કપડાં નીચોવીએ એ રીતે પરોઢિયે પેટ નીચોવીને આખો દિવસ પથારીમાં વિશ્રામ લીધો — હરદ્વારના યોગગ્રામમાં ચોથો દિવસ : સૌરભ શાહ

( ગુડ મૉર્નિંગ: ચૈત્ર સુદ ત્રીજ, વિક્રમ સંવત ૨૦૭૮. સોમવાર, ૪ એપ્રિલ ૨૦૨૨)

આજના દિવસની ટ્રીટમેન્ટ ઘણી મહત્ત્વની હતી. આ એક એવી સારવાર પદ્ધતિ છે જે તમે વરસ દરમ્યાન વધુમાં વધુ ચાર કે છ વાર જ લઈ શકો. બ્રાહ્મ મુહૂર્તમાં જ કરવાની હોય અને બેએક કલાક ચાલે એટલે આજે સ્વામીજીના યોગાભ્યાસમાં હાજરી આપવાની નહોતી.

આયુર્વેદમાં શંખ પ્રક્ષાલનનું બહુ મહત્ત્વ છે. પ્રક્ષાલન એટલે સ્વચ્છ કરવું એ તો સૌ કોઈને ખબર છે. શંખ શબ્દ આંતરડાં માટે વપરાય છે. શરીરમાં ત્રીસ-ચાળીસ ફૂટ જેટલાં આંતરડાં ગોઠવાયેલાં છે. શંખની રચના ધ્યાનથી નિહાળી હશે તો ખ્યાલ આવશે કે એમાં જે રીતની રચના હોય છે, જેને કારણે ફૂંક મારવાથી શંખધ્વનિ નિર્માણ થાય છે, એવી જ અટપટી રચના આંતરડાંની હોય છે. આંતરડા માટે શંખ શબ્દ વાપરવાનું બીજું કારણ એ કે શંખમાં અંદર અંદર અનેક વળાંક હોવા છતાં તે એકદમ ચોખ્ખો હોય છે. એ જ રીતે તમારી ડાયજેસ્ટિવ સિસ્ટમને એટલી જ ચોખ્ખી કરવાની ક્રિયા એટલે શંખ પ્રક્ષાલન.

આ વિધિ તેમ જ મારા આરોગ્ય વિષયક કોઈ પણ લેખમાં આવતી ક્રિયા કે ઔષધ-સેવન ઇત્યાદિ અધિકૃત, અનુભવી અને જવાબદાર વ્યક્તિની દેખરેખ હેઠળ થાય તે અનિવાર્ય છે.

બસ્તી કે એનિમા દ્વારા આંતરડાનાં અંતિમ ભાગોની શુદ્ધિ થતી હોય .છે. શંખ પ્રક્ષાલનથી ગળું, પેટ અને આંતરડાંના પ્રવેશદ્વારથી લઈને આંતરડાંનાં અંતિમ દ્વાર સુધીના તમામ અવયવોની શુદ્ધિ થાય છે.

ટ્રીટમેન્ટ સેન્ટરના રિસેપ્શન એરિયામાં કેટલીક યોગમેટ્સ પાથરેલી હતી. બાજુમાં એક ટેબલ પર વિવિધ પ્રકારનાં પાણીની નાની ટાંકીઓ હતી. મારા માટે આમળાંના હળશેકા પાણીથી આ વિધિ કરવાનું પ્રિસ્ક્રિપ્શન હતું.

સૌથી પહેલાં કાગાસનમાં બેસીને એટલે કે ઊભડક બેસીને ચાર ગ્લાસ આમળાંયુક્ત પાણી ઝડપથી, સહેજ પણ રોકાયા વિના, પી જવાનું. પ્રેક્ટિસ ન હોય એટલે વચ્ચે વચ્ચે રોકાવું પડે. પણ ધીમે ધીમે આવડી જાય.

