ગુલઝારનો વિવેક, ગુલઝારની તહઝીબ

ગુડ મૉર્નિંગ – સૌરભ શાહ

( મુંબઇ સમાચાર : શનિવાર, 23 માર્ચ 2019)

વાત એ. આર. રહેમાનને મળેલા ઑસ્કાર અવૉર્ડની નીકળે છે. ‘સ્લમડૉગ મિલિયોનેર’ નામની ભારતની બદબોઇ કરતી બ્રિટિશ ડિરેક્ટરની આ ફિલ્મને ઑસ્કારવાળાએ એક જમાનામાં ટોપલો ભરીને અવૉર્ડ્ઝ આપ્યા હતા. જોકે, હવે ડિફરન્ટ સમય છે. ઑસ્કારવાળા તો શું એમના બાપ પણ ભારતની બદબોઈ કરતી ફિલ્મને અવૉર્ડ આપવાની હિંમત ન કરે. દેશી બ્રાઉનસાહેબોની વાત અલગ છે. તેઓ તો પચાસ વર્ષ પછી પણ કમ્યુનિસ્ટોએ બનાવેલી ફિલ્મોને, એમના સાહિત્યને નવાજતા રહેવાના છે. પણ આવા લોકોની તાદાત હવે એટલી ઘટી જવાની કે ભવિષ્યમાં ડાયનોસોરનાં અશ્મિની જેમ આ લેફ્ટિસ્ટોનાં હાડપિંજરો માત્ર મ્યુઝિયમના કાચના કબાટોમાં લટકતા દેખાશે.

ગુલઝારસા’બને પણ ‘જય હો’ ગીત લખવા માટે ઑસ્કાર મળ્યો પણ એ લેવા નહોતા ગયા. તે વખતે એમણે બહાનું કાઢ્યું હતું કે ટેનિસ એલ્બોને કારણે સખત દર્દ થતું હતું એટલે ન જવાયું. નસરીન મુન્ની કબીર કહે છે, ‘તમે તે વખતે મને એવું કહ્યું હતું કે તમારી પાસે અવૉર્ડ સેરિમનીમાં પહેરવા માટેનું બ્લેક જેકેટ નથી એટલે તમે નહોતા ગયા.’ આ સાંભળીને ગુલઝાર હસી પડે છે, નસરીન પણ.

હકીકત એ છે કે ગુલઝારમાં ભારોભાર વિવેક છે. એ. આર. રહેમાનને આ ફિલ્મના બૅકગ્રાઉન્ડ મ્યુઝિક માટે એક ઑસ્કાર મળ્યો હતો અને ઑસ્કારવાળા ફિલ્મના ગીતની ધૂન માટેની અલગ કૅટેગરી ધરાવે છે એટલે ‘જય હો’ ગીત માટે બીજો અવૉર્ડ મળ્યો. ઑસ્કારમાં નૉર્મલી ગીત જે કંપોઝ કરે તે જ તે ગીતનો રાઈટર હોય અને ન હોય તો ગીતના કંપોઝિશન માટે અવૉર્ડ અપાય તો સાથે ગીતકારને પણ આપવો પડે. બેસ્ટ લિરિસ્ટ કે શ્રેષ્ઠ ગીતકારનો કોઈ અવૉર્ડ ઑસ્કારમાં નથી હોતો. અને આમે ય ‘જય હો’ ગીત ન તો હિન્દી ફિલ્મ સંગીત જગતમાં એના શબ્દોને કારણે ફેમસ થયું છે, ન ગુલઝારના શ્રેષ્ઠ સો ગીતોમાં એનું સ્થાન આવે. ગુલઝારે લખ્યું છે એટલે આપણે જરા સૌમ્ય રીતે એની ટીકા કરીએ અને કહીએ કે એવરેજ ગીત છે એ. (બીજા કોઈનું હોત તો કીધું હોત કે ફડતૂસ ગીત છે!) ગુલઝારને પોતાને પણ ખબર હોવાની જ કે એમણે આ ગીત લખીને કોઈ એવું મોટું તીર નથી માર્યું અને ઑસ્કાર તો બાય ડિફૉલ્ટ મળી ગયો. ગીતના સંગીતકારને નવાજવાના હતા એટલે ગીતકારને પણ પોંખવા પડ્યા. (બાકી, મા કસમ એ વર્ષે ‘લગાન’ આવી હોત અને એ મૂળ અંગ્રેજીમાં બની હોત અને એમાં ‘જય હો’ ગીત હોત તો આ કંપોઝિશન માટે રહેમાનને સો ટકા, એકસો દસ ટકા, કોઈ ઑસ્કાર-ફોસ્કાર ન મળ્યો હોત).

