કામ નહીં કરનારાઓ તમને પણ કામ કરતાં રોકશે

ગુડ મૉર્નિંગ

સૌરભ શાહ

જે લોકોને કામ નથી કરવું એ લોકો તમને પણ કામ નહીં કરવા દે. હા, હું અરવિંદ કેજરીવાલની વાત કરું છું.

નવ દિવસ સુધી કોઈના ઘરમાં ઘૂસીને ધરણા કરનારો માણસ તમને આખી દુનિયામાં ક્યાંય નહીં મળે. આ જે લક્ષણ છે તે એનાર્કિસ્ટનું લક્ષણ છે-અરાજકતાવાદીનું. અને તમે હવે જાણી ચૂક્યા છો કે સેક્યુલરવાદીનું મહોરું પહેરીને મહાલતા માકર્સવાદીઓ કે સામ્યવાદીઓ કે ડાબેરીઓ કે લાલભાઈઓ એનાર્કિસ્ટ હોવાના અને તેઓ આવી અરાજકતાને સક્રિય ટેકો પણ આપવાના.

મુખ્ય મંત્રી પોતાના રાજ્યના રાજ્યપાલ (લેફટન્ટ ગવર્નર)ના નિવાસસ્થાનમાં ઘૂસીને નવ-નવ દિવસ સુધી ત્યાં જ પડ્યા પાથર્યા રહે, હટવાનું નામ ન લે, ઉપરથી પોતાની ટીમને બોલાવી લે એવું ભારતે ક્યારેય જોયું નથી. આવા લોકોને મીડિયાએ ધોકે ધોકે ધોઈ નાખવાના હોય. આ પ્રકારના ગંદા નાટક બદલ મુખ્ય મંત્રીપદેથી એમણે રાજીનામું આપવું પડે એવી શરમજનક પરિસ્થિતિ એમના માટે સર્જવાની હોય. એને બદલે કેજરીવાલ જેવા જ કેટલાક એનાર્કિસ્ટ માકર્સિસ્ટ પત્રકારો જઈ જઈને કેજરીવાલનો ઈન્ટરવ્યૂ લઈ આવતા હતા, જાણે કેજરીવાલે કોઈ બહાદુરીનું કામ કરી નાખ્યું હોય. લોકતંત્રની વાતો કરનારાંઓ અને મોદીને લોકશાહી શીખવાડનારાઓ જ લોકતંત્રની મજાક ઉડાવતા થઈ ગયા છે.તેઓ પોતે જ લોકશાહીમાં માનતા હોત તો લોકશાહીમાં સર્જાયેલી બંધારણીય સત્તાઓનો તેઓ આદર કરતા હોત. એને બદલે સુપ્રીમ કોર્ટથી માંડીને લેફટનન્ટ ગવર્નરપદ સુધીના લોકશાહીના એકેએક પાયાઓની તેઓ મજાક બનાવી ચૂક્યા છે, એનો ઉપહાસ અને દુરુપયોગ કરી ચૂક્યા છે.

નવ દિવસના ધરણા પછી આઈ.એ.એસ. અફસરો સામેની એક દિવસ મીટિંગ થઈ ન થઈ ત્યાં તો પેલો માણસ પોતાના ડાયાબિટીસના દર્દનો ઉપચાર કરાવવા દસ દિવસ માટે ભાગી ગયો.

મુદ્દાની વાત એ છે કે એણે કામ જ નથી કરવું. આંગણ સીધુંસપાટ હોય તોય એ ટેઢુંમેઢું છે એવી ફરિયાદો કર્યા કરવી છે.

થોડાક પાછળ જઈએ. આ ઈશ્યુ ક્યાંથી ઊભો થયો તે જાણીએ.

દિલ્હી રાજ્યના મુખ્યમંત્રી બન્યા પછી કેજરીવાલે આડેધડ નિર્ણયો લેવા માંડ્યા. અનેક નિર્ણયો અમલમાં મૂકી શકાય એવા હતા જ નહીં, જેની કેજરીવાલને પણ ખબર હતી, પણ ચૂંટણીપ્રચાર વખતે પ્રોમિસિસ આપીને જે પલાળેલું તે મૂંડવું તો પડે જ.