એ પછી તમારા યોગ પ્રશિક્ષક તમને હલાસન, મર્કટાસન, તિર્યક તાડાસન, ઉદરાકર્ષણાસન, વક્રાસન, મલાસન, કટિ ચક્રાસન વગેરે આસનો કરાવે. આ દરેક આસન શરીરને પેટના ભાગથી મરોડ આપે એવાં હોય. કપડાં ધોઈ લીધા પછી એના બે છેડા સામસામી દિશામાં પકડીને જેમ નીચોવીએ છીએ લગભગ એવી જ આ ક્રિયા થઈ. આમ કરતાં કરતાં તમને સહેજ પણ પ્રેશર આવે તો વધારે પ્રેશરની રાહ જોયા વિના સીધા જ ટૉયલેટ ભેગા થઈ જવાનું. નજીકમાં જ વૉશરૂમની જગ્યા ક્યાં છે તે તમને લઈ જઈને બતાવી દેવામાં આવે.

મોટેભાગે આરંભના અડધો કલાક સુધી ત્યાં જવાની જરૂર ન પડે. પોણો-એક કલાક પછી જવું પડે. ત્યાં સુધી વિરામ લીધા વિના આસનો કરતાં રહેવાનું. પહેલી વાર જઈને પાછા આવીને વધુ એક ગ્લાસ આમળાનું પાણી ઊભડક બેસીને ગટગટાવી જવાનું અને તરત જ યોગશિક્ષકની સૂચના મુજબનાં આસનો કરવા માંડવાનાં.

પાણી-આસન-ટૉયલેટ… પાણી-આસન-ટૉયલેટ. આ આખીય વિધિ પાંચ-સાત વખત ચાલે. ક્રમશઃ તમારું પેટ કચરો બહાર ઠાલવતું જાય અને છેવટે સાવ પ્રવાહી સ્વરૂપે શરીરમાંનો કચરો બહાર નીકળે. બેએક કલાક પછી શરીર થાકીને ચૂર થઈ ગયું હોય. તમને રૂમ પર જઈને આરામ કરવાની સૂચના મળે. રૂમમાં આવીને ફરી એકબે વાર વૉશરૂમ વાપરવો પડે.

ટ્રીટમેન્ટ લીધા પછી કુંજલ ક્રિયા કરવાની હોય, જેથી જે પાણી બહાર નીકળ્યું ન હોય તે મોંવાટે બહાર નીકળે. મને હજુ કુંજલ ક્રિયા કમ્ફર્ટેબલ લાગતી નથી.

આજે આખા દિવસ દરમ્યાન નહાવાની ના પાડી છે. પંખાની નીચે કે ઠંડી હવામાં રહેવાનું નથી. શરીરથી અને મનથી સંપૂર્ણ આરામ કરવાનો છે. અનિવાર્ય ન હોય તો પથારીમાંથી ઊભા પણ થવાનું નહીં. જોકે, ઊભા થવા જેટલી શક્તિ પણ નહોતી. બિલકુલ નીચોવાઈ ગયા હોઈએ એવું લાગે. શક્તિહીન થઈ ગયા હોવાની લાગણી થતી હતી, છતાં શરીરમાં ગજબની સ્ફૂર્તિ લાગતી હતી.

આજે બ્રેકફાસ્ટ માટે મોડા જવાનું હતું. સાડા આઠ વાગ્યે ડાયનિંગ હૉલમાં એક આખો મોટો બૉલ ભરીને ખીચડી આપવામાં આવી જેમાં ભારોભાર ઘી તરતું હતું. યંત્રની સાફસફાઈ કરી લીધા પછી એમાં નવું તેલ પૂરવામાં આવે એ રીતે હવે શરીરમાં ઘી નાખીને તમામ અંગોને અંદરથી કોટિંગ કરી લેવું જરૂરી હોય છે.

ખીચડી મને બિલકુલ ભાવતી નથી. અપવાદરૂપે બિરિયાની જેવી મસાલાઓ નાખેલી ‘નિદા ફાઝલીની ખીચડી’ બનાવતો હોઉં છું. વર્ષો પહેલાં નિદા ફાઝલીના ઘરે મારા કવિમિત્ર શોભિત દેસાઈ મને લઈ ગયા હતા.

