જેલમાંથી છૂટીને રાજુ ગાઈડ સ્વામીજી કેવી રીતે બન્યો

ગુડ મૉર્નિંગસૌરભ શાહ

( મુંબઇ સમાચાર : ગુરુવાર, 11 ઓક્ટોબર 2018)

જેલમાં રાજુ એક આદર્શ કેદી ગણાતો. જેલમાં ગયા પછી રાજુને ખ્યાલ આવ્યો કે બહારની દુનિયામાં લોકો એને તુંડમિજાજી અને નકામો ગણતા એનું કારણ એ નહોતું કે એ પોતે એવો હતો. એ ખોટી જગ્યાએ હતો. એનું કેટલું માનપાન છે એ જોવા માટે લોકોએ સેન્ટ્રલ જેલમાં એને જોવા માટે આવવું જોઈએ. એને અનઑફિશ્યલ વૉર્ડનની જવાબદારી સોંપવામાં આવી હતી. બીજા કેદીઓ પર દેખરેખ રાખવા માટે એ જેલમાં કોઈ પણ યાર્ડમાં, ગમે તે બૅરેકમાં હરીફરી શકતો. કેદીઓ એને ગુરુજી કહેવા લાગ્યા હતા. જેલ સુપરિન્ટેન્ડન્ટ દર અઠવાડિયે દરેક બૅરેકની મુલાકાત લેતા ત્યારે રાજુને એમની પાછળ પાછળ ચાલવાની જવાબદારી સોંપાતી. જેલમાં એ રીંગણાં અને કોબીજ ઉગાડતો. પચાસ એકરની જેલમાં નવોસવો કેદી આવીને ઘર સંભારીને મૂંઝાતો હોય ત્યારે રાજુ એનો ઉત્સાહ વધારવા કહેતો: અહીં દીવાલો છે એ વાત ભૂલી જઈશ તો જ આનંદમાં રહી શકીશ.

જેલ સુપરિન્ટેન્ડન્ટ એને ઑફિસનાં પરચૂરણ કામ કરવા બોલાવતા. વીક એન્ડનાં છાપામાં રાજુ મિસ નલિનીના ડાન્સ કાર્યક્રમોના રિવ્યુ વાંચતો. છેક મુંબઈ, દિલ્હી અને સિલોન સુધી એનાં કાર્યક્રમો થવા લાગ્યા હતા. રોઝીનું જગત રાજુની ગેરહાજરીમાં સિમટાવાને બદલે વિસ્તૃત થવા લાગ્યું હતું.

જેલમાં એને મળવા આવનાર એકમાત્ર મુલાકાતી મણિ હતો. બીજા બધાં જ મિત્રો, સગાંઓ જાણે રાજુને ભૂલી ગયા હતા. રાજુને જોઈને એ દુ:ખી દુ:ખી થઈ ગયો હતો. મણિને સધિયારો આપવા રાજુએ કહ્યું હતું: ‘તું ધારે છે એટલી કંઈ આ ખરાબ જગ્યા નથી. શક્ય હોય તો, તું પણ અંદર આવી જા.’ એ વાત થયા પછી મણિ કોઈ દિવસ રાજુને મળવા આવ્યો નહોતો. ત્રીસ મિનિટની મુલાકાત દરમ્યાન મણિએ જે વાતો કરી તેના પરથી રાજુને ખબર પડી કે નલિની માલગુડી છોડીને જતી રહી છે. મદ્રાસમાં રહે છે. જતી વખતે મણિને એક હજાર રૂપિયાની બક્ષિસ આપતી ગઈ હતી. એને વિદાયમાન આપવા સ્ટેશન પર હજારોની ભીડ એકઠી થયેલી. સેંકડો બુકે અને ફૂલોના હાર લઈને લોકો આવ્યા હતા. જતાં પહેલાં રોઝીએ પાઈએ પાઈનું દેવું ચૂકતે કરી દીધું હતું.

બે વર્ષની સજા કાપીને રાજુ જેલમાંથી છૂટ્યો ત્યારે એને પહેલો વિચાર રોઝીને મળવાનો આવ્યો, બીજો માને, પણ એ ત્રીજા જ અજાણ્યા રસ્તે ચાલી નીકળ્યો. જૂના કોઈ ઘાને એ ફરી ખોતરવા માગતો નહોતો. પોતાને ઓળખી કાઢે એવા લોકો વચ્ચે એ રહેવા માગતો નહોતો. દિશાહીન હતો. ખબર નહોતી કે ભવિષ્યમાં ક્યાં જઈને રહેશે, શું કામ કરશે, શું ખાશેપીશે. જેલમાંથી બહાર નીકળીને રખડતાં રખડતાં રાજુ દૂર દૂર સુધી પહોંચી જાય છે. એક જર્જરિત મંદિરના પગથિયે સૂઈ જાય છે.

નવલકથાનો વેલન અને ફિલ્મનો ભોલો રાજુની સાથે વાતચીત કરીને પ્રભાવિત થાય છે. ભોલાની કૌટુંબિક સમસ્યાનું નિવારણ થાય છે જેમાં કાગનું બેસવું અને ડાળનું પડવું જેવું વધારે હતું, પણ ભોલો પ્રભાવિત થઈ ગયો છે. ગામવાળા પ્રભાવિત થઈ ગયા છે. રાજુના બે ટંક ભોજનની જવાબદારી સૌ કોઈએ ઉપાડી લીધી છે. રાજુના માર્ગદર્શનથી મંદિરના એક હિસ્સામાં બાળકોને ભણાવવાની વ્યવસ્થા થઈ ગઈ છે. ત્રણ વરસ સુધી આવું જ ચાલ્યા કર્યું છે. રોજ સાંજે ગામમાંથી લોકો આવીને રાજુ પાસે સત્સંગ કરે છે. વધેલી દાઢી, વધેલા વાળને કારણે એને સાધુ માનવા માંડે છે.

