી જોઈને મૂળ ગ્રંથમાં ન હોય એવી વાતો ઉમેરાઈ જાય.

આજના જમાનાનો દાખલો લઈએ. કિટી પાર્ટીઓમાં કે નાનાં બાળકોની બર્થ-ડે પાર્ટીઓમાં ‘ચાઈનીઝ’કે એવા કોઈ નામે એક રમત રમાતી હોય છે. પહેલી વ્યક્તિને એક ચિઠ્ઠી વાંચવાનું કહેવામાં આવે. મનોમન એ ચિઠ્ઠીમાંનું લાંબું વાક્ય વાંચીને યાદ રાખી લેવાનું. પછી એણે એ વાક્ય પોતાની બાજુમાં ઊભેલી વ્યક્તિના કાનમાં બોલવાનું. બીજી વ્યક્તિ એ વાક્ય યાદ રાખીને ત્રીજીના કાનમાં કહે. છેવટે પચ્ચીસમી કે છેલ્લી વ્યક્તિના કાન સુધી એ વાક્ય પહોંચે અને એ મોટેથી બોલે જેને પેલી ચિઠ્ઠી સાથે સરખાવાય. ઈનવેરિયેબલી એમાં આસમાન-જમીનનો તફાવત પડી ગયો હોય. કોઈ ઈન્ટેન્શન ન હોવા છતાં દરેકે પોતપોતાના શબ્દો ઉમેર્યા હોય કે મૂળમાંના શબ્દોમાં વધઘટ કરી હોય કે એના અર્થો બદલી નાખ્યા હોય કે શબ્દો આઘાપાછા કર્યા હોય.

પ્રાચીન ગ્રંથો વાંચતી, સાંભળતી કે ઈન્ટરપ્રીટ કરતી વખતે આ વાત ખાસ ધ્યાન રાખવાની. ભલભલા સંશોધકો પણ છાતી ઠોકીને કહી ના શકે કે મૂળ રચનાકારે આ જ લખ્યું હશે. કેવી રીતે કહી શકે? ઉમાશંકર જોશીની કોઈ કૃતિમાં આજની તારીખે અમુક જાતિ માટે વર્જ્ય ગણાતો શબ્દ આવે અને એને પાઠ્યપુસ્તકોમાં ભણાવતી વખતે કાઢી નાખવામાં આવે તો તમે એ કૃતિ મૂળ જે પુસ્તકમાં છપાઈ હોય તે રિફર કરીને પુરવાર કરી શકો છો કે આમાં આટલું કાઢી નાખવામાં આવ્યું છે. વૉટ્સઍપના જમાનામાં પણ આવું થતું હોય છે. મારા સહિત બીજા અનેક લેખકોને એવા અનુભવ થયા છે કે અમે જે લખ્યું હોય એમાં મનઘડંત ઉમેરા-બાદબાકી કરીને અમારા લેખોને પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માટે વાપરવામાં આવ્યા હોય, ક્યારેક તો અમે લખ્યા જ ન હોય એવા લેખો અમારા નામે ફરતા હોય એવું પણ બન્યું છે અને એની સામે પોલીસની સાયબર શાખામાં ફરિયાદ પણ થઈ છે. થવી જ જોઈએ.

જો આજના જમાનામાં આવું થતું હોય, મૂળ લેખકના જીવતેજીવ અને મૂળ લખાણ કયું છે, કોનું છે તે સહેલાઈથી પુરવાર થઈ શકતું હોય ત્યારે પણ આવી બદમાશીઓ થઈ શકતી હોય તો બસો-પાંચસો-હજાર-બે હજાર-પાંચ હજાર વર્ષ પહેલાં રચાયેલા ગ્રંથોમાં આવું કરવાની શક્યતા તો કેટલી બધી હોય.

