આષાઢસ્ય દ્વિતીય દિવસે : સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ : સોમવાર, ૧૨ જુલાઈ ૨૦૨૧)

મારે ફલાણા વિશે ન લખવું જોઈએ અને ઢીંકણા વિશે જ લખવું જોઇએ? સોશ્યલ મીડિયામાં ઘૂસી ગયેલા ઘૂસપેઠિયાઓના ફૉરવર્ડિયાઓમાંની અફવાઓને ઇતિહાસ માની લેનારાઓની ખુશામત કરીને તાળીઓ ઉઘરાવવા નીકળી પડવું કે પછી સામી છાતીએ ગોળી ઝીલવાની તૈયારી રાખીને જે સત્ય છે એનો પક્ષ લેવો? ઉપજાવી કાઢેલી સનસનાટીની વહેતી ગંગામાં હાથ ધોઈ લેવાનું પાપ કરવાને બદલે સામા વહેણે તરીને સત્યના કિનારે પહોંચી જવાનો પુરુષાર્થ કરવામાં જ જીવનની સાર્થકતા છે. કેટલાક મુદ્દાઓને જેટલું મહત્ત્વ અપાવું જોઈએ એના કરતાં અનેકગણું મહત્ત્વ સોશિયલ મીડિયાની નવરી બજાર આપે છે એટલે મેઈન સ્ટ્રીમ મીડિયાને પણ આ મુદ્દાઓ અતિ મહત્ત્વના લાગે છે અને પરિણામે ભોળા, નિર્દોષ વાચકો પણ માનવા માંડે છે કે આ બધી જીવનમરણની સમસ્યાઓ વિશે વધુ ને વધુ જાણવું જોઈએ.

સોશિયલ મીડિયામાં ફરતા અડધાથી વધુ સંદેશાઓ અતિશયોક્તિભર્યાં હોવાના અને બાકીનામાંના મોટાભાગના ફેક. ન્યૂઝ કે કરન્ટ અફેર્સને લગતી નવ્વાણું ટકા ટ્વીટ, એફબી પોસ્ટ્સ કે વૉટ્સઍપ મૅસેજીસ ન વાંચીએ તો કશો ફરક પડતો નથી. નવરી બજારના ઑનરરી સેલ્સમૅનો માર્ક ઝકરબર્ગ આણિ કંપનીનો પ્રોફિટ વધારવા માટે દિવસરાત મહેનત કરતા રહે છે. આપણને એવા કોઈના સેલ્સમૅન બનવાની કોઈ હોંશ નથી.

ઘણા બધા વિષયો છે જેના પર મીડિયા કે સોશિયલ મીડિયા પ્રકાશ પાડતું નથી, પાડવાનું પણ નથી. નવરી બજારમાં દુકાનો ખોલીને બેઠેલાઓમાંના કેટલાકને એ વિષયોની ગંભીરતા વિશે જાણકારી નથી તો કેટલાકને છે, પણ તેઓ જાણીજોઈને ચૂપ રહેવા માગે છે.

મારે તો હું પ્રામાણિકપણે જે માનું છું તે વિશે ખોંખારો ખાઈને લખવાનું હોય. મને જે વિષયો માટે પૅશન છે તે વિષયો વિશે મારે પૅશનેટલી લખવું તે મારી ફરજ છે અને તો જ હું મા સરસ્વતીએ મને આપેલા આશીર્વાદને જસ્ટિફાય કરી શકું. આ દુનિયામાં જે સાચું છે, સારું છે તેને બેધડક અપનાવવું અને એના વિશે લખવું એ મારી જવાબદારી છે. લેખોની વિપુલતા, વિષયોનું વૈવિધ્ય તથા એમાંનું ઊંડાણ આ ત્રણેય પરિમાણોના તંગ દોરડા પર કલમના આધારે બૅલેન્સ રાખીને ચાલવાનું અશક્યવત્ લાગે એવું કામ ઉપરવાળો મારી પાસે વરસોથી સફળતાપૂર્વક કરાવી રહ્યો છે. અહીં બેલેન્સ જાળવવું એટલે તટસ્થતા રાખવી કે નિરપેક્ષ રહેવું એવું નહીં. વારંવાર કહ્યું છે, લખ્યું છે કે ‘સત્ય આ બે અંતિમોની વચ્ચે છે’ અને ‘હવે તો સમય જ કહેશે કે શું થશે.’ એવા વાક્યપ્રયોગો સાથે મને સાત ભવની દુશ્મનાવટ છે. ઍનેલિસિસ કરનારે, અભિપ્રાય આપનારે પક્ષ લેવો પડે. જવાબદારીમાંથી છટકી જવા માગનારાઓ, ડબલઢોલકીઓ અને તકવાદીઓ તટસ્થતાનો દેખાડો કરીને બેઉ બાજુએથી લાડવો ખાવા માગતા હોય છે. મને એવા લાડવાઓમાં રસ નથી. રોજ મળતા ચણામમરાથી મારું પેટ ભરાઈ જાય છે.

