બારી ખુલ્લી રાખીને વરસાદની શિકરોને આવવા દઇએ

ગુડ મોર્નિંગ ક્લાસિક

સૌરભ શાહ

જિંદગી નાઈન ટુ ફાઇવના રૂટિન માટે નથી.

એ રૂટિન અસ્તિત્વ ટકાવી રાખવા માટેનું છે. જિંદગી માત્ર અસ્તિત્વ ટકાવી રાખવા નથી મળી.

અસ્તિત્વ ટકાવી રાખવાની જદ્દોજહત કરોડો કોક્રોચ કરતા હોય છે. અંતે ગટરમાં જ મરતા હોય છે.

જિંદગી ગટરમાં મરવા માટે નથી મળી. અત્યાર સુધી ક્યારેય ન થયાં હોય એવાં કામ કરવા માટે મળી છે. આવાં અગણિત કામ થયાં ત્યારે દુનિયા આગળ વધી, માનવજાતના હજારો વર્ષના ઇતિહાસનાં સોપાન ઘડાયાં. અગ્નિ, પૈડું, ઓજાર અને વહાણથી લઈને ટેલિફોન, સેટેલાઇટ તથા ઇન્ટરનેટ સુધીની સંખ્યાબંધ શોધખોળો પાછળ ખર્ચાયેલી જિંદગીઓએ માણસના અસ્તિત્વને અર્થ આપ્યો છે. જગતભરના સંગીતકારો, સાહિત્યકારો અને કળાકારોએ આ અર્થને રસપૂર્ણ બનાવી એમાં ઊંડાણ ઉમેર્યું છે. કોઈએ કલ્પના પણ ન કરી હોય એવાં આ તમામ કામ થકી જ દુનિયા આગળ વધે છે. નાઇન ટુ ફાઇવનું રૂટિન અસ્તિત્વ ટકાવી રાખવા અનિવાર્ય છે, પણ પૂરતું નથી.

ઘરમાં ઝાડુ-પોતાં, રસોઈ-કપડાંનું રૂટિન સરખું ન હોય કે દેશમાં વીજળી, પાણી, વાહનવ્યવહાર વગેરેનું રૂટિન ખોરવાઈ જાય તો જિંદગી ખોરવાઈ જાય. રૂટિન અનિવાર્ય છે અને આ રૂટિન જાળવનારાઓ પણ એટલા જ અગત્યના છે. ઘરમાં ગૃહિણી,નોકરો અને ઓફિસોમાં પટાવાળા, ક્લાર્ક, એક્ઝિક્યુટિવ, મેનેજર વગેરેના કામની કદર કરીએ અને એમને પૂરતું વળતર ઉપરાંત યોગ્ય માન-સન્માન પણ આપીએ. સામૂહિક ધોરણે આ તમામ લોકો અનિવાર્ય છે અને વ્યક્તિગત ધોરણે આ દરેક માણસ રિપ્લેસેબલ છે.

મુદ્દો રૂટિનની અવગણના કરવાનો નથી કે એ કાર્યોને ઉતારી પાડવાનો પણ નથી; વાત આ રૂટિનથી ઉપર ઉઠવાની છે, કોક્રોચની માફક માત્ર અસ્તિત્વ ટકાવી રાખવાની મશક્કત કર્યા કરવાની નથી. જરૂરી નથી કે અત્યાર સુધી ક્યારેય કોઇએ ન કર્યાં હોય એવાં કામ કરશો તો ઇતિહાસમાં તમારું નામ સોનેરી અક્ષરે લખાઈ જશે. એડમંડ હિલેરી અને તેન્ઝિંગ નોર્ગેનું નામ સૌ કોઇએ સાંભળ્યું છે અને સોનેરી અક્ષરોમાં લખાયેલું વાંચ્યું પણ છે. પરંતુ જ્યોર્જ મેલરી કોણ હતો? એવરેસ્ટની ટોચે પહોંચનારો એ પહેલવહેલો પર્વતારોહક હતો એવું માનવામાં આવે છે. પણ એ જીવતો પાછો ફર્યો નહીં અને એના સાથી આરોહકો આ બાબતના કોઈ પુરાવા લાવી શક્યા નહીં. હિલેરી-તેન્ઝિંગની વિરાટ સિદ્ધિના અઢી-ત્રણ દાયકા અગાઉ મેલરીએ આ સાહસ કર્યું.

તમારી જિંદગી હિલેરી જેવી નહીં પણ મેલરી જેવી પુરવાર થાય તો ભલે. અત્યાર સુધી ન થયેલાં કામ કરવાના પ્રયત્નોના અંતે મૃત્યુ જ મળવાનું હોય તો એ મોત મેડિક્લેમનાં ખોટાં બિલો મૂકીને ફાઈવસ્ટાર હોસ્પિટલના આઇ.સી.યુમાં વેન્ટિલેટર પર જીવવા કરતાં સારું.

પૈસા કે પ્રસિદ્ધિ આડપેદાશો છે – અત્યાર સુધી ન થયેલાં કામ કરવા માટેની. ખરેખરું વળતર તો જિંદગી વેડફાઈ નથી ગઈ એવા અહેસાસ પછીનો સંતોષ છે.

જીવનનો હેતુ શોધવા માટે બીજે ક્યાંય જવાની જરૂર નથી. જીવનનું આજીવન લક્ષ્ય એક જ છે- જે કામ અત્યાર સુધી કોઈએ કર્યાં નથી, કદાચ કરવાનું વિચાર્યું પણ નથી તે કામ કરવાં. જિંદગી અર્થહીન બની જતી કે ખાલીખમ લાગે કે જિંદગીમાં બધું જ મળી ગયા પછી પણ કંઈક ખૂટતું લાગે કે વીતેલાં વર્ષો વેડફાઈ ગયા જેવું લાગે ત્યારે બારી ખુલ્લી મૂકીને વરસાદની શિકરોને રૂમમાં પ્રવેશવાનું આમંત્રણ આપીને વિચારવું કે આસપાસના લોકો મને પાગલ કહે એવાં કયાં કયાં કામ મારે કરવાં છે?

આજનો વિચાર

ઊગતું’તું બધે જ તારું નામ,
શ્વાસમાં વાતમાં કે ખ્વાબોમાં.

– શોભિત દેસાઇ

એક મિનિટ

’ડોરબેલ’ વાગી. ચાલીસી વટાવી ચૂકેલી મહિલાએ બારણું ખોલ્યું. ‘ડોર ટુ ડોર’ વોશિંગ પાવડર વેચવાવાળા સેલ્સમેને પૂછ્યું – “તમારા મમ્મી ઘરે છે?”

તેને શું જવાબ મળ્યો તે ખબર નથી, પણ એ મહિલાએ હોંશે હોંશે ત્રણ પેકેટની ખરીદી કરી લીધી !

( મુંબઇ સમાચાર : મંગળવાર, 13 જૂન 2017)

2 COMMENTS

  1. બાદલ ગરજે બરસે દિલ,
    કયું ના નિકલે ઘરસે દિલ,
    બરખા મેં ભી દિલ પ્યાસા હૈ,
    યે પ્યાર નહીં તો ક્યા હૈ.
    આ મસ્ત, મજાની મૌસમ માં જ્યારે આવા મીઠા ગીતો સાંભળવા ની મજા કંઇક ઓર જ છે. જીંદગી માં અમુક કામો જેમ દિલ કહે તેમ કરવા પણ જરૂરી લાગે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here