ગીતાના શ્રીકૃષ્ણ અને ભાગવતના શ્રીકૃષ્ણ : સૌરભ શાહ

( ગુડ મૉર્નિંગ ક્લાસિક: રવિવાર, ૨૫ એપ્રિલ ૨૦૨૧ )

સાચા કૃષ્ણ કયા? અર્જુનને યુદ્ધમાં પ્રવૃત્ત કરતા કૃષ્ણ કે પછી ગોપીઓ સાથે રાસલીલા કરતા કૃષ્ણ? ઘણા વખતથી મારા મનમાં આ અવઢવ હતી. આપણી સંસ્કૃતિ જે કોઈને પૂજે છે તે સર્વ દેવી-દેવતા મારા માટે પૂજનીય છે. પંચ મહાભૂતો પણ મારા માટે ઈશ્વર સમાન છે. સૂર્ય પણ ભગવાન છે, પરંતુ કુળની પરંપરા વૈષ્ણવ સંપ્રદાયની છે એટલે શ્રીનાથજી માટે, જે ભગવાન શ્રીકૃષ્ણનું સ્વરૂપ છે, સહેજ વિશેષ ભાવ છે, પરંતુ મને હંમેશાં આકર્ષણ મહાભારતના શ્રીકૃષ્ણનું રહ્યું છે અને એમાંય શ્રીમદ્ ભગવદ્ ગીતાના શ્રીકૃષ્ણ સર્વોચ્ચ કોટિના અને અત્યંત વંદનીય, સ્વીકારયોગ્ય લાગ્યા છે.

શ્રીમદ્ ભગવદ્ ગીતાની સાથે નામનું જરાક સામ્ય ધરાવતું, પણ અન્ય કોઈ રીતે સામ્યતા ન ધરાવતું શ્રીમદ્ ભાગવત પુરાણ જે શ્રીકૃષ્ણની વાત કરે છે તેમાંની બાળલીલાઓ નાનપણમાં ફેસિનેટિંગ લાગતી. બલરામ-શ્રીકૃષ્ણ જેવી પૌરાણિક ફિલ્મો તે વખતે રિલીઝ થતી, સાઉથ ઈન્ડિયન સ્ટુડિયોઝમાં નિર્માણ પામેલી હોય. એ બધું જોવાનો બાળસહજ રોમાંચ થતો. દેવકીના આઠમા સંતાન વિશેની આકાશવાણીથી શરૂ કરીને મહાભારતના યુદ્ધમાં અર્જુનના સારથિ બનતા શ્રીકૃષ્ણની જીવનકથા કયા ભારતીયને મોઢે નહીં હોય અને કોણે આ કથાનો વારંવાર આસ્વાદ લીધો નહીં હોય.

પણ જેમ જેમ મોટા થતા ગયા અને થોડી અક્કલ આવતી ગઈ તેમ તેમ સમજાતું ગયું કે આકાશવાણીથી કુરુક્ષેત્ર સુધીના શ્રીકૃષ્ણનું જીવનચરિત્ર કોઈ એક વ્યક્તિએ નથી લખ્યું કે નથી કોઈ એક કાળખંડમાં લખાયું.

મહાભારતના યુદ્ધનો કાળ આજથી ૭,૫૮૨ વર્ષ અગાઉનો છે એવી ગણતરી નીલેશ નીલકંઠ ઓક નામના અત્યંત જાણીતા સંશોધકે ખગોળશાસ્ત્રના આધારે કરી છે. આ વિશે એમણે એક પુસ્તક પણ લખ્યું છે જે ખાસ્સું જાણીતું થયું છે. ( નીલેશ ઓકની ગણતરી મુજબ ભગવાન શ્રીરામનો જન્મ આજથી ૧૪,૨૬૧ વર્ષ પહેલાં થયો). વેદવ્યાસે મહાભારતનો ઇતિહાસ લખ્યો એવું આપણે જાણીએ છીએ.

પુરાણો ત્રીજીથી દસમી સદી વચ્ચે લખાયાં. અર્થાત્ આજથી ૧,૭૦૦ અને ૧,૦૦૦ વર્ષ પહેલાંના ગાળા દરમ્યાન પુરાણો લખાયાં.

એટલે કે મહાભારતકાળના લગભગ છએક હજાર વર્ષ બાદ પુરાણો લખાયાં છે. શ્રીમદ્ ભાગવત મહાભારત પછી લખાયું. ભાગવત પણ વેદવ્યાસે લખ્યું છે. તો શું વેદવ્યાસ છ હજાર વર્ષ સુધી જીવ્યા?