કભી કિસી કો મુકમ્મલ જહાં નહીં મિલતા,
કહીં ઝમીં તો કહીં આસમાં નહીં મિલતા.

આશા ભોસલેના કંઠે ‘આહિસ્તા આહિસ્તા’માં તમે નિદા ફાઝલીની જાણીતી રચના સાંભળી હશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક વખત સંસદમાં નિદાસાહેબની આ રચનાનું પઠન કર્યું હતું (આ રહી લિન્ક).

વર્ષો પહેલાં ‘એકોઝ’ નામના આલબમમાં ચિત્રા સિંહે ગાઈ છેઃ

સફર મેં ધૂપ તો હોગી
જો ચલ સકો તો ચલો
સભી હૈ ભીડ મેં
તુમ ભી નિકલ સકો તો ચલો

કિસી કે વાસ્તે
રાહેં કહાં બદલતી હૈ
તુમ અપને આપકો
ખુદ હી બદલ સકો તો ચલો

યહાં કિસી કો
કોઈ રાસ્તા નહીં દેતા

મુઝે ગિરા કે
અગર તુમ સંભલ સકો તો ચલો

યહી હૈ ઝિંદગી
કુછ ખ્વાબ, ચંદ ઉમ્મીદેં

ઇન્હીં ખિલૌનોં સે
તુમ ભી બહલ સકો તો ચલો

સફર મેં ધૂપ તો હોગી
જો ચલ સકો તો ચલો

નિદા ફાઝલીના ઘરે જગજિત સિંહને મળવાનું હતું. મોડી રાત સુધી બેઉ સર્જકોના સાન્નિધ્યમાં પીધા પછી ભૂખ લાગી. એ જમાનામાં મુંબઈમાં પણ મોડી રાત પછી ખુલ્લી રહેતી રેસ્ટોરાં ભાગ્યે જ કોઈ રહેતી અને સ્વિગી-ઝોમેટોને આવવાને દાયકાઓની વાર હતી. નિદા ફાઝલી રસોડામાં જઈને માત્ર પંદર જ મિનિટમાં બિરિયાનીના સ્વાદને ટક્કર મારે એવી ખિચડી બનાવીને લઈ આવ્યા જેનો સ્વાદ દાઢમાં રહી ગયો. બીજા દિવસે એમને ફોન કરીને રેસિપી જાણી લીધી. એ પછી વર્ષોથી હું નિદા ફાઝલીની ખિચડી બનાવું છું. ઇટીવી માટે ‘સંવાદ’ કાર્યક્રમ કરતો હતો ત્યારે મારા ખાવાના શોખને જાણીને ઇટીવીના ‘રસોઈ શો’ના પ્રોડ્યુસર એક વખત એમના સેટ પર લઈ ગયા હતા. જ્યાં મેં ‘નિદા ફાઝલીની ખિચડી’ બનાવીને દર્શકો સાથે એની રેસિપી વહેંચી હતી. (આ રહી એની લિન્ક).

તો આમ વાત છે. યોગગ્રામમાં તો એવી મસાલાવાળી ખિચડી હોય નહીં. અને આજે શંખ પ્રક્ષાલન પછી ટેકા માટે મારે ઘીથી તરબતર ખિચડી ખાવી અનિવાર્ય હતી. પોણો કલાક સુધી ચમચી-અડધી ચમચી ખાઈને આખો બૉલ પૂરો કર્યો.

બપોરે બે વાગ્યે સ્વામી રામદેવે પોતાના નિવાસસ્થાને આવવાનું નિમંત્રણ આપ્યું હતું. મનમાં ચિંતા હતી કે આ હાલતમાં, જ્યારે શરીરમાં કોઈ ઊર્જા જ નથી રહી ત્યારે, એમને મળીને શું વાતો કરીશ. આમ છતાં પોણા બે વાગ્યે ઊભા થઈને તેમની સાથેની મુલાકાતને શોભે એવાં કપડાં પહેરીને તૈયાર થઈ ગયા અને સ્વામીજીનો સંદેશો આવે એની રાહ જોવા લાગ્યા. બપોરે પોટલી મસાજ વગેરેની ટ્રીટમેન્ટ લેવાની હતી પણ સ્વામીજીને મળવું વધારે અગત્યનું હતું. ટ્રીટમેન્ટ તો ફરી ગમે ત્યારે લઈ શકીશ. પચાસ દિવસની યાત્રાનો હજુ આ ચોથો જ દિવસ છે.

