સર્જિકલ સ્ટ્રાઈક અને પ્રધાનમંત્રી મોદી

ગુડ મૉર્નિંગ – સૌરભ શાહ

( મુંબઇ સમાચાર : શનિવાર, 9 ફેબ્રુઆરી 2019)

16મી સપ્ટેમ્બરે જ્યારે ઉડીની ભારતીય લશ્કરી છાવણીમાં ચાર આતંકવાદીઓ ઘૂસી આવ્યા એ બનાવને યાદ કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી કહે છે: ‘જે રીતે આપણી સેનાના જવાનોને મારી નાખવામાં આવ્યા, જીવતા સળગાવી દેવામાં આવ્યા એ ઘટનાએ મને બહુ બેચેન બનાવી મૂક્યો હતો. અને મારી ભીતર એક આક્રોશ હતો. હું કેરળ ગયો હતો, ત્યાં એક પબ્લિક મીટિંગમાં મેં એનો ઉલ્લેખ પણ કરી દીધો, કારણ કે હું મારી જાતને રોકી શકતો નહોતો. પણ હું એક લોકતાંત્રિક વ્યવસ્થાનો પ્રતિનિધિ છું. અને મારો વ્યક્તિગત ગુસ્સો, મારો વ્યક્તિગત આક્રોશ, મારી વ્યક્તિગત બેચૈનીઆનો પ્રભાવ વ્યવસ્થાતંત્ર પર ન પડવો જોઈએ, એવું સંતુલન રાખવું જોઈએ એની સમજ મારામાં છે. પણ આવું શું કામ થયું એ વિશે હું સતત સેનાના અધિકારીઓ સાથે ચર્ચા કરતો રહ્યો. પણ મેં અનુભવ્યું કે મારા કરતા વધારે આગ સેનાના લોકોની ભીતર લાગી છે. તેઓ આ પરિસ્થિતિમાં દેશના જવાનોનું મોરલ ટકાવી રાખવા એમને ન્યાય અપાવવા માગતા હતા. મેં એમને કહ્યું કે આ બાબતે આપણે શું કરી શકીએ એમ છીએ એનો કમ્પલીટ પ્લાન લઈને મારી પાસે આવો અને જે કંઈ વિચારવું હોય તે વિચારવાની છૂટ છે તમને, વિચાર કરવામાં સહેજ પણ કસર છોડતા નહીં. પછી સાથે બેસીને નક્કી કરીશું કે એમાંથી કેટલું કરી શકીએ એમ છીએ, શું શું કરી શકીએ એમ છીએ. મેં એમને પૂરેપૂરી છૂટ આપી હતી. એ લોકોએ આખો પ્લાન ઘડ્યો, લઈને આવ્યા મારી પાસે. બે વાર અમારે તારીખ બદલવી પડી – આ ઑપરેશનની, કારણ કે હું ફુલ સિક્યુરિટી ચાહતો હતો. છેવટે ફાઈનલ તારીખ નક્કી થઈ. હું જાણતો હતો કે બહુ મોટું જોખમ હતું. અને આ જોખમ મારા માટે રાજનૈતિક ફાયદા કે નુકસાનનું નહોતું – એ વિશે હું ક્યારેય વિચારતો પણ નથી. મારા જવાનો – એમનું કોઈ નુકસાન ન થવું જોઈએ, કારણ કે તેઓ અમારા શબ્દ પર જિંદગીનો દાવ ખેલવા નીકળી પડે છે. એમના માટે જે કંઈ સાધનોની જરૂર હતી એ બધાની વ્યવસ્થા કરવામાં આવી જેથી એમને કોઈ તકલીફ ન પડે. બીજું એ નક્કી કરવામાં આવ્યું કે એમને સ્પેશ્યલ તાલીમ આપવી પડશે તો એની પણ વ્યવસ્થા કરવામાં આવી જે વાત અત્યંત ખાનગી રહે એ જરૂરી હતું. ટ્રેનિંગ દરમ્યાન એ વિસ્તારની ભૂગોળ, ત્યાંની ટોપોગ્રાફી કેવી હશે એ પણ એમને દેખાડવામાં આવ્યું. ક્યાં ક્યાં વિઘ્નો આવી શકે એમ છે એની પણ ચર્ચા થઈ. મારા માટે આ એક બહુ લર્નિંગ એક્સપીરિયન્સ હતો એટલે હું બહુ હોંશથી, સમય કાઢીને એમાં ભાગ લઈ રહ્યો હતો. મને પણ કંઈક શીખવા મળતું હતું. પછી અમે જ્યારે બેઠા ત્યારે નક્કી કર્યું કે ફલાણી તારીખે આ ઑપરેશન કરવાનું છે, કોણ ક્યાં હશે તે પણ ફાઈનલ થઈ ગયું. અને નક્કી કરવામાં આવ્યું કે સૂર્યોદય પહેલાં આપણા જવાનો પાછા આવી જવા જોઈએ. મેં સ્પષ્ટ આદેશ આપ્યો હતો કે સફળતા મળે કે નિષ્ફળતા એની ચિંતા નહીં કરતા પણ સૂર્યોદય પહેલાં પાછા આવી જવાનું છે. આપણે કોઈ મોહમાં તણાઈ જઈએ અને લાંબું ખેંચાઈ જાય એવું ન થવું જોઈએ, શક્ય છે કે નિષ્ફળ થઈને પાછા આવવું પડે તો ભલે, પણ હું મારા જવાનોને મરવા નહીં દઉં એ મારી પહેલી શરત હતી. એમને વેલ ઈક્વીપ્ડ કરવામાં આવ્યા હતા, વેલ ટે્રઈન્ડ કરવામાં આવ્યા હતા. એ પછી પણ એમને પોતાને નિર્ણય કરવાનો મોકો આપવામાં આવ્યો હતો કે આટલું રિસ્કી કામ છે, તમે નક્કી કરો. શોધીને-ચાળીને એમની ટીમ બનાવવામાં આવી હતી. આ બધી પ્રક્રિયામાં થોડો સમય પણ ગયો હતો. દેશમાં પણ આક્રોશ હતો. હું લાઈવ કૉન્ટેક્ટમાં હતો. પણ વહેલી સવારે જાણકારી આવવાનું બંધ થઈ ગયું. સૂર્યોદય થવા આવ્યો અને હું ફરી બેચૈન થઈ ગયો. હું મનમાં વિચાર્યા કરું કે શું થયું હશે, એક કલાકથી કોઈ સમાચાર આવી રહ્યા નથી, બાકી તો સતત ખબર મળતી હતી કે પહેલી ટુકડી નીકળી ગઈ છે, બીજી ટુકડી… બીજી વિગતો. પણ સૂર્યોદય થયા પછી પણ કોઈ સમાચાર આવ્યા નહીં. હું નહોતો ઈચ્છતો હું સામેથી કૉન્ટેક્ટ કરું, ક્યાંક કોઈ તકલીફ થઈ જાય તો? સૂર્યોદયના એક કલાક પછી… એ સમય મારા માટે ખૂબ કપરો હતો. હું એ લોકો બધા જ હેમખેમ પાછા આવી ગયા છે એ સાંભળવા માટે તલપાપડ હતો. ત્યાં કેટલું અને શું નુકસાન કરીને આવ્યા છે એ વાત પછી પણ દરેક જવાન જીવતો પાછો ફરે એ મારી પ્રાથમિકતા હતી. પછી એક સમાચાર આવ્યા કે હજુ તેઓ આપણી સીમામાં નથી આવ્યા પણ બેત્રણ ટુકડી સેફ ઝોનમાં પહોંચી ગઈ છે પણ ચાલીને પાછા આવતાં વાર લાગે એમ છે. મને કહેવામાં આવ્યું કે હવે તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. મેં જણાવ્યું કે છેલ્લામાં છેલ્લો જવાન પાછો ન આવી જાય ત્યાં સુધી મને ખબર મળતી રહેવી જોઈએ. સૂર્યોદયના બે કલાક પછી સૌ સલામત છે એવા સમાચાર મળ્યા. છેલ્લો જવાન આવી ગયાના સમાચાર મળ્યા એટલે મેં કેબિનેટ કમિટી ઑન સિક્યુરિટીની મીટિંગ બોલાવી. આર્મીના લોકોએ એમને બ્રીફિંગ આપ્યું. પછી પાકિસ્તાનને સૂચના આપવામાં આવે અને પછી મીડિયાને જાણ કરવામાં આવે એવું નક્કી થયું. પાકિસ્તાનના લોકો ટેલિફોન પર આવતા નહોતા. આ બાજુ મીડિયાને અગિયાર વાગ્યે આવવાનું કહેવાઈ ગયું હતું. હું પણ પરેશાન હતો. છેવટે સાડા અગિયાર – પોણા બારે એ લોકો સાથે ટેલિફોન પર વાત થઈ. મીડિયાને બાર વાગ્યે બ્રીફિંગ આપવામાં આવ્યું. સફળતાપૂર્વક ઑપરેશન પાર પડ્યું એનું એક્સાઈટમેન્ટ હતું, અગાઉ ચિંતા તો હતી જ. પણ જે બારીકીથી આ ઑપરેશન પાર પડ્યું એમાં મને આપણી સેનાની શક્તિનો નવો પરિચય થયો. આપણી સેનામાં આ જે સામર્થ્ય છે તે અદ્ભુત છે. હું તો માથું નમાવીને એમને નમન કરું છું, આપણી સેના પર ગર્વ થાય છે.’

