આપણે અને આપણી મિડલક્લાસ મેન્ટાલિટી : સૌરભ શાહ

( ‘ગુડ મૉર્નિંગ’ ક્લાસિક : સોમવાર, ૧૦ એપ્રિલ ૨૦૨૩)

આજના લેખમાં જે વાત કરવી છે તે ઘણાએ અનુભવી હશે; ઘણાને તે લાગુ નહીં પડતી હોય એવું પણ બને.

જિંદગીમાં કેટલાક લોકો જ શું કામ સફળતાની ચરમસીમાએ પહોંચતા હોય છે? શું કામ મોટા ભાગના લોકો, જેને સમાજશાસ્ત્રીઓ ‘મિડલ ક્લાસ મેન્ટાલિટી’ કહે છે તેને ત્યજી શક્તા નથી? તમે જે ક્ષેત્રમાં કામ કરી રહ્યા છો તે ક્ષેત્રમાં ટોચની જગ્યાઓએ અત્યારે જે લોકો છે તેઓ એક જમાનામાં તમારા જેવા લોકો સાથે જ ઊઠબેસ કરતા. પણ આજે તેઓ કયાંના કયાં પહોંચી ગયા છે, તમારા માટે તેઓ ઈનએક્સેસિબલ બની ગયા છે. શું આની પાછળ એમનું તકદીર જવાબદાર છે? એમની કુંડળીમાં રાજયોગ લખાયેલો છે અને તમને રાહુ-કેતુ નડી રહ્યા છે?

સફળ માણસો શું કામ સફળ હોય છે? ‘મિડલ કલાસ મેન્ટાલિટી’ એટલે શું? એ શું કામ ત્યજી નથી શકાતી?

‘મિડલ કલાસ મેન્ટાલિટી’ ત્યજીને સફળ બનવા માટે જે કંઈ કરવું પડે તે બધું જ કર્યા પછી પણ સફળ ન બની શકો તો જાતને પૂછવાનું કે મારો સ્વભાવ તો ક્યાંક મને નડતો નથી ને?

નાનું -મોટું સમાધાન કરવું પડે તો તે કરીને, પોતાનો જ કક્કો ખરો છે એવી પરવા કર્યા વિના બીજાનો આગ્રહ સાચવી લઈને, પોતાના ઈગોને પંપાળ્યા કરવાને બદલે ડાઉન ટુ અર્થ વ્યવહાર રાખીને બીજાઓનાં મન જીતીને આગળ ચાલવાનો આધાર આપણી પ્રકૃતિ, આપણો સ્વભાવ છે.

આધુનિક માનસશાસ્ત્રી આપણા આ હજારો વર્ષ જૂના સ્વભાવ-પુરાણને ઈ.કયુ. અર્થાત્ ઈમોશનલ ક્વોશન્ટનું નામ આપીને પોતાના નવા લેબલ હેઠળ આપણી સંસ્કૃતિનો જૂનો માલ વેચે છે. ઈ.ક્યુ. એટલે જેમ આઈ.ક્યુ. અર્થાત્ ઈન્ટેલિજન્સ ક્વોશન્ટ હોય એમ.

આઈકયુ બુદ્ધિનો આંક. ઈક્યુ લાગણીનો આંક. સારી ભાષામાં કહીએ તો તમે કેટલા બુદ્ધિશાળી છો તેના પરથી તમારો આઈક્યુ નક્કી થાય તમે કેટલા મળતાવડા છો તેના પરથી તમારો ઈક્યુ નક્કી થાય. અને આપણી સંસ્કૃતિમાં તો હજારો વર્ષથી કહેવાતું આવ્યું છે કે આનો સ્વભાવ સારો છે, પેલાનો સ્વભાવ ખરાબ છે. આનો સ્વભાવ દયાળુ, માયાળુ, પરગજુ છે. પેલાનો સ્વભાવ કંકાસિયો, સ્વાર્થી, નીચ છે.

