ક્યારે લડી લેવું, ક્યારે ઝૂકી જવુંઃ ગુરુદેવનું ચોવીસ કેરેટનું માર્ગદર્શન

ગુડ મૉર્નિંગ એક્સક્લુઝિવઃ સૌરભ શાહ

ગુરુવાર, ૧૧ ઓક્ટોબર ૨૦૧૮

બહુ પ્રેક્ટિકલ છે ગુરુદેવ. જીવનમાં સાત્વિક બાંધછોડ કરવી પડે. નીતિમત્તાની બાબતમાં નહીં, વ્યવહારની બાબતમાં. આવી બાંધછોડને કારણે મોટા નુકસાનમાંથી બચી જવાતું હોય છે. ‘વન મિનિટ, પ્લીઝ’ પુસ્તકમાં આચાર્ય વિજય રત્નસુંદરસૂરિ મહારાજ સાહેબનો પ્રશ્ન છેઃ ‘સંઘર્ષ વખતે અભિગમ કેવો દાખવવો?’ અને એનો વ્યવહારુ તેમજ સરળ ઉકેલ દાખવતાં તેઓ કહે છેઃ ‘પવનવત્ હોય તો લડી લેવું, વાવાઝોડાવત્ હોય તો ઝૂકી જવું.’

આપણામાંના ઘણા લોકો પવનવત્ સંઘર્ષ સામે પણ લડી લેવાની દાનત ધરાવતા નથી. સહેજ અડચણ આવી કે ઝૂકી ગયા. થોડુંક વિઘ્ન આવ્યું કે હિંમત તૂટી ગઈ. રણમેદાનમાં સહેજ પડકાર મળ્યો કે બીકણ બિલ્લીની જેમ નાસીને ઘરભેગા થઈ ગયા. પડકારો સામે લડવાનું હોય અને લડવાની તાકાત આપે એવી માનસિકતા પડકારો વિનાના સમયમાં કેળવી લેવાની હોય. આગ લાગે ત્યારે કૂવો ખોદીશું એવું વિચારવાને બદલે શાંતિના સમયે જ યુધ્ધની તૈયારીઓ કરી લેવાની હોય, ઝઝૂમવા માટેનું માનસિક બળ એકઠું કરી લેવાનું હોય.

પણ આપણામાંના કેટલાકની માનસિકતા એવી થઈ જતી હોય છે કે હું મરી જઈશ પણ તંત નહીં છોડું. ભલા માણસ જે બાબતનો તંત તું પકડી રાખે છે એને પકડી રાખવાની જદ્દોજહદમાં તું ગુજરી ગયો તો આખી આ લડાઈ જ નાકામ પુરવાર થવાની ને. સર સલામત તો પગડિયાં બહોત એવુ શાણા વડીલો સમજાવી ગયા તોય તારી ખોપડીમાં આ વાત હજુ ઊતરી નથી. કોઈ પહેલવાન જો કોઈ સિંગલ પસલી પર આક્રમણ કરે ત્યારે પેલા ખેંખલાએ શરણાગતિ સ્વીકારી લેવાની હોય. હું તારી ગાય છું કહીને એના પગ પકડી લેવાના હોય. પણ આપણને ખેંખલાઓને આવા વખતે સ્વમાનનો પ્રશ્ન બનાવીને, આપણું નુકસાન કરીને, બધું જ બરબાદ થઈ જાય તે રીતે પહેલવાન સામે લડી લેવા માટે શૂરાતન ચડતું હોય છે. વળી કેટલાક પંચાતિયાઓ હાકોટા પાડીને આપણને પાનો ચડાવતા હોય છેઃ ચડ જા બેટા સૂલિ પર, બની જા હોળીનું નાળિયેર.