માટે જ કોઈ પણ પ્રાચીન ધર્મગ્રંથ કે અન્ય ગ્રંથમાં લખાયેલી કોઈ વાત વાંચી કે સાંભળીને મન ન સ્વીકારે અને પ્રશ્ર્ન થાય કે આવું તે કંઈ હોતું હશે? ત્યારે એટલી વાત છોડી દેવાની. મારી મચડીને એને સમજાવવાની કોઈ કોશિશ કરતું હોય તો એ માયાજાળમાં પડવાનું નહીં. ક્યારેક બે વિરોધાભાસી વાતો જણાય તો આપણી વિવેકબુદ્ધિ જે સ્વીકારે તે વાતને અપનાવી લેવાની. 

પુરાણોમાં તો આવી વાતોનો ભંડાર ભર્યો છે, ભગવદ્ ગીતામાં, રામાયણમાં અને મહાભારતમાં પણ ક્યાંક આવી વિસંગતિઓ અથવા માન્યામાં ન આવે એવી વાતો વાંચવા મળતી હોય ત્યારે ભગવાને આપણને જે કંઈ સદ્બુદ્ધિ આપેલી છે તેનો સદુપયોગ કરવાનો. અનેક ઉદાહરણો આપણે લઈ શકીએ. અહીં માત્ર એક જ દાખલો લઈએ. દ્રૌપદીનો. 

શું દ્રૌપદીને પાંચ પતિ હતા? એપરન્ટલી કોઈની પૉર્ન ફેન્ટસી લાગે એવી આ વાત છે, પણ મહાભારત જેવા અતિ-અતિ પ્રાચીન ગ્રંથમાં એ લખાયેલી છે એટલે આપણે માની લઈએ છીએ કે દ્રૌપદી વારાફરતી યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુળ અને સહદેવની સાથે પત્ની જેવો વ્યવહાર રાખતી હતી. કેટલાક વળી એમાં પ્રતીકો શોધે, રૂપકો વડે સમજવાની વ્યર્થ કોશિશ કરે તો કેટલાકને એમાં પોતાનામાં ભરેલી વાસનાઓનું પ્રાગટ્ય દેખાય. 

આજથી થોડાંક વર્ષ પહેલાં મેં આ જ કોલમમાં આ વિશેનું મારું સંશોધન તથા મારો તર્ક રજૂ કર્યાં હતાં જેને હું ફરી એકવાર સંક્ષિપ્તમાં મૂકવા ધારું છું. 

શું કુંતીમાતાએ એવું કહ્યું હતું કે, ‘પાંચેય ભાઈઓ વહેંચી લેજો’?

મગનલાલ માણેકલાલ ઝવેરીએ છેક સો વર્ષ અગાઉ, ૧૯૧૬માં સંશોધન કરીને એક પુસ્તિકા આ વિશે પ્રગટ કરી હતી. આ પુસ્તિકામાં ‘રાજપૂત ગેઝેટ’ નામના એક ઉર્દૂ પત્રના સંપાદક લાલા સુખરાનો કિસ્સો ટાંક્યો છે. ઈટાવાનિવાસી એક મૌલવી મહમદહુસૈન આઝાદે લાલ સુખરામ વિરુદ્ધ લખીને મહેણું માર્યું હતું કે રાજપૂતોની નીતિ અને સભ્યતાનો ખ્યાલ કરવો હોય તો દ્રૌપદી અને પાંડવોનો ઈતિહાસ જોઈ જવો.

મહાભારતમાં દ્રૌપદીના પાંચ પતિવાળી વાતને કારણે હિંદુ પ્રજા અનેક વખત હાંસિપાત્ર બનતી હોય છે કે જુઓ તમારામાં તો આવું બધું ચાલતું. બાઈબલમાં આ જમાનાની બેસ્ટસેલર સોફ્ટ પૉર્નકથા ‘ફિફ્ટી શેડ્સ ઑફ ગ્રે’નો પ્લૉટ ઘુસાડી દે અને બે હજાર વર્ષ પછી ખ્રિસ્તીઓને આખી દુનિયા કહેવા માંડે કે તમારા લોકોમાં તો આવું બધું ચાલતું-એના જેવી આ વાત છે. 

