ક્ષણિક સુખ એ જ કાયમી સુખ બની શકે છે

તડકભડક : સૌરભ શાહ

(‘સંસ્કાર’ પૂર્તિ, ‘સંદેશ’, રવિવાર, ૨૮ જુલાઈ ૨૦૧૯)

બર્થ ડેની ઉજવણી વખતે, લગ્ન પ્રસંગે કે પછી કોઈ પાસ થાય ત્યારે કે કોઈને ત્યાં સંતાનનો જન્મ થાય એ વખતે આપણે શા માટે એ પ્રસંગની ઉજવણીની આતુરતાથી રાહ જોતા હોઈએ છીએ? શા માટે વીક-એન્ડમાં પાર્ટી કરવાનું પ્લાનિંગ સોમવારથી જ શરૂ થઈ જતું હોય છે?

કારણ કે સોમવારે મળેલા ચોવીસ કલાક દરમ્યાન આવનારાં નાની નાની સુખ-આનંદની ક્ષણોને આપણે માણવા માગતા નથી, માણી શકતા નથી. આવું જ મંગળ, બુધ, ગુરુ અને શુક્રનું. ખુશ થવા માટે, મનને આનંદમાં રાખવા માટે આપણે છેક શનિ-રવિની રાહ જોવી પડે છે. ક્યારેક તો શનિ-રવિની રજાઓમાં પણ એ મળતું નથી ત્યારે માથેરાન-મહાબળેશ્વર કે મોરેશ્યસ જઈને સુખ શોધવું પડે છે. ત્યાં જઈને પણ નથી મળતું ત્યારે આવતા વર્ષે દીકરાનાં લગ્ન લેવાનાં છે ત્યારે મોટી ઉજવણી કરીને મહાલીશું એવાં સપનાં સેવવાં પડે છે.

આજે આ ક્ષણે, મારી આસપાસ અને મારી અંદર કેટલું બધું સારું બની રહ્યું છે તેનો મને અંદાજ પણ નથી. આજની ક્ષણ, આજનો દિવસ મારા માટે ચિંતાથી શરૂ થાય છે અને રાત્રે ટેન્શનમાં પૂરો થાય છે. કામનું ટેન્શન, પૈસાનું ટેન્શન, પરિવારના સભ્યોનું ટેન્શન, ઑફિસના અને અંગત સંબંધોનું ટેન્શન, આ દેશનું શું થવા બેઠું છે એનું ટેન્શન, અમેરિકાએ પહેલાં ઈરાકને પછી સિરિયાને અને હવે ઇરાનને તબાહ કરી નાખ્યું એનું ટેન્શન. બાજુવાળાની છોકરી ત્રીજા માળવાળાના ડ્રાઈવર સાથે અગાસી પરથી પકડાઈ એનું ટેન્શન. કાલે ભારે વરસાદની આગાહી છે એનું ટેન્શન. બિહારમાં વરસાદ નથી એનું ટેન્શન. સવારની ચાનો સ્વાદ જીભને બહેલાવે એ પહેલાં જ તમે એને તૂરો બનાવી દો છો. નવા નકોર છાપાની ગડી ખોલીને એનું પાનું ફેરવતી વખતે આવતા સળવળાટ જેવા ધીમા રવને માણવાનું ચૂકી જાઓ છો. દૂરના મંદિરમાં ઘંટારવ સાથે થતી આરતીના ઝીણા સૂરને સાંભળવાનું ચૂકી જાઓ છો. બાલ્કનીમાં ઊભા રહીને તાજાં ફૂલ જેવાં બાળકોને સ્કૂલમાં જતાં જોવાનું અને રેલવે સ્ટેશને ભારે ઉત્સાહથી નવો દિવસ શરૂ કરવા માટે નોકરીએ જઈ રહેલાં યુવક-યુવતીઓની સ્ફૂર્તિમય ચાલ જોવાનું ચૂકી જાઓ છો. કારણ કે ક્યારેક મોટી મોટી ઉજવણીઓ કરીશું એવા પ્લાનિંગમાં આપણે આજની તાજી ઝાકળનાં ટીપાંને એક એક કરીને ખોબામાં ઝીલવાનું મુલતવી રાખ્યા કરીએ છીએ.

