નિ:સ્વાર્થ થવું, એમાં તમારો જ સ્વાર્થ છે:સૌરભ શાહ


( ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ, સોમવાર, 23 નવેમ્બર 2020 )
બંધન એટલે શું એની જેને ખબર છે એને મુક્તિની કદર અન્ય મુક્ત લોકો કરતાં વધારે હોવાની. કશુંક છીનવાઈ જાય છે ત્યારે જ એનું મૂલ્ય સમજાય છે.

જે વ્યક્તિ જીવનના ચડાવની સાથે ઉતરાવ પણ અનુભવી ચૂકી છે એના પર દુનિયા વધારે ભરોસો કરતી થઈ જાય છે, કારણ કે એણે બધું જ જોયું છે. સમંદરમાં ભરતીની જાહોજલાલી પણ જોઈ છે અને ઓટ વખતનો ભેંકાર દીસતો રેતાળ કિનારો પણ જોયો છે. ભરતીની સાથે જે કંઈ આવે છે તે સમુદ્ર સૌ કોઈમાં વહેંચી દે છે. ઓટમાં બધાનું તણાઈ જાય છે. જીવનમાં ઉતરાવના તબક્કાને તમે સહન કરતા હો છો ત્યારે એનાં છાંટા તમારી આસપાસની તમામ વ્યક્તિઓ પર, તમને ચાહતી વ્યક્તિઓ પર પડતા હોય છે. એમણે પણ તમારી સાથે સહન કરવું પડતું હોય છે, જાણેઅજાણે અને ઈચ્છાએ-અનિચ્છાએ પણ તમારું દુ:ખ શેર કરવું પડતું હોય છે. તમારી નિકટની વ્યક્તિ પર અથવા તો તમે જેને આત્મીયતાથી ઓળખો છો એવી વ્યક્તિ પર, અથવા તો તમે જેને મળ્યા પણ નથી છતાં દૂર રહીને એના કામને ચાહતા રહો છો એવી વ્યક્તિ પર કોઈ આપત્તિ આવી પડે કે એ કોઈ સંકટમાં ઘેરાઈ જાય કે પછી એના માથા પર વીજળી તૂટી પડે ત્યારે એ વ્યક્તિને જે દુ:ખ થાય છે એવી જ પીડા તમને પણ થતી હોય છે.

તમારી ઉતરાવની પરિસ્થિતિના છાંટા તમારી આસપાસની વ્યક્તિઓ પર પડતા હોય અને તેઓ તમારી વેદનાને પોતાની સમજીને ભગવાન સમક્ષ કોઈ ફરિયાદ કર્યા વિના ચૂપચાપ સહન કરી લેતા હોય તો હું સમજું છું કે તમારો ફરી ચડતીનો ગાળો આવે ત્યારે તમારી પુન:પ્રગતિનો લાભ એ સૌ કોઈમાં વહેંચાઈ જવો જોઈએ. જેમણે પોતાની મરજી-નામરજીથી તમારા જીવનમાં બનેલી કોઈ પણ પ્રકારની દુખદ ઘટનાઓ તમારી સાથે રહીને કે તમારાથી દૂર રહીને સહન કરી છે, ક્યારેક તો તમારી જાણ બહાર સહન કરી છે, તમારું નીચાજોણું થયું ત્યારે તેઓએ પણ ભોંઠપ અનુભવવી પડી છે એવા તમામ લોકો સુધી પેલા છાંટાના બદલામાં તમારી ચડતી વખતે થતી વર્ષાની ઝરમરમાં એમને પણ પલળવાનો મોકો મળવો જોઈએ.

અને આવું જો તમે સ્વીકારતા હો તો ચડતી પછી પડતી આવે અને પુન: ચડતી આવે ત્યાં સુધી રાહ જોવાને બદલે પડતી આવે તે પહેલાંના જ ચડતીના દિવસોમાં તમારે તમારી પ્રગતિનો લાભ તમારી નિકટ-દૂરની તમામ વ્યક્તિઓમાં સામે ચાલીને વહેંચતાં રહેવું જોઈએ.

‘મરીઝ’એ ગાયું હતું કે: ‘બસ એટલી સમજ મને પરવરદિગાર દે/સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે’ તે આ જ સમજ આપવા માટે ગાયું હતું.

