શિક્ષણક્ષેત્રે મોદીએ શું કર્યું? લે, આ કર્યું

ગુડ મૉર્નિંગ – સૌરભ શાહ

( મુંબઇ સમાચાર : શુક્રવાર, 22 ફેબ્રુઆરી 2019)

એસ.એસ.સી. વિશે તમે જાણો છો. સી.બી.એસ.ઈ. અને આઈ.સી.એસ.ઈ. વિશે પણ તમને ખબર છે. તમે પોતે અથવા તમારા સંતાનોએ સ્કૂલમાંથી કૉલેજ જતાં પહેલાં આમાંના કોઈ એક બોર્ડની પરીક્ષા પાસ કરી છે, પણ તમને બી.એસ.બી. વિશે ખબર છે. ન હોય એ સ્વાભાવિક છે કારણ કે હજુ એનો જન્મ નથી થયો, પણ થવાની તૈયારીમાં છે.

મોદીએ છેલ્લાં પોણા પાંચ વર્ષમાં શું કર્યું એની યાદી ઘણી લાંબી છે. એમણે જે જે કંઈ કર્યું છે તે બધું જ તમારા સુધી પહોંચ્યું નથી, કારણ કે મીડિયાએ પહોંચવા દીધું નથી અથવા છાપાના કોઈ ખૂણે દાટીને એની મહત્તાને ગૌણ બનાવી દીધી છે.

ભારતીય શિક્ષા બોર્ડ (બી.એસ.બી.) વિશેના ન્યૂઝ આવા જ એક ન્યૂઝ છે. પહેલાં જાણી લો કે આ બી.એસ.બી. શું છે. ભારતની વૈદિક સંસ્કૃતિ તથા વેદવિદ્યાનું શિક્ષણ આપવા માટે આ બોર્ડની સ્થાપના દેશની એચ.આર.ડી. મિનિસ્ટ્રી દ્વારા કરવામાં આવી રહી છે. હ્યુમન રિસોર્સ ડેવલપમૅન્ટ ખાતું એક જમાનમાં શિક્ષણ ખાતું ગણાતું એની તમને ખબર છે અને શિક્ષણમંત્રી હવે એચ.આર.ડી. મિનિસ્ટર ગણાય છે એની પણ તમને ખબર છે જે પ્રકાશ જાવડેકર છે. અત્યારે દેશમાં અનેક પાઠશાળાઓ ચાલે છે, ગુરુકુળ ચાલે છે. એવી કેટલીય શાળાઓ ચાલે છે જેમાં વૈદિક અને આધુનિક શિક્ષણનો સમન્વય થતો હોય. આવી તમામ શિક્ષણ સંસ્થાઓને સરકારી સ્વીકૃતિ મળે, પ્રોપર ગ્રાન્ટ્સ તથા અન્ય ફેસિલિટીઝ મળે, શિક્ષકો તથા શિક્ષકેત્તર કર્મચારીઓનાં પગારધોરણમાં સ્ટાન્ડર્ડાઈઝેશન આવે તથા આ શિક્ષણ સંસ્થાઓમાં ભણીને તૈયાર થતા વિદ્યાર્થીઓને એસ.એસ.સી. વગેરે બોર્ડના સર્ટિફિકેટ લઈને બહાર પડતા વિદ્યાર્થીઓ જેટલી જ ભાવિ અપૉર્ચ્યુનિટીઝ મળે તે માટે ભારતીય શિક્ષા બોર્ડ એટલે કે બી.એસ.બી.ની સ્થાપના થઈ રહી છે. બહુ જલદી થઈ રહી છે. પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.

ભારત સરકારે નક્કી કર્યું છે કે આ બોર્ડની સ્થાપના કરવા માટે સરકારે વચમાંથી ખસી જવું અને પ્રાઈવેટ પાર્ટીને આનો કારભાર સોંપીને પોતે માત્ર દેખરેખ રાખતા નિરીક્ષકની ભૂમિકા ભજવવી. સરકાર દ્વારા બી.એસ.બી.ને સંપૂર્ણ માન્યતા મળેલી હશે.

ભારત સરકારે ઓલરેડી ‘મહર્ષિ સાંદિપનિ રાષ્ટ્રીય વેદવિદ્યા પ્રતિષ્ઠાન’ (એમ.એસ.આર.વી.વી.પી.)ના નેજા હેઠળ એક જાહેર નિવેદન પાડીને લાગતીવળગતી સંસ્થાઓને બી.એસ.બી. રચવા માટે નિમંત્રણ આપી દીધું છે, આ સંસ્થાઓ પાસેથી ‘એક્સ્પ્રેશન ઑફ ઈન્ટરેસ્ટ’ અર્થાત્ ઈ.ઓ.આઈ. મગાવવામાં આવ્યાં છે.

વૈદિક શિક્ષણનું રાષ્ટ્રીય સ્તરનું બોર્ડ એટલે કે બી.એસ.બી. રચવા માટેની સંસ્થાની લાયકાતોમાંની એક તો એ છે કે છેલ્લાં ઓછામાં ઓછા પાંચ વર્ષથી એ સંસ્થા શાળાઓમાં વેદવિદ્યા, સંસ્કૃતભાષાનું શિક્ષણ, યોગ આદિના શિક્ષણ દ્વારા ભારતના પારંપરિક વારસાને જાળવવાનું, સમૃદ્ધ કરવાનું તથા તેનો પ્રચાર-પ્રસાર કરવાનું કામ કરતી હોવી જોઈએ. આ ઉપરાંત સંસ્થાની નેટવર્થ રૂ. 300 કરોડથી વધુ હોવી જોઈએ અને બી.એસ.બી.ની રચના માટે એ સંસ્થા ઓછામાં ઓછા 2.50 કરોડનું કોર્પસ ફંડ અલગ તારવી શકે એવી કૅપિસિટી હોવી જોઈએ, ડેવલપમૅન્ટ ફન્ડની રકમ અલગ.

