નવલકથા લખતી વખતે મારામાં સતત અજંપો રહે છે: હરકિસન મહેતા

(હરકિસન મહેતાનાં સાઠ વર્ષનું જમા-ઉધાર: ભાગ ૩)

(ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ, મંગળવાર, 27 મે 2020) 

સૌરભ શાહ: હિન્દુસ્તાનના કયા અંગ્રેજી મેગેઝિનનું સંપાદન કરવું તમને ગમે?

હરકિસન મહેતા: અંગ્રેજી મેગેઝિનોમાં એડિટ કરવું ગમે કે નહીં તે ખબર નહીં પણ જે વાંચવું ગમે છે તે ‘જેન્ટલમેન’ માસિક. મને એમ થાય કે જે પ્રકારનું મેગેઝિન ભવિષ્યમાં કાઢવાનું હું વિચારું તે આ પ્રકારનું હોય તો ગમે, જેમાં બધી વસ્તુઓ બહુ નિરાંતે લખાયેલી હોય અને બધા જ વિષયો આવરી લઈને વિવિધ વિભાગો પાડ્યા હોય. બુક સેક્શનમાં પણ વિવિધ સામગ્રી હોય, દસ-બાર પાનાંનો ભરચક ઇન્ટરવ્યુ આવે, કોઈ પર્સનાલિટીની વાત આવે… બનવાજોગ છે કે સાપ્તાહિકની દોડધામ હોય, મર્યાદિત પાનાં હોય અને ટોપિકાલિટી સાચવવાની હોય એટલે આવા મેગેઝિનનું આકર્ષણ હશે જેમાં ઘણાં બધાં પાનાં હોય અને નિરાંતે સંપાદન કરવાનું મળે.

તમે પહેલાં પત્રકાર બન્યા, પછી તંત્રી થયા અને ત્યારબાદ નવલકથા લખવાનું શરૂ કર્યું. તમારી પહેલી નવલકથા ‘જગ્ગા ડાકુનાં વેરનાં વળામણાં’ કેવી રીતે લખાઈ?

જગ્ગા ડાકુની નવલકથા 1966માં સિરિયલરૂપે શરૂ કરી હતી. એ નવલકથારૂપે તો લખવાની હતી જ નહીં. જગ્ગા ડાકુને હું બે-અઢી કલાક માટે મળ્યો પછી એની જીવનકથા પરથી એક સિરિયલ લખવી હતી. એ લખવાની શરૂ કરી ત્યારે મનમાં હતું કે એનાં દસ-બાર પ્રકરણો થશે અને ગોવિંદ બ્રાહ્મણિયાને ચિત્રો બનાવવાં આપ્યાં ત્યારે એને એકસાથે પ્રસંગો કહ્યા હતા કે આ બીજામાં આવશે, આ ચોથામાં આવશે, આ બારમામાં આવશે. પણ સિરિયલ લખવી શરૂ થઈ ત્યારે એમાં એટલું બધું ઉમેરાતું ગયું કે બારમા પ્રકરણમાં જે પ્રસંગ લખવા ધારેલો તે કદાચ બોંતેરમાં પ્રકરણમાં આવ્યો હશે… જગ્ગા ડાકુમાં મને રસ પડ્યો તેનાં કારણો તપાસતાં મને લાગે છે કે વિદ્યાર્થી અવસ્થામાં ગાંધીવાદી પ્રવૃત્તિઓ દરમિયાન અમે એક શિબિરમાં ગયા હતા અને ત્યાં રવિશંકર મહારાજ પાસેથી જે વાતો સાંભળી, એમણે અસામાજિક તત્વોને જે રીતે સુધાર્યા તેની વાતો… એની છાપ મારા મનમાં ખૂબ ઊંડી પડી હતી. આ વાતોને ઝવેરચંદ મેઘાણીએ તે વખતે ‘માણસાઈના દીવા’રૂપે હજુ લખી નહોતી પણ રવિશંકરદાદાને મોઢે મેં એ સાંભળી હતી. આ વાતો સાંભળવાના લગભગ બે-સવા બે દાયકા પછી હું જગ્ગા ડાકુને મળ્યો.