માણસની સફળતામાં એનો સ્વભાવ પણ ઘણો મોટો ભાગ ભજવે છે એ વાત આપણે સાવ નજર અંદાજ કરી છે. જોકે, જરૂર નથી કે તમે જેને સારો સ્વભાવ ગણતા હો એવી વ્યક્તિ હંમેશાં સુપર સક્સેસફુલ થાય જ અને વાઈસે વર્સા. પણ સફળ બનવા માટે તમારે જે કંઈ કરવાનું છે તે બધું જ કરી છૂટો છતાં ટોચની સફળતા ન મળે ત્યારે તમારે તમારી જાતને તપાસવી જોઈએ કે તમને તમારો સ્વભાવ તો નડતો નથી ને.

‘મિડલ કલાસ મેન્ટાલિટી’ એટલે શું? જેને ત્યજી શકો તો જ તમે આગળ વધી શકો એવી માનસિક્તાનાં લક્ષણો કયાં? સફળ, પૈસાદાર કે પ્રસિદ્ધ લોકોમાં આવાં લક્ષણો કેમ નથી હોતાં?

વ્યક્તિની આસપાસ જેવું વાતાવરણ હોય એનાથી જ એ પ્રભાવિત થાય. મારી બાજુવાળો રોજ ટીવી પર સાવધાન ઈન્ડિયા જોતો હોય તો મને પણ એની લત લાગે અને એ જો રોજ આસ્થા જોતો હોય તો હું પણ એનું અનુકરણ કરતો થઈ જઉં. એના ઘરમાં અમુક બ્રાન્ડનું એસી,વોશિંગ મશીન, માઈક્રોવેવ કે ફ્રિજ આવે તો મારા મગજ પર પણ એ જ બ્રાન્ડ છવાઈ જાય. એ જેવી કાર ખરીદે તેવી જ ગાડી લેવાનું મને મન થવાનું.

મને એવું કરવામાં સલામતી લાગે છે, મારો એ કમ્ફર્ટ ઝોન છે. મારાથી ખૂબ ઊંચા વર્ગના, આર્થિક-સામાજિક-બૌદ્ધિક-સાંસ્કૃતિક રીતે ખૂબ ઊંચા હોય એવા, લોકોના સંપર્કમાં કોઈ વખત આવું તો મને અંદરથી ખૂબ હોંશ થાય કે એમની સાથે રોજની ઊઠબેસ કરું પણ મનમાં ડર લાગે, મારી ઈન્ફીરિયોરિટીનું ભાન થાય, હું નાનો લાગીશ, મારું અપમાન થશે, એ લોકો મારી હાંસી ઉડાવશે, હું મજાકનું પાત્ર બની જઈશ, કાગડો હંસની ચાલ ચાલવા ગયો એવું લાગશે, બાવાનાં બેઉ બગડશે, ધોબીનો કૂતરો ન ઘરનો ન ઘાટનો જેવું થશે, ત્યાં તો હું સ્વીકૃતિ નહીં જ પામું પણ અહીં જયાં હુંફાળો આવકાર મળે છે તે પણ મળતો બંધ થઈ જશે એવા એવા વિચારો સતાવ્યા કરે. અને એટલે આપણે કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવાને બદલે જયાં છીએ ત્યાં જ સલામતી અનુભવતા પડયાં રહીએ.

એવું તે શું કરીએ આપણે કે આવા કમ્ફર્ટ ઝોનની બહાર આવી શકીએ? આપણી મિડલ કલાસ મેન્ટાલિટી ત્યજી શકીએ? સફળ માણસો જયાં છે ત્યાં પહોંચવા માટે અત્યારની મારી રોજબરોજની પ્રવૃત્તિઓમાંથી મારે શું શું છોડી દેવું જોઈએ? મારી કઈ કઈ માનસિકતા બદલવી જોઈએ?

