કોઈ પણ વ્યક્તિ કે ગ્રંથને સંદર્ભ વિના ટાંકીને એના વિશે ગેરસમજ ફેલાવાય છે ત્યારે: સૌરભ શાહ

(લાઉડમાઉથ: ‘સંદેશ’, અર્ધ સાપ્તાહિક પૂર્તિ. બુધવાર, 16 માર્ચ 2022)

‘મનુ’ શબ્દ ભારત માટે, ભારતની સંસ્કૃતિ માટે અને ભારતમાં વસતા 140 કરોડ ભારતીયો માટે અતિ પવિત્ર શબ્દ છે. મોહમ્મદ, આઇઝેક કે આદમ જેટલો જ પવિત્ર આ શબ્દ છે.

મનુ એટલે પરમેશ્વર, બ્રહ્મા, પ્રજાપતિ. પ્રાર્થના કે મંત્રને પણ મનુ કહેવાય અને અંતઃકરણ અથવા મન એટલે પણ મનુ. એક પ્રકારના અગ્નિને પણ મનુ કહેવાય. મનુષ્ય જાતિના મૂળ પુરુષ, સૌથી પહેલા પુરુષનું નામ મનુ હતું. માણસ કે મનુષ્યને પણ આપણે મનુ કહીએ છીએ.

જગતના આદિ પુરુષ મનુ ભગવાન આદ્ય સ્મૃતિકાર હતા. તેમણે રચેલી સ્મૃતિ ‘મનુસ્મૃતિ’ ‘માનવધર્મશાસ્ત્ર’ તરીકે ઓળખાય છે. ધર્મ એટલે રિલિજિયન નહીં, ધર્મ એટલે મનુષ્યની ફરજો, જીવન જીવવાની પદ્ધતિ જેમાં ઉપાસના પદ્ધતિનો પણ સમાવેશ થઈ ગયો.

‘મનુસ્મૃતિ’માં મનુષ્ય જન્મે ત્યારથી શરૂ કરીને મૃત્યુ પામે ત્યાં સુધી એણે કેવી રીતે વર્તવું એની નીતિનું વર્ણન કર્યું છે.

વિષ્ણુના એક હજાર નામમાંનું એક નામ છે – મનુ. ભગવાન શિવ પણ મનુના નામે ઓળખાય છે.

સ્મૃતિ એટલે સ્મરણ અથવા યાદ તો ખરું જ. પ્રાચીન શાસ્ત્રકારોએ સમાજ માટે ન્યાય, કાયદો. રીત, રિવાજ, ક્રિયા, ધર્મશાસ્ત્ર, રાજનીતિ વગેરેના ચાલતા આવેલા નિયમોને યાદદાસ્ત પરથી જે લખ્યા તે ગ્રંથો એટલે સ્મૃતિ.

‘મનુસ્મૃતિ’માં તે સમયના આર્યોના (આજના ભારતીયોના) ધાર્મિક નિયમો તથા કાયદાઓનો સમાવેશ થયો છે. ‘મનુસ્મૃતિ’માં ઓરિજિનલી એક લાખ શ્લોકો હતા એવું અનેક જગ્યાએ નોંધાયેલું છે. પાછળથી એના સંક્ષેપમાં બાર હજાર શ્લોકોનો સમાવેશ થયો, એ પછી ચાર હજાર અને અત્યારે લગભગ અઢી હજાર શ્લોકની ‘મનુસ્મૃતિ’નો ગ્રંથ પ્રચલિત છે. પ્રસિદ્ધ ભાષ્યકાર, સંશોધક અને સમીક્ષક ડૉ. સુરેન્દ્રકુમારની બે ‘મનુસ્મૃતિ’ પ્રકાશિત થઈ છે. એક, ‘વિશુદ્ધ મનુસ્મૃતિ’ (સંક્ષેપ) અને બીજી ‘(બૃહદ) મનુસ્મૃતિ’. આ ઉપરાંત ડૉ. રામચન્દ્ર વર્મા શાસ્ત્રીની ટિપ્પણ સાથેની ‘મનુસ્મૃતિ’નો ગ્રંથ પણ ઘણો આધારભૂત છે.