જગ્ગાની વાર્તા લખતાં પહેલાં મેં ત્રણેક સાહસકથાઓનાં રૂપાંતર કર્યાં હતાં. એટલે સિરિયલમાં પણ મૂળ એન્ગલ સાહસનો જ રાખવો એવો વિચાર હતો. પણ લખતાં લખતાં પહેલીવાર એવું થયું કે કાચી સામગ્રી આટલી સરસ છે તો એમાં થોડી કલ્પના ઉમેરીએ તો શું વાંધો છે. એટલે જગ્ગાની વાર્તામાં કલ્પના ઉમેરાતી ગઈ અને દસ-બાર પ્રકરણોની વાત છેક બે વર્ષ સુધી ચાલી ત્યારે મને થયું કે આમાં હું મારી કલ્પનાશક્તિ ઘણી દોડાવી શક્યો અને સત્યઘટના નહીં પણ કલ્પના હોવા છતાં લોકોને બહુ મઝા આવી. ત્યારથી મેં નક્કી કર્યું કે વાર્તા લખવા માટે સત્યઘટનાના ખભા પર ન બેસવું પણ એને આપણી આંગળીએ વળગાડીને કલ્પનાને જોરે આગળ વધવું.


જલંધરમાં જગ્ગા ડાકુને મળવા ગયેલા હરકિસન મહેતા પોતાની સાથે ફોટોગ્રાફર તરીકે ટીન એજર મૌલિક કોટક (જગ્ગાના જમણે હાથે)ને લઈ ગયા હતા.

‘જગ્ગા ડાકુ…’થી ‘વંશ વારસ’ સુધી તમે સત્તર નવલકથાઓ લખી. આ તમામમાંથી તમને લખવાની સૌથી વધુ મઝા આવી હોય એવી નવલકથા કઈ?

આખેઆખી નવલકથા લખવાનો આનંદ આવ્યો હોય એવી એક પણ નહીં. શરૂઆતની નવલકથાઓ અતિ ઉત્સાહમાં લખાઈ એટલે એનો થાક કે એનો કંટાળો નહોતો આવ્યો. શરૂમાં ઉત્સાહ એટલા માટે રહેતો કે એ વખતે એટલી સભાનતા નહોતી. કોરી પાટી પર લખવાનું હતું. આપણી અગાઉની નવલકથાઓ સાથે સરખામણી થવાની નહોતી… લોકો એમ કહેતા હોય છે કે નવલકથા લખવામાં આનંદ આવે છે. પણ મને, દર અઠવાડિયે લખવાની જવાબદારીને કારણે, કે સાથોસાથ એડિટિંગ પણ સંભાળવું પડે છે એ કારણે, લેખનનો રોમાંચ જરૂર થાય પણ એટલો બધો આનંદ નથી આવ્યો. નવલકથા લખતી વખતે મારામાં સતત અજંપો રહે છે. એ સર્જનનો અજંપો હશે કે કેમ ખબર નથી. મારી નવલકથા વાંચવાથી બીજાને આનંદ મળે એનો ઉચાટ, એની ચિંતા એટલી હોય છે કે મારો આનંદ નથી રહેતો… કોઈક કોઈક પ્રકરણ કે કોઈક પ્રસંગ લખવામાં આનંદ આવ્યો હોય કે લખાયા પછી સંતોષનો આનંદ આવે એવું બને પણ એવા કોઈ ખાસ કિસ્સા યાદ નથી.

લખવામાં સૌથી વધુ કષ્ટ પડ્યું હોય એવી નવલકથા કઈ?

કષ્ટ પડવામાં બે રીતનું છે… કોઈક નવલકથાનો વિષય લીધા પછી આપમેળે એનો વિકાસ કરતાં કરતાં ક્યારેક એમ થાય કે ક્યાંય રસ્તો દેખાતો નથી. મૂંઝાઈ જઈએ. હવે શું કરીશું એવું થાય… બીજી રીતે કષ્ટ એ પણ પડે કે હપ્તે હપ્તે નવલકથા લખાય એટલે તમને સતત વાચકો તરફથી પત્રો દ્વારા અને રૂબરૂમાં પ્રતિભાવો મળે… સળંગ નવલકથા લખનારને એ ફાયદો છે કે એમની નવલકથા આખી લખાય, આખી છપાય પછી આખી નવલકથા વિશે પ્રતિભાવ મળે. એટલે એ પ્રતિભાવોની અસર લખવાની પ્રક્રિયા પર ન પડે. પણ આપણે તો દર અઠવાડિયે લખીએ એટલે કોઇક કહે કે મઝા આવી, કોઇક કહે કે આમાં તો આ થઈ ગયું… આ બધું ધ્યાનમાં રાખીને લખાય એટલે બીજાં પ્રકરણો પર એની થોડીઘણી અસર પડે જ.

