વાંક સુષમાજીનો ખરો, પણ પેલી બહેનડીનો નહીં?

ગુડ મૉર્નિંગ

સૌરભ શાહ

વાંક સુષમા સ્વરાજનો તો ખરો જ. પણ વધારે મોટો વાંક આપણા સૌનો. ટ્વિટર પર કે ફેસબુક પર કંઈક જોયું નથી અને આગળપાછળનો વિચાર કર્યા વિના આપણે રિએક્ટ કર્યું નથી.

એક હિંદુ સ્ત્રી જે મુસ્લિમ પુરુષને પરણી છે એણે ટ્વિટર પર રાડારાડ કરી મૂકી કે મારી સાથે પાસપોર્ટ ઑફિસરે બદતમીજી કરી, મને સાચાખોટા સવાલો પૂછીને અમારા ધર્મની બદનામી કરી, મારી હેરાનગતિ કરી, મારો વાંક એટલો કે હું હિન્દુ થઈને મુસ્લિમને પરણી છું?

આવું આવું લખીને પાંચ-પાંચવાર ટ્વિટ કરીને દેશ આખાને ઉશ્કેર્યા પછી દેશ આખો ઉશ્કેરાઈ ગયો જેમાં સુષમા સ્વરાજનો પણ સમાવેશ થયો અને સુષમાજીએ આ ફરિયાદીની ટ્વિટને જ તપાસ અધિકારીનો રિપોર્ટ ગણીને – સમજીને પેલી બહેનને પાસપોર્ટ બનાવી આપવાનો હુકમ છોડ્યો અને યુપીના પેલા પાસપોર્ટ અધિકારીની બદલી લખનૌથી છેક ગોરખપુર કરાવી નાખી.

ધારો કો પેલી બહેન સાવ સાચી હોત તો પણ સુષમાજીનું આ ઉતાવળિયું અને અવિચારી પગલું કહેવાય. એક વિદેશમંત્રી પોતાની એફિશ્યન્સી પુરવાર કરવાની હોંશમાં આવી ઉતાવળ કરે તે દેશને ના પોસાય.

પેલી બહેન જુઠ્ઠાડી ત્યારે પુરવાર થઈ જ્યારે પાસપોર્ટ ઑફિસરે સ્પષ્ટતા કરી કે ખરો લોચો એ બહેનનાં અપૂરતાં કાગળિયાંમાં હતો અને પોતાની એ કમજોરીને છુપાવવા એણે વિક્ટિમ કાર્ડ પ્લે કરીને ટ્વિટર પર કાગારોળ મચાવી.

24 કલાક પછી દૂધનું દૂધ ને પાણીનું પાણી પુરવાર થયું. પેલી બહેનડીએ મુસ્લિમ સાથે પરણવા બદલ ઈન્ડિયામાં મને કેવો અન્યાય થાય છે એવું વિક્ટિમ કાર્ડ પ્લે તો કર્યું પણ એક જ દિવસમાં એની ચાલબાજી ઉઘાડી પડી ગઈ. પણ પેલો પાસપોર્ટ ઑફિસર નાહકનો બદનામ થઈ ગયો. આ કિસ્સો તો ભુલાઈ જશે. ભવિષ્યમાં નવો કિસ્સો આવશે. અગાઉ પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મીડિયામાં સહાનુભૂતિ ઉઘરાવવા માટે લોકો નીકળી પડતા, હવે ટ્વિટર અને ફેસબુકનો જમાનો છે.

કોઈના વિરુદ્ધ ફરિયાદનો સૂર કાઢીને, અમને અન્યાય થયો છે એવી બૂમાબૂમ કરવી સહેલી છે. કોઈ પણ તરત તમને સહાનુભૂતિ જતાવવા દોડી આવશે. આપણે પણ દોડી જઈશું – એ જોયા કર્યા વિના કે ખરેખર ફરિયાદીની વાતમાં સત્ય છે કે નહીં.

આપણું માનસ જ મીડિયાને કારણે એવું ઘડાઈ ગયું છે કે કોઈની સામેના આક્ષેપોને આપણે તરત સાચા માની લઈએ: અરે ભાઈ, છાપામાં છપાયું છે! અને હવે: અરે ભઈ, મેં ફેસબુક પર વાંચ્યું, ટ્વિટર પર વાંચ્યું, વૉટ્સએપ પર વાંચ્યું. જાણે છાપું, ટીવી કે સોશ્યલ મીડિયા ભગવદ્ ગીતા હોય એમ આપણે એમાંથી મળેલી માહિતીને ભગવાનનો શબ્દ માની લઈએ છીએ. હકીકતમાં તો ગીતામાં પણ કંઈ ન સમજાય, કે ગળે ન ઊતરે એવી વાત હોય તો આપણે સ્વીકારતા નથી. હિન્દુ ધર્મમાં તો અહીં સુધીની ઉદારતા છે.