બી.એસ.બી.ની સ્થાપના કરવાનું બીડું અત્યાર સુધીમાં ત્રણ સંસ્થાઓએ ઉપાડ્યું છે. આમાંથી કોઈ એકને સરકારી મંજૂરી મળશે. આ ત્રણમાંની એક સંસ્થા છે સ્વામી રામદેવ સ્થાપિત પતંજલિ. યોગપીઠ ટ્રસ્ટ જેના ટ્રસ્ટીઓમાં રામદેવજી ઉપરાંત આચાર્ય બાલકૃષ્ણ, સ્વામી મુક્તાનંદ તથા શંકરદેવજી છે.

ભારતનો સાંસ્કૃતિક અને શૈક્ષણિક વારસો ઘણો મોટો છે. મોગલકાળમાં, અંગ્રેજોના કાળમાં, સવાયા મોગલ અને દોઢા અંગ્રેજ એવા નેહરુકાળમાં અને ત્યારબાદ એમના માનસસંતાન એવા વામપંથી સેક્યુલરોના કાળમાં આ સમૃદ્ધ વારસાને રફેદફે કરવાની ઘણી કોશિશો થઈ. આજની તારીખે પણ લેફ્ટિસ્ટો તો એ જ કરી રહ્યા છે અને કૉન્ગ્રેસ સહિતના વિપક્ષો એ જ ઈચ્છે છે, પણ બી.એસ.બી.ની સ્થાપના થયા પછી તમે જોશો કે વેદનું શિક્ષણ, સંસ્કૃતિનું શિક્ષણ, આપણા શાસ્ત્રોનું અને દર્શનોનું શિક્ષણ તેમ જ ભારતીય પરંપરાનું શિક્ષણ કેવી હરણફાળ ભરે છે.

એસ.એસ.સી. વગેરે બોર્ડની જેમ બી.એસ.બી. પોતાનો અભ્યાસક્રમ તૈયાર કરશે, આ સિલેબસ ભણાવવા માટેનાં પાઠ્યપુસ્તકો બનાવશે, પરીક્ષાઓ લેશે અને સર્ટિફિકેટ્સ આપશે. અત્યારનાં ગુરુકુળોને, પાઠશાળાઓને તેમ જ ભવિષ્યમાં શરૂ થનારી આધુનિક શિક્ષણની સાથે સાથે વેદાભ્યાસ કરાવતી શાળાઓને આનાથી ઘણો મોટો ફાયદો થવાનો.

સ્વામી રામદેવ તો ઓલરેડી આવી પાઠશાળાઓ ચલાવે છે. આ ઉપરાંત આર.એસ.એસ. દ્વારા વિદ્યા ભારતીની શાળાઓ ચાલે છે.

આર્યસમાજ દ્વારા ગુરુકુળો ચાલે છે. પ્લસ દેશમાં અનેક ઠેકાણે વ્યક્તિગત ધોરણે, સખાવતી પ્રાઈવેટ કે પબ્લિક ટ્રસ્ટ દ્વારા તથા મંદિરો – દેવસ્થાનકો દ્વારા ઠેર ઠેર સંસ્કૃત પાઠશાળા તેમ જ ગુરુકુળોનું સંચાલન થાય છે. ભવિષ્યમાં આ સૌને ખૂબ મોટો ફાયદો થવાનો, દેશને ફાયદો થવાનો, આપણને સૌને ફાયદો થવાનો. દસમા જ નહીં બારમા ધોરણ સુધી આ બધી શિક્ષણસંસ્થાઓ પોતાને ત્યાં ભણતા વિદ્યાર્થીઓને ખરા અર્થમાં ભારતીય નાગરિક બનવાના સંસ્કાર આપી શકવાના. આપણને થાય કે કાશ, પચાસ-સાઠ વર્ષ પહેલાં આવું થયું હોત તો? આઝાદી મળ્યા પછી તરત જ બી.એસ.બી.ની રચના થઈ હોત તો? આપણા કમનસીબ કે આપણે નેહરુ-ઈરામાં જન્મ્યા. આપણા સદ્નસીબ કે આપણે મોદી-ઈરા જોવા પામ્યા.

આજનો વિચાર

ઈમરાન ખાન જો વાતચીત અને મંત્રણાઓથી પ્રોબ્લેબ સોલ્વ કરી શકતો હોત તો એણે ત્રણ ત્રણવાર છૂટાછેડા ના લેવા પડ્યા હોત.

– વૉટ્સઍપ પર વાંચેલું.

એક મિનિટ!

બકા: અલી બકી, સાંભળ્યું કે પી.એમ.એ આ મહિને આખા દેશમાં તમામ ઑફિસો – સ્કૂલો – કૉલેજોને 29, 30, 31ના રોજ રજા જાહેર કરી દીધી છે.

બકી: એમ? બહુ સારું કહેવાય.

આપણે ત્રણ દિવસ ગોવાના દરિયે ફરી આવીએ.

(બકી અત્યારે બિકીની ખરીદવા ગઈ છે. આવીને બેગ તૈયાર કરવામાં બિઝી થઈ જશે.)

4 COMMENTS

  1. બહુ જ સરસ લેખ છે. મને આ ગ્રુપમાં જોડવા માટે વિનંતી છે. આભાર.

  2. महोदय, अभीवादन ।
    क्या ये लेख हिंदी में उपलब्ध हैं ? हिंदी में इनका प्रसारण देश सेवा होगी। कृपया लिंक सूचित करे ।।।।

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here