મને લાગે છે કે ‘દેવ-દાનવ’ વખતે કે ‘શેષ-વિશેષ’ વખતે નવલકથા અધવચ્ચે આવી ગયા પછી હું એટલો ડીપ્રેસ થઈ ગયો હતો કે મારાથી આગળ વધાતું જ નહોતું. મને એમ થતું કે આ નવલકથા હું પૂરી નહીં કરી શકું તો મારી તો કરિયર પૂરી થઈ જશે. ફરીવાર કલમ નહીં ઉપાડી શકું એટલો માનસિક આઘાત લાગશે… બે પાંચ પ્રકરણો નબળાં લખાઈ જાય ત્યારે આવું થાય. હજુ પણ જ્યારે જ્યારે નવી નવલકથા શરૂ કરું છું ત્યારે મનમાં થાય છે કે આપણી એકાદ નવલકથા તો નિષ્ફળ થવાની તો પછી જે નિષ્ફળ જવાની છે તે જ લખી નાખું જેથી એના પછીની નવલકથા સારી લખાય! એ રીતે નવલકથા શરૂ કરું પણ શરૂ કર્યા પછી થાય કે આને તો નિષ્ફળ નથી જ થવા દેવી, આના પછીની ભલે નિષ્ફળ જાય!…પેલી જે નવલકથા વખતે ડીપ્રેસ થઈ ગયો હતો ત્યારે ટીવી પર ટેનિસની મેચ મારા જોવામાં આવી. બ્યૉન બોર્ગ ચોથી વખત પોતાની ચેમ્પિયનશિપ બચાવવા માટે ભારે ફાઈટ આપતો હતો. એણે પોતાનું સર્વસ્વ રેડી દીધું હતું રમતમાં… એનો સંઘર્ષ જોઈને મને થયું કે આના જેવી જ મારી સ્થિતિ છે. મારે પણ મારું જે સ્થાન છે, લોકોની મારા માટેની જે અપેક્ષા છે તે પૂરી કરવી જોઈએ. આ માણસ કરી શકે છે તો હું કેમ ન કરી શકું? મારે ભાગ્યે જ આવી રીતે બહારથી પ્રેરણા લેવી પડે પણ મેં એ કર્યું અને હું એમાંથી બહાર આવી ગયો.