લાલા સુખરામે મૌલવીને ઓપન ચેલેન્જ કરીને દ્રૌપદી વિશે સંશોધનભર્યો લેખ લખ્યો અને કહ્યું કે આમાંની કોઈ પણ વાતનું ખંડન કરીને મને ખોટો પુરવાર કરો તો તમને રૂ. પ૦૦/-નું ઈનામ આપીશ. આજ દિવસ સુધી એ ઈનામ લેવા કોઈ આવ્યું નથી. મને આ બધી વાતો સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલયે પ્રગટ કરેલા ‘મહાભારત’ના સાત ભાગની પ્રસ્તાવનાઓમાંથી મળી છે જે તમારી સાથે શેર કરી રહ્યો છું. 

દ્રૌપદી વિશે ક્યાં, ક્યારે, કોણે અને કેવી રીતે સંશોધનો કર્યા એની વિગતોમાં આ જગ્યાએ ઊંડે ઊતરવાનો અવકાશ નથી. આપણે માત્ર એનાં તારણો પર ધ્યાન આપીએ. 

સૌથી પહેલાં તો આર્યોમાં બહુપતિત્વની પ્રથા હતી જ નહીં. બહુપત્નીત્વનો ચાલ જરૂર હતો, પણ એક સ્ત્રી એક કરતાં વધુ પતિ રાખે એવી પ્રથા હિમાચલના કેટલાક પર્વતીય વિસ્તારોના અમુક કસબા સિવાય ક્યાંય નહોતી. મહાભારતમાં લગભગ પચાસેક જેટલાં નાનાં-મોટાં સ્ત્રીપાત્રો છે. એમાંથી કોઈએ દ્રૌપદીની જેમ એક સાથે એકથી વધુ પુરુષો સાથે આ પ્રકારનો સંબંધ નથી રાખ્યો. 

મહાભારતની રચના વેદ વ્યાસે કરી ત્યાર બાદ એમાં અનેક ઉમેરા-સુધારા થયા છે તે પુરવાર થયેલું છે. આ સુધારા ઉમેરા વિવિધ આશયોથી થયા, જેમાંનો એક આશય વામપંથીઓ દ્વારા ભારત વર્ષની સંસ્કૃતિને ખરડવાનો હતો. આ વામ માર્ગ વિશે જાણવું હોય તો તમારી રીતે જાણી લેજો. આજના ડાબેરીઓ અને વામમાર્ગીઓ જુદા. આ વામપંથીઓએ પુરાતન ગ્રંથોમાં એવા સુધારાઓ કર્યા જે એમની પોતાની જીવનશૈલી કે વિચારસરણીને અનુરૂપ હતા. વામમાર્ગીઓ અનીતિ અને દુરાચારમાં પડ્યાં પાથર્યા રહેનારા ભોગીઓ અને વ્યસનીઓ હતા. બ્રહ્મા પોતાની પુત્રી પર આસક્ત થયાથી માંડીને ચંદ્રમાએ પોતાના ગુરુ બ્રહસ્પતિની સ્ત્રી સાથે સમાગમ કર્યો જેવા જે કંઈ કિસ્સાઓ પુરાણોમાં જોવા મળે છે તે આ વામમાર્ગીઓની દેણ છે.

આ ઉપરાંત, ભગવાન શિવના ચારિત્ર્યની છબિ ખરડવાના આશયથી કૃષ્ણભક્ત વૈષ્ણવોએ પણ પુરાણોમાં કેટલાક અઘટિત, અભદ્ર ફેરફાર કર્યા. આજે પણ ગામડાઓમાં કેટલાક વૈષ્ણવો કપડું સીવવાના અર્થમાં ‘સિવાય’ શબ્દ નથી બોલતા, કારણ કે એમાં ‘શિવાય’નો ભાવાર્થ આવે. ‘મહાભારત’ ઘરમાં હોય તો ઝઘડો થાય કે ‘મહાભારત’નું વાચન/પઠન સંપૂર્ણપણે નહીં કરતા, અડધેથી છોડી દે જો, આવી માન્યતા ફેલાવવા પાછળનું પણ કારણ એ જ કે પ્રજા સંપૂર્ણ મહાભારતના સૌંદર્યથી, વિશેષ કરીને પ્રતાપી કૃષ્ણની છબિથી વિમુખ થઈ જાય અને માત્ર રસીલી વોતો જ યાદ કરતી રહે. 

