આજે બંગાળમાં ભાજપ જીતશે તો શું થશે અને ભાજપ હારશે તો શું થશે : સૌરભ શાહ

( ગુડ મૉર્નિંગ એક્સક્લુઝિવ : રવિવાર, ચૈત્ર વદ છઠ, વિક્રમ સંવત : ૨૦૭૭. ૨ મે ૨૦૨૧)

આજનો લેખ તમને મળ્યા પછી તરત જ વાંચતા હશો તો બંગાળ, આસામ, તમિળનાડુ અને કેરળ રાજ્યોમાં અને પુડુચેરી કેન્દ્રશાસિત પ્રદેશમાં થયેલી ચૂંટણીની મતગણતરી હજુ માંડ શરૂ થઈ હશે. જો બપોરે બારેક વાગ્યાના સુમારે વાંચતા હશો તો દરેક રાજ્ય અને પુડુચેરીના ટ્રેન્ડ મોર ઓર લેસ ક્લિયર થઈ ગયા હશો અને સાંજે વાંચતા હશો તો મોટાભાગનાં પરિણામો આવી ગયાં હશે. કોણ ક્યાં જીત્યું અને હાર્યું એની ખબર પડી ગઈ હશે. આ પરિણામો વિશેની વાત આવતી કાલે થશે, આજે એ વાત કરવાની છે કે બંગાળમાં ભાજપ જીતશે તો શું થશે અને બંગાળમાં મમતા બેનર્જીની સરકાર જો ત્રીજીવાર બની તો શું થશે. (જોકે, ‘જન કી બાત’વાળા પ્રદીપ ભંડારીના સર્વે મુજબ નંદીગ્રામ મતવિસ્તારમાંથી ચૂંટણી લડનારાં મમતાદીદી ૨૦,૦૦૦ મતથી હારવાનાં છે.)

આજનો, બીજી મેનો દિવસ, સમગ્ર ભારત માટે ઘણો અગત્યનો છે. બંગાળ વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો કોઈ નૉર્મલ ઘટના નથી. ઘણી મોટી અને અસામાન્ય ઘટના છે. બંગાળને એક સમૃદ્ધ પ્રદેશમાંથી સાવ પછાત રાજ્ય બનાવવા માટે ત્રણ રાજકીય પક્ષો જવાબદાર છે. આઝાદી પછી કૉન્ગ્રેસ, માર્ક્સવાદી અને તૃણમૂલ કૉન્ગ્રેસે બંગાળ પર રાજ કર્યું. વચ્ચેના ચારેક નાનકડા ગાળાઓ દરમ્યાનની મોરચા સરકારોને બાદ કરો તો નેહરુ-ઇન્દિરાની કૉન્ગ્રેસે લગભગ 17 વર્ષ, જ્યોતિ બસુ અને બુદ્ધદેવ ભટ્ટાચાર્યની માર્કસવાદી-સામ્યવાદી સરકારે લગભગ 23 વર્ષ અને મમતા બેનર્જીએ 10 વર્ષ સુધી બંગાળને લૂંટ્યું છે, પોતાની તિજોરીઓ ભરીને પ્રજાને કંગાળ કરી છે અને બંગાળમાં કોમવાદને અને સામાજિક વિખવાદને ઊભો કર્યો છે, બહેકાવ્યો છે, પાળ્યો-પોષ્યો છે.

ભારતનું સીમાવર્તી રાજ્ય છે બંગાળ. કૉન્ગ્રેસીઓ, સામ્યવાદીઓ અને મમતાવાદીઓ પોતાના ટૂંકા સ્વાર્થ માટે આ દેશને વેચી નાખે એવા છે તેના સેંકડો દાખલાઓ આપણી પાસે છે. છેલ્લે 2016માં બંગાળ વિધાનસભાની ચૂંટણી યોજાઈ ત્યારે ભાજપને બંગાળમાં પગનો અંગૂઠો રાખવા જેટલી 3 (ત્રણ) બેઠકો મળી હતી. આ વખતે 294માંથી 147 કે એના કરતાં વધારે બેઠકો મળે તો ભાજપનું શાસન આવશે અને બંગાળની સિકલ બદલાઈ જશે. 2014 અને 2019ની લોકસભાની ચૂંટણી વખતે ભાજપના ઉમેદવારો માટે પ્રચારસભાઓ કરવા માટે નરેન્દ્ર મોદી આવતા ત્યારે એમની જનસભાઓના હવનમાં હાડકાં નાખવા માટે મમતા બેનર્જીના રાક્ષસો તૈયાર રહેતા. આ વાત ખુદ મોદીએ આ વખતના પ્રચાર અભિયાન દરમ્યાન એક કરતાં વધારે વાર કરી છે કે મુખ્યમંત્રી મમતા બેનર્જીની (ધાકધમકીને કારણે, કહો કે મવાલીગીરી અને ગુંડાગીરી) નેતાગીરીને કારણે ભાજપની જનસભાઓમાં જતાં લોકોને ડર લાગતો હતો. આવો ખૌફ હતો મમતા અને એમના સરમુખત્યારશાહી શાસનનો. ભાજપના નેતાઓને બંગાળમાં પગ નહીં મૂકવા દઉં એવું આ મુસ્લિમવાદી મહિલા વારંવાર જાહેરમાં બોલી ચૂક્યાં છે.