પણ સ્વામીજી તરફથી કોઈ સંદેશો આવ્યો નહીં. પાછળથી ખબર પડી કે બાપુની રામકથામાંથી ઇન્ડિયા ટીવીવાળા એમને શૂટિંગ માટે ગંગાકિનારે લઈ ગયા હતા. બપોરે ડાયનિંગ હૉલમાં એક સંતરું મળ્યું. મોઢું સ્વાદ થયું. સાંજે કેકેટીએસજી જ્યુસ. સાંજની યોગસેશન મિસ કરી. એને બદલે રૂમ પર જ બાલ્કનીમાં હવન કર્યો.

સવારે પાંચ વાગ્યે હવામાં ઝાકળનું ઘણું જોર હોય છે અને અત્યારે સહેજ શરદી-ખાંસી જેવું લાગી રહ્યું છે, જે આજની ટ્રીટમેન્ટ પછી નૉર્મલ કહેવાય એવું મને કહેવામાં આવ્યું.

ગઈ કાલે જ મને વિચાર આવ્યો હતો કે યજ્ઞશાળામાં જઈને બીજાઓની સાથે હવન ચિકિત્સા કરવાને બદલે રૂમ પર જ હવન કર્યો હોય તો કેવું? ગઈ કાલે અમે ઇ-રિક્શા બોલાવીને યોગગ્રામમાં પતંજલિની હવનસામગ્રી વેચતા સ્ટોર પર પહોંચી ગયા હતા. ત્યાં અમને કહેવામાં આવ્યું કે રૂમ પર હવન કરવો હોય તો પરમિશન લઈ લીધેલી સારી. અમે એ જ ઇ-રિક્શામાં પાછા રિસેપ્શન પર આવીને નીરજજીને મળ્યા. એમણે ડૉ.માહેશ્વરી પાસે મોકલ્યા. ડૉક્ટરે ખુશીથી પરવાનગી આપી એટલે સ્ટોરમાં ઝઈને પતંજલિની હવનકિટ ખરીદી લીધી. મુંબઈમાં બેએક મહિનાથી રોજ સાંજે હવન કરીએ જ છીએ એટલે પ્રેક્ટિસ તો હતી જ. સાથે ગોમય સમિધા ખરીદી જે ઓનલાઇન નથી મળતી. ગાયના છાણામાં કેટલીક સામગ્રી ઉમેરીને આ સમિધા તૈયાર થાય છે જેને તમે આંબાના કે પીપળાના લાકડાંની સમિધાની અવેજીરૂપે વાપરી શકતા હો છો. એ પછી હવન સામગ્રી રૂપે ગુગળ, હ્રદયેષ્ટિ, મધુઇષ્ટિ, મેધેષ્ટિ અને વાતેષ્ટિના ડબ્બા લઈ લીધા. સાથે દશાંગમ પાવડરનું એક પડીકું પણ મૂકાવી લીધું. કપૂર અને દિવેટ અહીં નહોતાં, મેગાસ્ટોરમાંથી મળી જશે. ઇ-રિક્શાનો ડ્રાયવર ધીરજવાન હતો. મેગાસ્ટોરમાં આમેય ગાયનું ઘી લેવા જવાનું જ હતું. દીવેટ પણ મળી ગઈ. કપૂર નહોતું. અચાનક યાદ આવ્યું કે માચીસ તો છે નહીં. મેગાસ્ટોરમાં રાખતા નથી. યજ્ઞનો સામાન વેચતા સ્ટોરમાં પાછા આવ્યા. માચીસ? અહીં પણ રાખતા નથી. માચીસ વિના હવન કેવી રીતે થાય? આઇડિયા યજ્ઞ શાળામાં જઈને વિનંતી કરી કે માચીસની ડબ્બી અને કપૂર મળે તો મહેરબાની. સાંજ સુધીમાં ખુશી ખુશી મળી જશે એવી ખાતરી મળી.

