આજે સત્યાવીસમી ફેબ્રુઆરી : સૌરભ શાહ

(‘ગુડ મૉર્નિંગ’ : મંગળવાર, ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૪)

બાવીસ વર્ષ પહેલાંની સત્યાવીસમી ફેબ્રુઆરીએ મહા મહિનાની પૂનમ હતી. એ દિવસે બુધવાર હતો. બરાબર યાદ છે એ દિવસ. એ દિવસોમાં હું ‘મિડ-ડે’ માં કામ કરતો હતો. સવારે પાંચ વાગ્યે પહોંચીને સાડા આઠ વાગ્યાની ડેડલાઇન પહેલાં એ દિવસનું છાપું તૈયાર કરવાનું જેથી બપોરના બાર વાગતાં સુધી આખા મુંબઇમાં એની નકલો પહોંચી જાય. સવારે સાડા આઠ વગ્યે પેપરનું છેલ્લું પાનું પ્રેસમાં મોકલી દીધા પછી ચાનાસ્તો કરીને આવતીકાલના પેપર માટેની પૂર્વતૈયારીઓ શરૂ થાય જે છેક સાંજ સુધી ચાલે.

૨૦૦૨ની સત્યાવીસમી ફેબ્રુઆરીએ ચાપાણીનો બ્રેક લેવાય એ પહેલાં જ ‘અકિલા’ની વેબસાઈટ પરથી ગોધરામાં કશુંક અઘટિત બન્યું છે એવા સૌપ્રથમ સમાચાર મળ્યા. પછી વધુ વિગતો મળી. અન્ય બે-ત્રણ સોર્સમાંથી ન્યુઝ કન્ફર્મ કર્યા. ન્યુઝરૂમમાં સોપો પડી ગયો. પોણા આઠના સુમારે ગોધરા સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના બે ડબ્બા એસ-સિક્સ અને એસ-સેવનને સળગાવી દેવામાં આવ્યા હતા. ડબ્બામાં અયોધ્યામાં રામમંદિર માટે કારસેવા કરીને અમદાવાદ પાછા ફરી રહેલા કારસેવકો હતા. આમાંથી કેટલા બચ્યા અને કેટલા જીવતા બળી ગયા એનો સ્પષ્ટ આંકડો હજુ આવ્યો નહોતો. પણ દુર્ઘટના ઘણી મોટી હતી. કોણે આ દુષ્કૃત્ય કર્યું એ પણ હજુ સ્પષ્ટ નહોતું થયું. પણ આ બિનાના પ્રત્યાઘાત ખૂબ આકરા હશે એવી દહેશત પ્રસરી રહી હતી.

મેં મારા સાથી પત્રકાર રાજેશ થાવાણી સાથે મળીને નક્કી કર્યું કે ‘મિડ-ડે’ મુખ્યત્વે મુંબઈના સ્થાનિક સમાચારો માટેનું દૈનિક ભલે હોય પણ આ ઘટનાનું સ્થળ પર જઈને રિપોર્ટિંગ કરાવવું જોઈએ. તાબડતોબ અમારા બે યુવાન અને ટેલન્ટેડ પત્રકારોને સાબદા કરવામાં આવ્યા અને એક ફોન સુરતસ્થિત સંવાદદાતાને કરવામાં આવ્યો. મુંબઈથી રિપોર્ટર વિરલ શાહ અને ફોટોગ્રાફર નિમેશ દવે ઓફિસેથી સીધા જ બૉમ્બે સેન્ટ્રલ જઈને વડોદરા જતી ટ્રેન પકડશે. બોરીવલી સ્ટેશને બંનેના ઘરેથી કોઈ આવીને એમનાં કપડાંવગેરેની બેગ આપી જશે. સુરતથી આરિફ નાલબંધ એ જ ડબ્બામાં ચડી જશે. વડોદરા ઊતરીને ટેક્સી પકડીને ગોધરા પહોંચી જવાનું અને ગોધરામાં વિરલ-નિમેશ માત્ર હિન્દુ લત્તાઓમાં જ રિપોર્ટિંગ માટે જશે, આરિફ મુસ્લિમ લત્તાઓમાં.