જિંદગીની એક એક ક્ષણ તમને વૅકેશન જેવો આનંદ આપી શકે છે. કામના બોજ હેઠળ દબાઈ ગયા હોવાની ક્ષણો પણ હિલ સ્ટેશન પર જઈને જોયેલ સૂર્યાસ્ત જેટલો જ આનંદ આપી શકે છે. તકલિફ માત્ર એટલી જ છે કે આપણને કામમાં જીવ પરોવતાં આવડતું નથી. ઓતપ્રોત થઈ જતાં આવડતું નથી. સૂર્યાસ્તના રંગોને એકાગ્ર થઈને, બાકીની દુનિયાને ભૂલી જઈને જોઈ શકનારા આપણે રોજના આપણા કામની ક્ષણોમાં તન્મય થઈ જવાને બદલે બીજા જ વિચારોના ચકડોળે ચઢી જઈએ છીએ. આનંદ માટે એકાગ્ર થવું જરૂરી છે. દુઃખમાંથી મનને બહાર લાવવા માટે આપણે વિચારોને ડાયવર્ટ કરવાની કોશિશ કરતા હોઈએ. દુઃખ આપતા વિચારો ફંટાઈ જાય તો દુઃખ ઓછું થાય. દુઃખ આપતા વિચારો ભેગા મળીને મન પર આક્રમણ કરતા રહે તો દુઃખીના દુઃખી રહીએ. આનંદનું કે સુખનું પણ એવું જ છે. એ વિચારો ડાયવર્ટ થઈ જાય છે ત્યારે બીજા ભળતા જ વિચારો મનનો કબજો લઈ લે છે. મન સુખથી દૂર થઈ જાય છે. સુખના વિચારો એક જગ્યાએ ભેગા થઈ જાય, એકાગ્ર થઈ જાય, મન સુખની એ નાની નાની ક્ષણોમાં તન્મય થઈ જાય તો સુખ શોધવા બીજે ક્યાંય જવું પડતું નથી. સુખ મળવું, આનંદ થવો, મઝા આવવી – આ બધા ભાવપ્રયોગોને આપણે એકબીજાના પર્યાયરૂપે અહીં વાપરીએ છીએ. એની અર્થચ્છાયાઓનું પોસ્ટમોર્ટમ કરીને ચોળીને ચીકણું કરવાની અહીં જરૂર નથી કે સુખ એટલે ફલાણું અને આનંદ એટલે ઢીંકણું અને મઝા એટલે ત્રિકણું. એ બધું કામ તથાકથિત્‌ ચિંતકો પર અને બનાવટી વિચારકો પર છોડી દઈને આગળ વધીએ.

નાની ક્ષણોમાંથી મળતું સુખ જ સતત ચાલતું રહેવાનું છે. એ સુખ જ નિરંતર છે. અને એટલે જ એ કાયમી છે, અમર છે. જીવીએ ત્યાં સુધી આપણી સાથે રહેવાનું છે. જે ક્ષણ જીવી રહ્યા છીએ એમાંથી જ આનંદ શોધી લઈએ. મળશે. જરૂર મળશે. ભાંગી પડ્યા હોઈએ કે નાસીપાસ થઈ ગયા હોઈએ કે પછડાટ ઝીલીને તમ્મર આવી ગઈ હોય એ ક્ષણો પણ માણીએ. ડિઝનીલૅન્ડ વગેરેમાં જઈને એકવાર ઍડવેન્ચર રાઈડ્‌સ નથી કરતા તમે? હાર્ટ બેસી જાય એવું બન્જિ જમ્પિંગ કે પેરા સેઈલિંગ જેવી અનેક ડર લાગે એવી રમતોમાં સામે ચાલીને ભાગ લઈએ છીએ. આ બધી ઍડવેન્ચર સ્પોર્ટ્‌સ ગણાય છે. ક્યારેક આ બધામાં જાનનું જોખમ હોય છે. આયે દિન એવા સમાચારો છાપામાં આવતાં રહે છે કે ફલાણી જગ્યાએ રાઈડનો અકસ્માત થયો. કેટલાય મરી ગયા, જખમી થયા.