ગઇકાલે સાંજને બદલે આજે સવારે કપૂર-દીવાસળી રૂમ પર આવી ગયાં હતાં એટલે આજે સંધ્યાકાળે શાંતિથી ગાયત્રી મંત્રના ઉચ્ચારણ સાથે હવન કરીને આપ સૌનાં સુખ, સમૃદ્ધિ, શાંતિ અને સ્વાસ્થ્ય માટે ભગવાનને પ્રાર્થના કરી. માટીના નાના હવનપાત્રમાં શાંત અગ્નિને લઈને એના પર ગૂગળ મૂકીને ધૂપ કરીને રૂમમાં બધી જગ્યાએ ફેરવ્યો.

રાત્રે ભોજનની બિલકુલ ઇચ્છા નહોતી. ડાયનિંગ હૉલમાં જઈને SP, BV (સૂપ , બોઇલ્ડ વેજિટેબલ્સ) તથા ખિચડીને બદલે જો શક્ય હોય તો એકાદ ફ્રુટ મળી જાય તો સારું એવી વિનંતી કરી જે માન્ય રહી. દાડમના દાણાની વાટકી અને એક કાપેલું સફરજન મળી ગયાં. જમતાં પહેલાં કારેલાંનો જ્યુસ તો પીવાનો જ હતો. પીધો. રાત્રે સૂતાં પહેલાં એક કવાથ પી લેવાનો હતો. એ પછી થકાન ઉતારવા પથારીમાં પડ્યા તે વહેલી ઉગે સવાર.

આવતી કાલે સવારે સ્વામીજી સાથે યોગાભ્યાસ માટે ગાર્ડનમાં જતી વખતે માથે પહેરવાની ગરમ ટોપી અને ઉપર પહેરવાનું વિન્ડચીટર જેવું જેકેટ સાથે લઈ લેવું પડશે એવું લાગે છે. સવારે પાંચ વાગ્યે હવામાં ઝાકળનું ઘણું જોર હોય છે અને અત્યારે સહેજ શરદી-ખાંસી જેવું લાગી રહ્યું છે, જે આજની ટ્રીટમેન્ટ પછી નૉર્મલ કહેવાય એવું મને કહેવામાં આવ્યું. પરોઢિયે ગાર્ડનમાં પાથરેલી યોગ-મેટ્સ ઉપરની ચાદર તો સાવ ભીની થઈ ગઈ હોય છે જે દૂર કરીને અમે પહેલા જ દિવસથી મોટો ટર્કિશ ટુવાલ અને એના પર હરદ્વારથી આ જ હેતુસર ખરીદેલી રંગીન ચાદર પાથરી દેતા હોઈએ છે.

શંખ પ્રક્ષાલનની ચિકિત્સાનો અનુભવ એકંદરે બહુ સારો રહ્યો. મને થાય કે આપણી પાસે શરીરને સ્વસ્થ રાખવા માટે કેટકેટલી જાણકારી છે. એલોપથીના ઉપચારોને કારણે જાણે આ બધું જ મહદ્ અંશે ઢંકાઈ ગયું હતું જે જાણકારી સ્વામી રામદેવનાં પચ્ચીસ-ત્રીસ વર્ષના દિવસરાતના ભગીરથ પ્રયાસોને કારણે આજે દુનિયાભરમાં પ્રસરી રહી છે.

સ્વામીજીના જીવન અને એમના કામ વિશે ચિંતન કરતાં કરતાં ક્યારે ઊંઘ આવી ગઈ, ખબર પણ ન પડી. સવારે ચાર વાગ્યે અહીં દરેક જણને રિસેપ્શનમાંથી અચૂક ફોન આવતો હોય છેઃ ‘ઓમ, સુપ્રભાતમ્’. ફોન આવે ત્યારે અમે ઊંઘરેટા અવાજમાં પ્રત્યુત્તર ન આપીએ એટલે પોણા ચારનું એલાર્મ ગોઠવીને જ સૂઈ જવાનો ક્રમ રાખ્યો છે.