કૉલેજમાં ભણતું તમારું બાળક એના મિત્રોને પ્રોમિસ આપી આવે કે તમે મને કૉલેજની ચૂંટણીમાં જીતાડીને જી.એસ. બનાવશો તો હું કૉલેજનાં બધા સ્ટુડન્ટ્સને ફાઈવસ્ટાર હૉટેલમાં પાર્ટી આપીશ. પેલો જીતી જાય તમારી પાસે આવીને કહે કે પપ્પા મારે કૉલેજના પાંચસો જણાને ફાઈવસ્ટારમાં પાર્ટી આપવી છે, મેં પ્રોમિસ આપ્યું છે.

પપ્પા શું કહેશે? ગધેડા, પૈસા ઝાડ પર ઊગે છે? કોણે કહ્યું’તું આવાં પ્રોમિસો આપવાનું.

ઉદ્ંડ અને ઉડઝૂડિયા કેજરીવાલને દિલ્હીની બ્યુરોક્રસીએ આ જ કહ્યું. કેજરીવાલના અને એમના સાગરીતોના આડા સીધા ધંધાઓની ફાઈલ ક્લિયર થતી બંધ થઈ ગઈ. વાજબી રીતે જ એવા ઉટપટાંગ નિર્ણયોની ફાઈલો પર અફસરોએ સહી કરવાનું બંધ કર્યું. કારણ કે જો ફાઈલો ક્લિયર કરતા રહે તો ભવિષ્યમાં આ બ્યુરોક્રેટ્સ જ વાંકમાં આવે અને એમાંથી જે નિર્ણયો કૌભાંડ સમાન હોય તે જો કોર્ટમાં પુરવાર થાય તો જેલમાં એમણે જવું પડે, નહીં કે કેજરીવાલ અને એમની ટોળકીએ.

આ સંઘર્ષમાં એક વખત કેજરીવાલ સાથે મીટિંગમાં આવેલા એક આઈ.એ.એસ. અફસરને કેજરીવાલના જ સાથીઓએ માર મારીને અધમૂઓ કરી નાખ્યો.

મુખ્યમંત્રી તમાશાબીન બનીને જોયા કરે છે, વચ્ચે પડવાની વાત તો બાજુએ રહી. પોલીસ ફરિયાદ થાય છે અને કેજરીવાલના સાથીઓની ધરપકડ થાય છે, કોર્ટમાં કાર્યવાહી થાય છે.

આઈએએસ અફસરોને બદનામ કરવા કેજરીવાલે જાહેર કર્યું કે એ લોકોએ અમારા વિરુદ્ધ હડતાળ પાડી છે, અમારું કંઈ કામ નથી થતું. આ વાતને ચિક્કાર પબ્લિસિટી મળી. આઈએએસ અફસરોએ પ્રેસને કહ્યું કે કોઈ હડતાળ બડતાળ નથી કરી, માત્ર ગેરકાનૂની કામની ફાઈલો જ અમે અટકાવી છે, બાકી બિઝનેસ ઈઝ એઝ યુઝઅલ. આ વાતને મીડિયાએ સહેજ પણ પબ્લિસિટી આપી નહીં. કારણ કે આપે તો કેજરીવાલ અને ગૅન્ગની માફિયાગીરી ખુલ્લી પડી જાય.

કેજરીવાલે પોતાના દર્દના ઈલાજ માટે 10 નહીં 100 દિવસની રજા લેવી હોય તો લે, એમને હક્ક છે, પણ આઈએએસ અફસરો સાથે શરૂ થયેલી મંત્રણા અટકાવીને દસ દિવસનો વિરામ શા માટે? એમની પાસે ડેપ્યુટી સીએમ સિસોદિયા છે, એને પોતાના સ્થાને મૂકીને હવાફેર કરી આવે. પણ ખાટલે મોટી ખોડ એ છે કે આ માણસે કામ કરવું જ નથી, કામ કરવાની કોઈ દાનત જ નથી. છાશવારે મને અન્યાય થાય છેનાં નાટકો કરીને પબ્લિસિટી મેળવવી છે અને જે લોકો કામ કરે છે એમને કામ કરવા દેતા નથી એ.

આપણી આસપાસ આવા અનેક એનાર્કિસ્ટો-માકર્સિસ્ટો સેક્યુલરિયાઓ છે જેમણે કામ કરવું નથી અને જેઓ બીજાને કામ કરવા દેવા માગતા નથી. પોતે તો નવરી બજારમાં બેઠા હોય. કોઈને કોઈ સંસ્થા સાથે સંકળાઈને તગડું ઑનરેરિયલ, માનધન, મેળવતા હોય. બીજાં પચાસ નાનાંમોટાં રેકેટ ચલાવીને વગર મહેનતે ઘેરબેઠાં પૈસા મેળવી લેતા હોય એટલે ઘર ચલાવવાની ફિકર ન હોય.