આટલું નક્કી કરીને ‘મિડ-ડે’ની અંગ્રેજી આવૃત્તિ સંભાળતા આકાર પટેલને પૂછવામાં આવ્યું કે તમારે કોઈ સ્પેશ્યલ ઇનપુટ્સ જોઈતા હોય તો ગુજરાતી એડિશનના ત્રણ સ્ટાફર ગોધરા પહોંચવાના છે, તમે કહેશો તો તમારા માટે વધારાનું રિપોર્ટિંગ પણ કરશે. બાકી, ગુજરાતી માટે જે કંઈ મોકલવામાં આવશે તે તો તમારી સાથે શેર કરીશું જ. સામેથી કોઈ ઉમળકાભર્યો પ્રતિસાદ ન આવ્યો.

સત્યાવીસમી ફેબ્રુઆરીનો આખો દિવસ દોડધામમાં, ચિંતામાં, વ્યગ્રતામાં, અંધાધૂધીમાં અને બીજા દિવસની એડિશનનું પ્લાનિંગ કરવામાં ગયો.

અઠયાવીસમી ફેબ્રુઆરીના ગુરુવારે ભારતભરનાં અંગ્રેજી છાપાંઓએ 58 હિન્દુઓને જીવતા સળગાવી દેવાની ઘટનાને પ્રાધાન્ય આપવાને બદલે ગુજરાતમાં ફાટી નીકળેલા હિન્દુ-મુસ્લિમ રમખાણોને ચગાવીને હિન્દુઓને ધીબેડવાનું શરૂ કર્યું. (સંપૂર્ણપણે દાઝી ગયેલી એક વ્યક્તિ જીવી શકી નહીં એટલે આ આંકડો 59નો થયો. )

ટીવીની ન્યુઝ ચેનલોએ જાત પર આવીને અવળચંડાઈ શરૂ કરી. રાજદીપ સરદેસાઇએ ઘટના સ્થળે જઇને રિપોર્ટિંગ કર્યું કે કારસેવકોએ ગોધરા સ્ટેશને ચા-નાસ્તો કર્યો પછી બિલ આપવાની આનાકારી કરી એટલે ઝઘડો થયો અને વાત વણસી એટલે ડબ્બામાં આગ લગાડી દેવામાં આવી. આગળ જઈને કહ્યું કે કારસેવકોએ ગોધરાના પ્લેટફોર્મ પરથી કોઈ નાબાલિગ મુસ્લિમ કન્યાને ઉઠાવીને ડબ્બામાં પૂરી દીધી અને એના પર ગેન્ગ રેપ થયો એટલે ઉશ્કેરાયેલા ટોળાએ ડબ્બાને આગ લગાડી દીધી.

આ બધું વાંચી-સાંભળીને તમામ ગુજરાતીઓનું, દેશભરના હિન્દુઓનું લોહી ઉકળતું હતું – મારું પણ. અઠયાવીસમી ફેબ્રુઆરીએ મેં નક્કી કર્યું કે ‘મિડ ડે’માં ગોધરાથી વિરલ-નિમેષ-આરિફના રિપોર્ટ્સ છાપવા ઉપરાંત વાચકોને એક પર્સપેક્ટિવ આપવા તંત્રીલેખ લખવો જોઇએ.

શુક્રવારે પહેલી માર્ચની સવારે પાંચ વાગ્યે ઑફિસ પહોંચું એ પહેલાં તંત્રીલેખ લખવાનું શરૂ કર્યું. દિલની આગ કાગળ પર ઠલવાતી જતી હતી. ઑફિસે પહોચવાનું મોડું થતું હતું. તંત્રીલેખ અધૂરો રાખીને થોડોક રસ્તામાં અને બાકીનો ઑફિસ જઇને લખીશ એવું નક્કી કર્યું. ઑફિસે જઇને પહેલવહેલું કામ રાજેશ થાવાણીને જેટલાં પાના લખાયાં હતાં તે વંચાવવાનું કર્યું. બાકીનો તંત્રીલેખ પૂરો કરીને ન્યુઝ રૂમમાં તમામ પત્રકારો, ટાઇપસેટર્સ, પ્રૂફ રીડરો, પટાવાળા — સૌને ભેગા કરીને એમની સમક્ષ આ તંત્રીલેખ મોટેથી વાંચવામાં આવ્યો. સૌ કોઇએ એડિટને વધાવી લીધો. મેં કહ્યું, ‘આ તંત્રીલેખનાં જે પરિણામ આવશે તેની સંપૂર્ણ જવાબદારી મારા એકલાના માથે છે. તમે સૌએ સંમતિ આપી છે એટલે તમારી પણ જવાબદારી છે એવું કહીને છટકબારીરૂપે તમારી સમક્ષ મેં નથી વાંચ્યો.’ સ્ટાફમાં માત્ર એક જણની અસંમતિ હતી – જતીન દેસાઇની. (જેઓ એક્ટિવિસ્ટ હતા. કામસર પાકિસ્તાન પણ જતા. હિન્દુવિરોધી સંગઠનો સાથેની એમની લિન્ક જાણીતી હતી.)