આ તરફ ગુલઝારની ખાનદાની જુઓ, સાહેબ. પોતાને ખબર છે કે પોતે આ અવૉર્ડ માટે ડિઝર્વિંગ વ્યક્તિ નથી, રહેમાનને કારણે નિયમાનુસાર આપવો પડે એટલે અપાયો છે. બીજું, આ ગીતની કક્ષા પણ એવી કંઈ ઊંચી નથી. ગુલઝારે બહુ શેખી મારવી હોત તો આ અવૉર્ડ માટે માત્ર રહેમાન જ લાયક છે એવું કહીને પોતે એનો અસ્વીકાર કરે છે એવી જાહેરાત કરી દીધી હોત. (આમે ય, ઈનામો સ્વીકારો તો લાખનાં અને ન સ્વીકારો તો સવા લાખનાં હોય છે એવું ત્રણ ગુજરાતી કવિઓએ પુરવાર કરીને બમણી પબ્લિસિટી લૂંટેલી જ છે. એમાંના બે દિવંગત થઈ ગયા જે ખરેખર સારું લખતા પણ એક હજુ વિદ્યમાન છે અને એમનો કકળાટ હજુ ચાલુ છે).

ગુલઝારે અવૉર્ડ વાપસી ન કરી અને એ આ અવૉર્ડ લેવા પણ ન ગયા. ગુલઝારની આ અદબ, એમની આ સેલ્ફ રિસ્પેક્ટ જાળવવાની અદા અને એમની તહઝીબ પર તો આપણે સૌ આફરીન છીએ. આની સામે જેને અડધો તો શું પા અવૉર્ડ પણ નથી મળ્યો તે વન ટુ કા ફોર એક્ટર ઑસ્કાર સમારંભની રેડ કાર્પેટ પર માય નેમ ઈઝ લખન, માય નેમ ઈઝ લખન કરીને નાચતો કૂદતો રહેમાનની રિફ્લેક્ટેડ ગ્લોરીમાં મહાલી આવ્યો.

ગુલઝાર ઊંચા ગજાના કવિ, ગીતકાર અને ફિલ્મકાર તો છે જ છે, એમને ચાહવાનું બીજું એક મોટું કારણ આ પણ છે. એમની ખાનદાની. છેલ્લાં 25 વર્ષમાં મેં ગુલઝારના અનેક પુસ્તકો (કાવ્યસંગ્રહો, આત્મકથાના ટુકડા જેમાં હોય એવાં પુસ્તકો તેમ જ એમના વિશે એમની દીકરી સહિતના લોકોએ લખેલાં પુસ્તકો) વિશે લખ્યું છે. ‘ફુર્સત કે રાતદિન’ જેવા એમના સદાબહાર આલબમ વિશે, આર. ડી. બર્મનને આપેલી સ્મરણાંજલિ વિશે, ટાગોરનાં કાવ્યોના અનુવાદ વિશે, એ અનુવાદનું એમણે મુંબઈના તાતા થિયેટરમાં જયા ભાદુરી સાથે પઠન કર્યું તે વિશે, કઈ રીતે એ કાર્યક્રમમાં હું એકલો એમના હસ્તાક્ષર લેવાને સદ્ભાગી થયો એ વિશે- આવું ઘણું બધું એટલે ઘણું જ બધું મુગ્ધ કલમે લખ્યું છે અને હજુય ખૂબ લખવું છે.

આજે વાત પૂરી કરતાં પહેલાં એમની તહઝીબ વિશે એક વાત કહી દઉં. મેં ઘણા મિત્રોને કહી છે. કદાચ ક્યાંક લખી પણ હશે.

આ એ દિવસોની વાત છે જ્યારે અમદાવાદમાં થોડાંક વર્ષ રહીને હું પાછો મુંબઈ આવી ગયેલો. જુહુનું પૃથ્વી થિયેટર, પૃથ્વીની કાફે, પૃથ્વીનું સમગ્ર વાતાવરણ બહુ મિસ થાય. એટલે જ્યારે ચાન્સ મળે ત્યારે પવઈથી છેક જુહુ પહોંચી જઈએ. જે નાટક ચાલતું હોય તેની ટિકિટ અગાઉથી જ બુક કરાવી લીધી હોય જેથી છેલ્લી ઘડીએ નિરાશ ન થવું પડે. પૃથ્વીની કૅપેસિટી 220ની છે અને એમાં સીટ નંબર નથી આપવામાં આવતા. કલાક પહેલાં લાઈન શરૂ થઈ જાય. અમે મોટેભાગે શોના દોઢ કલાક પહેલાં પહોંચીને પૃથ્વીની ફેમસ આઈરિશ કૉફી કે સુલેમાની ચા સાથે નાસ્તો કરીને ત્યાંની નાનકડી પણ સમૃદ્ધ બુક શૉપમાંથી કંઈક લઈને લાઈનમાં ઊભા રહી જઈએ. મોટેભાગે અમારો પહેલો-બીજો નંબર જ હોય.