લખવામાં મને સૌથી વધુ કષ્ટ પડ્યું હોય તો તે ‘જડ-ચેતન’ દરમિયાન. એક નર્સ પર બળાત્કાર થાય અને એ વર્ષો સુધી બેહોશ અવસ્થામાં રહે. જ્યારે બીજી બાજુ એના પર અત્યાચાર કરનારો વૉર્ડબોય છ વરસમાં જેલમાંથી છૂટી જાય અને નવેસરથી જિંદગી શરૂ કરે… આવો અન્યાય? મને લાગ્યું કે ભગવાનનો આ અન્યાય સુધારવા માટે પણ મારે નવલકથા લખવી જોઇએ. ‘જડ-ચેતન’માં તુલસીના પાત્ર સાથે હું સેન્ટિમેન્ટલી એટલો ઓતપ્રોત થઈ ગયો હતો કે મારા પરનું માનસિક દબાણ ખૂબ વધી ગયું. હું સતત ચિંતામાં રહેતો. મને સોરાયસિસના રોગની અસર જણાતી હતી ત્યારે જ આ નવલકથા શરૂ કરી અને એ એક વર્ષ દરમિયાન મારો રોગ ઘણો વધી ગયો. વીસ-પચ્ચીસ પ્રકરણ સુધી તમારી હીરોઇન બેહોશ રહે ત્યારે એ જ્યાં સુધી બેહોશ રહે ત્યાં સુધી એની બેહોશીનો ભાર આપણને રહે. પછી એને ભાનમાં લાવવાની ક્રિયાઓ-પ્રક્રિયાઓ… એ લખવાની મને એટલી મઝા પણ આવતી… મને લાગે છે કે હું ટ્રેજેડીનો માણસ છું. શેક્સપિયરનું હેમ્લેટ એટલે જ મને ગમે છે… મરી જવામાં ટ્રેજેડી નથી. મરી જવામાં તો છુટકારો છે, મોક્ષ છે. પણ જે મિલનની અપેક્ષા હોય એ મિલન ન થાય, આખી વાર્તા દરમિયાન તમારા પાત્રે જેના માટે સંઘર્ષ કર્યો હોય તેની પ્રાપ્તિ ન થાય… આ ટ્રેજેડી છે. ‘જડ-ચેતન’ લખવામાં અત્યંત આનંદ એટલા માટે પણ આવ્યો કે તુલસીની એ પીડાની આખી પ્રોસેસ, એને ભાનમાં લાવીએ, સુખ આપીએ અને સુખ આપીને પાછું દુઃખ પણ અંતમાં મૂકીએ અને બાકીની જિંદગી અધૂરી છોડી દઈએ… મારી જિંદગીમાં આ નવલકથાએ ઘણી બધી રીતે ઘણો મોટો ફાળો આપ્યો. મારી આટલી નવલકથાઓમાં લોકો જગ્ગા ડાકુની પ્રેમિકા વીરો અને ‘જડ-ચેતન’ની તુલસી આ બેને સૌથી વધારે યાદ કરે છે… આ લખવામાં આનંદ આવ્યો અને સોરાયસિસની શારીરિક પીડા પણ સહન કરવી પડી. આનંદ એટલે સુખ નહીં, મઝા નહીં, અથવા તો આનંદ પણ નહીં, પરંતુ લખતાં લખતાં જે પીડા ભોગવી તેની ઉત્તેજના. એ પાત્ર માટેનો લગાવ, એના દુઃખમાંથી પસાર થવામાં મને સર્જનનો આનંદ મળતો.

તમે મોટાભાગની નવલકથાઓનાં નામ જોડિયા શબ્દોમાંથી બનાવો છો. આની પાછળ કોઈ શ્રદ્ધા-અંધશ્રદ્ધા ખરી !

મારી પહેલી ત્રણ નવલકથા ‘જગ્ગા ડાકુ…’, ‘અમીરઅલી ઠગ…’ અને ‘તરસ્યો સંગમ’ પછી ચોથી નવલકથા જે લખાઈ તેનું નામ હતું ‘જોગ-સંજોગ’. આ ચોથી નવલકથા પણ જે રીતે સફળ થઈ તે જોતાં મને લાગ્યું કે હવે મારે પાછળ વળીને જોવાનું નથી. ત્યાં સુધી મારી નવલકથાઓમાં નામ જુદી જાતનાં કરતો પણ પ્રાસ મેળવવાની શરૂઆત ‘જોગ-સંજોગ’ પછી કરી. મને એમ લાગ્યું કે આને મારી ખાસિયત બનાવું. એમાંથી આગળ જતાં મને વહેમ પડી ગયો, અંધશ્રદ્ધા બેસી ગઈ કે આ પ્રકારનું શીર્ષક હોય તો વાર્તા બહુ સારી ચાલે છે! વર્ષો સુધી મને એમ હતું કે આવો વહેમ મારા એકલાનો જ હશે. પણ બીજા એક લેખકને પણ આવું છે એ ચાર-પાંચ વર્ષ પહેલાં જાણ્યું. ઇરવિંગ વૉલેસ વિશે વાંચ્યું ત્યારે ખબર પડી કે એને પણ આવું વળગણ છે. એણે પહેલી નોવેલ લખી તે બિલકુલ ચાલી નહીં પછી બીજી નવલકથા લખી- ‘સેવન મિન્ટ્સ’ જેનું ટાઇટલ ‘ધ સેવન મિનિટ્સ’ રાખ્યું. એ ખૂબ ચાલી અને પછી એણે નક્કી કર્યું કે ટાઈટલમાં આગળ ‘ધ’ ન આવે એવી કોઈ વાર્તા લખવી નહીં પછી એણે બધાં જ શીર્ષકો એ જ રીતનાં પસંદ કર્યા. ‘ધ પ્લૉટ’, ‘ધ પ્રાઇઝ’, ‘ધ મેન’, ‘ધ ઑલમાઇટી’. મારા મગજમાં પણ ‘જોગ-સંજોગ’ પછી આ એક વાત ઘર કરી ગઈ હતી કે આગળ બે અક્ષર અને પાછળ ત્રણ અક્ષરવાળું શીર્ષક હોય તો વાર્તા ચાલે!