‘મિડ-ડે’ છપાઇને બજારમાં પહોંચ્યું અને વાચકોના ફોન પર ફોન આવવા લાગ્યા. વાચકોના અભિનંદનની વર્ષા વચ્ચે આ બાજુ ‘મિડ-ડે’ની પ્રોફેશનલ મૅનજમેન્ટમાં ઉશ્કેરાટ વ્યાપી ગયો. ‘સેક્યુલર’ પ્રકાશનસંસ્થામાં આવું ‘કોમવાદી’ લખાણ? ઘોર પાપ થઈ ગયું.

એ લાંબો તંત્રીલેખ વાંચો જે છપાયા પછી ગાંધીનગરથી મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ ફોન કરીને નિરાંતે પંદર મિનિટ સુધી વાત કર્યા પછી તંત્રીલેખના છેલ્લા ફકરાનો સંદર્ભ આપીને હસતાં હસતાં પૂછયું, ‘… પણ હું આ એડિટોરિયલ ક્વોટ કરું તો તમને વાંધો નથી ને!’

59 કારસેવકોને જીવતા સળગાવી દેવાનું કાવતરું ઘડવા બદલ તથા એનું અમલીકરણ કરવા બદલ 2011માં ‘પોટા’ હેઠળ 31 મુસ્લિમોને સજા થઈ જેમાંથી મુખ્ય કાવતરાખોર હાજી બિલાલ સહિત કુલ 11ને દેહાંત દંડની સજા થઈ. જે 62 આરોપીઓને છોડી મૂકવામાં આવ્યા તેમના વિરુદ્ધ સરકારે અપીલ કરી. જનમટીપની સજા પામેલા 20 આરોપીઓને દેહાંત દંડની સજા કરવી જોઇએ એવી અપીલ પણ સરકારે કરી. 2017માં ગુજરાત હાઇકોર્ટે દેહાંતદંડની સજા પામેલા 11 ગુનેગારોની સજાને જનમટીપમાં ફેરવી દીધી. બીજા 20ની જનમટીપ બહાલ રાખી. જે 62 આરોપીઓને છોડી મૂકવામાં આવેલા એમની સામેની અપીલ નામંજૂર થઈ (એમને ‘ફરી’છોડી દેવામાં આવ્યા.)

ગોધરા હિન્દુહત્યાકાંડનો મુખ્ય ગુનેગાર હાજી બિલાલ અને એનો બનેવી મોહમ્મદ કલોટા (જે ગોધરાનો મેયર હતો)ને ૨૦૦૮માં સાબરમતી જેલમાં મારી બૅરેકમાંથી એમની બૅરેકમાં જઇને એક બપોરે કલાકો સુધી મેં આ હત્યાકાંડ વિશે એમની સાથે ચર્ચાઓ કરી છે.

‘મિડ-ડે’માં પહેલે પાને છપાયેલો એ તંત્રીલેખ મેં મારા પુસ્તક ‘અયોધ્યથી ગોધરા’માં લીધો છે. આ તંત્રીલેખ છપાયા પછી મારી સાથે શું થયું એની વિગતવાર વાતો સિનિયર પત્રકાર વિક્રમ વકીલે એમના સાપ્તાહિક ‘હૉટલાઇન’ માટે લીધેલા ઇન્ટરવ્યુમાં મેં દિલ ખોલીને કરી છે. પંદરેક પાનાં લાંબી આ મુલાકાત પણ ‘અયોધ્યાથી ગોધરા’ પુસ્તકમાં છે.