પ્રચંડ વાવાઝોડાની તાકાત સામે ઝૂકી જવામાં જ શાણપણ છે. તૂટી જઈશ પણ ઝૂકીશ નહીં એવી જીદ પવનવત્ સંઘર્શ વખતે જ રાખવાની હોય, વાવાઝોડાવત્ સંઘર્ષ વખતે નહીં એવું હજુ સુધી આપણને કોઈએ શીખવાડ્યું નથી, ગુરુદેવ તરફથી જિંદગીમાં પહેલી વાર આ ચોવીસ કેરેટના સોના જેવી વાત જાણવા મળે છે, એને સાચવી રાખવી. ભવિષ્યમાં આપણને કે બીજાઓને કામ આવશે.

કેટલાક લોકો પાસે બધી જ અનુકૂળતા હોવા છતાં તેઓ નિષ્ફળ કેમ જતા હોય છે. સફળ થવા માટેની બધી જ સામગ્રી એમની પાસે હોવા છતાં શું કામ એમને સફળતા નથી મળતી? પ્રશ્ન છેઃ ‘સફળ અને નિષ્ફળ વચ્ચેનું મુખ્ય અંતર ક્યું?’ ઉત્તર છેઃ ‘ધીરજ.’

સફળતાના માર્ગે ઉતાવળ ના હોય. જે કંઈ જોઈએ છે, જે કંઈ પામવું છે તે અબી ને અબી જોઈએ છે, એવી જીદ ન હોય. ધન જેવી ભૌતિક તૃષ્ણાઓ હોય કે પછી પરમાર્થ જેવી સાત્વિક ઈચ્છાઓ હોય- ધીરજ ધરવી પડે. ધીરજનાં ફળ મીઠાં અને ઉતાવળે આંબા ના પાકે એવું નાનપણથી સાંભળ્યું પણ ભૂલ એ થઈ કે ધીરજ ધરવાના નામે નિષ્ક્રિય બની ગયા. સફળતાના માર્ગે પડ્યા રહીએ એને ધીરજ ન કહેવાય. દૂર દૂર સુધી સફળતા ન દેખાતી હોય તોય ચાલ્યા જ કરીએ, નિરંતર ચાલ્યા કરીએ, થાક્યાહાર્યા વિના ચાલ્યા કરીએ એને ધીરજ ધરી કહેવાય.

ઍની વે, અમુક ઉંમર પછી માણસ વિચારતો થઈ જાય છે કે બસ, હવે મારે કેટલા દિવસ કાઢવાના છે? સામાન બાંધીને પ્લેટફોર્મ બેઠા છીએ, ગાડી આવે એટલે બસ! બહુ જીવી લીધું, હવે પ્રભુ ઉપાડી લે મને.

મનમાં વારંવાર મૃત્યુના વિચારો આવતા થઈ જાય ત્યારે માણસ નકારાત્મક બની જાય. કુટુંબ-મિત્રોને હેરાન કરતો થઈ જાય. કુટુંબ-મિત્રોમાં અપ્રિય બનતો જાય. જ્યાં સુધી છેલ્લો શ્વાસ લેવાતો નથી ત્યાં સુધી જીવનના જ વિચારો હોય, મોતના નહીં.

મૃત્યુ નિશ્ચિત છે એટલે એક વખત નિરાંતે એ વિશે વિચાર થઈ જવો જોઈએ. તમારા માટે, આશ્રિતો માટે જે કંઈ ગોઠવણ કરવાની હોય તે ભલે કરી પણ પછી એવી કોઈ અસલામતીથી નહીં જીવવાનું કે મરી જઈશ તો શું થશે, મોત આજે આવશે કે કાલે? મહારાજ સાહેબ બહુ સાદગીભરી રીતે મનમાં પ્રચંડ વિસ્ફોટ થઈ જાય તે રીતે મોતની આ વાત કહે છેઃ પ્ર.ઃ ‘મરણનો વિચાર કરવો જ નહીં? ઉ.ઃ ‘મરણનો વિચાર જરૂર કરવો. મરણના વિચારો ન કર્યા કરવા.’