નિ:સ્વાર્થ થવામાં છેવટે તો તમારો પોતાનો જ સ્વાર્થ સમાયેલો છે એવું જો સમજાય તો નિ:સ્વાર્થ થવાનું સહેલું બની જાય. તમે જ્યારે સુખમાં બધાનો વિચાર કરો છો ત્યારે તમારા દુ:ખમાં ભાગીદાર બનવા સૌ કોઈ ખડે પગે તૈયાર હોય છે. તમારા સુખના દિવસોમાં તમે તમારા સિવાય કોઈનો વિચાર નહીં કર્યો હોય તો તમારા દુખના દિવસોમાં એ સૌ નિકટજનોને અને દૂરના ચાહકોને દુખ તો થવાનું જ છે, પણ તેઓ તમારી પડખે રહેતાં અચકાવાના. એટલા માટે નહીં કે આણે ક્યાં મને એના સારા દિવસોમાં યાદ રાખ્યો હતો કે હવે એના માઠા દિવસોમાં હું એની પાસે દોડી જાઉં – આવા વિચારને કારણે નહીં. પણ, એના અગાઉના દિવસોમાં એ મને નજીકનું જણ નહોતા ગણતા, કદાચ બીજા કેટલાય એની નજીક હશે. એટલે નહોતા ગણતા, તો હવે હું કેવી રીતે નિકટતા જતાવવા પહોંચી જાઉં? એમની નજીક તો બીજા ઘણા હોવાના – એમનું દુખ શેર કરવા માટે. એટલે દૂર રહીને, ભગવાન એમને આપત્તિમાંથી બહાર કાઢે અને આ સંકટકાળને સહન કરવાની પ્રભુ એમને શક્તિ આપે એટલી પ્રાર્થના કરવી સારી.

આને બદલે જો તમે તમારા સારા દિવસોની ઝરમરમાં સૌને રીઝવ્યા હશે તો એમાંના કેટલાક તો આવવાના તમારા દુખના છાંટા હોંશે હોંશે ઝીલવા માટે.

પડ્યા પછી જે ફરી ઊભો થઈને ચાલવા માંડે છે તેના પર દુનિયા વધારે ભરોસો મૂકતી થઈ જાય છે કારણ કે લોકોને ખાતરી થઈ જાય છે કે તમારું ટિમ્બર મજબૂત છે, ખોખલું નથી. જે હજુ સુધી પડ્યો નથી અને માત્ર પ્રગતિનો રાહ જ જેણે જોયો છે તે નસીબદાર ભલે હોય પણ એ હજુ અનટેસ્ટેડ છે. એની કસોટી નથી થઈ. એનો ચળકાટ ચોવીસ કેરેટનો છે કે ઢોળ ચડાવેલો છે તેની કસોટી માટે હજુ એણે ભઠ્ઠીમાં તપાવું નથી પડ્યું.

અમારા વતનના ગામમાં બે-ત્રણ ઘર છોડીને સોનીનું ઘર હતું. આજુબાજુના કસબાઓમાં રહેતા વનવાસીઓ ખેતીની આવકમાંથી તરત જ બચત કરવા માટે ચાંદીની હાંસડી કે ચાંદીનાં કડાં કરાવી લેતા એ સીઝનમાં સોનીની ધમણવાળી ભઠ્ઠી ધમધોકાર ચાલતી અને અમે બાળસહજ કુતૂહલવશ કલાકો સુધી આખી પ્રક્રિયા નિહાળ્યા કરતા. ચાંદીનો ગઠ્ઠો આખેઆખો ઓગળી જાય ત્યાં સુધી એને ગરમ કરવામાં આવતો પછી એને આકારમાં ઢાળવામાં આવે અને છેલ્લે એના પર મનગમતી ડિઝાઈનોનું ઝીણું કોતરકામ થાય.

ન કરે નારાયણને જીવનમાં ક્યારેય આવી ભઠ્ઠીમાં મુકાઈને ઓગળી જતા હોઈએ એવું લાગે ત્યારે શ્રદ્ધા રાખવાની, ધીરજ રાખવાની કે થોડા જ સમયમાં આ કસોટી પૂરી થશે, જીવનને મનગમતો આકાર મળશે એટલું જ નહીં – હવે એના પર બારીક સુંદર મનભાવન ડિઝાઈનો શોભતી થઈ જશે.

આજનો વિચાર

જે મન કોઈ ઘટના બની ગયા પછી પણ ધિક્કાર કે આનંદને વાગોળ્યા કરે છે તે સંવેદનશીલ રહી શકતું નથી.

— જે. કૃષ્ણમૂર્તિ

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને આર્થિક સપોર્ટ આપો : સૌરભ શાહ

પ્રિય વાચક,

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના કે જાહેરખબરોની આવક વિના ચાલતું કોઈનીય સાડીબારી ન રાખતું એક વિશ્વસનીય ડિજિટલ મિડિયા છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનોનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા સ્વતંત્ર પ્લેટફૉર્મની આજે સખત જરૂર છે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મી એવા પત્રકાર સૌરભ શાહ દ્વારા થઈ રહી છે. પૈસાની અપેક્ષા તમારે પૂરી કરવાની છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

1 COMMENT

  1. AN EXTRAORDINARY ARTICLE ON LIFE.
    IT IS VERY DIFFICULT TO REMAIN CALM AND COMPOSED IN BAD OR HAPPY TIME.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here