ત્યાગ, વિતરાગ અને ડિટેચમેન્ટ

લાઉડમાઉથ : સૌરભ શાહ

(‘અર્ધસાપ્તાહિક’ પૂર્તિ, ‘સંદેશ’, બુધવાર, ૨૪ જુલાઈ ૨૦૧૯)

આપણા ૠષિમુનિઓ અને સંતો હજારો વર્ષ પહેલાં જે વાતો લખી ગયા, કહી ગયા એનું રિલેવન્સ આજે પણ છે. કમનસીબે એ બધી વાતોને યોગ્ય રીતે આપણને સમજાવવામાં આવી નથી. આને કારણે મનમાં છાપ એવી બેસી ગઈ છે કે એ બધી મોટી મોટી વાતો આપણા જેવા સામાન્ય માણસોને લાગુ પડતી નથી, આ બધી વાતો સંસારીઓ માટે નથી. આવી ઘણી બધી કન્સેપ્ટ્‌સ છે. એમાંની એક છે ત્યાગની, વિતરાગની, નિર્લેપ થઈ જવાની ભાવના. ડિટેચમેન્ટની અથવા તો તમામ પ્રકારનાં વળગણોથી મુક્ત રહેવાની ભાવના.

સંસારમાં રહીને પણ આપણે વળગણોથી મુક્ત થઈ શકીએ છીએ. ડિટેચમેન્ટ એટલે કોઈ પણ વાતનું વળગણ ન હોવું તે. પૅશન જુદી વસ્તુ છે. પૅશન હોવું જોઈએ લાઈફમાં પણ સાથે ડિટેચમેન્ટ પણ હોવું જોઈએ. જરા વિગતે સમજીએ.

મને તો ચા આવી જ જોઈએ. સવારના અમુક પ્રકારનો નાસ્તો મને ન મળે તો ચાલે જ નહીં. હું તો હંમેશાં આ જ બ્રાન્ડ વાપરું વગેરે આગ્રહો નૉર્મલ ટાઈમ, નૉર્મલ પરિસ્થિતિ દરમ્યાન ઠીક છે. પણ જે લોકોએ જિંદગીમાં સતત કામ કરવું છે એના માટે આવા આગ્રહો ઘણી વખત અડચણરૂપ પુરવાર થાય. અને જે લોકોએ સતત માત્ર કામ નહીં, પણ મોટાં મોટાં કાર્યો – ભગીરથ કામ – કરવાં છે એમના માટે તો આવા આગ્રહો મસમોટાં વિઘ્ન બની જાય. જે દિવસે તમને તમારા આગ્રહ મુજબની સવારની ચા ન મળી તે દિવસે તમે શું કરશો. તમારી પાસે જિંદગીમાં કરવાં જેવાં કોઈ કામ નહીં હોય તો છણકા કરશો, તમારો જ નહીં, તમારા ઘરમાં બીજા બધાનો પણ દહાડો બગડે એવું વર્તન કરશો, તમારો મૂડ રેચેડ થઈ જશે, તમારી જિંદગીનો એક અમૂલ્ય દિવસ વેડફાઈ જશે.

જેને જિંદગીમાં સતત કામ કરતાં રહેવું છે એને આ રીતે એક દિવસ પણ વેડફાય તે પોસાય નહીં. અને જેને જિંદગીમાં મોટાં મોટાં, ભગીરથ કામ કરવાં છે એને આ રીતે એક કલાક તો શું પાંચ મિનિટ પણ બગડે તે પોસાય નહીં. જેમના માટે જીવનની દરેક ક્ષણ અમૂલ્ય છે તેઓ આવાં વળગણોથી મુક્ત છે. અમુક રીતે બનાવેલી ચા જ નહીં, નાસ્તામાં કે જમવામાં કે કપડાંની બાબતમાં, આસપાસના વાતાવરણની બાબતમાં ઉન્નીસ-બીસ હશે તો ચલાવી લેશે. આ બધું જ હન્ડ્રેડ પર્સેન્ટ હોવું જોઈએ એવી વ્યવસ્થા ગોઠવવાની ભરપૂર કોશિશ કરશે પણ એ પછીય જો પોતાના આગ્રહો નહીં જળવાય તો એમનું ધ્યાન એ તરફ ચોંટેલું નહીં રહે, એમનું ફોકસ પોતાના કામ પર રહેશે.
ત્યાગ કે વિતરાગનું મહત્વ આ છે. જિંદગીમાં તમે કોઈ પણ ચીજ છોડી શકો છો. તમારા માટે તમારી જિંદગીનો ધ્યેય મહત્વનું છે. રિક્‌શાવાળા સાથે રોજ પાંચ-દસ રૂપિયા માટે કટકટ કરવાથી તમે અંબાણી નથી બની જવાના. આજે હાથરૂમાલને ઈસ્ત્રી કેમ નથી થઈ એવું કહીને ઘર માથે લેનારો માણસ પોતાના આવા ક્ષુલ્લક પરફેક્‌શનના આગ્રહો સાચવીને મોદી નથી બની જવાનો.