“આક્ષેપ તો એ હોઈ શકે જેમાં માણસ સીધેસીધું કહે કે તમે આમ કર્યું. તેજોદ્વેષને કારણે કે સામા માણસની સિદ્ધિની ઇર્ષાને કારણે કોઇ મેળ બેસાડીને આવી વાતો કરતું હોય તેને આક્ષેપ ન કહેવાય. આક્ષેપ કરવામાં પણ હિંમત જોઇએ.”

 

નવલકથા લેખનમાં તમારી દ્રષ્ટિએ તમારી વિશેષતાઓ કઈ?

એક તો, બહુ સબળ પ્લૉટ… એટલે કે કોઈ એક જ દિશાની વાત ન હોય. એક-બે મિનિટમાં કહી શકાય એવો પાતળો પ્લૉટ ન હોય. એવી સરળતા ન હોય પ્લૉટમાં. બીજું, પ્લૉટમાં નાટ્યાત્મકતા હોય. કઈ વાત ક્યાં ક્યારે નીકળશે એની પહેલેથી કોઈને ખબર ન હોય… ત્રીજું, પ્લૉટમાં જબરદસ્ત ફેમિલી અપીલ.

તમે હજુ સુધી ક્યારેય ન લખી હોય એવા કયા વિષય પર નવલકથા લખવાનું મન થાય છે?

એક વિષય એ છે કે ચૌદ-પંદર વર્ષની કિશોરી અને સોળ-સત્તર વર્ષનો છોકરો અને ગામડાનું બેકગ્રાઉન્ડ… એક નિર્દોષ પ્રેમકથા! જેમાં કોમળ-નાજુક ભાવ આવે, થોડી હંસી-મજાક આવે, થોડી મુગ્ધ બાલિશતા પણ હોય… મને થાય છે કે આવી વાતો મારાથી લખાત તો એ મને ગમે… બીજી, જે કદાપિ નથી લખવાનો એ નવલકથા છે- સેક્સનો વિષય કેન્દ્રમાં હોય એવી નવલકથા જેમાં મારુ નામ ન આવે! અને એક નવલકથા એવી લખવી છે જેની થીમ મને ખબર નથી પણ એ ધારાવાહિક નથી લખવી! કોઈ જાતની ચિંતા વિના, મનમાં આવે એમ અને ત્યારે જ લખવું, છપાય કે નહીં, વંચાય કે નહીં એની ચિંતા રાખ્યા વિના એક સળંગ નવલકથા લખવી છે.

૧૯૮૯માં હરકિસન મહેતાના વતન મહુવામાં વ્યાખ્યાનમાળાના ઉદ્‌ઘાટન પ્રસંગે મહાનુભાવોની ઉપસ્થિતિમાં મોરારીબાપુ, સુરેશ દલાલ અને હરકિસન મહેતા. ‌

થોડા વખત પહેલાં તમારા પર જાહેરમાં આડકતરી રીતે આક્ષેપ કરવામાં આવ્યો હતો કે તમે ‘વંશ-વારસ’ ઇરવિંગ વૉલેસની ‘ધ ઑલમાઇટી’ પરથી લખી છે. આ આક્ષેપમાં કેટલું તથ્ય છે?