કુદરતે આપણા માટે તડકીછાંયડીના સંયોગો સર્જીને નૈસર્ગિક ઍડવેન્ચર રાઈડ્‌સની ભેટ આપી છે. આ રાઈડ્‌સનો ડર ભલે લાગે પણ એનો રોમાંચ લેવાનો હોય, ડર લાગે એટલે એ અનુભવને જતો કરવાનો ન હોય.

જિંદગીની એકેએક ક્ષણ આવા રોમાંચોથી હરીભરી છે. એકેએક પળ આપણને ઉત્તેજિત કરી શકે છે, એક્‌સાઈટ કરી શકે છે, રોમાંચિત કરી શકે છે. આવી નાની નાની ક્ષણોને માણતાં રહેવાની ટેવ પડી ગયા પછી પાર્ટી ક્યારે કરીશું, ફરવા ક્યારે જઈશું, હવે ક્યો પ્રસંગ સેલિબ્રેટ કરીશું એવી રાહ જોવાની રહેતી નથી.

જિંદગી ટૂંકી નથી. કોઈના માટે પણ ટૂંકી નથી હોતી. ભરયુવાનીમાં ગુજરી જનાર માટે પણ નહીં અને સાઠ વર્ષે ઉકલી જનાર માટે પણ નહીં. લાંબી જિંદગી એટલે ૮0-૯૦ વર્ષનું આયુષ્ય એવું કોણે કહ્યું? તમારી અત્યારે જે ઉંમર હોય એ ઉંમરે પણ તમે ભરપૂર જીવી શકો છો. સુખના અવસરની કે આનંદના પ્રસંગની રાહ જોયા વિના દરેક ક્ષણમાં એકાગ્ર બની જઈએ તો ચિરંતન સુખ માણી શકીએ, સદાકાળ આનંદમાં રહી શકીએ. સુખની આ નાની નાની ક્ષણો પરથી આપણું ધ્યાન ડાયવર્ટ કરનારાં તત્વોને ઓળખીએ, એને દૂર કરીએ. આ તત્વો આપણાં આનંદનાં દુશ્મનો છે. આપણું ધ્યાન બીજે દોરી જનારી પ્રવૃત્તિઓ અને વ્યક્તિઓથી સાવધ રહીએ. જે કામ કરી રહ્યા હોઈએ એમાં ખૂંપી જઈએ. જે કામ કરી રહ્યા હોઈએ એ કામ સિવાયના તમામ વિચારો તે વખતે તમારા શત્રુ સમાન છે એવો વ્યવહાર એ વિચારો સાથે કરીને એને મારી ભગાડીએ. એ વિચારો ગમે એટલા આકર્ષક લાગતા હોય પણ અત્યારે એનું કશું કામ નથી. મહત્વ આ ક્ષણે થઈ રહેલા કામનું છે, ભવિષ્યના વિચારોનું નહીં. આટલી સમજ કેળવતાં જરા વાર લાગશે પણ એક વખત આવી જશે પછી સુખની ક્ષણોને શોધવા નહીં જવું પડે. એ જ તમારી પાસે ધસમસતી આવતી રહેશે – ટ્‌વેન્ટી ફોર બાય સેવન.

પાન બનાર્સવાલા

અંતે તો આવનારો સમય જ નક્કી કરશે કે શું કામનું હતું, શું નકામું હતું. અત્યારે એ બધી ચિંતા કરવાને બદલે તમારે જે કરવું છે તે જ કરતા રહો.

_અજ્ઞાત

6 COMMENTS

  1. Superb ..aapdi aas pass je sukh Che ema jaat ne dhal ta sikho ..
    Aatlo saras lakeh aapva badal aabhar…???

  2. ??? વાત તો સાચી. જિંદગી ની પ્રત્યેક્ષ ક્ષણ માણવી…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here