પાણી છે ત્યાં પૂર છે, પવન છે ત્યાં વાવાઝોડું છે : સૌરભ શાહ

( ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ : ગુરુવાર, 8 ઑક્ટોબર 2020)

આપણે તો જ્યાં, જેનું સારું દેખાય તે અપનાવી લેવાનું.

રાઈટ?

રૉન્ગ.

આ એક ભ્રમણા છે. કોઈનામાં સારું જોઈ લીધું એટલે તમે પણ એ વાત અપનાવીને સારા થઈ જશો એ માની લેવું એક ભ્રમણા છે. પણ ઘણા ભોળા લોકો આવું માની બેસે છે. ઘણા માસૂમોને લાગે છે કે આપણે તો પેલી વ્યક્તિની માત્ર પ્લસ સાઈડને જ જોઈને અપનાવી લેવાની. કોઈનામાં આ સારું હોય તો કોઈનામાં પેલું સારું હોય. દરેકમાંથી સારી સારી વાતો ચૂંટીને એને આપણા જીવનમાં ઉતારી દેવાની એટલે પત્યું.

ક્રીમ બિસ્કિટમાંથી ક્રીમ ક્રીમ ચાટીને બિસ્કુટને ફેંકી દેવા જેટલું સરળ નથી આ. અહીં જે છે તે બધું જ પૅકેજરૂપે મળે છે. કોઈ હીરોઈનનું સુડોળ ફિગર જોઈને તમને (તમને એટલે તમને— સ્ત્રીવાચકને) ઈર્ષ્યા આવતી હોય ને તમે પણ ડાયેટ-એક્સરસાઈઝ થકી એવું ફિગર મેળવવા માગતા હો ત્યારે તમને ખબર નથી હોતી કે ડૂચા જેવો ‘હેલ્ધી ડાયેટ’ ખાઈખાઈને પેલીનો સ્વભાવ કેટલો રેચેડ થઈ ગયો છે, છાશવારે ટેન્ટ્રમ કરતી થઈ ગઈ છે. પણ તમને એવો વિચાર નહીં આવે. તમને તો એનું ફિગર જ દેખાશે.

કોઈ અતિ શ્રીમંતની લાઈફસ્ટાઈલ જોઈને તમને પણ એનાં જેવાં શૂઝ, પરફયુમ્સ, કપડાં, કાર, ઘર વસાવવાનું મન થાય. તમને ખબર નથી કે આ માણસમાં કેટલી બધી ટેલન્ટ છે અને પૈસા કમાવવા એ દિવસરાત કેટલી મહેનત કરે છે. મહેનત જ નથી કરતો આ માણસ, જ્યાં ઝૂકવું પડે છે ત્યાં એ ઝૂકી જાય છે—તમારા જેવો જિદ્દી કે અકડુ નથી. ધારે એને એ રિઝવી શકે છે, તમારી જેમ એકની એક વાતનું પૂછડું પકડીને બેસી રહેતો નથી.

કોઈ પણ વ્યક્તિ જે છે તેના બનવા પાછળ તમને નહીં દેખાતાં ઘણાં બધાં ફેક્ટર્સ હોવાનાં. તમને બિલ ગેટ્સ કે વૉરન બફેટ કે સ્ટીવ જૉબ્સ બનવાનાં ખ્વાબ દેખાડતા મોટિવેટર્સ આ કે આવા તમામ મહાનુભાવોના બિસ્કિટનું ક્રીમ જ ચખાડે છે, આખું બિસ્કુટ ખવડાવતા નથી. તમારે સ્કલ્પટેડ સ્નાયુબદ્ધ શરીર જોઈતું હોય તો સ્ટીરોઈડ લઈ લઈને અંદરથી તમારા શરીરની વાટ લગાડવી પડે. ઈટ ગોઝ ટુગેધર. બેઉ સાથે જવાનાં. તમને મર્સીડીસનું એન્જિન, ફરારીની ચેસીસ, જેગ્વારનું ઈન્ટિરિયર અને બુગાટીની ફ્રન્ટ ગ્રિલ એક જ કારમાં જોઈએ તો એ ના મળે. તમે ફ્રિજ પાસે અવનનું અને અવન પાસે વૉશિંગ મશીનનું કામ પણ ન લઈ શકો.

