સોશ્યલ મીડિયાના ટ્રોલર્સ: અન્યનું તો એક વાંકું આપનાં અઢાર છે : સૌરભ શાહ

(તડકભડક: ‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ. રવિવાર, 24 સપ્ટેમ્બર 2023)

વાર્તા તો નાનપણથી સાંભળતા આવ્યા છીએ. બાપ-દીકરા અને ગધેડાની. પિતા ગધેડા પર બેસે તો લોકોને વાંધો, દીકરો બેસે તો ય વાંધો અને બેઉ જણ ગધેડાને ઉંચકી લે તોય વાંધો.

સોશ્યલ મીડિયાનું આજકાલ એવું જ થઈ ગયું છે. ટ્વિટર કે ફેસબુક પર તમે કંઈક વર્તમાન સમસ્યા વિશે, અત્યારે દેશ/દુનિયામાં ચાલી રહેલી ગતિવિધિઓ વિશે કે પછી કોઈ પણ નવા મુદ્દા વિશે કંઈ પણ લખો, લોકો આવી જવાના-બાપને કેમ બેસાડ્યો ગધેડા પર, દીકરાને કેમ બેસાડ્યો, ગધેડાને કેમ ઉંચકી લીધો?

અંગ્રેજીમાં આવા ટીકાકારોને સોશ્યલ મીડિયાના ટ્રોલર કહે છે.

જેમની સાથે, જેમના વિચારો કે વર્તન સાથે તમે સહમત ન થતા હો એમની સાથે અસહમત થવાનો શું તમને અબાધિત અધિકાર છે? અને બીજો પ્રશ્ન–અસહમત થતી વખતે મુદ્દાસર જવાબ આપવાને બદલે ટ્રોલિંગ કરીને એટલે કે સામેની વ્યક્તિને ઉતારી પાડીને, એની મજાક ઉડાવીને, એની શખ્સિયતને બે બદામની કરીને કે એમને અપમાનિત કરીને જે કંઈ લખો છો તે વાજબી છે?

પહેલો મુદ્દો પહેલાં લઈએ. જેમની સાથે સહમત ન થતા હોઈએ એમની સાથે અસહમતિ નોંધાવવી જરૂરી છે એવું કેટલાક લોકોએ માની લીધું છે. હકીકત એ છે કે આ દુનિયામાં તમે જેમને નામથી કે જેમના કામથી પરિચિત હો એવી સેંકડો-હજારો વ્યક્તિ છે જેમનાં વાણી-વિચાર-વર્તન સાથે ક્યારેક ને ક્યારેક તમારી અસહમતિ હોવાની. વ્યવહારની દુનિયામાં પણ આવું થતું જ હોય છે. શું તમે દર વખતે એ વ્યક્તિ સમક્ષ જઈને તમારી અસહમતિ ઠાલવી આવો છો? ના. કારણ કે તમને ખબર છે કે એ તમારી પત્ની છે, તમારાથી રોજ રોજ એનો વાંક ન કાઢી શકાય, દાંપત્યજીવનમાં કડવાશ જન્મે. તમને ખબર છે કે એ તમારો પાડોશી છે કે મિત્ર છે કે ઑફિસ કલીગ છે- દર વખતે એની સાથે અસહમતિ દર્શાવશો તો સમાજમાં તમે એકલા પડી જશો. એ તમારો સુપિરિયર કે બૉસ કે ધંધામાં પાર્ટનર છે- દર વખતે તમે એનાં વાણી- વર્તન- વિચારની ટીકા કરવા જશો તો તમારી આવક પર અસર પડી શકે એમ છે.