આવેશ એટલે પૅશન. આપણા કામ માટે આપણને પૅશન હોય એ બરાબર છે, હોવું જ જોઈએ. આપણા જીવનનો ધ્યેય પૂરો કરવા આપણે પૅશનેટલી કામ કરતાં રહીએ તે પણ સારું જ છે. પણ ક્યારેક થાય છે શું કે આવેશમાં આવીને આપણે આપણા કાબૂની બહાર જઈને વર્તન કરી બેસીએ છીએ. આવેશમાં આવીને ભાન ભૂલી જઈએ છીએ અને વિવેકબુદ્ધિ ખોઈ બેસીએ છીએ. પછી પેટ ભરીને પસ્તાઈએ છીએ. પ્રશ્ન છેઃ ‘કેવી વાત ન બોલવી?’ ઉત્તર છેઃ ‘જે વાત બોલવા માટે કાલે માફી માગવી પડે એ વાત આજે ન બોલવી.’

આપણા ભૂતકાળને કારણે આપણે ઘડાયા છીએ પણ આજે હવે એ ભૂતકાળ નકામો થઈ ગયો છે. તમે એ વીતેલા સમયને ન તો પાછો લાવી શકવાના છો, ન એને ભૂંસી શકવાના છો. વારંવાર ભૂતકાળને ખોતરવાની આદત તમારી માનસિકતાને બંધિયાર બનાવી દેતી હોય છે. ભૂતકાળમાં તમે શું શું ભૂલો કરી કે ભૂતકાળમાં તમે કેવી કેવી સિદ્ધિઓ મેળવી એ વિશે વિચારવાનું અને વાતો કરવાનું બંધ કરીશું તો જ વર્તમાનમાં રહીને આવતીકાલનું ઘડતર કરી શકીશું. અન્યથા તમારી આસપાસના લોકો આગળ નીકળી જશે અને તમે ત્યાંના ત્યાં રહી જશો. સાહેબજીનો પ્રશ્ન છેઃ ‘આગળ વધતા રહેવું હોય તો?’ ઉત્તર છેઃ ‘પાછળ જોઈ જોઈને ચાલવાનું ટાળતાં રહેવું.’

આખા દિવસ દરમ્યાન તમે કઈ કઈ બાબતો વિશે અભિપ્રાય ફેંક ફેંક કરતા રહ્યા તે વિશે આજે રાત્રે સૂતી વખતે વિચારી લેજો. મોદીએ પેટ્રોલના ભાવ ઘટાડવા જોઈએ કે નહીં, વિરાટ કોહલીએ પગ પર પેડ કેવી રીતે બાંધવું જોઈએ, લેખકે કેવી રીતે લખવું જોઈએ, હૉટલવાળાએ પોતાની હૉટલ કેવી રીતે ચલાવવી જોઈએથી માંડીને નીતાબેન અંબાણીએ ક્યા કલરની લિપસ્ટિક લગાડવી જોઈએ એ વિશેના અભિપ્રાયો આપણે ફેંકતા રહીએ છીએ. જે ક્ષેત્રની જરા સરખી ગતાગમ નથી એ ક્ષેત્રમાં ચંચુપાત કરવાનો શોખ હોય છે બધાને. જે ક્ષેત્રનો જરા સરખો અનુભવ નથી એની આપણે ઑથોરિટી હોઈએ તે રીતે વાતો કરીને ચુકાદાઓ, ફેંસલાઓ સુણાવતા રહીએ છીએ. અંગ્રેજીનો એક જાણીતો રૂઢિપ્રયોગ છે. માઈન્ડ યોર ઑન બિઝનેસ. ફિલ્મસ્ટારે સાધુસંતોને કહેવાની જરૂર નથી કે તમારે કેવો ઉપદેશ આપવો ને કેવો નહીં. ફિલ્મસ્ટારને એની ઍક્ટિંગ સાથે નિસબત હોવી જોઈએ. ધર્મક્ષેત્રનો એને અનુભવ નથી. સાધુસંતોએ ફિલ્મસ્ટારોને શીખામણ ના આપવી જોઈએ કે એમણે કેવી રીતે ઍક્ટિંગ કરવી જોઈએ. રાજકારણ અને અર્થકારણ કેવી રીતે ચાલે છે એની ગતાગમ વિનાના લોકો પેટ્રોલ-ક્રુડ ઑઈલ અને ડૉલરના ભાવની ચર્ચા કરતા હોય ત્યારે સાવ ભૂંડાં, નાદાન, બાલિશ લાગતા હોય છે. કરિયાણાવાળાએ રફ હીરાના ભાવતાલ શું ચાલે છે એની ચર્ચા કરવાની ના હોય. ઔરંગઝેબે લતા મંગેશકરે કેવી રીતે ગાવું એની સલાહ આપવાની ન હોય. ‘ક્યા ક્ષેત્રના અમ્પાયર ન બનવું’ એવા પ્રશ્નના ઉત્તરમાં ગુરુદેવ જણાવે છેઃ ‘જે રમત આપણે રમ્યા જ નથી એ રમતના અમ્પાયર ન બનવું.’