કુંતી માતાએ ‘પાંચેય વહેંચી લેજો’ વાળી વાતના ઉમેરા પછી એક તદ્દન અસભ્ય અને પૉર્નોગ્રાફિક પ્રકારનો શ્લોક મહાભારતમાં ઉમેરાયેલો જેનો સાર કંઈક એવો થાય કે દ્રૌપદી જેવી સુંદર નવયોવના હવે પોતાને પણ ભોગવવા મળશે એવી લોલુપ નજરોથી બાકીના ચારેય ભાઈઓ આ સ્ત્રીને જોઈ રહ્યા. 

સ્વયંવરમાં અર્જુને દ્રૌપદીની શરતોનું પાલન કર્યું ત્યારે પાંડવો બ્રાહ્મણોના વેશમાં હતા. દ્રૌપદી આટલા બધા ક્ષત્રિય ઉમેદવારોને પડતા મૂકીને એક બ્રાહ્મણ સાથે સંસાર માંડશે એ વિચારથી ત્યાં ઉપસ્થિત રાજાઓ સાથે પાંડવોને મારામારી થઈ હતી. કુંતી માતા જાણતી હતી કે પોતાના પુત્રો સ્વયંવરમાં ગયા છે, ભિક્ષા માગવા નહીં. ભીમ અર્જુન કરતાં વહેલો ઘરે આવી ગયો હતો અને એટલે પણ કુંતી માતાને જાણ હોવાની કે આ ભાઈઓ શું કરીને આવ્યા છે, શા માટે એવું કરીને આવ્યાં છે. એટલું જ નહીં, પુત્રો ભિક્ષા લઈને આવતા ત્યારે હંમેશાં કુંતી માતા એ ભિક્ષાના બે સરખા ભાગ કરતી અને એક ભાગ ભીમને આપી બાકીના અડધા ભાગમાંથી બાકીના ચાર ભાઈઓ અને માતા પોતે ભોજન કરતાં. આમ, દીકરાઓ ભિક્ષા લઈને આવ્યા છે એવું માનીને કુંતી માતા કહે કે, ‘સરખા ભાગે વહેંચી લેજો’ એ શક્ય જ નથી. મૂળ રચનાકારને બદલે કેટલાક ભાંગફોડિયાઓએ પોતાની વિકૃત કલ્પનાને છૂટો દોર આપીને દ્રૌપદીને પાંચેય સાથે પરણાવી દેવા આવો તુક્કો લડાવ્યો અને એ તુક્કાને જસ્ટિફાય કરતા શ્લોક ઠેર ઠેર ઘુસાડી પણ દીધાં, પરંતુ આવું કરવામાં જ્યાં જ્યાં વિરોધાભાસો ઊભા થયાં તે ભૂંસવાનું રહી ગયું અને તેઓ પકડાઈ ગયા. 

દ્યુતસભામાં દ્રૌપદી જ્યારે કહે છે કે યુધિષ્ઠિરને કોઈ હક્ક નથી, મને દાવ પર લગાડવાનો ત્યારે મૂળ વાત તો એ હતી કે ‘ધર્મરાજ, તમે કંઈ મારા પતિ નથી. મારા પર હક્ક એક માત્ર અર્જુનનો છે અને એને એકમાત્રને અધિકાર છે. તમને કોઈ અધિકાર નથી મને દાવ પર લગાડવાનો.’

પણ વાતને રંગીન બનાવવાના આશયથી તોડમરોડ એવી થઈ કે સિન્સ યુધિષ્ઠિર પોતે પોતાની જાતને હારી ગયા છે એટલે હવે તેઓ કૌરવોના દાસ થઈ ગયા. અને કોઈ દાસ કેવી રીતે કોઈના પર સ્વામિત્વ ભોગવી શકે.