વેદઉપનિષદમાં જે ફિલસૂફી છે તે સમજવામાં અઘરી છે અને આમ જનતા સુધી આવું ઉત્તમ જ્ઞાન પહોંચાડવા માટે તમારે સરળ ભાષામાં એને ફરીથી લખવું જોઈએ એવો આદેશ વેદવ્યાસને થયો એટલે એમણે મહાભારત લખ્યા પછી શ્રીમદ્ ભાગવત લખવાનું શરૂ કર્યું એવું તમને ભાગવતની પ્રેક્ટિકલી દરેક આવૃત્તિની પ્રસ્તાવનામાં વાંચવા મળશે.

પણ મહાભારતમાં તો પુખ્ત વયના જ શ્રીકૃષ્ણ છે. એના છ હજાર વર્ષ બાદ શ્રીકૃષ્ણના જીવનના સિક્વલરૂપે નહીં પણ પ્રીક્વલરૂપે શ્રીમદ્ ભાગવતમાં એમના બાળપણની અને કિશોરાવસ્થાની વાતો આવે છે. મહાભારતમાં તો ક્યાંય ગોપીઓ સાથેની રાસલીલા કે અમુક હજાર આઠ રાણીઓની કોઈ વાત નથી (ખોટો હોઉં તો સુધારજો, દિનકરભાઈ. દિનકર જોષીએ ‘મહાભારત’ના એક લાખ શ્ર્લોકોનું ગુજરાતી ભાષાંતર કરાવીને એને સંપાદિત કરીને વીસ ગ્રંથોમાં ફેલાયેલા ગુજરાતી ‘મહાભારત’નું અભૂતપૂર્વ કાર્ય કર્યું છે.) તો પછી જે શ્રીકૃષ્ણ પ્રતાપી, જ્ઞાની અને જીવન-રાજકારણ- સમાજકારણના વ્યવહારુ તોડ-ઉકેલો આપનારા છે તે શ્રીકૃષ્ણને છેક છ હજાર વર્ષ બાદ ગોપીઓ સાથે રાસલીલા રમતા દેખાડવા પાછળનો આશય શુંં?

અને આજે એ હાલત છે કે પ્રતાપી શ્રીકૃષ્ણ સહેજ બૅકગ્રાઉન્ડમાં ધકેલાઈ ગયા છે. ક્યાંય રામાયણની જેમ નવ દિવસની મહાભારત કથા ગવાતી નથી. થાય છે શ્રીમદ્ ભાગવતની પારાયણ. સાત દિવસની ભાગવતકથાનું શ્રવણ તમારામાંથી ઘણાએ કર્યું હશે. મેં સૌપ્રથમ વાર છ વર્ષની તદ્દન માસૂમ ઉંમરે અમારા કુટુંબે અમારા વતન દેવગઢ બારિયામાં રણછોડજીના મંદિરના જીર્ણોદ્ધાર પ્રસંગે ડોંગરેજી મહારાજની શ્રીમદ્ ભાગવત પારાયણ કથા બેસાડેલી તે સાંભળેલી જેના સંસ્કારની છાપ હજુય મન પર ઝાંખી તો ઝાંખી પણ છે. ત્યારબાદ કદાચ ૧૯૮૩ કે ૧૯૮૪માં મલાડમાં આદર્શ ડેરીના વિશાળ ચોગાનમાં ડોંગરેજી મહારાજના શ્રીમુખે શ્રીમદ્ ભાગવત પારાયણ માણવાનો અવસર મળ્યો. તેની વચ્ચેનાં વર્ષોમાં તેમ જ ૧૯૮૩-૮૪ પછી અત્યાર સુધીનાં વર્ષોમાં રૂબરૂમાં, ટીવી દ્વારા કે ગ્રંથ દ્વારા ભારતના અનેક મહાન ભગવદાચાર્યોએ ગાયેલી ભાગવતકથાનો આસ્વાદ લીધો છે.