હું આને આક્ષેપ નથી ગણતો કારણકે આક્ષેપ તો એ હોઈ શકે જેમાં માણસ સીધેસીધું કહે કે તમે આમ કર્યું. તેજોદ્વેષને કારણે કે સામા માણસની સિદ્ધિની ઇર્ષાને કારણે કોઇ મેળ બેસાડીને આવી વાતો કરતું હોય તેને આક્ષેપ ન કહેવાય. આક્ષેપ કરવામાં પણ હિંમત જોઇએ. મારી નવલકથામાં એક નહીં દસ ચીજો જીવનમાંથી, સત્યઘટના પરથી લીધેલી હોય છે. ભોવાલ સંન્યાસી પરથી મેં ‘સંસારી સાધુ’ લખી ત્યારે શરૂઆતમાં નહીં પણ અંતમાં જ વાચકોને કહ્યું કે આ નવલકથા ભોવાલ સંન્યાસી કેસ પરથી લખી છે. શરૂઆતમાં જ કહી દઈએ તો જેમને એ કેસ વિશે ખબર હોય તેમનો રસ વાર્તામાંથી ઊડી જાય. લોકોને એમ લાગે કે આમાં આ જ બનવાનું છે. હકીકતમાં હું એના કરતાં જુદા વળાંકો લાવવાનો હોઉં, છતાં વાચકોની ઉત્કંઠા ઓછી થઈ જાય. ‘વંશ-વારસ’માં બાવીસમાં પ્રકરણ સુધી મહાદેવીની વાત આવે. વિલાસરાજની વાત આવે કે દાદીમાની જે વાત આવે… આ બધાં જ પાત્રો વિશે વાર્તામાં એટલો મસાલો છે કે એ દરેકની ઉપરથી એક એક નવલકથા લખી શકાય. હવે બાવીસમા ચેપ્ટર પછી વિલાસરાજ પાછો આવે છે અને અખબાર ચલાવવા લે છે ત્યારે એ છાપાંનું વેચાણ ઊંચકવા માટે ‘ધ ઑલમાઇટી’ના પાત્ર જેવી અનીતિ આચરે છે. જેમ કોઈ ફિલ્મ પરથી પ્રેરણા લઈને કોઈ નવલકથાનું પાત્ર એ પ્રકારના ગુના કરતું હોય છે એમ વિલાસરાજ આ નવલકથા પરથી આવા ગુના કરે છે. શરૂઆતમાં ‘ ધ ઑલમાઈટી’નો ઉલ્લેખ કર્યો હોત તો વાચકોને થાત કે આ ‘ઑલમાઇટી’ શું છે? એટલે આખી વાર્તા કહેવી પડત અને પછી જ્યારે વિલાસરાજના પ્રસંગો આવત ત્યારે પુનરાવર્તન લાગત… હવે જે લેખક પાસે એટલી બધી મૌલિકતા છે કે જેની એક નવલકથા પરથી છ-છ નવલકથા બની શકે એમ છે એણે ઇરવિંગ વૉલેસ પાસે શું કામ જવું પડે? બીજા લેખકો બસો પાનાંની નવલકથા લખતા હોય ત્યારે આ માણસ બારસો પાનાંની નવલકથા લખે, આવી બે-ચાર નહીં પંદર નવલકથાઓ લખી હોય એ શું કામ ઇરવિંગ વૉલેસ જેવા જાણીતા લેખકની જાણીતી વાર્તા પાસે જાય?

“કોઈ માણસ મને છેતરી જાય છે કે બનાવી જાય છે ત્યારે  હું જાણતો હોઉં છું… પણ હું એની સાથે દલીલ કરવાનું ટાળું કે ઘર્ષણ કરવાનું ટાળું એમાં મારી ચતુરાઈ છે.”

તમારાં દીકરા-દીકરીઓને તમે પત્રકારત્વમાં આવતા કેમ રોક્યા અથવા આવવાનું પ્રોત્સાહન કેમ ન આપ્યું ? આ ક્ષેત્રમાં ડગલેને પગલે અસલામતી છે એટલે?

રોક્યા તો ન કહેવાય પણ પ્રોત્સાહન નથી આપ્યું કે આમાં આવે એવો બહુ ઉત્સાહ નથી દેખાડ્યો એ સાચું. દીકરીઓ માટે તો બહુ વિચાર નહોતો કર્યો કારણકે એમણે લગ્ન પછી પોતપોતાની જિંદગીમાં આગળ વધવાનું હોય. પણ તુષાર મોટો થયો ત્યારે વિચાર કર્યો નહોતો કે એણે મારા ક્ષેત્રમાં મને સાથ આપવો કે પછી એનો અલગ વેપાર-ધંધો વિકસાવવો? નોકરી તો ન જ કરવી એટલું એણે જરૂર નક્કી કર્યું હતું. એ જ્યારે બાવીસ-ત્રેવીસ વર્ષનો હતો અને કારકિર્દી પસંદ કરવાની વાત આવી ત્યારે ‘ચિત્રલેખા’ની આટલી સદ્ધરતા નહોતી. બીજું એક એવું પણ ખરું કે એ માત્ર મારો પુત્ર હોય અને એટલે પત્રકારત્વમાં કે લેખનમાં પ્રવેશે અને એનામાં એ રુચિ કે પ્રતિભા ન હોય છતાં મારા નામને કારણે એને અર્ધ સફળતા મળે એવું થાય એના કરતાં એને જ્યાં રસ હોય એ કામમાં આગળ વધે તો સારું.