બંગાળને કેન્દ્ર દ્વારા મળતી આર્થિક મદદ મમતાએ લોકો સુધી પહોંચવા નથી દીધી. વાવાઝોડા કુદરતી હોનારત વખતે કેન્દ્ર તરફથી મળેલા કરોડો રૂપિયાથી મમતાના ગેન્ગસ્ટરોએ અંગત તિજોરીઓ છલકાવી છે. જનતાના આરોગ્ય બાબતની તેમજ કૃષિ સહાયની રકમ પણ લોકો સુધી પહોંચવા દીધી નથી અને આ યોજનાઓનું અમલીકરણ થવા દીધું નથી. આટલું ઓછું હોય એમ બંગાળમાં ઘૂસપેઠિયાઓને કાયદેસરના નાગરિકત્વ આપી દેવાયું. સીએએ અને એનઆરસીનો સૌથી મોટો વિરોધ મમતાએ કર્યો. આ બધું જ બદલાઈ જશે જો ભાજપનું શાસન આવ્યું તો. અને જો મમતા બેનર્જી ફરી મુખ્ય પ્રધાન બન્યાં તો પરિસ્થિતિ ઔર વકરવાની.

આ દેશના ઘા પર નમક ઘસતા હોય એ રીતે મમતાનું રક્ષણ મેળવીને તૃણમુલના ગુંડાઓએ સંખ્યાબંધ હિન્દુવાદી કાર્યકર્તાઓની, આરએસએસના સ્વયંસેવકોની અને ભાજપના સમર્થકોની ખુલ્લેઆમ હત્યા કરી. આ વિશે ગરુડ પ્રકાશને શુભમ તિવારી અને શિવમ રઘુવંશીએ તૈયાર કરેલા દસ્તાવેજને તાજેતરમાં પુસ્તકરૂપે પ્રગટ કર્યું છેઃ “પોલિટિકલ કિલિંગ્સ ઇન મમતાઝ બેન્ગાલઃ અ વ્હાઇટ પેપર ઑન વાયોલન્સ અગેન્સ્ટ ધ ઑપોઝિશન”. આજે ભાજપ જીતે કે હારે આ સ્ફોટક પુસ્તક વિશે એક-બે દિવસમાં વિગતે વાત કરવી પડશે. કારણ કે જો ભાજપ હારશે તો આ રાજકીય હત્યાઓ અનેકગણી વધી જવાની. બંગાળમાં રાષ્ટ્રવાદી હિન્દુઓ માટે શ્વાસ લેવાનું મુશ્કેલ બની જવાનું . અને ભાજપ જીતશે તો આ પુસ્તકમાં દસ્તાવેજીકરણ પામેલી દરેક હત્યાની સામે નિષ્પક્ષ કાર્યવાહી શરૂ થશે અને તે વખતે હારેલા મમતાવાદીઓ પોતાને વિક્ટિમાઇઝ કરવામાં આવે છે એવી હાયતૌબા મચાવવાના. નોંધી રાખજો તમે.