આટલા પૈસામાં તો આટલું જ કામ થાય ને. મિડલ કલાસ મેન્ટાલિટીનું આ એક મોટું લક્ષણ. પોતાને અન્યાય થાય છે, પોતાનું શોષણ થાય છે એવી સતત ફરિયાદો કરવાની અને બીજા લોકો મારી મહેનતના જોરે તાગડધિન્ના કરે છે એવા ખ્વાબોમાં રાચવાનું. આવી માનસિક્તા કોઈને ક્યારેય જીવનમાં ઉપર ન લઈ જઈ શકે. જે લોકો નાના પગારમાં હસતા મોઢે પોતાની જવાબદારી કરતાં વિશેષ કામ કરતા હોય તેઓ થોડા જ વખતમાં કયાંથી કયાં પહોંચી જતા હોય છે. કામના કલાકો નિશ્ચિત જ હોય એવું તેઓ માનતા નથી. ઓવરટાઈમની અપેક્ષા વિના વહેલા આવવું, મોડા જવું, લંચ-ટી ટાઈમ બને એટલો ઓછો લેવો, રજાના દિવસે પણ કામ કરવું આ બધાં લક્ષણો ધરાવતો મિડલ કલાસ માણસ થોડાં જ વર્ષોમાં અપર કલાસ ભણી પ્રવાસ કરવાનું શરૂ કરતો હોય છે.

નોકરી હોય કે ધંધો કે પછી વ્યવસાય. તમે કોઈને ત્યાં નોકરી કરતા હો, તમારો પોતાનો નાનો-મધ્યમ-મોટો વેપાર કરતા હો કે પછી ડૉકટર, આર્કિટેક્ટ, સીએ જેવા પ્રોફેશનમાં પ્રેકિટસ કરતાં હો – તમે કોઈપણ હો, તમને જે પગાર નફો, વળતરની ફી મળે છે તેના કરતાં તમે તમારા માલિકને, ગ્રાહકને કે કલાયન્ટને એની અપેક્ષા કરતાં વિશેષ સેવા આપો છો ત્યારે સામેની પાર્ટી ખુશ થવાની જ છે. તમારામાં ટેલન્ટ હશે, નિષ્ઠા હશે, આવડત હશે તો કોઈ તમારી હાંસી ઉડાવવાનું નથી કે ઓછા પૈસે વધારે કામ કરવામાં તમારી મજબૂરી છે. અને કોઈ ભૂલેચૂકે એવું કહી જાય તો તમારે એની ચિંતા કરવાની જરૂર નથી.

જો તમને ભવિષ્યમાં તમારા કામ કરતાં વધુ વળતર મળે એવી ઈચ્છા હોય તો આજે તમારે તમને મળતા વળતર કરતાં વધારે કામ કરવું જોઈએ.

મિડલ કલાસમાં માણસોમાં બદલો લેવાની ભાવના બહુ મોટી હોવાની—એણે મારું બગાડયું, હું એનું બગાડીશ. ફેમિલી મેમ્બર હોય, અડોશીપડોશી હોય, જ્ઞાાતિબંધુ હોય કે પછી ઑફિસ સાથે સંકળાયેલા લોકો હોય. ક્યારેક તો કોઈ અજાણ્યો દુકાનદાર, રિક્ષાવાળો કે ટ્રેનનો સહપ્રવાસી પણ હોય. આમાંના કોઈકે તમારું કશુંક અહિત કર્યું કે તરત એ તમે એ વ્યક્તિને દાઢમાં રાખવાના અને ક્યાં તો એને તાત્કાલિક પછાડવા માટેનાં પગલાં લેવાનો, કયાં પછી લાગ મળે ત્યારે એને બતાડી દેવાની ફિરાકમાં રહેવાના.

તમને ખબર જ નથી કે આવું કરવામાં તમારું કેટલું લોહી બળે છે. તમે કંઈ શિવાજી નથી અને તમારી પાસે છત્રપતિ જેટલી ફોજ નથી કે નથી મહારાજા તરીકેની એવી તમારી ફરજ કે તમે મોગલોના સૈનિકો સામે આજીવન લડતા રહો. તમારી લિમિટેડ એનર્જીને તમારે તમારી જિંદગીને સંવારવામાં વાપરવાની છે.

