હિંસાનો ડર અહિંસાને જન્મ આપે છે

તડક ભડક: સૌરભ શાહ

(‘સંદેશ’, ‘સંસ્કાર’ પૂર્તિ, રવિવાર, ૨૪ ફેબ્રુઆરી ૨૦૧૯)

અહિંસાની કન્સેપ્ટને બહુ ધૂંધળી બનાવીને ગૂંચવી દેવામાં આવી છે. અહિંસા એક આદર્શ છે. ઘરમાં તમને કોઈના વિચાર કે કોઈની વર્તણૂક પર ગુસ્સો આવે કે ચીડ ચડે ત્યારે તમે એના પર હાથ નથી ઉપાડતા. તમને ખબર છે કે એ રીતે તમારા ગુસ્સાનું શમન કદાચ કામચલાઉ થઈ પણ ગયું તો એ કંઈ એનો કાયમી ઈલાજ નથી. તમને ખબર છે કે તમને નહીં ગમતા વિચારો સામે તમારે એમની સામે ચર્ચા કરવી પડશે, દલીલો કરવી પડશે અને અંતે કાં તો એ તમારી વાત સ્વીકારશે, કાં તમે એમની વાત સ્વીકારશો, કાં પછી પરિસ્થિતિ જેમ છે એમ જ રહેશે પણ એના ઉકેલ માટે તમે મારામારી તો નથી જ કરવાના. ઘરમાં જ નહીં, ઑફિસમાં, તમારી આજુબાજુના તમામ પરિચિતો સાથેના તેમ જ તમે જેમને ક્યારેય મળ્યા જ નથી કે મળવાના પણ નથી એવા લોકો સાથેના મતભેદોનો ઉકેલ તમારે અહિંસક રીતે જ લાવવાનો છે. અહિંસાનું આ સાચું સ્વરૂપ છે. જેમનામાં નીરક્ષીર વિવેકબુધ્ધિ હોય તે સૌ કોઈ અહિંસાના આ સાચા સ્વરૂપને સમજીને સ્વીકારશે પરંતુ એને ચ્યુંઈગમની જેમ તાણીને લંબાવશે નહીં.

આવી અહિંસામાં દ્રઢ્ઢતાપૂર્વક માનનારા પોલીસમૅન સામે કોઈ ગુંડો ગોળી ચલાવતો હશે ત્યારે એનો સામનો કરવા માટે એણે પણ પોતાની સર્વિસ રિવોલ્વરનો ઉપયોગ કરવો જ પડશે. પછી ભલે એમાં એ ગુંડો ઠાર થાય. પોલીસ કોઈ નિર્દોષ પર ગોળીબાર તો શું લાઠીમાર પણ ન કરી શકે. પણ સંભવિત હિંસા ટાળવા એણે નિયમ મુજબ જે કંઈ કરવું પડે તે કરવું જ પડે, પછી ભલે ને કોઈ એને હિંસાચાર કહે.

અહિંસાની વ્યાખ્યા મારા માટે આ છેઃ અનિવાર્ય સિવાયની તમામ પ્રકારની હિંસાનો ત્યાગ. વ્યાખ્યા સૌ કોઈએ સમજવી જોઈએ અને જૂનાં ચશ્માં બદલીને સ્વીકારવી જોઈએ. ખેતરમાં કે બેડરૂમમાં જીવજંતુઓને કારણે જો પાક પર કે નિંદ્રા પર અવળી અસર થતી હોય તો એવાં જીવજંતુઓનો નાશ કરવાની સૌની ફરજ છે. અહીં અહિંસાનું પૂંછડું પકડીને બેસી રહેવાથી કાં તો મેલેરિયા કે ડેન્ગ્યુ થાય કાં પછી તમારો પાક નિષ્ફળ જાય. બસમાં કે ટ્રેનમાં તમે જોઈ રહ્યા છો કે કોઈ મવાલી અજાણી સ્ત્રીની છેડતી કરી રહ્યો છે તો તમે એના ગાલ પર જઈને બે થપ્પડ મારો તો એ હિંસા નથી. જો આવી ધોલધપાટ તમે ન કરો તો તમે કાયર છો.
શાસ્ત્રોની ઘણી સારી સારી કન્સેપ્ટ્‌સને ગૂંચવી મારવામાં આવી છે. અહિંસા એમાંની એક છે. નિવારી શકાય એવી હોય એ પ્રકારની તમામ હિંસાનો ત્યાગ કરવો જોઈએ એ વાત તો યુધ્ધના નિષ્ણાતો અને સંરક્ષણ દળના સભ્યો પણ કબૂલ રાખશે. તેઓ કંઈ મનફાવે તે રીતે દુશ્મન પર બોમ્બાર્ડિંગ નથી કરતા કે નથી મનસ્વીપણે મિસાઈલો છોડતા. આવું કરવું જ્યારે અનિવાર્ય હોય ત્યારે જ તેઓ આ પ્રકારનાં પગલાં ભરતા હોય છે. અહિંસાના પૂજારીઓના સોગંદ આપીને જો તમે આ જવાંમર્દોને રોકવા જશો તો દેશના સૌથી મોટા ગદ્દાર પુરવાર થશો.