પહેલી જાન્યુઆરીના ઈન્ટરવ્યુમાં પ્રધાનમંત્રીએ કહેલા આ શબ્દો ફરી ફરીને વાંચવા જેવા છે, હૃદયમાં સંઘરી રાખવા જેવા છે. વડા પ્રધાનની કક્ષાની વ્યક્તિ જો દેશ માટે આખી રાતનો ઉજાગરો કરી શકે, નિષ્ફળતાની તમામ જવાબદારી પોતાના ખભે ઉપાડીને મિશનની સફળતા માટે ઝીણામાં ઝીણી વિગતોનો નિર્ણય કરવા માટે ગળાડૂબ બની જાય તો આપણે શા માટે આપણને પડતી નાનીમોટી તકલીફોનો સામનો કરવાને બદલે સરકાર પ્રત્યે ચીડચીડા થઈ જઈએ છીએ? શા માટે સહન કરતાં શીખતા નથી. શા માટે નાની નાની વાતે સરકાર સામે ફરિયાદ કરતાં રહીએ છીએ. શા માટે સમજતા નથી કે આ દેશ સલામત હશે તો જ આપણે સલામત છીએ અને દેશ કોના હાથમાં સલામત છે એ હવે તમને કહેવાનું ન હોય. તમે બધું જ સમજો છો, ટૂંકમાં કહીએ તો. 