એક જમાનામાં સ્ટીમ એન્જિન આવતાં. ભઠ્ઠીમાં તાપ કરીને પાણી ઉકાળીને વરાળ પેદા થતી અને એ વરાળના ધક્કાથી એન્જિન ચાલતું, સાથે તમારા જેવા સેંકડો મુસાફરોનો ભાર ખેંચીને તમને યોગ્ય સ્થાને પહોંચાડતું. આ એન્જિનમાં એક સિટી રહેતી, આપણે એને પાવો કહેતા. એન્જિનનો એક વાલ્વ તારથી ખેંચીને વરાળને બહાર નીકળવાની જગ્યા ખોલો એટલે કૂકરમાં જેમ ધસમસતી સિટી વાગે એ રીતે એન્જિનનું ભોં ભોં વાગતું સંભળાય. હવે ધારોકે એન્જિન ડ્રાયવરને આવો પાવો વગાડવાની મઝા પડી ગઈ કે પછી આપણા જેવાં ત્યાં ઊભેલાઓને ઈમ્પ્રેસ કરવા માટે એ કન્ટિન્યુઅસ પાવો વગાડયા જ કરે તો શું થાય? એક તબક્કે બધી વરાળ ખલાસ થઈ જાય, ગાડી ત્યાંની ત્યાં ઊભી રહે, એના ડેસ્ટિનેશન સુધી પહોંચે જ નહીં. મિડલ કલાસ માણસ પોતાનામાં સર્જાતી વરાળનો ઉપયોગ આગળ વધવામાં કરવાને બદલે પોતાની જીદને કે શોખને પૂરી કરવામાં વેડફી નાખતો હોય છે.

મિડલ કલાસ માણસોની એક ઔર આપત્તિ એ કે કયાં તો એ સતત દીવાસ્વપ્નો જોતો રહે છે કયાં પછી અત્યારના જીવનને કોસતો રહે છે. તમારે જો જવેલર તરીકે ખૂબ પૈસા કમાવવા હોય તો નાનકડા ગામમાં સોનીનો ધંધો કરવાથી કોઈ ભલીવાર વળવાનો નથી. ગામની કમ્ફર્ટ છોડીને તમારે શહેરમાં જવું જ પડવાનું. નવી ઓળખાણો કરવી પડે. થોડો સમય પોતાનો ધંધો છોડીને કોઈને ત્યાં નોકરી કરવી પડે. સખત મહેનત કર્યા પછી પણ કોઈ ગેરંટી નથી કે તમે શહેરમાં ઝવેરાતના શોરૂમ ખોલી શકશો કે નહીં. મોટા ભાગના લોકો આવું જોખમ લેવાનું ટાળે છે. એટલે જ જેઓ આવાં જોખમો લે છે એની ગણના સાહસિકોમાં થતી હોય છે.