આ તંત્રીલેખનું જાહેર પઠન ૨૨ વર્ષ પહેલાં મેં મુંબઈમાં એક હૉલમાં હજાર કરતાં વધુ ગુજરાતીઓ સમક્ષ કર્યું હતું જેની વીડિયો યુટ્યુબ પર છે. વાંચવા માટે અહીં છે:

ગોધરાના હત્યાકાંડની જવાબદારી કોની?

(૧ માર્ચ ૨૦૦૨ના રોજ ‘મિડ-ડે’ના ફ્રન્ટ પેજ પર પ્રગટ થયેલો સૌરભ શાહનો તંત્રીલેખ)

ગોધરા તો માત્ર વચ્ચેનું એક સ્ટેશન છે. આ નીતિની મંઝિલ કેવી હશે એની કલ્પના કરો. ગોધરાથી પસાર થતી ટ્રેનમાં અયોધ્યાથી પાછા આવતા રામસેવકોને બદલે હજયાત્રીઓ હોત અને હિન્દુઓએ ડબ્બા બહારથી બંધ કરીને અંદર કેરોસીનથી લથબથતાં ગોદડાં નાખી સળગતા કાકડા ફેંકયા હોત તો? બળીને કોલસા જેવી થઈ ગયેલી 58 લાશના સામૂહિક અગ્નિસંસ્કાર કરવાની ના પાડનાર ગુજરાતની ભાજપ સરકારે એવી જ 58 લાશની સામૂહિક દફનવિધિનો પરવાનો ન આપ્યો હોત તો? તો અંગ્રેજી છાપાંઓમાં જે કેટલાંક નાદાન, બેવકૂફ તથા સ્યુડો ઇન્ટ્લેક્ચ્યુઅલ છોકરાછોકરીઓ કામ કરે છે એમણે કૂદાકૂદ કરી મૂકી હોત, ફ્રન્ટ પેજ પર કાગારોળ મચાવી દીધી હોત. પણ ગોધરાના હત્યાકાંડ પછી તેઓનાં લૅપટૉપ ચૂપ છે. કેટલાંક અંગ્રેજી છાપાં આ ઘટનાને ચોક્કસ ઇરાદાથી અન્ડરપ્લે કરે છે તો કેટલાંક નામ પૂરતાં બે વાક્યોમાં આ ઘટનાની સ્ટાન્ડર્ડ શબ્દોમાં (ઘાસ્ટ્લી એન્ડ ડાસ્ટર્ડલી એક્ટ) ટીકા કરીને કહે છે કેઃ ‘પણ મુસ્લિમોની આ ઉશ્કેરણીનું કારણ શું? પંદરમી માર્ચથી રામમંદિરનું બાંધકામ શરૂ કરવાની ઘોષણા.’ આટલું કહીને તેઓ હિન્દુઓને આડેધડ ઝૂડી કાઢે છે. દાઝયા પરના આ ડામ ઓછા હોય એમ એના પર નમક ઘસતાં તેઓ લખે છેઃ ‘ગોધરાની ઘટના માટે કોણ જવાબદાર છે તે વિશેની પોલીસતપાસ કરતી વખતે સરકારે તકેદારી રાખવી જોઇએ કે લઘુમતી કોમની બિનજરૂરી હેરાનગતિ ન થાય.’ તેઓએ ‘વિચહન્ટિંગ’ શબ્દ વાપર્યો છે. પોલીસ મુસ્લિમ કોમવાદીઓને શોધવા અને પકડવા જાય છે ત્યારે સ્યુડો સેક્યુલર અંગ્રેજી છાપાંવાળા એમને (પોલીસને, સરકારને) ડરાવે છેઃ ખબરદાર, અમારા લઘુમતી બિરાદરોને હાથ લગાડયો છે તો. 1993ના મુંબઈ બૉમ્બધડાકાના કાવતરામાં ટાડા હેઠળ પકડાયેલા મુસલમાન આરોપીઓને છોડાવવા આ જ છાપાંઓએ પેટ ભરીને ટાડા જેવા, કોઈ રાષ્ટ્ર માટે અનિવાર્ય એવા કાયદા વિરુદ્ધ ખૂબ ઉશ્કેરણીઓ કરી હતી. અને આ જ સ્યુડો સેક્યુલર મિડિયા આજે ગોધરાના હત્યાકાંડ માટે જે જવાબદાર છે એ તમામ મુસ્લિમ નેતાગીરીનો વાંક કાઢવાને બદલે હિન્દુઓ ફટકારે છેઃ તમે કેમ રામમંદિર બનાવવાનું નામ જ લીધું.