આજનો વિચાર

હવે જ્યારે તમારા કાન પર અવાજ સંભળાય કે: ‘લોકશાહી કે ભારતીય બંધારણ જોખમમાં છે’ ત્યારે સમજવાનું કે ચોકીદારે એક ઔર ચોરને પકડી લીધો છે. 

– વૉટ્સએપ પર વાચેલું. 

એક મિનિટ!

બકો: એક જમાનામાં ઘર ઘર સે અફઝલ નીકલેંગે વાળી સ્કીમ ચાલુ થઈ હતી, યાદ છે? 

પકો: યાદ છે ને. 

બકો: હવે દરેક રાજ્યમાંથી વડા પ્રધાન નીકળશે એવી સ્કીમ આવી છે.

14 COMMENTS

 1. અદ્દભૂત , અકલ્પનિય ઘટના નું સચોટ વર્ણન થકી ઘટનાના પ્રત્યક્ષ સાક્ષિ હોવાનો અનુભવ થયો ,
  દેશને પ્રચંડ ઇચ્છાશક્તિ યુક્ત ,પ્રધાનમંત્રી મળયા સેના અને દેશ બન્નેએ ગૌરવ લેવા જેવી ઘટના ઘટી
  અદભુત વર્ણન શક્તિ સાથે કલમની સર્જકતા ની તાસીર આપે કૌશલ્ય સાથે રજૂ કરી

 2. સાહેબ તમારા લખાણ હકિકત થી ભરપુર અને રુંવાડા ઊભાં કરી નાખે એવા હોય છે, પણ તમે આ બધું કોપી પેસ્ટ વાળું લોક કરી લીધું છે ને તે ના લીધે તમારા કરતાં વધારે દેશ ને નુકસાન થાય છે. તમારી વિચારસરણી દેશ ને ખુબ ઉપયોગી છે, તેનો ફેલાવો થતાં રોકો નહિ, અને આજકાલ વધારે ફેલાવો વોટ્સએપ મા જ થાય છે, હુ એવુ ઇચ્છું છુ કે તમારા દરેક લેખો વાઈરલ થવા જોઈએ, અને તે વોટ્સએપ વિના શક્ય નથી. મને લાગે છે કે આજ ના લેખ કાલે કોપી પેસ્ટ કરવા દો તમારું અને દેશ નું, બન્ને નું સચવાય જશે.

  સંજય ઘાએલ.
  સુરત.

  અમે સુરતીઓ એ આમ પણ કોપી પેસ્ટ કરીને દેશ ને બહુ આગળ કરી નાખ્યો છે…

 3. ગોપાલ પારેખ…ઘાટકોપર
  આપનો ચાહક અને વાચક છું પ્રથમ અહીં લખી રહ્યો છું…આપનો લેખ વાચીને પિક્ચર જોયું
  નરેન્દ્ગ મોદીને વડાપ્રધાન બનાવવા સૌએ મતદાતાઓને પ્રેરિત કરવા માટે અભિયાન

 4. મારા દેશ ના જવાનોને સૌ સૌ સલામ અને દેશ ના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ને સો સો સલામ અને

 5. Salute to Soldiers & proud for Narendra Modiji..Country really really needs a man for Nation First not a politician first..

 6. આપણા વડાપ્રધાન અને બહાદુર જવાનો ને ખુબ ખુબ ધન્યવાદ આવા મક્કમ નિર્ણય લેવા જોઈએ જય.

 7. આખો લેખ સરસ છે, અને લેખ નો છેલ્લો ફકરો તો યાદ રાખવા લાયક છે. આદર્શ દેશ ની આદર્શ સેના અને આદર્શ વડાપ્રધાન ને શત શત પ્રણામ. ભારત માતા કી જય.

 8. Enough, nothing to say, Modi again and again. The opposition is not against Modi now but against country. They should be learned a lesson by all.

 9. અદભુત, અફલાતુન વડાપ્રધાન મોદીજીને અને સેનાને કોટી કોટી વંદન

 10. My Josh like our current PM… As long as this PM their my josh will be PM… ( Permanently Maintauned )

 11. ખુબ સરસ ધન્યવાદ છે આપને સર્વને બળીયા બનાવવા બદલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here