છોડતાં આવડવું જોઈએ. ત્યાગ, વિતરાગ કે ડિટેચમેન્ટની કન્સેપ્ટનો આ જ સાર છે. ચીજવસ્તુઓને જ નહીં, વ્યક્તિઓને પણ છોડતાં આવડવું જોઈએ, જો તમારે તમારા ધ્યેય સુધી પહોંચવું હોય તો. કોઈ પણ ચીજ વિના, કોઈ પણ વ્યક્તિ વિના મને ચાલશે. અમુક ચીજ નહીં મળે તો હું એની અવેજીમાં કોઈ અન્ય ચીજથી ચલાવી લઈશ પણ મારું કામ નહીં બગડવા દઉં, ટેન્ટ્રમ કરીને કે ત્રાગાં કરીને મારો ને મારી આસપાસનાઓનો, જેમનો સાથ મને મળતો રહે એ જરૂરી છે એમનો, મૂડ નહીં બગાડું. જો અવેજીરૂપે મળનારી ચીજ પણ સ્વીકાર્ય નહીં હોય તો હું એના વિના પણ ચલાવી લઈશ અને એવું જ વ્યક્તિઓની બાબતમાં. કોઈ વ્યક્તિ મને મારા ધ્યેય સુધી પહોંચવા માટે મદદરૂપ ન થઈ શકે એમ હોય તો એની સાથે મારે ગમે એટલો જૂનો સંબંધ હોય, આત્મીયતા પણ હોય, એના ઉપકારો તળે હું હોઉં, તોય હું એ વ્યક્તિને પડતી મૂકીને મને જે કામ લાગવાની હોય, મારા ધ્યેયની પૂર્તિ માટે જે મદદરૂપ થવાની હોય તેનો સાથ લઈને આગળ વધતો રહીશ. આવી ભાવનાને સ્વાર્થ ન કહેવાય, વિતરાગ કહેવાય, ત્યાગ કે ડિટેચમેન્ટ કહેવાય.

કલ્પના કરો કે આજે કોઈ મોટી કંપનીની ટોચ પર એક વ્યક્તિ બેઠી છે અથવા સમજો કે કોઈ વ્યક્તિ પોતાના પ્રોફેશનમાં ટોચ પર છે કે પછી કોઈ વ્યક્તિ રાષ્ટ્રના ઉચ્ચતમ આસન પર બિરાજે છે. આવી દરેક વ્યક્તિ પાસે પોતાનું કામ આગળ વધારવા માટે એક ટીમ હોવાની. આ ટીમમાંની કોઈ એક વ્યક્તિ એના માટે ટીમના બાકીના સભ્યો કરતાં સૌથી અગત્યની હોવાની, સૉર્ટ ઑફ નંબર ટુ. કોઈ ઉદ્યોગપતિ, અભિનેતા, રાજનેતા, ક્રિકેટર – દરેકના જીવનની આ કહાણી હોવાની, સફળતાના શિખર પર પહોંચેલી દરેક વ્યક્તિની.