મેં જોયું છે કે જે કલાકારો સંઘર્ષમય જીવન જીવે છે. એમનાં સંતાનો મોટેભાગે એવું ઇચ્છે છે કે મારા પિતાને સંઘર્ષ કરવો પડ્યો, એમણે અને કુટુંબે જે વેઠ્યું તે હું ફરી થવા નહીં દઉં. એટલે પહેલેથી જ એનું વલણ વેપાર કરી ઝડપથી આર્થિક સદ્ધરતા પ્રાપ્ત કરવાનું હોય છે. એ રીતે તુષારે એના મામા સાથે રહી ધંધાની તાલીમ લીધી અને પોતાનું તકદીર અજમાવ્યું. આજે એ આર્થિક રીતે મારી બરોબરીનો થઈ ગયો છે મેં જે પચાસેક વર્ષની ઉંમરે મેળવ્યું તે એણે પાંત્રીસની ઉંમરે પ્રાપ્ત કર્યું. સાથોસાથ એને મારી કારકિર્દી માટે, સિદ્ધિ માટે પણ ગૌરવ છે. એને એ પણ ખબર છે કે એની પાસે ગમે એટલી લક્ષ્મી હશે છતાં મારી પાસે જે છે તે એની પાસે નથી. એનો એને સતત ખ્યાલ હોય છે.

હરકિસનભાઈ તમારા વિશે એક એવી છાપ છે કે તમે બહુ પાક્કા છો

પાક્કાનો અર્થ તમે નેગેટિવ સેન્સમાં કરો છો કે ચતુરના અર્થમાં?

નેગેટિવ સેન્સ કે ચતુરના અર્થમાં લેવા કરતાં તમારા સ્વભાવની એક લાક્ષણિકતાના અર્થમાં

મારા ઘરમાં તો મને એમ કહે છે કે તમે લાગણીથી ભોળા છો! કોઈ તમને કંઈ કહે તો એની વાતને તમે જતી કરો છો. ત્યારે હું એમ કહું છું કે કોઈ માણસ મને છેતરી જાય છે કે બનાવી જાય છે ત્યારે  હું જાણતો હોઉં છું. અથવા તો એ મને જે કહી રહ્યો છે, સમજાવી રહ્યો છે તે ખોટું છે એ હું સમજું છું પણ હું એની સાથે દલીલ કરવાનું ટાળું કે ઘર્ષણ કરવાનું ટાળું એમાં મારી ચતુરાઈ છે. એટલે એ દ્રષ્ટિએ તમે વિચારો તો હું પાક્કો છું. અને જે માણસ જે વ્યવસાયમાં હોય ત્યાં એણે ત્યાંની રીતે વર્તવું જોઈએ. મારા કામમાં જરૂર લાગે ત્યારે હું મારી આ લાક્ષણિકતાનો ઉપયોગ કરું છું. સાથેસાથે જીવનમાં આ વસ્તુ બધી જ જગ્યાએ ઉપયોગમાં ન લેવાઈ જાય, મિત્રો સાથે કે અંગત સ્વજનો સાથેના વ્યવહારમાં એ ન આવે, તેને માટે હું સાવધ રહું છું. અંગત જીવનના વ્યવહારમાં પાક્કા થવાની જરૂર નથી. ‘ચિત્રલેખા’ની મારી જવાબદારી નિભાવતી વખતે હું પાક્કો બનું છું અને મારી વ્યવસાયિક સફળતામાં મારી આ લાક્ષણિકતાનો પણ ફાળો છે.