પણ તમને ખબર છે કે સોશ્યલ મીડિયા પર તમારે આવાં કોઈ પરિણામ ભોગવવાનાં નથી. માટે કોઈના ઘરની બેલ દબાવીને ભાગી જતાં ટાબરિયાની જેમ તમે સામેની વ્યક્તિને ટ્રોલ કરીને પિશાચી આનંદમાં રાચતા રહો છો. તમને ખબર છે કે એ વ્યક્તિ તમારું કશુંય બગાડી શકવાની નથી. એટલું જ નહીં તમારા જેવા બીજા ટ્રોલર્સ તમને ધન્યવાદ/લાઈક/ રિપોસ્ટ/શેર આપીને તમને ચણાના ઝાડ પર ચડાવી દેતા હોય છે જેમાં તમને મઝા આવે છે અને તમે કૉલર ઉંચો રાખીને, ગળામાં લાલ રૂમાલ બાંધીને બધાને કહેતા ફરો છો કે: સાલા, મૈં તો સા’બ બન ગયા!

બીજો મુદ્દો. જેમની સાથે અસહમત થતા હો તેમના માટે વપરાતી ભાષા. શું તમે ક્યારેય વિચાર્યું પણ છે કે જેને તમે ટ્રોલ કરો છો એ વ્યક્તિ તમારા વિચારો જાણવા તમને પોતાના ઘરે બોલાવીને ચા પીવડાવે તો તમે એના વિશે એની સામે શબ્દો વાપરો જે તમે ટિવટર કે ફેસબુક પર લખી રહ્યા છો? જવાબ આપતાં પહેલાં આખો સિનરિયો મનમાં કલ્પો પછી વિચારો.

જાહેર જીવન જીવતી વ્યક્તિનાં વાણી-વિચાર-વર્તન સામે તમારે વિરોધ કરવો જ હોય તો એ વ્યક્તિ ક્યા મુદ્દે શું કહે છે, અગાઉ એમણે શું કહ્યું છે, ક્યા સંદર્ભમાં કહ્યું છે તે સમજો-વિચારો. એનું સ્ટેચર શું છે તે જુઓ. અમિતાભ બચ્ચનની કોઈ ફિલ્મમાં તમને એમનો અભિનય ન ગમે તો તો ‘બચ્ચન તો સાવ થર્ડ ક્લાસ એક્ટર છે’ (આ તો સંસ્કારી શબ્દોમાં લખાયું છે. ટ્રોલર્સ તો અત્યંત ભદ્દી ભાષા વાપરવામાં નિપુણ હોય છે.) એવી કમેન્ટ લખવાથી બચ્ચનનું કશું નથી બગડવાનું, તમે ઉઘાડા પડી જવાના છો.

હું માનું છું કે સોશ્યલ મીડિયાના પ્લેટફોર્મ પર તમે પ્રવેશો છો ત્યારે તમારું એક નવું કુટુંબ રચાય છે. તમે જેમને તમારા ફ્રેન્ડ બનાવો છો કે ફોલોઅર બનાવો છો ત્યારે એમને તમારા આ નવા કટુંબમાં આવકાર આપો છો. ક્યારેક આમાંના કે કુટુંબની બહારના કોઈ લોકો ગુસ્તાખી કરે છે. તમારા ઘરની બારી ખુલ્લી હોય અને કોઈ માણસ બહારથી તમારા પર થૂંકવાની કોશિશ કરતો હોય તો શું કરો? સિમ્પલ છે. એના માટે બારી બંધ કરી દો. ટિવટર અને ફેસબુક તમને એ સુવિધા આપે જ છે- તમે બ્લૉક કરો, મ્યુટ કરો, અન-ફ્રેન્ડ કરો, અન-ફૉલો કરો, અને પછી તમારા આ નવા પરિવાર સાથેની ગોઠડી આગળ વધારો.

હજુ બીજી એક વાત. હું તો ત્યાં સુધી માનું છું કે જે તમારા ફૉલોઅર, ફ્રેન્ડ કે ચાહક વગેરે હોય પણ જો તેઓ બીજાઓ માટે અત્યંત ભદ્દી, અપમાનજનક ભાષામાં ટ્રોલિંગ કરતા હોય તો એમને પણ તમારે તમારા સર્કલમાંથી બહાર તગેડી મૂક્વા જોઈએ. જેઓ સોશ્યલ મીડિયા પર વર્તન કરવાનાં વણલખ્યા માપદંડને અનુસરી શકવાને અસમર્થ છે તેઓ કાલ ઉઠીને કોઈ મુદ્દે તમને પણ એ જ રીતે હડધૂત કરશે. બહેતર છે કે એમનાથી દૂર જ રહીએ.