અહીં આપણે લોકો મહિનાના અંતે બે છેડા કેવી રીતે ભેગા થશે એની ચિંતામાં દિવસરાત બરડો ફાટી જાય એટલું કામ કરતા હોઈએ.

આ લોકો આપણને કામ ન કરવા દેવા માટે, આપણું ધ્યાન ડિસ્ટ્રેક્ટ કરવા માટે જાતજાતના ઊંધા ધંધા કરીને આપણા પગમાં આંટી મારતા રહે છે. વૉટ્સઍપમાં જેમ નવરી બજાર છે એમ ટ્વિટર અને ફેસબુક પર લુખ્ખાઓની બજાર છે. આ લુખ્ખાઓ (કે લુખ્ખીઓ)ને અંગ્રેજીમાં ટ્રોલર કહે છે, આપણી ભાષામાં એમને લુખ્ખા કહીએ. આ લુખ્ખાઓ ગમે ત્યાં જઈને લુખ્ખાગીરી કરે અને તમારું ધ્યાન ડિસ્ટ્રેક્ટ કરે જેથી તમે તમારું કામ ન કરી શકો.

કેજરીવાલ લેફ. ગવર્નરના ઘરમાં ઘૂસીને સોફા પર આડા પડીને ધરણા કરતા હતા ત્યારે એક કાર્ટૂન ક્યાંય જોયું હતું. આમ્રપાલી જેવી સાડી અને કંચુકી પહેરેલા કેજરીવાલ મેનકાનૃત્ય કરીને ઝાડ નીચે ધ્યાન ધરી રહેલા મોદીનો તપોભંગ કરવાની કોશિશ કરે છે, પણ મોદી ધ્યાનમગ્ન છે.

આપણી આસપાસ કેજરીવાલવેડાઓ કરતા લુખ્ખાઓને જોઈને આપણે ડિસ્ટર્બ થવાને બદલે માનવાનું કે આ નવરી બજારમાં ફરતા લુખ્ખાઓને આપણામાં મોદી દેખાય છે અને મોદી સુધી પહોંચવાની આ લુખ્ખાઓની કોઈ ઔકાત નથી એટલે આપણી સમક્ષ મુજરો કરીને ગાય છે: ઈન્હી’ લોગોને લે લીના દુપટ્ટા મેરા!

આજનો વિચાર

મૈં દીપક હૂં.

મેરી દુશ્મની તો સિર્ફ અંધેરે સે હૈ. હવા તો બેવજહ હી મેરે ખિલાફ હૈ.

હવા સે કહ દો કિ ખુદ કો આજમા કે દિખાએ.

બહુત દીપક બુઝાતી હૈ,

એક જલા કે દિખાએ.

– વૉટ્સઍપ પર વાંચેલું

એક મિનિટ!

બકો: પકા, કાલે તારી ભાભી નારાજ થઈ ગઈ.

પકો: કેમ વળી?

બકો: મેં એને કહ્યું કે તું તો મારી તાકાત છે, બકી!

પકો: સાચું જ તો કહ્યું.

બકો: પણ એને ખોટું લાગી ગયું.

પકો: એમ કેમ ખોટું લાગે?

બકો: એ કહે કે એનો અર્થ એ થયો કે બાકીની બધી સ્ત્રીઓ મારી કમજોરી છે!

(મુંબઈ સમાચાર, 22 જૂન 2018)

1 COMMENT

  1. ??ખૂબજ અભ્યાસપૂણૅ લેખ, નવરીબજાર માં ફરતા આવા લુખ્ખાઓ જોડે કંઈ કામ-ધંધો તો નથી જ, સાથે મગજ નો પણ અભાવ વતૉય છે, તેમને ફક્ત ફોરવર્ડગીરી જ આવડે છે, સોશ્યલ મીડિયા ના આવા જ્ઞાનીઓને સાચી ક્રીએટીવીટી શું કહેવાય તેની ખબર જ નથી. આવા કામ કરવા ન માંગતા લોકો, બધે મળી રહે છે, જે બીજા સારૂં કામ કરતા લોકોના હવનમાં હાડકાં નાખ્યાં કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here