નીતિનિયમો અનિવાર્ય છે. કાયદાકાનૂનનો અનાદર ન થાય. જે મર્યાદાઓ નક્કી થઈ છે એનું પાલન કરવાનું હોય. પણ ઘણાને ઝંડો લઈને ફરવું ગમતું હોય છે, બંડખોર બનીને ‘જલા દો, જલા દો, ફૂંક ડાલો યે દુનિયા’ના નારા લગાવવાનું ગમતું હોય છે, જેઓ વગરવિચાર્યે નિયમો તોડ્યા કરે છે, પોતાની આપવડાઈ સ્થાપિત કરવા કે પોતાની ન્યુસન્સ વેલ્યુ ઊભી કરવા બંડખોરી કરતા રહે છે એમનો અંત કેવો આવવાનો? પ્રશ્નઃ ‘સિગ્નલની અવગણના કરવાનું નુકસાન?’ જવાબઃ ‘કદાચ ઍમ્બ્યુલન્સને આમંત્રણ અપાઈ જાય.’

એક યાદી બનાવો. તમારી પાસે કઈ કઈ વસ્તુઓ એવી છે જેના વિના તમે આરામથી જીવી રહ્યા હતા અને આજની તારીખેય એના વિના જીવી શકો એમ છો. બીજી એક યાદી બનાવો તમારે શું શું જોઈએ છે એની. અને એ યાદીને બે દિવસ મુકી રાખ્યા પછી ફરી વાંચો. નક્કી કરો કે આમાંથી કઈ કઈ વસ્તુઓ વિના અત્યાર સુધીનું તમારુ જીવન મઝેથી ચાલ્યું છે અને ભવિષ્યમાં પણ ચાલવાનું છે. પગાર ટૂંકો પડે છે, ઘરમાં જગ્યા નથી એનું કારણ આ ઈચ્છાઓ છે. ટીવીની જાહેરખબરો, દેખાદેખી અને કલ્પનાઓને કારણે ખર્ચા વધતા જાય છે, સંતોષ ઘટતો જાય છે, મન સતત બે તંગદિલીઓ વચ્ચે ઝૂલતું થઈ જાય છે. ‘વર્તમાન યુગનો અભિશાપ?’ એવા સવાલના જવાબમાં મહારાજ સાહેબ લખે છેઃ ‘જેની તમને જરૂર જ નથી, એની ઈચ્છા તમારા મનમાં જન્માવી દેવી.’

વધુ આવતી કાલે.

આજનો વિચાર

પ્ર.ઃ ‘મહાન માણસની વિશેષતા કઈ?’
ઉ.ઃ ‘ભૂલ તો મોટો માણસ પણ કરી શકે છે. મહાન માણસ એને સુધારી શકે છે.’

_આચાર્ય વિજય રત્નસુંદરસૂરિ
(‘વન મિનિટ, પ્લીઝ’માં)

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here