સ્વયં અભ્યાસ માટે, એમાં ઊંડા ઊતરવા માટે શ્રીમદ્ ભાગવતની ત્રણ વિવિધ આવૃત્તિઓ મગાવી લીધી. મહાભારતનાં તો ત્રણથી વધારે સ્વરૂપો ઑલરેડી ઘરમાં છે. બાય ધ વે, મહાભારત ઘરમાં ન રખાય કે આખું મહાભારત વંચાય નહીં એવી માન્યતા કોણે ફેલાવી હશે અને શા માટે ફેલાવી હશે એ તો ભગવાન જાણે, પણ જે ઘરોમાં મહાભારતના સારની નાની સરખીય ચોપડી નથી એવા ઘરો કરતાં મારા ઘરમાં ઓછા ઝઘડા થાય છે! શ્રીકૃષ્ણ વિશે કનૈયાલાલ માણેકલાલ મુન્શીએ લખેલી ‘કૃષ્ણાવતાર’ ગ્રંથાવલિથી લઈને બીજા અનેક નામી-આદરણીય લેખકોએ શ્રીકૃષ્ણને પોતપોતાની નજરેથી જોઈને લખેલાં સફળ પુસ્તકોનું આચમન પણ કર્યું છે.

પણ જેમ જેમ આ વિષયમાં ઊંડો ઊતરતો જઉં છું તેમ તેમ મારી અસમંજસ વધતી જાય છે. શું મહાભારતમાં જે કૃષ્ણનું ચરિત્ર અને ચારિત્ર્ય જાણવા મળે છે તે સાચું છે કે પછી છ હજાર વર્ષ બાદ રચાયેલી અને જનજીવનને ભાવી ગયેલી શ્રીકૃષ્ણની પ્રેમલીલાઓ સત્ય છે. મારો ભગવાન પ્રતાપી છે કે પછી એ પ્રેમઘેલો છે? (‘પ્રેમ’ તો અહીં વાપરવો પડે એટલે. બાકી…) છ હજાર વર્ષના અંતરાલ બાદ પુરાણો રચીને અને ૧૮માંનું એક એવું શ્રીમદ્ ભાગવત મહાપુરાણ રચીને સડનલી કૃષ્ણની આ રોમાન્સબાજીનું સર્જન કરવાનું કોને સૂઝયું હશે? શું આવું કરવા પાછળ કોઈનો ભૌતિક સ્વાર્થ હશે કે પછી પ્રેમલક્ષણા ભક્તિનો કોઈ નવો ફાંટો શોધીને પ્રભુની આરાધના કરવાની સરળ રીતે ભોળી-અભણ પ્રજાને શીખવવાનો કોઈ સદ્હેતુ હશે? આ બધી બાબતમાં માત્ર ગ્રંથો વાંચવાથી સાચી દિશા ન જડે એટલું તો આપણને સૌને ખબર છે અને ગૂગલનું જ્ઞાન આ બધી બાબતો માટે લેવા ન જવાય. તો ક્યાં જવું. મારા માટે આ વિષયના પરમ જ્ઞાતા અને આજીવન આ તમામ વિષયોના જે ઉપાસક રહ્યા છે તે સ્વામી સચ્ચિદાનંદનું સ્થાન પ્રથમ હતું એટલે આજથી ત્રણ વર્ષ પહેલાંની હોળીની બપોરે ટ્રેન પકડીને મોડી રાત્રે આણંદ પહોંચીને વહેલી સવારે પેટલાદના પાદરે આવેલા દંતાલી ગામના ભક્તિનિકેતન આશ્રમે પહોંચી ગયો. સ્વામીજી સાથે બે દિવસ પહેલાં ફોન પર વાત થઈ ગઈ હતી અને ચર્ચાનો વિષય જણાવીને એમની અનુકૂળતા જાણી લીધી હતી. સ્વામીજીની વાતોને હું કાગળ પર ટપકાવું કે રેકૉર્ડ કરું એવી અવઢવ હતી. મેં નક્કી કર્યું કે આવું કશું પણ કરવા જઈશ તો વાતોનો જે સ્વાભાવિક પ્રવાહ હશે તે ખોરવાઈ જશે. એટલે મેં માત્ર એમને બે પ્રશ્ન કરીને વાતનો દોર એમને સોંપીને માત્ર શ્રોતા બનવાનું નક્કી કર્યું. મારા આશ્ચર્ય વચ્ચે એમણે ભગવા ઝભ્ભાના ખિસ્સામાંથી નાનકડું ડિજિટલ રેકૉર્ડર કાઢીને કહ્યું, ‘રેકૉર્ડિંગ કરી લઈએ, સચવાશે.’