અયોધ્યાનું રામમંદિર એક નૉન-ઇશ્યુ છે. સ્યુડો સેક્યુલર અખબારો તથા એવા જ ટીવીવાળાઓએ રાજકારણીઓના, ખાસ કરીને મુસ્લિમ રાજકારણીઓના અને મુલ્લા મુલાયમ સિંહ જેવા નફ્ફટ રાજકારણીઓના હાથા બનવાનું પસંદ કરીને આ નૉન-ઇશ્યુને ભયંકર મોટો ઇશ્યુ બનાવી દીધો છે. રામમંદિરનો તેઓ જેટલો વિરોધ કરે છે એટલું હિન્દુઓને વધુ જોર ચડે છે.

રામમંદિર બંધાતું હોય તો બંધાય, દંભી બિનસાંપ્રદાયિકતાવાદીઓને કે મુસ્લિમોને એથી શો ફરક પડે છે? ફૉર ધૅટ મૅટર, અયોધ્યામાં રામમંદિર બંધાવાથી હિન્દુ ધર્મનો જયજયકાર નથી થઈ જવાનો કે ન બંધાય તો હિન્દુ ધર્મ ખતરામાં પણ નથી આવી જવાનો. રામમંદિરનું બાંધકામ એક નૉન-ઇશ્યુ છે, આગળ કહ્યું એમ.

તો ઇશ્યુ ક્યો છે? એક નહીં, અનેક ઇશ્યુઝ છે. સૌથી મોટો મુદ્દો સરકારની, કોઈ પણ સરકારની, લઘુમતીઓને પંપાળવાની નીતિઓનો છે. હજયાત્રીઓની ટ્રેનવાળા કલ્પિત દાખલાના અનુસંધાને કહેવાનું કે હજની યાત્રા કરવા ભારત સરકાર મુસ્લિમોને છુટ્ટે મોઢે આર્થિક સહાય અને અઢળક સગવડો આપે છે. આમાંનું કશું જ મને શ્રીનાથજીની યાત્રાએ જતી વખતે મળતું નથી, તમને સમેત શિખરજીની જાત્રાએ જતી વખતે મળતું નથી. આપણે આપણા ગાંઠના ખરચીએ છીએ. એ લોકોએ પણ એમના ગાંઠના ખરચવા પડે. ભારત સરકાર જો હિન્દુ રાષ્ટ્રની સરકાર હોય તો એણે શ્રીનાથજી અને સમેત શિખરજી અને ચારધામજી અને બધાં જ હિન્દુ તીર્થસ્થળોજીની યાત્રાઓને આર્થિક સબસિડી આપવી જોઇએ. અને તમે બંધારણીય રીતે ભારતને હિન્દુ રાષ્ટ્ર નહીં, પરંતુ બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર ગણો છો તો એમાં કોઈ એક ધર્મ તરફ વિશેષ ઢળીને અપાતી હજની સબસિડી બંધ કરવી જોઇએ. અને એક મિનિટ, તમારે હજયાત્રાને અપાતી સબસિડી જેવી નીતિઓ ચાલુ જ રાખવી હોય, વાજપેયીજી, તો બહેતર છે કે તિરંગામાં કેસરિયા પટ્ટાનો દંભ રાખવાને બદલે આખેઆખો લીલો જ એને બનાવી દો જેથી દુનિયા સમક્ષ ભારત સરકારની અસલિયત છતી થઈ જાય અને અહીંની એંસી ટકા હિન્દુ પ્રજાને ખબર પડી જાય કે હવે તમે ભારતમાં રહો, પાકિસ્તાનમાં કે સાઉદી અરેબિયામાં તમારા માટે બધું જ સરખું છે.