એક જમાનામાં ચર્ચાપત્રીઓ હતા. છાપામાં ચર્ચાપત્રો મોકલીને પોતાનો મત પ્રગટ કરતા. છાપાના તંત્રીઓ નનામા ચર્ચાપત્રોને કચરાની ટોપલીમાં પધરાવી દેતા. અસભ્ય ભાષામાં લખાયેલા ચર્ચાપત્રો ફાડી નાખવામાં આવતા. ટિવટર અને ફેસબુક પર પોતાની આઇડેન્ટિટી છુપાવીને કમેન્ટ કરનારાઓ પોતાને બહાદુર-નરબંકા માનતા થઈ ગયા છે. એમની અસલિયત લોકો સામે ખુલ્લી પડી જાય તો તેઓ પોતાના કુટુંબને-મિત્રોને શું મોઢું બતાવી શકવાના છે?

અને છેલ્લી એક વાત. તમે કોણ છો અને સામેવાળી વ્યક્તિ કોણ છે એ વિચારીને ટીકા થાય. આનંદશંકર બાપુભાઈ ધ્રુવ (1869-1942) અને બળવંતરાય કલ્યાણરાય ઠાકોર (1869-1952) એકમેકના સમકાલીન સાહિત્યકારો. આનંદશંકર ધ્રુવ વિદ્વાન, ચિંતક અને ઉત્તમ ગદ્યકાર. બકઠામાં આ બધા ગુણ હોવા ઉપરાંત તેઓ કવિ અને સર્જક પણ ખરા.

બકઠા યુનિવર્સિટીમાં એમ.એ.ના ક્લાસ લેતી વખતે આનંદશંકરનો એક સાહિત્યકાર તરીકે અભ્યાસ કરાવે અને સતત ટીકાત્મક બોલે. બકઠાના ત્યારના વિદ્યાર્થી વિનોદભાઈ અધ્વર્યુએ આ વાત લખી છે. પ્રૉફેસર ઠાકોર પાસેથી પ્રેરણા પામીને એમના જ વર્ગના એક વિદ્યાર્થીએ વર્ગમાં નિબંધવાચન કર્યું જેમાં આનંદશંકર પર ખૂબ પ્રહારો કર્યા. વિનોદ અધ્વર્યુએ લખ્યું છે કે બલ્લુકાકા સાંભળતા જાય અને સમર્થનમાં હોય તેમ ડોકું ધુણાવતા જાય. પણ નિબંધ અને વર્ગ પૂરો થયો એટલે એક જ વાક્ય કહીને વર્ગમાંથી બહાર નીકળી ગયા: ‘મારાથી આનંદશંકરની ટીકા થાય, તમારાથી ન થાય; તમને એ અધિકાર મેળવવાની બહુ વાર છે.’

સોશ્યલ મીડિયાના મસ્તીખોરો, તોફાની બારકસો અને મવાલીઓને આ બધી વાતો નહીં સમજાય. જે લોકો ટિવટર અને ફેસબુકને સિરિયસલી લે છે એમના માટે જ મેં આ લખ્યું છે. બાળપણની એક કવિતા યાદ છે? દલપતરામે લખેલી: અન્યનું તો એક વાંકું આપનાં અઢાર છે. આખી કવિતા યાદ ન હોય તો ગુગલમાં શોધીને ગોખી નાખજો.

પાન બનારસવાલા

ઝીણું દળું તો ઊડી ઊડી જાય, જાડું દળું તો કોઈના ખાય!

-ગુજરાતી ગરબો

• • •

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨090040 99112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

• • •
તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

3 COMMENTS

  1. Aaj kal troll vadhi gayu che…pan darek vaat loko ni sachi kai rite manvi…potano abhipray vyakt kari j sakai..

  2. Mature points for mature readers by always interestingly mature writer !

    Examples too are convincing, intelligent & above average!
    Article worth circulating!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here