એવું જ સ્થળની બાબતમાં. દુબઈ પાસેથી શીખવા જેવું હોય તો ત્યાંની શિસ્ત, ચોખ્ખાઈ. સિંગાપોર પાસેથી ત્યાંની ટ્રાફિક ડિસિપ્લિન શીખવા જેવી અને શાંઘાઈ પાસેથી ટાઉન પ્લાનિંગ. વાતો કરવી સહેલી છે. આ કોઈ લોકશાહી દેશો નથી. યુરોપ-અમેરિકાની વાત કરનારાઓ ભૂલી જાય છે કે બીજા દેશોને-બીજી પ્રજાને ગુલામ બનાવીને તેઓ સમૃદ્ધ થયા. સ્વિટ્ઝર્લેન્ડ જઈ આવ્યા પછી ભારતની પ્રજાને, અહીંના પોલિટિશ્યન્સને કન્ડેમ્ન કરવાનું કામ આસાન છે. પણ તમને ખબર નથી કે સ્વિસ રેલવેના કર્મચારીઓના યુનિફૉર્મ્સ ઈન્ડિયાથી જાય છે અને એ ગણવેશના ભારતીય મેન્યુફેક્ચરરે ત્યાંના તંત્રને લાંચ ખવડાવીને ટેન્ડર પાસ કરાવવાં પડે છે. તમને ખબર નથી કે શાંઘાઈમાં નવો રસ્તો બનાવવો હોય કે જૂનાં મકાનને હટાવીને નવી વસાહત બનાવવી હોય તો ત્યાંની સરકાર કલમના એક ઝાટકે આ કામ કરી શકે છે, કારણ કે ત્યાં સરમુખત્યારી છે. અહીંની લોકશાહીમાં તમારાથી એવું નથી થઈ શકતું. સિંગાપોરમાં આજની તારીખે પણ હ્યુમન રાઈટ્સવાળાઓની ઐસીતૈસી કરીને સરકાર ફટકાઓની સજા કરી શકે છે અને દુબઈમાં મીડિયા પર જે પ્રકારનાં નિયંત્રણો છે તે જો ઈન્ડિયામાં હોય તો એક પણ છાપું કે એક પણ ટીવી ચેનલ ચાલી ન શકે.

તમારે આ જોઈતું હોય તો પેલું પણ સ્વીકારવું પડે. પ્રેરણાની પરબ ખોલીને બેસનારાઓ તમને ઊંધે રવાડે ચડાવતા હોય છે અને તમે ચડી જતા હો છો. પછી જ્યારે ખબર પડે કે આવી સુષ્ઠુ સુષ્ઠુ વાતો સાંભળવા/વાંચ્યા પછીય તમે ત્યાંના ત્યાં જ છો ત્યારે તમને તમારી જાત માટે ધિક્કાર થાય છે—હું જ આવો કે હું જ આવી. હકીકતમાં તો તમારે આવું બ્રહ્મજ્ઞાન થયા પછી પેલા પરબવાળાને ફટકારવો જોઈએ – તમને ઊંધે રવાડે ચડાવી દેવા બદલ.

પણ શું છે કે સુષ્ઠુ સુષ્ઠુ સાંભળવું/વાંચવું અને સુષ્ઠુ સુષ્ઠુ બોલવું/લખવું બધાંને ગમે છે. ચાંપલી ચાંપલી અને ડાહી ડાહી વાતો કોને ન ગમે? પણ એવી વાતોથી કોઈનો ઉદ્ધાર થતો નથી. જીવન ભટકી જાય છે.

