ગુડ મોર્નિંગ
સૌરભ શાહ
જીવનમાં મારી હેસિયત આજીવન ભાડાના ઘરમાં રહેવાની હોય તો મારે સમજવાનું કે આ જ મારી ઔકાત છે. મારે કોઈના પેન્ટહાઉસ કે બંગલોને જોઈને અસંતુષ્ટ ન થવાનું હોય. જે ઘડીએ હું મારી લાયકાત સમજ્યા વિના અસંતુષ્ટ બની જઈશ એના બીજા જ દિવસે હું મારો અસંતોષ છુપાવવા અન્યાયની ફરિયાદકરતો થઈ જઈશ. મને ક્યાં ક્યાં અન્યાય થયો છે એની લાંબી યાદી તૈયાર કરીને મારી લાકડાની તલવાર વડે મારાથી વધુ સુપાત્રોની સામે કડવો બનીને ઝઘડો વહોરતો થઈ જઈશ.
ભગવાને મને ભાડું ભરવાની ત્રેવડ આપી છે એ કેટલા મોટા આશીર્વાદ છે કે હું કમ સે કમ બેઘર તો નથી એવા સંતોષથી જીવવાને બદલે મારા આખા જીવનમાં કડવાશ વ્યાપી જશે.
અન્યાય આખી જુદી વાત છે. અસંતોષ જુદી વાત છે. આ બંને વચ્ચેનો તફાવત જો સમજી લેવામાં આવે તો દુનિયા આખીમાં થતા વર્ગવિગ્રહો એક રાતમાં મટી જાય.
કુદરત સૌ કોઈને એના ગજા પ્રમાણેનું આપે છે. કવિ શોભિત દેસાઈ પેલી જાણીતી કહેવતને આગળ લંબાવતાં ઘણી વાર કહેતા હોય છે કે ભગવાન હાથીને મણ, કીડીને કણ અને એક્સવાયઝેડને પણ આપે છે. (આ એક્સવાયઝેડમાં કોઈ લાયકાત વગરના કવિનું નામ આવે, ક્યારેક લાયકાત વગરના પત્રકાર, સાહિત્યકાર, અભિનેતા વગેરેના નામ આવે. ડિપેન્ડ્સ ઑન મૂડ). ‘એક્સવાયઝેડને પણ’ તો મતલબ એ થયો કે ભગવાન ઘણી વખત તો લાયકાત ન હોય એવી વ્યક્તિને પણ આપતો હોય છે.
સમજવાનું આ છે આપણે. ભગવાન ક્યારેય અન્યાય કરતો નથી. અન્યાય થતો હોય એવું લાગતું હોય તો તે આપણે જે આપણને કરતા હોઈએ છીએ – આપણે સમય વેડફીને, આપણી શક્તિ ખોટી દિશામાં ખર્ચીને, આપણી આળસને લૅક ઑફ ઑપોર્ચ્યુનિટીનું નામ આપીને, આપણા કામમાં પૂરેપૂરી નિષ્ઠા ન નિચોવીને. આવી રીતે જિંદગી જીવનારાઓ જીવનમાં ઉપર ન આવે અને મને અન્યાય થાય છે એવું જતાવે એ વળી ક્યાંનો ન્યાય? એવા લોકો માટે સહાનુભૂતિ પણ કેવી રીતે હોઈ શકે?
અસંતોષ પોઝિટિવ હોઈ શકે. મૂકેશભાઈને અસંતોષ હોય કે આ વખતે ‘ફૉર્બ્સ’ના બિલિયોનેરની યાદીમાં મારો નંબર આટલામો જ કેમ તો નેક્સ્ટ યર તેઓ કંપની માટે વધારે મહેનત કરી/કરાવીને હજુ વધારે આગળ આવી શકે. કોઈ પટાવાળાના પુત્રને એસ.એસ.સી.માં ઓછા ટકા આવ્યાનો અસંતોષ હોય તો એ નેક્સ્ટ બે વરસમાં વધારે મહેનત કરીને બારમામાં ટૉપર બની શકે. પણ મૂકેશભાઈ કે વિદ્યાર્થી જો ‘મને અન્યાય થયો છે’ એવી રટ લગાવીને બેસી રહેશે તો ક્યારેય ઉપર નહીં આવે.