વિવાદ રામમંદિરનો નથી, વિવાદ એ છે કે મુસ્લિમ નેતાગીરીઓ દ્વારા એમની કોમને ભડકાવવાની લાગણીઓનું જે પરિણામ આવે છે તે હિન્દુઓએ ક્યાં સુધી સહન કરતા રહેવાનું. 58 હિન્દુઓને જીવતા બાળી નાખવાની કમકમાવી નાખનારી દુર્ઘટનાનો જવાબ 580 મુસલમાનોને જલાવી દેવાથી મળી જવાનો નથી. એ પછી વધુ 5,800 હિન્દુઓ, એ પછી વધુ 58,000 મુસલમાનો – ખૂન કા બદલા ખૂનની દલીલનો છેડો ક્યારેય નહીં મળે.

આ છેડો શોધવો હશે તો મુસલમાનોનું ખૂન ખૂન છે અને હિન્દુઓનું ખૂન પાણી છે એવી હલકટ નીતિ તમારી દિલ્હીમાં બેઠેલી સરકારે, તમે ચૂંટી કાઢેલા રાજકારણીઓએ અને તમે રોજ ટૉઇલેટમાં જે વાંચો છો એ નેશનલ લેવલનાં ગણાતાં સ્યુડો સેક્યુલર અંગ્રેજી છાપાંઓએ છોડવી પડે.

કોઈ જાતના બૅકગ્રાઉન્ડ વગર પત્રકારત્વમાં ઘૂસી ગયેલાં અંગ્રેજી છોકરાછોકરીઓની સ્યુડો સેક્યુલર માનસિકતા આપણા સૌના માટે જોખમી પુરવાર થઈ રહી છે. મુસ્લિમ ગુનેગારો વતી ચિક્કાર કોર્ટકેસ લડનારા વકીલોને તેઓએ મસીહા તરીકે ચીતર્યા છે. હિન્દુઓને બિનજરૂરી રીતે છંછેડવા અને મુસ્લિમો પ્રત્યે સહાનુભૂતિ ધરાવવી એ જ આ દંભી સેક્યુલરવાદીઓનો ધર્મ બની ગયો છે.

એક વાત સમજી લો. હિન્દુ ધર્મનું જન્મસ્થળ કયું? હિન્દુસ્તાન કે બીજું કોઈ? જે ભૂમિ પર હિન્દુ ધર્મનો, હિન્દુ ફિલસૂફીનો, હિન્દુ જીવનપદ્ધતિનો ઉદય થયો છે, એનો મધ્યાહ્ન પ્રકાશ્યો છે એ ભૂમિ પર વિધર્મીઓ રહે, અમનથી રહે અને ચમન પણ કરે એ હિન્દુઓની ઉદારતાનો પુરાવો છે. પણ કોઈ પરધર્મી આ ભૂમિને રગદોળવાની કોશિશ કરે ત્યારે હિન્દુઓ જે વિરોધ કરે તેને તમે કોમવાદનું નામ આપી દેવાના હો તો તમે હિન્દુઓની ઉદારતાને ટેકન ફોર ગ્રાન્ટેડ ગણો છો, હિન્દુઓની સહનશીલતાની કસોટી કરો છો. લસ્સીની દુકાનમાં તમે મારી સાથે આવો અને લસ્સી ન પીઓ તો ચાલે પણ તમે એ દુકાનમાં બેસીને દારૂની બાટલી ખોલીને મોઢે માંડો તે ન ચાલે. આ લસ્સીની દુકાન છે, દારૂ પીવા માટેનું પીઠું પડોશમાં છે.

ઇસ્લામ ધર્મની વિચારધારાનો હિન્દુ ફિલસૂફી સાથે મેળ ખાતો નથી. હિન્દુ માટે ઇશ્વર અનેક છે, તમારી જેનામાં શ્રદ્ધા હોય તેને પૂજો. ઇસ્લામ એકેશ્વરવાદી છે એટલું જ નહીં, આપણે ભલે ભજતા રહીએ કે ઇશ્વરઅલ્લા તેરો નામ પણ ઇસ્લામ બીજા ધર્મોના ઇશ્વરને માન્ય નથી રાખતો. ઇસ્લામમાં બીજા ધર્મના અનુયાયીઓને કાફિર જેવા મનહૂસ, અપમાનજક અને ગંદા શબ્દોથી ઉતારી પાડવામાં આવે છે. કાફિર એટલે નાસ્તિક, કાફિર એટલે વિધર્મી, કાફિર એટલે સત્યને છુપાવનાર (અથવા જુઠ્ઠાડો), કાફિર એટલે ઇશ્વરે આપેલી નેમત(બક્ષિસ) પર કૃતજ્ઞતા પ્રગટ ન કરનાર, કાફિર એટલે નિમકહરામ, કાફિર એટલે અકૃતજ્ઞ, કાફિર એટલે કૃતધ્ન અને કાફિર એટલે જેના કારણે ધર્મનાં કાર્યોમાં હાનિ થાય (અને એટલે) જેની સામે લડવું પડે તે. કાફિરના આ તમામ અર્થ એક કરતાં વધુ સર્વમાન્ય ઉર્દૂ શબ્દકોશોમાંથી લેવામાં આવ્યા છે.