હિંસાની એક તાકાત સમજી લેવા જેવી છે. પોલીસ હિંસક બની શકે છે એવા ડરથી અસામાજિક તત્વો હિંસા કરતાં ડરે છે. જો આ તત્વોને ખાતરી હોય કે પોતે કંઈ પણ કરશે તોય પોલીસ હિંસક નથી બનવાની તો સમાજમાં હાહાકાર વ્યાપી જશે. અસામાજિક તત્વોને હિંસાનો ડર લાગે છે સમાજ આવા હાહાકારથી મુક્ત છે. આવુ જ લશ્કરી દળોની બાબતમાં. સામેના પક્ષે હિંસા કરવાની ખૂંખાર તાકાત છે એવા ડરને કારણે બીજા પક્ષે શાંત બેસી રહેવું પડે છે. આ શાંતિ હિંસક બનવાની તાકાતની નીપજ છે. આવી તાકાત ન હોય તો અશાંતિમાં જીવવું પડે.

પોતાની માગણી પૂરી કરવા માટે આમરણ ઉપવાસ પર ઉતરવાનું ત્રાગું કરનારાઓ પણ પ્રચ્છન્નપણે હિંસાનું હથિયાર વાપરતા હોય છે. એમના આમરણ ઉપવાસમાં પોટેન્શ્યલ અને ગર્ભિત હિંસા છુપાયેલી હોય છે. તેઓ જાણતા હોય છે કે મારી માગણી સંતોષાવામાં નહીં આવે અને ન કરે નારયણ ને મને કંઈ થઈ ગયું તો મારા ટેકેદારો હિંસક બની જશે. આની કલ્પના કરીને સામેવાળો બ્લેકમેલ થાય છે. સરેન્ડર થાય છે. આમરણ ઉપવાસીઓને તમે ક્યારેય અહિંસાવાદી ન કહી શકો. ખરા અહિંસાવાદીઓ પોતાની સર્વિસ રિવોલ્વર કે રાઈફલ લઈને ફરતા પોલીસો-લશ્કરી જવાનો છે જેમના હાથમાં શસ્ત્ર જોઈને હિંસખોરો પોતાની વૃત્તિ દબાવીને અહિંસક બની જતા હોય છે. અહિંસક સમાજનું સર્જન કરવું હશે તો હિંસાની ધાક જરૂરી છે. સામેવાળી વ્યક્તિ અહિંસક રહે એ માટે એને ખબર હોવી જોઈએ કે તમારામાં એને હાનિ પહોંચાડવાની, હિંસા કરવાની તાકાત છે.

પાન બનાર્સવાલા

ક્યારેક બીજાના હાથમાંની બંદૂક ન ચાલે એ માટે તમારે એને બંદૂક દેખાડવી પડતી હોય છે.
_માલ્કોમ એક્‌સ( ૧૯૨૫ – ૧૯૬૫. બ્લેક અમેરિકન લીડર.)

3 COMMENTS

  1. આપે અહિંસા નું ખૂબ જ સરસ દર્શન કરાવ્યું છે. આપ ને ખૂબ ખૂબ ધન્યવાદ.

    • આપે અહિંસા નું ખૂબ જ સરસ દર્શન કરાવ્યું છે. આપ ને ખૂબ ખૂબ ધન્યવાદ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here