આપણને ટેવ હોય છે આપણા અસંતોષની ઉપર અન્યાયનું લેબલ ચિપકાવીને. આપણી કમીઓને ઢાંકી દેવાની. કમીઓને ઢાંકી દેવાથી એ દૂર થઈ જવાની નથી. મને જો ભાડાના ઘરમાં રહેવાનો અસંતોષ થાય તો મારે બે પૈસા વધુ કમાઈને પોતાનું ઘર ખરીદવા માટે બચત શરૂ કરી દેવી જોઈએ. પણ મારા અસંતોષને જો હું અન્યાયનું નામ આપીને કે ક્લિષ્ટ કરવા માંડીશ કે આ તે કંઈ સાલી દુનિયા છે, આટઆટલી મજૂરી કરીને-સવારથી સાંજ સુધી બરડો ફાટી જાય એટલું કામ કરીને-મહિનાને અંતે મળે છે શું? – તો હું ક્યારેય ઉપર નહીં આવું. એટલું જ નહીં, અત્યારે જે કંઈ મળ્યું છે તે બધું પણ એ કકળાટ, કલેશની જ્વાળામાં હોમાઈ જશે.
સામાજિક સ્તરે અને રાજકીય ક્ષેત્રે બીજાની ચિતા પર ભાખરી શેકવા માગતા લેભાગુઓ આપણા અસંતોષને અન્યાયનાં ચશ્માંથી દેખાડીને પોતાના લાભ ખાટી જતા હોય છે. આપણે નિર્દોષ અને અણસમજુ પ્રજા એમની વાતોમાં આવી જઈને ‘ન્યાય માગતા’ થઈ જઈએ છીએ.
શેનો ન્યાય જોઈએ છે? અન્યાય જ નથી થતો તો ન્યાય ક્યાંથી મળવાનો? હા, અસંતોષનો ઈલાજ છે. વધારે મહેનત કરીએ, દિલથી અને સાચી દિશામાં મહેનત કરીએ, દિલચોરી અને કામચોરી ન કરીએ, નિષ્ઠા અને પ્રામાણિકતા એમાં ભેળવીએ. જે અસંતોષ હશે તે દૂર થવાનો જ છે આટલું કરીશું તો.
પણ અસંતોષને જો અન્યાયનું મહોરું પહેરાવા દીધું તો આપણે તો ડૂબીશું જ, સાથે આખા સમાજને સાથે લઈને ડૂબીશું.
આજનો વિચાર
અમે રસ લેવા માંડ્યો જે ઘડીથી એક છોરીમાં
નથી પડતો હવે ઈન્ટરેસ્ટ પેટિસમાં કચોરીમાં
પ્રિયે એવી મને તું પ્રેમરસથી ભરી ભરી લાગી
કદી ચટણીપૂરી લાગી, કદી પાણીપૂરી લાગી
થતી તુજ વાત ને તેમાંય તારા રૂપની ચર્ચા
જાણે ગરમાગરમ ભજિયા અને હો સાથમાં મરચા
અમારો તે છતાં ના થઈ શક્યો મનમેળ તારી સાથ
નકામી ગઈ જે રોજેરોજ ખાધી ભેળ તારી સાથ
હવે મનમાં છવાયો એ રીતે આલમ હતાશાનો
હું પેંડા ખાઉં છું તો સ્વાદ આવે છે પતાસાનો
અમે સાથે અમારી કમનસીબી લઈ મરી જાશું
કફનમાં ફાફડા સાથે જલેબી લઈ મરી જાશું
– ડૉ. રઈશ મનીઆર
એક મિનિટ!
બકો: પકા, એક વાત સમજાતી નથી.
પકો: કઈ વાત?
બકો: આ પોલિટિશ્યનો વોટ માટે ઈદમાં ઈફતારી ખાવા જઈ શકે છે તો મોહર્રમમાં પીઠ પર સાંકળના કોરડા ખાવા કેમ નથી જતા.
પકો: બરાબર છે, આખરે ભાઈચારાની જ તો વાત છે!
(મુંબઈ સમાચાર, 21 જૂન 2018)