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

•••
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

43 COMMENTS

  1. આદરણીય સૌરભભાઈ

    તમારૂ આ વર્ણન અમને યોગ ગ્રામ નું રૂબરૂ દર્શન કરાવતું હોય એવો અહેસાસ થાય છે….

    ખૂબ ખૂબ આભાર….

  2. Murabbi saurabhbhai.Aapnaa patanjali shivaay naa pan articles maan majaa aaveh che.Covid duty kari neh suti vakhteh hameshaa vaanchtoh aneh saaru laagyu.aapnoh aavhaar.best wishes for a happy and wonderful life.Dr Rajesh Pandya.Amdavad

  3. ખુબ મજા આવે છે, જાણે અમે પોતે ત્યાં ગયા હોઈએ, એવુ લાગે છે. આપના અનુભવ પછી ઘણા લોકો આ શિબિર માં જશે, એવુ લાગે છે.

  4. Saurabhbhai,

    We are enjoying detailed experience of yours at Yoggram. If it is possible for you to convey or ask Ramdevji or Acharya Balkrishnaji to share their wisdom on how to keep control on Blood A1C. Allopathy charges life time subscription for people having higer A1C. This can help millions in Bharat to keep their good health with no side effects and low cost reliable ayurveda. I can understand they can share general tips for more acute issues any one need to take help of expert ayurvedic vaidya.
    Om Shree Dhanvantre Namaha.

  5. અમારી યાત્રા આપની સાથે થઈ રહ્યા હોવાની અનુભૂતિ થાય છે ..ખુબ જ માહિતીસભર લેખ ..આભાર ..

  6. સૌરભભાઇ, બહુ જ સરસ રીતે વર્ણવો છો. ખિસ્સા ને પરવડે તે બધું જ ગમે. ,😀😀 જોક્સ બાજુ પર, ઘણું નવું જાણવા મળે છે. આવી જાણકારી મૂકતા રેહજો.

  7. Very nice information egarly waiting for next episodes of ur experience amazing very informative. Keep sending.

  8. ખુબ સરસ લેખ લખાયા છે વાંચવાની મજા આવે છે અને નવું જાણવાની તમન્ના પણ રહે છે.તમારુ આ અભિયાન સારી રીતે પાર પડે તેવી ભગવાન ને પાર્થના સહ.

  9. વાહ સૌરભભાઈ મજા આવી ગયી, લેખ એટલી સરળ ભાષા માં છે કે આખો લેખ એકી શ્વાસે વાચી નાખ્યો. અદભુત. વાંચતી વખતે એમજ લાગણી થાય કે હું પણ એજ વખતે તમારી સાથેજ હતો.
    સૌરભભાઈ, લેખ માં આપે યજ્ઞ ચિકિત્સા વિશે જણાવ્યું છે તે યજ્ઞ ચિકિત્સા વિશે વિગત થી જણાવશો ? જો મારે પણ મારાં ઘરે આવી રીતે યજ્ઞ ચિકિત્સા કરવી હોય તો કરી શકું ?
    આભાર 🙏

  10. You have taken a great decision to join yoga gram. Some time these types of decisions completely change our perceptions. I am regularly waiting for your message.
    Yoga Shashtra Param Matam.

  11. સૌરભભાઈ,

    કહ્યું છે કે ‘ જનસેવા એજ પ્રભુ સેવા ‘ છે,

    આપની કલમે અનેક મહાનપુરુષોના અનુભવોની ગાથા લખી સમાજની અમૂલ્ય સેવા બજાવવા બદલ ખુબ જ ધન્યવાદ ! 👏

    પૂજ્ય સ્વામી સચ્ચિદાનંદજીના જનજાગૃતિ અને અંધશ્રદ્ધાને દૂર કરી સમાજની અમૂલ્ય સેવાના અનુભવો, યોગગુરૂ પૂજ્ય સ્વામી રામદેવજીના યોગ દ્વારા કાયાકલ્પના સ્વાનુભવો રજુ કરી સ્વાર્થ સાથે પરમાર્થ કરનાર આપ જેવા સમાજસેવી પરગજુ સજ્જનોની સદભાવના જનતા જનાર્દનને અવશ્ય આશીર્વાદરૂપ નીવડશે.