અધૂરી કે તદ્દન ખોટી માહિતીથી ગેરમાર્ગે દોરવાઈ જનારાઓને મારા વિચારો અંતિમવાદી લાગવાના જ. અને હું છું જ અંતિમવાદી. દૂધ-દહીંમાં પગ રાખીને મલાઈઓ ચાટનારાઓમાંનો એક નથી. જે સાચું છે તે સારું છે અને જે ખોટું છે તે ખરાબ છે એ પારખવાની નીરક્ષીર શક્તિ ભગવાને આપી હોય તો પણ ટૂંકા સ્વાર્થ ખાતર ન્યૂટ્રલ હોવાનો દેખાડો કરનારા નાન્યતર જાતિના હોવાના.

આ દુનિયા ઘણી વિશાળ છે અને આપણું મનોજગત એના કરતાંય ફેલાયેલું છે. એક આખો જન્મારો ઓછો પડે એટલા વિષયો વિશે લખવાનું છે. રોજેરોજ આ દસમાંથી કયા વિષય પર લખવું એની મીઠી મૂંઝવણ થતી હોય છે. આવી મૂંઝવણોનો ઉકેલ દિમાગથી નહીં પણ દિલથી લાવવાનો હોય. પછી લખતી વખતે દિમાગ અને દિલ બેઉ વાપરવાનાં પણ વિષય પસંદગી વખતે જો દિમાગનું કહ્યું માન્યું તો તમારું આવી બન્યું. તમારામાં અને વાચકોની ફરમાઇશ પ્રમાણે ડુગડુગી વગાડીને ગલીના નાક ખેલ કરનારા મદારીઓમાં કોઈ ફરક નહીં રહે.

ગાલિબનો આ શેર મેં એટલી બધી વાર ટાંક્યો છે કે નિયમિત વાચકોને તો મોઢે થઈ ગયો હોવો જોઈએ. ગુલઝારની સિરિયલ માટે જગજિત સિંહે પણ આ શેર જેમાં છે તે આખી ગઝલ (‘ઝુલ્મન-કદે મેં મેરે સબ-એ-ગમ કા જોશ હૈ’) ગાઈ છે. આ ગઝલનો મક્તા છે:

આતે હૈં ગૈબ સે યે મઝામીં ખયાલ મેં
‘ગાલિબ’ સરીર-એ-ખામા નવા-એ-સરોશ હૈ.

ગૈબ એટલે ગેબી, ઈશ્ર્વરીય. મજમૂનનું બહુવચન મઝામીં. મજ્મૂન એટલે (લેખ કે કવિતાનો) વિષય. અને ખામા એટલે (બરૂની) કલમ. સરીર એટલે કલમનો કાગળ પર ઘસાવાથી જે ઝીણો રવ, અવાજ ઉત્પન્ન થાય તે. અને સરોશ એટલે ફરિશ્તો તથા નવા એટલે ગુંજન:

‘આ જે નવા નવા વિષયો દિમાગમાં આવે છે તે તો ઉપરવાળાની કૃપા છે. કાગળ પર કલમ પડે લખવાથી જે ઝીણો અવાજ સંભળાય છે તે બીજું કશું નહીં, પણ ફરિશ્તાનું ગુંજન છે.’

ફરિશ્તાનું ગુંજન સાંભળવાની લત એવી તો લાગી ગઈ છે કે જગત આખું કૉમ્પ્યુટરની કીઝ પર આંગળીઓ પછાડીને લખતું થઈ ગયું પણ આપનો વફાદાર હજુય જે. કે. મિલ્સના એક્ઝિક્યુટિવ બૉન્ડ પેપર પર જાડી ફાઉન્ટન પેનથી અથવા ઉમદા પેન્સિલથી લખવાની આદત છોડી શકતો નથી. મારા માટે તો ગેબમાંથી ઉપરવાળો જે મોકલે છે તે જ વિષયો સાચા.

આજનો વિચાર

તમને જે કંઈ અત્યાર સુધીમાં કહેવામાં આવ્યું છે તેના વિશે ફરી એકવાર વિચાર કરો. એમાંથી તમારા આત્માનું અપમાન કરતી હોય એવી તમામ વાતોને તારવીને એ વાતોને ઉકરડે નાખી આવો.

— વૉલ્ટ વ્હિટમૅન

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને આર્થિક સપોર્ટ આપો : સૌરભ શાહ

પ્રિય વાચક,

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના કે જાહેરખબરોની આવક વિના ચાલતું કોઈનીય સાડીબારી ન રાખતું એક વિશ્વસનીય ડિજિટલ મિડિયા છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનોનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા સ્વતંત્ર પ્લેટફૉર્મની આજે સખત જરૂર છે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મી એવા પત્રકાર સૌરભ શાહ દ્વારા થઈ રહી છે. પૈસાની અપેક્ષા તમારે પૂરી કરવાની છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here