સોશ્યલ મીડિયામાં ફોટોશોપ વડે ફેરફારો કરીને મૂકવામાં આવતા ફોટા એક મોટું દૂષણ છે. ઘણી વખત તો ટ્વિટર અકાઉન્ટ ઓરિજિનલ છે એવી બ્લ્યુ ટિક પણ તમને જોવા મળે અને નીચે જે સંદેશો લખ્યો હોય તે વાંચીને આશ્ર્ચર્ય થાય કે હાય, હાય, ‘આણે’ આવું કીધું. ડાહ્યા માણસો ટ્વિટરની ઍપ ખોલીને ચેક કરી લેતા હોય છે કે ખરેખર આવું ટ્વિટ એ વ્યક્તિએ પોતાના નામે કર્યું છે કે પછી કોકે ફોટોશોપ પર ફેક ઈમેજ બતાવીને બદતમીજી કરેલી છે.

કેટલીક વાર રેલવે મુસાફર જમવામાંથી જંતુ નીકળ્યું એવો ફોટો ટ્વિટ કરે કે કોઈ વખત વિમાનનો પ્રવાસી એર લાઈન્સના સ્ટાફના અભદ્ર વર્તન વિશે ટ્વિટ કરે અને આપણે તરત માની લઈએ કે હા આ સાચું જ હશે. આપણે ક્યારેય રેલવે કે એરલાઈનનું શું કહેવું છે તેની રાહ જોતા નથી અને ધારો કે સ્પષ્ટતા આવે તોય એ તો પોતાની આબરૂ ઢાંકવા જુઠ્ઠું બોલે છે એવું માની લઈએ છીએ.

ટ્વિટર કે ફેસબુક પર કોઈને બદનામ કરવા બદલ કડક પગલાં લઈ શકાય એવા કાયદાઓ ઑલરેડી છે જ. એ કાયદાઓનો કડક અમલ થાય ત્યાં સુધી ધીરજ રાખીને, આગળપાછળના સંદર્ભો જોઈ-જાણી-સમજીને, આપણે આપણી બેવકૂફીનું પ્રદર્શન કરવાને બદલે પૂરતી મૅચ્યોરિટી દેખાડતા થઈ જઈએ, તો આયમ શ્યોર કે સુષમા સ્વરાજ જેવા નેતાઓ પર પબ્લિક પ્રેશરનો ડર નહીં રહે અને તેઓ ધીરજપૂર્વક સહી જાંચતપાસ કર્યા બાદ જેવા નિર્ણયો લેવા જોઈએ તે જ લેશે.

દરમ્યાન પેલા હિન્દુ બહેન જેમના પતિ મુસ્લિમ છે એમને ખોટો હોબાળો મચાવવા બદલ અને વિદેશ મંત્રાલયને ગેરમાર્ગે દોરવા બદલ શું સજા થવી જોઈએ?

આજનો વિચાર

21 જૂને યોગ દિવસ નિમિત્તે એટલા બધા યોગના સંદેશા આવ્યા છે કે ફોન વાંકો થઈ ગયો છે, સીધો થતો જ નથી.

– વૉટ્સએપ પર વાંચેલું

એક મિનિટ!

બકો: મર્ડર કરતાં લગ્ન વધુ ખતરનાક છે.

પકો: કેવી રીતે?

બકો: મર્ડર સાબિત કરવા એક સાક્ષી પૂરતો છે. લગ્ન રજિસ્ટર કરવા બે સાક્ષીઓ જોઈએ!

(મુંબઈ સમાચાર, 23 જૂન 2018)

1 COMMENT

  1. એ બહેને અને તેમના પતિએ જાહેરમાં પોતે ખોટા છે, અને તેમણે ખોટી રીતે પાસપોર્ટ અધિકારી ને બદનામ કયૉ છે, તે સ્વીકારવું જોઈએ, અને સમાજના દરેક વ્યક્તિ ને ગુમરાહ કરવા બદલ અને વિદશ મંત્રાલય ને પણ ખોટી રીતે હેરાન કરવા બદલ સરાજાહેર માફી માંગવી જોઈએ, અને બીજી વખત આવું વતૅન નહીં કરવાનું વચન આપવું જોઈએ, તો જ બીજા લોકો ને આવી ખોટી અફવા ના ફેલાવાય તેનું ભાન થાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here