    આશા છે આપનો પચાસ દિવસનો કેમ્પ પૂરો થયા બાદ આપ અનુભવો સંકલનરૂપે પુસ્તકરૂપે પ્રકાશિત કરશો તો સમાજને કાયમની અમૂલ્ય ભેટ મળશે !

  12. નમસ્તે,
    લેખ ખૂબ જ સરળ અને માહિતીથી ભરપૂર હતો. આપને વિનંતી કે અમારે (હું અને મારા પત્ની) આ પ્રકારના કાર્યક્રમમાં જોડાવવા માટે ઈચ્છા છે તો તે અંગે પણ માહિતી આપશોજી

  13. સૌરભ ભાઈ તમારા લેખનો ઇન્તેઝાર રહે છે.. વોટસએપ પર અમસ્તું જોઈ લેવાય છે કે નવું કઈ આવ્યું …
    ભારત પાસે તન અને મનને સ્વસ્થ રાખવા માટે ની અમૂલ્ય ચિકિત્સા છે પણ એને અવગણીને લોકો એલોપથી ચિકિત્સા પાછળ પડ્યા અને શરીરને રોગનું ઘર બનાવી દીધું .રામદેવ બાબાએ આપણી પ્રાચીન ચિકિત્સા પદ્ધતિઓને પાછી લાવવા જે ભગીરથ પ્રયાસો કર્યા અને એ માટે જે અલખ જગાવી છે તેને લાખો સલામ
    એક સમયે ટૂથ પેસ્ટ એટલે કોલગેટ એવું ભારતમાં મનાતું હતું એવી તેમની મોનોપોલી હતી પણ પતંજલિ દંત કાંતિ આવ્યા પછી કોલગેટ ની ટૂથપેસ્ટ ના થપ્પે થપ્પા ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ માં પડ્યા રહે છે.

  14. I eagerly waiting for your articles everyday. It’s like a live telecast. Thank you so much for sharing this with us and being very transparent and thorough 🙏. Wishing you the best of your health for upcoming days and having a miraculous transformation 👍💚

  15. ખૂબ ખૂબ આભાર…અમો પણ આપની સાથે સાથે કાયાકલ્પી થતા હોય તેવુ લાગે છે..

  16. અદ્વિતીય અનુભવ નું વર્ણન.. ખૂબજ સરસ… એમ લાગે છે કે હું પણ તમારી સાથે j આ ટ્રીટમેન્ટ લઈ રહ્યો છું…

  17. Saurabh bhai , Ame pan tamari sathe shibir ma hoiye avu lage chhe , Maja sathe jankari pan male chhe… Namskar…🙏

  18. સરસ વર્ણન સૌરભભાઈ,
    એક correction.
    તમે લખ્યું પરંતુ શંખ પ્રક્ષાલન ક્રિયા એ આયુર્વેદમાં વર્ણવેલી નથી. તે
    યોગની શુદ્ધિ ક્રિયા છે. ઘેરંડ સંહિતામાં છે.
    આયુર્વેદમાં પણ જોકે પંચકર્મ અને તે ઉપરાંત ક્રિયાત્મક ઉપચારો અનેક છે. પણ આયુર્વેદ અને યોગની શુદ્ધિ ક્રિયાઓમાં મૂળથી ભેદ છે. એક મૂળભૂત રીતે આપણા શરીરના પંચમહાભૂતમાં શુદ્ધિ (physical purification) કરે છે જ્યારે બીજું ઇન્દ્રિયમાં (perceptual purification). આયુર્વેદમાં ઔષધિ યુક્ત તેલ ઘી વગેરે વપરાય છે જ્યારે યોગમાં ગરમ પાણી, સિંધવ જેવા સાદી સામગ્રીથી પણ ચાલી જાય. આયુર્વેદનું લક્ષ્ય આ બધાથી શારીરિક માનસિક રોગમુક્તિ છે જ્યારે યોગનું અંતિમ લક્ષ્ય ચિતવૃતી નિરોધ.
    પતંજલિના ઉપચારોમાં બહુધા યોગ અને આયુર્વેદનો સમન્વય હોય છે તેમ તમારા અહેવાલ પરથી લાગે છે.