બંગાળનાં પરિણામો શું આવશે એની આગાહી કરતા એક્ઝિટ પોલનાં તારણો વિશે ગઈકાલના લેખમાં વાત કરી હતી. ‘ટાઇમ્સ નાઉ’ નામની ઇંગ્લિશ ન્યુઝ ચેનલ ભારતના પ્રમુખ મીડિયા હાઉસ ટાઇમ્સ ઑફ ઇન્ડિયાની માલિકીની છે. આ છાપું ભારતીય વાચકો સાથે કેવી કેવી રીતે બદમાશી કરી ચૂક્યું છે તે વિશે પીએચ.ડીની થીસિસ લખી શકાય તેમ છે. પણ પત્રકારત્વ ભણાવતી વિદ્યાપીઠોમાં ઘૂસી ગયેલા એન્ટી નેશનલ એલીમેન્ટ્સ આવું થવા નહીં દે કારણ કે એ સૌને બિસ્કુટના ટુકડા ફેંકીને ચૂપ કરી દેવામાં આવ્યા છે. મેં આ બદમાશીઓ વિશે ઘણું લખ્યું છે. આ છાપાના સંપાદકીય સ્ટાફના સિનિયર પત્રકારો પર દેશદ્રોહના આક્ષેપો થયા છે, કાયદેસરની કાર્યવાહી થઈ છે. જાહેરખબરોની કમાણી માટે વાચકોનો દ્રોહ કરવાની કળાઓ ટાઇમ્સે હસ્તગત કરી છે. લેટેસ્ટમાં પરમ દિવસે જ એક પેઇડ આર્ટિકલ (જેમાં ભારત સરકારની બદબોઈ હતી તે લેખ) ટાઇમ્સે છાપ્યો પણ વાચકોને જણાવ્યું નહીં કે આ જાહેરખબર છે. જ્યારે આ કૌભાંડને સોશ્યલ મીડિયાના રાષ્ટ્રવાદી સૈનિકોએ પકડી પાડ્યું તો ટાઇમ્સે ચૂપચાપ એ લેખ (અર્થાત જાહેરખબર)ને ડિજિટલ મિડિયા પરથી હટાવી લીધો. કોઈ સ્પષ્ટતા નહીં, કોઈ માફી નહીં. પણ છાપામાં જ ઑલરેડી છપાઈ ગયું હતું તે કેવી રીતે ભૂંસી શકાવાનું છે? વધુ માહિતી આ લિંક પરથી મળશે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં લેખ તરીકે છપાયેલી સરકાર વિરૂદ્ધની જા×ખ.

2 મે 2021નો દિવસ ભાજપ માટે તથા મોદી માટે વિજયોત્સવ પુરવાર થવાનો છે એવી ‘ટાઇમ્સ નાઉ’ને ગંધ આવી ગઈ હોવી જોઈએ. ‘ટાઈમ્સ નાઉ’એ એક્ઝિટ પોલમાં કહ્યું હતું કે બંગાળમાં 51 બેઠકો પર ભાજપ આગળ હશે, 39 પર તૃણમૂલ અને 96 બેઠકો એવી છે જે કોઈ પણ તરફ ઝૂકી શકે એમ છે.


આવું કહીને ‘ટાઇમ્સ નાઉ’એ ચીત ભી મેરી, પટ ભી મેરીનો વ્યવહાર કરીને દર્શકોને મૂરખ બનાવવાની કોશિશ તો કરી પણ પછીથી રિયલાઇઝ થયું હોવું જોઈએ કે આ 96 બેઠકો જો ભાજપ તરફ ઝૂકી તો સરકાર ભાજપની જ બનશે. અને આવું થયું તો કૉન્ગ્રેસીઓના હજુરિયા તરીકે વર્તતી આ ટીવી ચેનલે તો પોતાનું મોઢું કાળું કરવું પડે એવી પરિસ્થિતિ સર્જાય. ભાજપને કે મોદીને બંગાળની જીતનો શ્રેય ન આપવો પડે (જો તેઓ આજે તૃણમૂલથી આગળ નીકળી જાય તો) એ માટે અગમચેતીરૂપે ‘ટાઇમ્સ નાઉ’એ ચૂંટણીનાં પરિણામોનો બહિષ્કાર કરવાનું નક્કી કર્યું. કૅન યુ ઇમેજિન, કોઈ ન્યુઝપેપર કે ન્યુઝ ટીવી ચેનલ ન્યુઝનો બહિષ્કાર કરે! પણ આવી જાહેરાત થઈ તે સારું થયું. ‘ટાઇમ્સ નાઉ’એ પોતાની જાત ઉઘાડી પાડી દીધી. દર્શકોને ખબર પડી ગઈ કે આ લોકોનો એજન્ડા શું છે. ‘ટાઇમ્સ નાઉ’ પર હવે કેટલો ભરોસો કરવો એ સૌએ જાણી લીધું. ‘ટાઇમ્સ નાઉ’એ જાહેર કર્યું કે કોવિડના સમાચાર એમના માટે સૌથી અગત્યના છે માટે 2જી મે અને તે પછી તેઓ પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામો માટેનું સ્પેશ્યલ ચૂંટણી કવરેજ નહીં આપે અને એને બદલે કોવિડ-કોરોનાના મહારોગચાળાને લગતી ન્યુઝ આઇટમો બતાવ્યા કરશે.