નાનપણમાં તમે ચાલવાનું જોખમ લીધું તો જ તમને ચાલતાં આવડયું. જોખમ ન લીધું હોત તો હજુય ચાર પગે જ ચાલતા હોત જેમાં ગબડી જવાની સંભાવના ઘણી ઓછી હોત. નાનપણમાં મા-બાપે તમને આ જોખમ લેતાં શીખવ્યું. મોટા થયા પછી કમનસીબે મિડલ કલાસ કુટુંબોમાં આવું જોખમ લેતાં શીખવાડનારાઓ કોઈ હોતા નથી. ન તમારા મા-બાપ, ન કાકા-મામા, ન કઝિન્સ, ન મિત્રો. એટલું જ નહીં ભૂલેચૂકેય જો તમે આવું સાહસ કરવા ગયા કે તરત જ આ લોકો તમને આવા જોખમ સામે લાલ બત્તી ધરવાની પોતાની પવિત્ર ફરજ હોય એમ રોકી લે છે અને તમે પણ એકલા પડી જવાના ભયે એમની વાત માની લો છો. પોતાનાંઓની વાત નહીં માનીને, એમનો સાથ છોડી દઈને હું સાહસ કરવા જઈશ ને જો ઊંધે માથે પડીશ તો આ લોકોને હું કેવી રીતે મોઢું બતાવીશ. પછી આ લોકો મને તરછોડી દેશે તો. મિડલ કલાસ મેન્ટાલિટીમાં આવો ભાવ કેન્દ્રસ્થાને હોવાનો. તમને ખબર નથી કે ભગવાને તમને જન્મ આપ્યો છે તે આ દુનિયામાં આવીને તમે. તમારું મનગમતું કામ કરીને એ કામને શ્રેષ્ઠ ઊંચાઈએ લઈ જઈ શકો તે માટે, નહીં કે તમારાં સગાંવહાલાંઓની સંકુચિત લાગણીઓને પંપાળવા.

મિડલ કલાસ મેન્ટાલિટીનું એક ઔર લક્ષણ એ કે કોઈ કામમાં એકવાર ફેઈલ ગયા, બહુ બહુ તો બીજીવાર નિષ્ફળ ગયા એટલે એ કામ છોડીને બીજું પકડવાનું. આપણને ખબર જ નથી હોતી કે પાંચ-પાંચ ફૂટના દસ કૂવા ખોદવાથી પેટ્રોલ અર્થાત્ ફ્રૂડ ઓઈલ નથી નીકળવાનું પચાસ ફૂટનો એક કૂવો ખોદવાની ધીરજ ધરવી પડશે અને એય કેવી માનસિકતાથી? પચાસ ફૂટ ખોદ્યો પછી તેલ નીકળે તો નીકળે, ને કદાચ ના ય નીકળે. એટલું ચોક્કસ છે કે જો તેલ નીકળવાનું હશે તો પચાસ ફૂટ ઊંડે ગયા પછી જ નીકળશે, પાંચ પાંચ ફૂટના દસ તો શું સો કે હજાર કૂવાં ખોદશે તોય નહીં નીકળે.

પતંગિયાની જેમ એક ફૂલ પરથી બીજા ફૂલ પર કૂદાકૂદ કરતાં હોઈએ એમ સત્તર જાતના ધંધા પર હાથ અજમાવી જોવાને બદલે થોડીક ટ્રાયલ એન્ડ એરર બાદ તમને જે કામમાં પેશન હોય તેને વળગીને રહેવું અને એમાં જ આગળ વધતાં રહેવું. એક વાત મેં મારા દાદા પાસેથી સાંભળેલી કે જે કામ તમે કરતા હો તેમાં આજે જે પરિણામ મળે તેનાં કરતાં કાલે જુદું પરિણામ આવે એ શક્ય છે. આજે જે કામમાં નિષ્ફળતા મળતી હોય કે જવલંત સફળતા ન મળતી હોય તો જરૂરી નથી કે કાલે પણ એમાં નિષ્ફળતા જ મળશે. તમારું કામ ભલે એનું એ હોય પણ એનું પરિણામ જુદું હોઈ શકે છે.

મિડલ કલાસ મેન્ટાલિટીથી પર થઈ ગયેલા લોકો આ વાત સમજતા હોય છે અને એટલે જ તેઓ સફળતા ન મળે ત્યાં સુધી પોતાનું કામ છોડતા નથી, કરતાં જાળ કરોળિયોની જેમ વારંવાર ભોંય પર પછડાવા છતાં પ્રયત્નો ચાલુ રાખે છે. રિયલ સફળતા આવા ખંતીલા કરોળિયાઓને જ પ્રાપ્ત થતી હોય છે. લોકોને આમાં ગાંડપણ લાગે તો ભલે લાગે પણ આ દુનિયાને આવા પાગલ લોકો જ આગળ લઈ જતા હોય છે.