વેણીભાઈ પુરોહિત મારા માટે એમની શૈલીમાં એક વાત કહેતા. આમ તો મારું આખું નામ કૃષ્ણ ભગવાન પરથી જ કહેવાય, પણ વેણીભાઈ એને છૂટું પાડીને કહેતા કે હરનો અર્થ શંકર થાય અને કિસન એટલે કૃષ્ણ… એ મને કહેતા કે અમુક વ્યવહારમાં તમે શંકર જેવા ભોળા તથા ઉદાર છો અને અમુક વ્યવહારમાં કૃષ્ણ જેવા કપટી છો! પાક્કા માટે એમણે તો કપટી શબ્દ વાપર્યો હતો. ત્યારે મેં પ્રેમથી કહ્યું હતું કે હા, હું કપટી છું! અને કૃષ્ણ જેવા કપટી થવાનું તો મને ગમે! દુર્યોધન સાથે કૃષ્ણે સિફતથી કામ પાર પાડીને કપટ કર્યું હશે… મને લાગે છે કે મારા વ્યવસાય માટે એ જરૂરી હશે એટલે એ મેં કેળવ્યું પણ હોય… હા, મારામાં કપટ ખરું પણ દુષ્ટતા નથી.

( વધુ આવતી કાલે)

૧૯૮૩ના ડિસેમ્બરમાં સૌરભ શાહના લગ્નસમારંભમાં હરકિસન મહેતા, ભારતીબહેન દવે, હરીન્દ્ર દવે, ઇન્દુબહેન મહેતા, રાજેન્દ્ર ગાંધી, કલાબહેન મહેતા, વીણાબહેન ત્રિવેદી, તારક મહેતા અને મહેન્દ્ર ત્રિવેદી-નારદ. હરકિસનભાઈની પાછળ ઢંકાઈ ગયેલા ચંદુભાઈ લાખાણી અને પીઠ ફેરવીને ઊભેલા સારંગ બારોટ.

8 COMMENTS

  1. ખૂબ સરસ સૌરભભાઇ, હરકિસન મહેતા મારા પ્રિય લેખક, એમની દરેક નવલકથા જકડી રાખે એવી, એમનાં મનની વાત, ને નવલકથા ની પ્રેાસેસ વિષે જાણવાનું રસપ્રદ જ હોવાનું. આભાર ભાઈ સૌરભ

  2. જ્ઞાનવર્ધક લેખ ? ? ? હરકિસન મહેતા પ્રખ્યાત અને સૌના માનીતા લેખક, એટલે એમના વિચારો સાથે તેમને જાણવા મળે એ મોટી વાત છે ? ખરેખર આભાર ? સૌરભભાઇ. ?

  3. मने आपणा लाडला वडाप्रधान परनो लेख विशेष गम्यो. तमारी मुलाकात लेवानी कळा मने बहुज गमी.

    नोंध: मातृभाषा मराठी होवाथी शब्दो नी गोठवण अने व्याकरण मां भूलो हशे.
    मारा फोन मां गुजराती लिपीनी व्यवस्था नथी.

  4. Saurabh bhai, last photo ma na guest list MA Eva mahanubhav saheb Na Aashirwad. Saheb Yadon ki Barat.

  5. વાહ સાહેબ..આવતી કાલ ની કાગ ડોળે રાહ જોતો..આપ નો વાચક મિત્ર ?વંદન સાથે.

  6. સૌરભભાઈ,
    હરકિશનભાઈની નવલકથા ચિત્રલેખા માં આવે અને સવાર સવાર માં મારાં સસરા પાસેથી મેગઝીન લઈને પહેલા વાંચવા બેસી જવાનું…. પછી જ બીજા કામ કરવાનાં. યાદ તાજી કરાવી દીધી…..

  7. I. like this article very much . Thanks Saurabhbhai.After reading this article it was possible to know everything about Hatkisanbhai Thanks.

  8. સૌરભભાઈ….આ લેખન માળા માટે આપને સાદર વંદન સાથે ખૂબ ખૂબ ધન્યવાદ.
    હરકિસન મહેતા લાખો કરોડો ગુજરાતી વાંચકોની જેમ મારા પણ ફેવરેટ લેખક છે. હાલમાં આપની કલમનો રસપાન કરવું ગમે છે. કારણકે આપ પણ મારા જેવા કટ્ટર દેશપ્રેમી અને સ્પષ્ટ વક્તા છો.
    હરકિશન મહેતા નો ઈન્ટરવ્યૂ અને એ પણ સૌરભભાઈ દ્વારા, મારે માટે તો જાણે ” મોસાળમાં જમણવાર અને પીરસવામાં માં ” જેવું થયું છે.
    સાચે જ બહુ જ મજા આવી રહી છે.
    ??????????????

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here