આ વર્ષે ચોમાસું લંબાયું છે. પછી લાગે છે કે વરસાદ વરસશે જ નહીં. ખેતરો સુકાવા માંડ્યાં છે. ઢોરઢાંખર ટપોટપ મરવા માંડ્યા છે. રાજુને લોકો સ્વામી કહેતા થઈ ગયા છે. સ્વામી સધિયારો આપતાં કહે છે કે વરસાદ આવશે, ચિંતા નહીં કરતા. લોકો હતોત્સાહ ન થાય એ માટે રાજુ નાનપણમાં મા પાસે સાંભળેલી વાર્તા કહે છે. એક ગામમાં એક વખત દુકાળ પડ્યો ત્યારે એક સંતે બાર દિવસ ઉપવાસનું તપ કરીને મેઘરાજાને રીઝવ્યા અને બાર દિવસના અંતે ધોધમાર વરસાદ પડ્યો. ગામ દુકાળમાંથી ઊગરી ગયું.

ગામમાં ખાવાનાં સાંસાં હતાં. અનાજની દુકાનવાળો વેપારી કાળાં બજાર કરીને વધારે ભાવ લેતો થઈ ગયો હતો. એક દિવસ આ દુકાનદારે કોઈ ગરીબ ગામવાળા પાસે ચોખાના ૧૪ આના માગ્યા. ગામવાળો ગુસ્સે થયો. એણે દુકાનદારને એક થપ્પડ ઝીંકી દીધી હતી. દુકાનદારે છરો કાઢી ઘરાક પર હુમલો કર્યો. એ ગામવાળા માટે સહાનુભૂતિ ધરાવતા લોકોએ અનાજની દુકાન પર હુમલો કરીને બધો માલ લૂંટી લીધો. રાત્રે દુકાનદારનાં સગાંવહાલાં અને મિત્રોએ એ લોકો પર કોદાળી-તિકમ-છરા જે હાથમાં આવ્યું તેના વડે હુમલો કર્યો. સામસામા બે જૂથમાં વહેંચાઈ ગયેલા ગામલોકો અંદર અંદર લડવા માંડ્યા. કોઈએ ઘાસની ગંજીમાં આગ લગાવી. રાજુએ દૂરથી આગની જવાળા જોઈ. મારામારીના અવાજો પણ સાંભળ્યા. રાજુએ વિચાર્યું: આ ગામડિયાઓને કપરા સમયમાં શાંતિથી રહેતાં આવડતું નથી. આવું જ ચાલતું રહ્યું તો હું આ સ્થળ છોડીને કોઈ બીજા ગામે જતો રહીશ.

બીજા દિવસે ભોલાનો મગજનો ચસ્કેલ એવો નાનો ભાઈ રાજુને મળવા આવ્યો. બોલ્યો: સ્વામી, ભાઈને માથામાં માર પડ્યો છે, આગથી દાઝી ગયો છે. ગામમાં કેટલાંય બૈરાં-છોકરાં ઘાયલ થઈ ગયાં છે.

રાજુએ ભોલાના ભાઈ સાથે વિગતે વાત કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો. રાજુ આ બીનાથી ભારે અકળાયેલો હતો. રાજુએ સમજાવવાની નાકામ કોશિશ કરી, પણ પેલો સમજવા તૈયાર નહોતો. છેવટે રાજુએ કહ્યું, ‘જા, જઈને ભોલાને અને બીજા બધાને જઈને કહે કે હું નથી ઈચ્છતો કે તમે લોકો આ રીતે એકબીજા સાથે લડો. એમણે શું કરવું ને શું નહીં એ પછી કહીશ.’

ભોલાનો ભાઈ હજુય દલીલ કરવાના મૂડમાં હતો. રાજુએ એને રોક્યો અને કહ્યું: ‘ચૂપ. હું જે કંઈ કહું છું તે ધ્યાનથી સાંભળ.’

‘હા, સ્વામીજી’ પેલો જરા સહમી ગયો.

‘જા, જલદી જઈને તારા ભાઈને કહે કે તમે લોકો મારામારી બંધ નહીં કરો તો હું ખાવાનું છોડી દઈશ.’

રાજુના આ શબ્દો નવલકથાને (અને ફિલ્મને) ક્લાઈમેક્સભણી લઈ જાય છે. અંત હવે નજીક છે.

આજનો વિચાર

તરછોડી દો દુનિયા કે સ્વીકારો દુનિયા, જે છે આ છે!
શું કરવાનું છે બોલો હમણાંને હમણાં, જે છે આ છે
કોનાથી ફાટ્યો’તો સગપણનો કાગળ એ ભૂલી જઈને
વહેંચી લઈએ એના ટુકડા અડધા અડધા, જે છે એ આ છે

– ભાવેશ ભટ્ટ

એક મિનિટ!

બકો એન્જિનિયરિંગનું ભણતો હતો. એક દિવસ અગાસીમાં ઊભો હતો. ત્યાં પડોશના કાકા પસાર થયા.

‘બકા, હવે આગળ શું વિચાર છે?’

‘બસ, કાકા. ટાંકી ભરાય એટલે મોટર બંધ કરી દઈશ!

1 COMMENT

  1. ગાઇડ જેવી ઉત્તમ ફિલ્મ ક્યારેક જ બને છે
    સમાજ મા ઘણા રાજૂ છે
    જે સમય સંજોગ પરિસ્થિતિ ની સામે લડે છે
    અને પસ્તાવો થતા સ્વામી બની ને પ્રશ્તાતાપ
    કરી લેતા હોય છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here