છેલ્લી વાત. મિડલ કલાસ મેન્ટાલિટીના લોકો માટે રિયલ કામ કરવાની ઉંમર માત્ર છોકરાંઓ ભણીગણીને કામે લાગે ત્યાં સુધીની જ હોવાની. એક વખત સંતાનો કમાતાંધમાતાં થઈ જાય, પરણીને ‘સેટલ’ થઈ જાય એટલે ‘બહુ થયું હવે, કેટલાં વર્ષ, કયાં સુધી ખેંચવાનું.’ એવું કહીને નિવૃત્તિની તૈયારી કરવા માંડે. કામની સ્પીડ ઘટાડી નાખે, કામ માટેની પેશન ઘટાડી નાખે. તેઓ સમજતા નથી કે કાલે તમે હતા તેના કરતાં આજે તમારી ઉંમર મોટી છે એમાં તમારો ફાયદો છે કારણ કે તમારી પાસે ગઈ કાલ કરતાં આજે વધારે અનુભવ છે. અને આવતી કાલે તમે હશો એના કરતાં આજે વધારે યંગ છો જેનો ફાયદો એ કે આજે તમારી પાસે વધારે એનર્જી છે, વધારે થનગનાટ છે- આવતી કાલ કરતાં.

આવી માનસિક્તા કેળવાય તો મિડલ કલાસ મેન્ટાલિટીને દૂર કરતાં વાર નહીં લાગે.

આજનો વિચાર

આજે તમારી કલ્પનામાં તમે જેવા છો એવા જ કાલે બનવાના.

– અજ્ઞાત

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

6 COMMENTS

  1. ૧૦૧% સાચું કીધું ભાઈ, આ તો મારો જાત અનુભવ છે…અપની વાતે આયનો બતાવ્યો આજ…મોડુ તો થઈ ગયું છે પણ જાગ્યા ત્યારથી સવાર…🙏

  2. સરસ વાત કહી સૌરભભાઇ બેટરી ચાર્જ થઇ 😊🌹

  3. જણાવેલ મુદ્દાઓ વિશે લગભગ તો બધાય ને ખબર જ હોય છે……….પણ આમ વિશેષ રીતે ધ્યાન દોરવામાં આવે તો વ્યવસ્થિત યાદ રહી જાય અને પ્રસંગે તમે લખેલ મુદ્દાસર વાત કામ આવે એવું પણ બને.

  4. Hari Om .
    There is always difference between success and achievement
    Ofcrse ….definitely …. it may be that one may not know the difference between the two … May be that one prioritise success over achievement or the otherway round
    Again the very definitions of both terms are relative and subjective terms….
    However the definitions as well the priorities as a matter of fact should be firm ( though not rigid)

    Bhai I would like to share my views esp with resp to the middle class mentality with બદલો લેવા ની ભાવના .
    Well the essential condition is if one wants to move ahead બદલા ની ભાવના હોવી જ ના જોઇએ અને હોય તો જડમુળ થી ઉખેડી નાખવા જોઈએ. થોડા કઠોર શબ્દ મા કહીએ તો રાજપથ પર ડગલા મુકતા ગજરાજ કોઈ શ્વાન ના ભસવા ને ગણકારે નહિ. આપણા લાડકા , આપણા માનનીય મોદીજી આ કહેવત નો ધમાકેદાર દાખલો બેસાડે છે .

    પણ મિડલ ક્લાસ મેન્ટાલિટી એટલે બદલો લેવા ની ભાવના આ વ્યાખ્યા થોડીક ખુચે છે. Especially જ્યારે મિડલ ક્લાસ ને પૈસા ની વ્યાખ્યા મા સમજવા મા આવે… કોઇ ની સફળતા ને પૈસા મા માપવા મા આવે ત્યારે

  5. આખો article વાંચવાની મજા આવી ગઈ.
    પણ છે માત્ર વાતોના વડાં…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here