એ દિવસે અમે ગુલઝારે લખેલું અને સલીમ આરિફે ડિરેક્ટ કરેલું નાટક ‘અઠ્ઠનિયાં’ જોવા ગયેલા. હિંદી ફિલ્મોમાં જેણે સરસ સરસ પાત્રો ભજવ્યાં છે એ યશપાલ શર્મા પણ એમાં હતો. (‘અબ તક છપ્પન’નો ઈર્ષ્યાળુ સબ-ઈન્સ્પેક્ટર અને ‘ગૅન્ગ્સ ઓફ વાસેપુર’માં માઠા પ્રસંગે બૅન્ડ વાજાવાળા સાથે માઈક લઈને ‘તેડી મહેડ બાનિમાં…’ ગાતો ગાયક).

નાટકનો બીજો જ શો હતો એટલે ભીડ ઘણી હતી. નાટક શરૂ થયાને હજુ અડધોએક કલાકની વાર હતી ત્યાં અમે ગુલઝારસા’બને જોયા. અમને એમ કે એ સીધા પાછલા દરવાજેથી સ્ટેજ વટાવીને ઑડિટોરિયમમાં બેસી જશે. એમને પૂરો હક્ક હતો એવું કરવાનો. એમનું નાટક હતું. એમનું ના હોય તો એ ગુલઝાર હતા. કોણ રોકવાનું હતું એમને. ઊલટાનું બીજા લોકો એમને આગ્રહ કરીને વહેલા અંદર લઈ જાય. જેથી એ પોતાની મનપસંદ જગ્યાએ બેસીને પોતાનું નાટક માણી શકે.

એક બે જણને હાયહેલો કરીને ગુલઝાર લાઈનમાં ગોઠવાઈ ગયા. અમારાથી છેક વીસ કે પચ્ચીસમા નંબરે. અમને શરમ આવે. પણ પૃથ્વીની આ તહઝીબ છે જેનું ગુલઝાર બાઅદબ પાલન કરી રહ્યા હતા. એટલું જ નહીં લાઈનમાં ઊભાં ઊભાં એમણે એમના મિત્ર જાવેદ સિદ્ીકીને જોયા (જેમણે ‘તુમ્હારી અમૃતા’વાળું નાટક આગવા અંદાજમાં અંગ્રેજીમાંથી રૂપાંતર કરેલું અને જેમને ‘બાઝીગર’ માટે બેસ્ટ સ્ક્રીનપ્લેનો ફિલ્મફેર તથા ‘ડીડીએલજે’ માટે બેસ્ટ ડાયલોગનો ફિલ્મફેર મળ્યો હતો અને જેમણે સત્યજિત રાય તથા શ્યામ બેનેગલ સાથે પણ કામ કર્યું છે તે જાવેદ સિદ્ીકી). અને લાઈનમાં ઊભાં ઊભાં જ, આપણે જૂના કોઈ દોસ્તને હાક મારીએ એમ, બોલાવ્યા: ‘અરે, સિદ્ીકીસા’બ!’ બેઉ મળ્યા. થોડી વાતો કરી. જાવેદ સિદ્ીકી પણ ગુલઝાર સાથે લાઈનમાં ઘૂસવાનો ચાન્સ મળ્યો છે તો લઈ લઉં એવું વિચાર્યા વિના પોતાની રીતે છેક છેવાડે જઈને ઊભા રહી ગયા.

અહીં પૃથ્વીની શાન તો ખરી જ, વર્ષોથી આયોજકો અને પ્રેક્ષકોએ જે શિસ્તનું વાતાવરણ ઊભું કર્યું છે તેનો ફાળો પણ ખરો જ. પણ ગુલઝારસા’બની આ તહઝીબ, એમના આ વિવેકનો કિસ્સો બયાન કરતાં હું ક્યારેય ધરાતો નથી. મોટા માણસો પાસેથી આપણે કેટલું બધું શીખવાનું હોય છે. અને એ છોડીને આપણામાંના કેટલાક અનિલ કપૂર જેવાને પોતાનો ગુરુ માનીને ચાલતા હોય છે. હવે શું કહેવું એમને.

આજનો વિચાર

ભીડ ઉનકો હી પસંદ કરતી હૈ જો ઉનકે જૈસે હૈં. અનુઠે કો નહીં.

– ઓશો રજનીશ

એક મિનિટ!

મોદી: શું ભાઈ, મણિશંકર અય્યર? 2014માં ‘ચાયવાલા’ અને 2017માં ‘નીચ આદમી’ જેવા ફુલ ટૉસ આવવા દો જરા, ઈલેક્શન માથે છે તો મને સિક્સર લગાવવાની મઝા આવે.

મણિશંકર: સાહેબ, મૅડમે મારા મોઢે તાળું લગાવી દીધું છે એટલે આ વખતે મારું કામ કરવા માટે સામ પિત્રોડાને કહ્યું છે. એ જરૂર તમારી ઈચ્છા પૂરી કરશે.

1 COMMENT

  1. મુઠ્ઠી ઊંચેરો માનવી. આ બધું વાંચકોને વહેચી આપનો ખજાનો ખુલ્લો મુકવા માટે ખૂબ ખૂબ આભાર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here