જે ધર્મના ધર્મગુરુઓ અને નેતાઓ પોતાના લોકોને ‘કાફિરો’ સામે ઉશ્કેરતા હોય, હિન્દુ ભૂમિનું લૂણ ખાઇને હિન્દુ ધર્મનાં જ મૂળિયાં ખોદતા હોય એ ધર્મના અનુયાયીઓને વોટબૅન્ક ગણીને એમને પંપાળતા રહેવાની નીતિ આ દેશને કઈ દિશામાં લઈ જશે એનો ખ્યાલ આ ઘટનાએ આપ્યો છે, અને ગોધરા તો માત્ર વચ્ચેનું એક સ્ટેશન છે. આ નીતિની મંઝિલ કેવી હશે એની કલ્પના કરો. કૉમન સિવિલ કોડને અપનાવ્યા વિના અને કાશ્મીરને વિશેષ સત્તા આપતી બંધારણની 370મી કલમને રદ કર્યા વિના હિન્દુસ્તાનનું ભાવિ જોખમમાં છે.

રામમંદિર બાંધવા ન દેવાની સ્યુડો સેક્યુલરો અને મુસલમાનોની નેતાગીરીની જીદથી ગોધરાની હત્યાકાંડ સર્જાયો છે. આવી જીદ તેઓ છોડી દે, આ દેશ ક્યાં ધર્મનું જન્મસ્થળ છે તે યાદ રાખે. બીજાઓની ધાર્મિક બાબતોમાં દખલગીરી કર્યા વિના પોતે પોતાનો ધર્મ સંભાળીને બેસી રહે અને જેઓ અલ્લામાં નહીં પણ ઇશ્વરમાં આસ્થા ધરાવે છે એમને કાફિર જેવી હલકટ ગાળો આપવાનું અટકાવી દે તો જ હિન્દુસ્તાનમાં સૌ કોઈ અમનચમનથી રહી શકે.

છેલ્લી વાત, જેમની પાસે આ દેશની સંસ્કૃતિનું, આ દેશના ઇતિહાસનું અને આ દેશની હિન્દુ જીવનશૈલીનું કોઈ બૅકગ્રાઉન્ડ નથી, એનો કોઈ અભ્યાસ નથી એવાં અંગ્રેજી પત્રકારત્વમાં ઊછળકૂદ કરતાં છોકરાછોકરીઓને તમે ક્યારેય ગંભીરતાથી લઈ શકો નહીં. સંગીત વિશેની જેમને ઊંડી જાણકારી નથી તેઓ પંડિત જસરાજનો સૂર ક્યાં ખોટો લાગે છે એ વિશેની ચર્ચા કરીને પોતાની મહત્તા પુરવાર કરવા માગતા હોય ત્યારે તમારે મનમાં સમજવાનું કે આ લોકોની હેસિયત પાનના ગલ્લા પર ઊભા રહીને વિવિધભારતી પર સંભળાતાં ગીતો વિશે ચર્ચા કરવા જેટલી જ છે. એમને સિરિયસલી ન લેવાય.