હવે જો ભાજપ બંગાળમાં જીતશે તો ‘ટાઇમ્સ નાઉ’ આડકતરી રીતે એવું જતાવવાની કોશિશ કરશે કે દેશમાં ટપોટપ લોકો મરી રહ્યા છે અને તમારે જીતનો જશ્ન મનાવવો છે? તમે તો મોતના સોદાગરો છો, ભાજપવાળાઓ! અને ભાજપ હારશે તો મોદીએ લાશોના ઢગલા થવા દીધા છતાં પ્રજાએ એમને જાકારો આપ્યો એવી રીતે ‘ટાઇમ્સ નાઉ’વાળા વર્તશે. લખી રાખજો તમે. ટાઇમ્સનું જોઈને બીજી કેટલીક ચેનલો પણ, એક વાંદરાએ પોતાના માથેથી ટોપી ફેંકી દીધી તો બાકીના વાંદરાઓ પણ ટોપી ફેંકવા લાગ્યા એ વાર્તાનું, અનુસરણ કરવા લાગ્યા.

દરમ્યાન, કૉન્ગ્રેસે જાહેરાત કરી છે કે કોરાનાના આ કપરા કાળમાં અમે હારીએ કે જીતીએ એની પરવા નથી. અમે અમારા પ્રવક્તાઓને ચૂંટણી પરિણામોની સમીક્ષા માટે એક પણ ચેનલ પર નહીં મોકલીએ.

કૉન્ગ્રેસ આમેય કોઈ જગ્યાએ જીતવાની નથી. ટીવી ડિબેટમાં જઈને ડફણાં જ ખાવાના હતાં. ‘મોરલ વિક્ટરી’ આને કહેવાય!

વાસ્તવમાં આ બધો ‘એજન્ડા ઊંચા રહે હમારા’નો ખેલ છે. રાષ્ટ્રવિરોધી તત્ત્વોનો એજન્ડા શું છે વારંવાર સ્પષ્ટ થતું રહ્યું છે અને ચૂંટણી પરિણામોના બહિષ્કારોની ઘોષણા સાથે ફરી એકવાર સ્પષ્ટ થઈ રહ્યું છે. ગયા અઠવાડિયે આ રાષ્ટ્રવિરોધી લોકો મતગણતરી થોડા મહિના પછી થવી જોઈએ એવી દરખાસ્ત લઈને આવ્યા હતા. શું કામ? તો કહે: મતગણતરીમાં રોકાયેલા સરકારી લોકોનેકોરોના રાહત કામ માટે જવા દો. જો ભાજપ હારશે એવું લાગતું હોત તો આવી માગણી થઈ હોત? ના. ‘ટાઇમ્સ નાઉ’વાળાએ ચૂંટણી પરિણામોનો બહિષ્કાર કર્યો હોત? સવાલ જ નથી. જો કોરાનાના સમાચાર આપવાનું આટલું પૈણ ઉપડ્યું છે તો ૪૮ કલાક પહેલાં એક્ઝિટ પોલ વિશે મોટા ઉપાડે શું કામ કલાકો સુધી ચર્ચાઓ કરી.

ગઈકાલવાળા મારા લેખમાં ભાજપ બંગાળમાં 155 કે તેથી વધુ બેઠકો સાથે સરકાર બનાવશે એવું લખ્યું હતું. ‘ટાઇમ્સ નાઉ’ના બહિષ્કારવાળા ગતકડા પછી લાગે છે કે ભાજપને 155+ને બદલે 195+ બેઠકો મળવાની હશે. તો જ તો આ લોકો આવાં નાટકો કરે.

આજનો, 2જી મેનો દિવસ ભારતના રાજકીય-સામાજિક ઇતિહાસ માટે એક લેન્ડમાર્ક દિન છે- ભાજપ જીતે તો પણ અને ભાજપના જીતે તો પણ. આજે સાંજે જે પરિણામ આવે તે — ભારતનો સમકાલીન ઇતિહાસ બદલાઈ જવાનો છે. લખી રાખજો.

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને આર્થિક સપોર્ટ આપો : સૌરભ શાહ

પ્રિય વાચક,

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના કે જાહેરખબરોની આવક વિના ચાલતું કોઈનીય સાડીબારી ન રાખતું એક વિશ્વસનીય ડિજિટલ મિડિયા છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનોનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા સ્વતંત્ર પ્લેટફૉર્મની આજે સખત જરૂર છે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મી એવા પત્રકાર સૌરભ શાહ દ્વારા થઈ રહી છે. પૈસાની અપેક્ષા તમારે પૂરી કરવાની છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here