જ્યાં કે જેનામાં કશું પણ સારું દેખાય ત્યારે વિચારવાનું કે આ જે ફાઈનલ પ્રોડક્ટ દેખાય છે તે બનાવતી વખતે કેટલો વેસ્ટેજ બહાર નીકળ્યો હશે, કેટલું પૉલ્યુશન પેદા થયું હશે. આ વેસ્ટેજને અને પૉલ્યુશનને હેન્ડલ કરવાની તમારી કૅપેસિટીને જાણી-નાણી લીધા પછી જ એવી સોહામણી પ્રોડક્ટના ઉત્પાદનનું જોખમ ખેડવું.

તમારે ગાલિબ, ગુલઝાર કે પછી મરીઝ-રમેશ પારેખ જેવા કવિ બનવું હોય તો માત્ર કલ્પનાના ગુબ્બારા છોડીને નહીં બની શકાય. તેઓ જે રીતે જીવનની ચક્કીમાં પીસાયા છે તે રીતે તમારે પણ પીસાવું પડે. તમારે એન્ટિલા, પ્રતીક્ષા કે મન્નત બાંધીને રહેવું હોય તો જીવનના અનેક કડવા ઘૂંટડા રોજના ધોરણે ગળવા પડે અને એટલું જ નહીં ધાર્યો મહેલ બનાવી લીધા પછી પણ એના શયનખંડમાં સૂતાં સૂતાંય એવા ઘૂંટડા ગળવાનું ચાલુ રાખવું પડે.

દરેક વાતનું એક પૅકેજ હોય છે. આ જીવન કંઈ અ લા કાર્ટ નથી, પણ સેટ ડિનર છે. તમે મેનુ કાર્ડમાંથી આ વાનગી પસંદ કરી, એમાં પેલી ઉમેરી, પછી પેલી લીધી એવું નહીં કરી શકો લાઈફમાં. અહીં તમને તૈયાર થાળી મળે છે (બહુ બહુ તો એમાંની એકાદ વાનગી બદલાવી શકશો. સંભારને બદલે રસમ કે મિક્સ્ડ ભાજીને બદલે સુકી ભાજી કે પછી રોટીને બદલે રાઈસ. બસ). ભાવતું – ન ભાવતું બધું જ ખાઈ જવાનું છે તમારે, તો જ પેટ ભરાશે. કચકચ કરવા બેસશો કે પરવળ નથી ભાવતાં તો ભૂખ્યા રહી જશો અને બીજો કોઈ પરવળ ખાઈને તાકાત મેળવીને આગળ નીકળી જશે.

કોઈ પણ વ્યક્તિમાં તમને જે કંઈ સારું દેખાય છે તે સારું જો તમારે તમારા જીવનમાં અપનાવવું હશે તો એ સારપની સાથે અનિવાર્યપણે જોડાયેલી, તમને નહીં ગમતી બાબતો પણ, તમારામાં આવવાની. એ જ્યારે એ આવે ત્યારે તમારે એવું નહીં માનવાનું કે હું કેટલી ખરાબ વ્યક્તિ અને પેલો કેટલો સારો માણસ.

ખામીઓ તો દરેકમાં હોય, આપણે માત્ર એમની સારી સારી વાતો અપનાવવાની એવું હવે ક્યાંય તમે વાંચો કે કોઈ તમને કહે કે તો માનવાનું કાં તો એ તમને ભરમાવે છે કાં તો એ પોતે અબૂધ છે. પાણી હોય ત્યાં પૂરની અને પવન હોય ત્યાં વાવાઝોડાની શક્યતા રહેવાની જ.

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને સપોર્ટ કરવા માટેની અપીલ : સૌરભ શાહ

પ્રિય વાચકો,

ગુજરાતી ભાષાના સૌથી વધુ વંચાતા, વખણાતા અને ચર્ચાતા લેખક-પત્રકારોમાંના એક સૌરભ શાહ તમને રોજ ‘ન્યુઝપ્રેમી’ દ્વારા મળે છે.

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના ચાલતું સ્વતંત્ર, તથા કોઈનીય સાડીબારી ન રાખતું ડિજિટલ મિડિયા છે અને એટલે એ ભરોસાપાત્ર છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા પ્લેટફૉર્મને અડીખમ રાખવા તમારા સપોર્ટની જરૂર છે.