મેં તરત જ મારા ફોનમાંના રેકૉર્ડરને ઑન કરીને કહ્યું: ‘ધુળેટી, ૨૦૧૮. સ્વામી સચ્ચિદાનંદ આશ્રમ, દંતાલી’ અને તેઓ એમના ટેપરેકૉર્ડરમાં બોલ્યા, ‘શ્રી સૌરભ શાહ સાથેનો વાર્તાલાપ, ૨જી માર્ચ, ૨૦૧૮, ધુળેટી.’

વધુ આવતી કાલે.

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

•••
આ લેખ તમને ગમ્યો? ન્યુઝપ્રેમીને સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

7 COMMENTS

  1. I HAD A BOOK “MARI DRUSHTI E SHREE KRISHNA” BY SHREE RAJNISH JI. I LOST SOMEWHERE OR SOMEBODY HAS NOT RETURNED IT. IF YOU HAVE THIS BOOK PLEASE READ THIS. WHAT A WONDERFUL BOOK! HE TOLD SOMEWHERE THAT SHREE KRISHNA WILL BE THE GOD OF 2021. HE IS A FASTEST GOD . ALL OTHER ARE….
    I AM WITH YOUR OPINION.WAITING FOR TOMORROW ARTICLE.

  2. I HAD A BOOK “MARI DRUSHTI E SHREE KRISHNA” BY SHREE RAJNISH JI. IMLOST SOMEWHERE OR SOMEBODY HAS NOT RETURNED IT. IF YOU HAVE THIS BOOK PLEASE READ THIS. WHAT A WONDERFUL BOOK! HE TOLD SOMEWHERE THAT SHREE KRISHNA WILL BE THE GOD OF 2021. HE IS A FASTEST GOD . ALL OTHER ARE….
    I AM WITH YOUR OPINION.WAITING FOR TOMORROW ARTICLE.

  3. સંજયભાઇ ઠાકર માટે = શ્રીમાન સંજયજી ,આપશ્રીએ સૌરભભાઇ નો ક્યારેક આજ વિષય પર લેખ વાંચીને feedback આપ્યું એનો મતલબ એ નથી કે સૌરભભાઈએ લેખ લખવા તમારી મંજૂરી લેવી પડે. તમે લખો છો કે મારી સમજણ શક્તિ નથી આ બધું સમજવાની, એમાંથી conclusion નહી કાઢવાની ! ભાઈસાહેબ , તમને newspremi વાચવા માટે કોઈ લમણે પિસ્તોલ મૂકીને જબરજસ્તી તો નથી કરતું . હું તો શ્રી અરવિંદો અને રમણમહર્શી જેવા જ્ઞાની મહાપુરુષ ના લખાણ બાજુ પર મૂકી , શ્રી સચિનાનંદ અને સૌરભભાઇ ના લેખો વાચવા અને માણવા પસંદ કરું જે સાદી અને સરળ ભાષા માં મગજ માં ઉતરી જાય. જો ભગવાને ભેજું આપ્યું હોય તો. ભારી ભરખમ ભાષા અને જેમાંથી કઈજ સમજણ ન પડે એ બધી વાતો કહેવાતા જ્ઞાની મહાપુરુષો ફક્ત પોતાની મહત્તા સ્થાપવા લખતા અને બોલતા હોય છે.

  4. Saurabhbhai, previously on the same subject when you wrote I posted my feedback, again doing the same. Hope you will at least read and try to understand. If I don’t know about space then it’s not crime. But even knowing that it is beyond my understanding one must refrain from drawing conclusions. Swami Sachhidananda is good of social science but for subject like Shrimad Bhagvat try to read spiritual scientists like Vedic Acharya tradition if not able then try to gain from Shri Raman Maharshi or Sri Aurobindo or authentic spiritual personalities rather than so called orators. There are things about which your interpretations are totally
    misleading try to read Swami Vivekananda’s complete work and then write. I know people like you are very much enclosed in their own understanding but I think I must also write my feedback. Hope to see and read improved version of spiritual understanding.

    • Instead of wasting your time and energy in preaching me or passing some lose comments on Swami Sachhidanand please write an article on your blog or fb or anywhere else to counter the points made in my articles. First establish your identity and credentials. Then take one by one point and give proper first hand reference. Do it in your space and send me on mail or give a link in this comment box. My email is: Hisaurabhshah at gmail dot com.

  5. Good series on Sri Krishna,

    For personal reason, I like Sri Krishna’s charitra after vadh of Kans and later. I agree had same feeling why movies and books depicted Sri Krishna from the angle of Radha and Ras Lila more. Sri Krishna’ Eipc is Geeta Kathan before Mahabhara is part of Mahabhart.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here