દ્રૌપદી માત્ર અર્જુનની પત્ની હતી. અર્જુનને દ્રૌપદી ઉપરાંત પણ પત્નીઓ હતી. યુધિષ્ઠિર તથા ભીમને પણ પોતપોતાની પત્નીઓ હતી તેમ જ નકુળ-સહદેવની પત્નીઓ વિશે પણ મહાભારતના કેટલાક વર્ઝન્સમાં ઉલ્લેખો છે. 

દ્રૌપદીને કૃષ્ણ માટે કે કૃષ્ણને દ્રૌપદી માટે ‘એવો કોઈ વિશેષ ભાવ નહોતો.’ કૃષ્ણ પાંડવોના વડીલ હતા અને કૌટુંબિક સલાહકાર હતા. તેઓ કંઈ દ્રૌપદીના ‘સખા’ નહોતા કે નહોતા એ બંને વચ્ચે કોઈ ‘પ્લેટોનિક લવ’. આજકાલની સ્ત્રીઓને પોતાના પતિ કે પ્રેમી ઉપરાંતનો કોઈ એક ‘સખો’ રાખવો ગમે તો એમણે દ્રૌપદી-કૃષ્ણને વચ્ચે લાવ્યા વગર યુટ્યુબ પર પડેલી અનેકમાંની કોઈ એક કે એકાધિક પોર્ન ફિલ્મ જોઈ લેવી. કૃષ્ણ-દ્રૌપદીના સંબંધોને ‘એ રીતે’ જોવાની કે દેખાડવાની કે સ્વીકારવાની વૃત્તિ આપણી હલકી મનોદશા ખુલ્લી પાડે છે. 

વેદ વ્યાસે મૂળ મહાભારતમાં પાંચ પાંડવો અને કૌરવો તેમ જ વિષ્ટિકાર શ્રીકૃષ્ણની વાર્તા કહેવાનો જ આશય રાખ્યો. અને આ પ્લૉટમાં દ્રૌપદી જેવું પવિત્ર, સશક્ત, આદરણીય પાત્ર ઉમેરીને સ્ત્રીનો નજરિયો ઉમેર્યો. પાંચેય પાંડવોની વિવિધ પત્નીઓને દ્રૌપદી જેટલા જ વિસ્તારપૂર્વકના સબ-પ્લૉટ વેદ વ્યાસ આપી શક્યા હોત, પણ વ્યાસજીનો આશય એકતા કપૂર બ્રાન્ડવાળી સાસ-બહુની સિરિયલ લખવાનો નહોતો. તેઓ તત્કાલીન સમાજ-રાજ્ય વ્યવસ્થા તથા કૌટુંબિક મનોભાવનાઓનાં ઓજારો વડે જીવનને જીવવાની ટિપ્સ પ્રજા સુધી પહોંચાડવા માગતા હતા. એ વિના શું તેઓ મહાભારતનાં બે અતિઉત્તમ અંગસ્તંભો —‘વિદુરનીતિ’ તેમ જ ‘ભગવદ્ ગીતા’નું સર્જન કરે?

કાલે દસમો અને છેલ્લો મુદ્દો.

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

•••
આ લેખ તમને ગમ્યો? ન્યુઝપ્રેમીને સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

3 COMMENTS

  1. પુરણકારો અને બીજાઓએ આપણા આદર્શ ભગવાનોને ઉચ્ચ કક્ષાએ થી સાવ તળિયે લાવી મૂક્યા એ તો ખોટું જ થયું. ભારતીય જનસાધારણે એને ફક્ત સ્વિકાર્યું જ નહીં પણ એવું ચરિત્રચિત્રણ એને વધારે ગમ્યું એવું દેખાય છે.
    આ વૃત્તિ માં જ કળ રહેલી છે આ દેશ ની છેલ્લા હજાર વર્ષ માં થયેલી દુર્દશા ને સમજવાની.

  2. શ્રેષ્ઠ. રોજ આગળ દિવસ કરતા વધારે સરસ વિશ્લેષણ. સૌરભભાઈ જબરદસ્ત. વખાણ કરતા શબ્દો ખૂટી પડ્યા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here