  19. I have sent you two ,three times comments about this
    Yoga programme.what is the price? & How we can join
    It ! If possible just share web site details..
    But it will be a new experience in & out at all.

  20. લેખ વાંચી ને બહુ આનંદ થયો…શ્રી રામદેવજી મહારાજ હાલ જે બધું કરે છે એના થી ગણા લોકોની દુકાન બંધ થૈ ગઈ છે કાં તો ઘરાકી ઉતરી ગઈ છે એ જ વર્ગ બાબા ને ઉતારી પાડવા સતત પ્રયત્નશીલ રહે છે…બાકી શ્રી રામદેવજી બાબા એ તો ભારત વર્ષ ના સાધારણ જન સમુદાય માટે તો યોગ રૂપી ક્રાંતિ નો જુવાળ લાવ્યા છે…આપના સ્વાસ્થ્ય ઉત્તમ બને એવી પ્રાર્થના…

  21. આ બધું કરવામાં થોડું ધ્યાન રાખજો હો. ક્યાંક લેવાના દેવા ન પડે. કારણકે શરીર સામાન્ય રીતે આવું કરવાથી ટેવાયેલ હોતું નથી. અને “અતિ” સર્વત્ર વર્જ્ય.

  22. સંખ પ્રક્ષાલન હું ઘરેજ કરું છું. પણ આપે આપેલી માહિતીથી મારી અમુક ભૂલોનું મને ભાન થયું. મને એમ ખબર હતી કે સાવ મોરો ખોરાક લેવાનો પણ ઘી ભરપૂર લેવું જેની જાણ ન હતી. પંખા / ઠંડી થી દુર રહેવું, આરામ ખુબજ કરવો જેની પણ ખબર ન હતી. વરસ માં ચાર પાંચ વખત કરાય એની જાણ ન હતી પણ પ્રથા એવી છે કે નવરાત્રી પહેલાની ચૌદસ અમાસ ના દિવસે કરવું જેથી નવરાત્રિના ફાયદા વધુ મેળવી શકાય. છેલ્લા જે મોઢા વડે પાણી કાઢવાની પ્રથા છે એમ કરવું જરૂરી છે જેના લીધે મુલ-બંધ થાય, સંખ્ પ્રક્ષાલન કરવાથી જે માર્ગ ખુલી જાય છે એને બંધ કરવો અનિવાર્ય છે જેથી સૌચ જવાનુબંધ થાય.
    આપનો માહિતી સભર લેખ વાંચી ને મજા આવી.

  23. વાહ,જલસો જ જલસો. તમને ભલે અંધારા માં તીર ચલાવવા જેવું લાગતું,બાકી લાગે છે તો નિશાન પર જ.માટે હોંકારા ની ચિંતા ના કરવી.

  24. મજા આવે છે વાંચવાની. કાકા સાહેબ કાલેલકર ના હિમાલય પ્રવાસ ના વર્ણન વાંચ્યું હતું તેવી લાગણી થાય છે.

  25. નમસ્તે 🙏, તમે જે પ્રક્રિયા નું વર્ણન કરો છો એ વિશે વિગતે જણાવો તો અન્ય ને પણ લાભ થાય, સાથે આર્થીક માહિતી પણ આપવા વિનંતી 🙏

  26. ખૂબ જ વાંચવું ગમે છે …આપના અનુભવો આપે ખૂબ સચોટ અને નિખાલસ ભાવે કેટલા સહજ રજુ કર્યા છે ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here