‘ધ ક્વિન્ટ’, ‘ધ પ્રિન્ટ’, ‘ધ વાયર’, ‘સ્ક્રોલ’ કે બીજાં ડઝનેક તોતિંગ અંગ્રેજી ડિજિટલ મિડિયા કરોડો રૂપિયાનું ફંડિંગ ઉભું કરીને પોતાના એજન્ડાને— કામકાજને આગળ વધારી રહ્યા છે. ‘ન્યુઝપ્રેમી’ આવી રીતે કામકાજ કરવામાં માનતું નથી. ઇન્વેસ્ટર્સ પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા પછી અમુક મિડિયા કરોડરજ્જુ વિનાનાં બની જતાં હોય છે. ઇન્વેસ્ટરોનો વેસ્ટેડ ઇન્ટરેસ્ટ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવાથી સચવાતો હોય ત્યારે મિડિયાએ પણ વાચકોનો દ્રોહ કરીને, વાચકોને ઊંધા રવાડે ચડાવીને એન્ટી-નેશનલ ન્યુઝ અને એન્ટી-નેશનલ વ્યુઝ આપવાની પ્રવૃત્તિમાં જોરશોરથી ભાગ લેવો પડતો હોય છે.

આ જ કારણોસર ‘ન્યુઝપ્રેમી’માં જાહેરખબરો પણ ઉઘરાવવામાં નથી આવતી. જે ઘડીએ એડવર્ટાઇઝરના વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ન જળવાય એ જ ઘડીએ કાં તો તમારો હાથ આમળીને તમારી પાસે તેઓ પોતાનું ધાર્યું કરાવતા થઈ જાય અને વાચકો ગેરમાર્ગે દોરવાઈ જાય, કાં પછી તમારી નૌકાને મધદરિયે હાલકડોલક કરીને ડુબાડી દેવાની ધમકી આપવામાં આવે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મીસમા સૌરભ શાહ દ્વારા 24×7 થઈ રહી છે. ( એક વાચકે ‘ વન કેન’—one pen, one man, one can—નું બિરૂદ આપ્યું છે. કોઈ એક લેખની કમેન્ટમાં છે.)

‘ન્યુઝપ્રેમી’નું લેખન-સંપાદન તથા એની સાજસજ્જા મુંબઈમાં થાય છે. ટાઇપસેટિંગ ભાવનગર અને અમદાવાદમાં થાય છે. ‘ન્યુઝપ્રેમી’ના એડમિનિસ્ટ્રેશનની જવાબદારી પૂણેથી નિભાવવામાં આવે છે અને ‘ન્યુઝપ્રેમી’ને ટેક્નિકલ સપોર્ટ બેંગ્લોર સ્થિત ગુજરાતી ટેકનોક્રેટ આપે છે. ‘ન્યુઝપ્રેમી’ની હિન્દી આવૃત્તિ માટેનું અનુવાદકાર્ય મુંબઈ – અમદાવાદમાં થાય છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

6 COMMENTS

  1. અનુકરણ એ મરણ છે.એને શીંગડા નથી હોતા.તું જ તારો તારણહાર અને તું જ તારો ગુરુ ને ચેલો. વિવેક તારો ગુરુ,મિત્ર,ને માર્ગદર્શક.બાકી તમારા લેખો માં અફીણ તો હોય છે જ!

  2. દોનો હાથમેં લડ્ડુ શક્ય નથી. Everything come in package.even life

  3. વાહ સર. આપનો આ આર્ટીકલ બહુ જ ગમ્યો મને. ઘણા મુંઝવતા પ્રશ્ર્નોના જવાબ મળ્યા. આ સારુ તો એની સાથે સાથે જે ખરાબ આવે છે એને અપનાવવાની પણ તૈયારી હોવી જ જોઈએ. આપના સીધા અને સ્પષ્ટ જવાબ , વાતને પૂરી ખોલીને સામે મૂકી દેવાની રીત મને બહુ ગમે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here