હવે કલ્પના કરો કે એમણે જ્યારે પોતાના ક્ષેત્રમાં કારકિર્દીની શરૂઆત કરી હશે ત્યારે પણ એમની આસપાસ ઘણી વ્યક્તિઓ હશે, જેમાંની કેટલીક ખૂબ નિકટ પણ હશે. જેમ જેમ તેઓ પોતાની કરિયરમાં આગળ વધતા ગયા હશે તેમ તેમ એમને સમજાતું ગયું હશે કે આમાંની કેટલીક વ્યક્તિઓ એમના માટે બર્ડનસમ છે, ભારરૂપ છે, ભવિષ્યમાં એ વ્યક્તિઓની ખામીઓને લીધે પોતાની ખૂબીઓ ઢંકાઈ જશે, એને ગ્રહણ લાગી જશે. બહેતર છે કે એમનો સાથ ચાલુ રાખીને આવનારી મુસાફરીનો બોજો વધારવાને બદલે, અત્યારે જ એમનાથી અળગા થઈ જઈએ. આને કારણે બાકીનાઓને પણ મૅસેજ મળી જશે કે એમની કેટલી હેસિયત છે અને એને વધારવા શું કરવું કારણ કે પાત્રતા વધશે તો જ તેઓ પેલી વ્યક્તિના ઈનર સર્કલમાં રહી શકશે, અન્યથા એમણે ઑબિર્ટની બહાર ફેંકાઈ જવું પડશે.

શક્ય છે કે શિખર ભણીની યાત્રામાં તમને જૂની કોઈ પણ વ્યક્તિનો સાથ કામ લાગે એવું ન હોય તો ઈન ધૅટ કેસ એ સૌની સાથે ડિટેચ થઈને નવા નવા માણસોનો સાથ લઈ લેવો. પાયાની વાત એ છે કે કોઈની સાથેના અટેચમેન્ટને કારણે તમારી યાત્રા અટકવી ન જોઈએ, તમારી ગતિ મંદ ન થવી જોઈએ, તમારો વિકાસ રૂંધાવો ન જોઈએ, તમારા ધ્યેયમાં કોઈ રૂકાવટ ન આવવી જોઈએ. વિઘ્નરૂપે વ્યક્તિ હોય કે પછી કોઈ ચિજવસ્તુ – તમને એના વિના ચલાવી લેતાં આવડવું જોઈએ. ત્યાગ, વિતરાગ કે ડિટેચમેન્ટનો મહિમા આજે પણ એટલો જ છે જેટલો હજારો વર્ષો પહેલાં હતો – જ્યારે આપણા ૠષિમુનિઓએ, સાધકો અને ચિંતકોએ વેદ-ઉપનિષદ રચ્યાં.

સાયલન્સ પ્લીઝ!

ડિટેચમેન્ટનો અર્થ એ નથી કે તમારી પાસે કશું જ ન હોય. ડિટેચમેન્ટ એટલે તમારી પાસે જે કંઈ છે તે બધું જ છોડી દેવાની, ત્યજી દેવાની તમારી પાકી તૈયારી હોય.

_અજ્ઞાત

5 COMMENTS

  1. તેન ત્યકતેન ભૂન્જીથા. ત્યાગી ને ભોગવ ઉપનિષદ નું આ વાક્ય સમજાય તો પણ જીવન.સુંદર બની જાય. ખૂબ જ સુંદર લેખ સર.

  2. જીવન માં કોઈ વસ્તુ નું વળગણ હોય કે વ્યક્તિ નું….
    પોતાના શુલ્લક સ્વાર્થ માટે વ્યક્તિ ને છોડવાં ની વાત નથી….એવી હોત તો સાચા પ્રેમ … દોસ્તી. . મમતા નો કોઇ અર્થ ના હોત ..
    કોઈ પણ સંબંધ ને જીવન માં મહત્વ આપવા સમયે કે પછી આવી કોઈ પરિસ્થિતિ આવે ત્યારે સામે ની વ્યક્તિ ની લાયકાત જોવી જોઇયે
    અહીંયા તમને સામે ની વ્યક્તિ પાસે થી સાંસારિક શું મળે છે એની વાત નથી ..
    પણ જે સંબંધ તમારી મન ની શાંતિ ને છીનવી લે. તમારા આદ્યાત્મિકતા ના રસ્તે અડચણ ઉભી કરે..
    તમારા વ્યક્તિત્વ …તમારા પ્રેમ નો અનાદર કરે..
    એ વ્યક્તિ ને કોઈ પણ નકારાત્મક ભાવ વગર છોડવાં ની વાત છે

  3. ચા નાસ્તા કે સ્થૂળ ચીજ વસ્તુ નું વળગણ છોડવું સહેલું છે. પણ અતી નિકટ ની વ્યક્તિ નું વળગણ છોડવું ઘણું અઘરું છે. જિંદગી ની સફર માં નિકટ ની વ્યક્તિ ક્યારેય બોજો નથી લાગતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here