ભાઇઓ અને બહેનો, ધર્મઝનૂનના ખતરાઓ સૌને ખબર છે. ફન્ડામેન્ટલિઝમ જેને આ લોકો કહે છે તે આ દેશનો સત્યાનાશ વાળશે એમાં કોઈ બેમત નથી. એક તરફ જો ધર્મઝનૂન હોય અને બીજી તરફ ધાર્મિક સહિષ્ણુતા, સર્વધર્મ સમભાવની વિચારધારા તથા ધર્મશાંતિ હોય તો સ્વાભાવિક રીતે હું પ્રથમ પસંદગી રદ કરું અને બધા ધર્મોના અનુયાયીઓ સાથે હળીમળીને રહેવાના વિકલ્પ પર રાઇટ કરું. પણ જો તમને મુસલમાનોના ધર્મઝનૂન અને હિન્દુઓના ધર્મઝનૂન વચ્ચે પસંદગી કરવાની ફરજ પાડવામાં આવે તો? અયોધ્યામાં રામમંદિર ઊભું થઈ જશે તો ભારતની સંસદમાં દરેક પાટલી પર જટાધારી, લલાટે ભભૂત લગાડેલા, અર્ધનગ્ન બાવાઓ બેસશે એવાં હાસ્યાસ્પદ કાર્ટૂનો સ્યુડો સેક્યુલર છાપાં-મૅગેઝિનો છાપતાં હોય છે. હું કહીશ કે ભારતની સંસદમાં ઇમામો, મૌલાનાઓ અને મૌલવીઓને જોવા કરતાં હું આ સાધુબાવાઓને જોવાનું વધારે પસંદ કરીશ. શા માટે? તમને ટીવી રિપેર કરતાં આવડતું હોય અને તમારી સામે બગડી ગયેલું ફ્રિજ અને બગડી ગયેલું ટીવી મૂકવામાં આવે તો તમે શું લેશો? જેને રિપેર કરી શકો તે જ. હિન્દુ ધર્મમાં ક્યાં, શું અને કેટલું ખરાબ છે તે, એક હિન્દુ તરીકે મને ખબર છે અને એને સુધારવાની મારી કોશિશનું સારું પરિણામ આવશે એની મને શ્રદ્ધા છે, કારણ કે હિન્દુઓમાં હું સ્વીકાર્ય છું, તેઓ મને કાફિર ગણીને બહાર કાઢી મૂકતા નથી.

સ્યુડો સેક્યુલર માનસિકતા ધરાવનારાઓને ચેતવણીઃ આ લેખને બીજાઓ સમક્ષ ટાંકતાં પહેલાં એના એકએક સંદર્ભો, આગળ-પાછળનાં વાક્યો અને ફકરાઓમાં વ્યક્ત થતું આ દીર્ધ લેખનું હાર્દ સ્પષ્ટ કરવું. મિસક્વોટ કરવાની કોશિશ કરી છે તો, ખબરદાર, એવું થશે તો તમારી વાત તમે જાણો.

• • •

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨090040 99112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

નવા કૅલેન્ડર વર્ષનો આરંભ થઈ ગયો છે. આપ સૌનું 2024નું વર્ષ શુભદાયી અને સુખદાયી નીવડે. આ વર્ષે બે દિવાળી આવે છે તે યાદ રાખશો. આસોની અમાસે તો ખરી જ, 22 જાન્યુઆરીએ પણ દીપોત્સવ છે જે 500 વર્ષ રાહ જોયા પછી ઉજવાશે.

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Paytm-
90040 99112

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

2 COMMENTS

  1. Bold, Perfect and Honest analysis of the event.
    I was 52 years of age and witnessed the tragedy staying in Gujarat.
    The newspapers were giving biased, insulting and wrong stories.
    I congratulate you for the perfection.
    Dr Bharat Desai Bilimora

  2. વાહ સૌરભભાઈ વાહ,
    આપનો આ ૨૨ વર્ષ પહેલાંનો તંત્રીલેખ વાંચીને ખૂબ જ ઉર્જા આવી ગઈ, ૨૦૦૨ ની તમામ યાદો તાજી થઈ ગઈ, કેવાં રમખાણો થયા હતાં, કેવાં દિવસો વિતાવવા પડ્યા, બધું જ યાદ આવી ગયું, આપના લખાણમાંથી જે ઉગ્રતા પ્રકટ થાય છે, તે હું અનુભવી શકું છું, કારણકે આ તમામ ઘટનાઓનો હું સાક્ષી રહ્યો છું, આવાં જ લેખો આપની તેઝાબી કલમ દ્વારા લખાતાં રહે, એવી શુભેચ્છાઓ
    આપનો સદા આભારી

    નીતિન પી. વ્યાસ
    રાજકોટ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here