કોઈ પણ વ્યક્તિ કે ગ્રંથને સિલેક્ટિવ બનીને, આગળ-પાછળના સંદર્ભો ઉડાવીને બદનામ કરવાનું કાર્ય અતિ આસાન છે. જોકે, એ જ રીતે કોઈ પણ વ્યક્તિ કે ગ્રંથને સિલેક્ટિવલી ક્વોટ કરીને એને મહાન ચીતરવાનું કામ પણ એટલું જ સહેલું છે. આ બંને બાબતે તમારા પ્રચારનાં પડઘમ જેટલાં જોરથી વગાડો એટલી મજબૂત રીતે જનમાનસ પર એની છાપ છપાઈ જાય અને વખત જતાં, પેઢી દર પેઢી, વધુને વધુ દ્રઢ થતી જાય. આવી છાપને તમે ભૂંસીને એનું મૂળભૂતપણું પ્રગટ કરવા જાઓ ત્યારે તમારા માથે ટપલાં પડે એ સ્વાભાવિક છે પણ એને કારણે ડરીને સત્યને ઉજાગર કરવાની તમારી ફરજ ચૂકી જાઓ તો તો તમે કાયર કહેવાઓ અને ડરપોક કરતાં પણ વધારે, માતૃભૂમિ પ્રત્યેની ફરજ તમે અદા નથી કરી શકતા, માભોમનું ઋણ અદા નથી કરી શકતા એવું લાગે.

‘મનુસ્મૃતિ’ની મૂળ એક લાખ શ્લોકોવાળી હસ્તપ્રત ક્યાં હશે, કોને ખબર? કદાચ, નાલંદા વિદ્યાપીઠનાં નેવું લાખ પુસ્તકો-હસ્તપ્રતોને બખ્તિયાર ખિલજીની ફોજ બાળી મૂક્યાં તેમાં તેનો પણ નાશ થઈ ગયો હશે. પૂણેની ભાંડારકર ઓરિયેન્ટલ ઇન્સ્ટિટ્યૂટ (જે સંસ્થાનો આદરથી ઉલ્લેખ વડા પ્રધાને એમની ‘મન કી બાત’માં બે-ત્રણ મહિના પહેલાં કર્યો હતો) તરફથી પચાસ વર્ષ કરતાં અધિક સમયના સંશોધન પછી ‘મહાભારત’ની અધિકૃત આવૃત્તિ તૈયાર કરવામાં આવી. મૂળ વાલ્મિકિએ લખેલા ‘રામાયણ’નાં અનેક વર્ઝન બન્યાં તે રીતે વેદ વ્યાસ લિખિત ‘મહાભારત’નાં પણ જુદાં જુદાં વર્ઝન બન્યાં. આ દરેક વર્ઝનમાં થયેલા ઉમેરા-બાદબાકી-સુધારાઓ સંપાદન ક્યારેક મૂળને વધુ સારો નિખાર આપે (જેમ કે સંત તુલસીદાસનું ‘રામચરિત માનસ’) તો ક્યારેક એ જમાનામાં જેઓ વામમાર્ગીઓ ગણાતા, જેઓએ પોતાને સનાતન ધર્મથી વેગળા કરીને અલગ સંપ્રદાય બનાવ્યો હતો, તેઓએ ભારતના આવા ગ્રંથોમાં અનેક એવી વાતો ઘુસાડી જેને કારણે એની પવિત્રતાને હાનિ પહોંચતી થઈ. આવી, પાછળથી ઉમેરાયેલી વાતોને ક્ષેપક કહે. ભાંડારકર ઓરિયેન્ટલ ઇન્સ્ટિટ્યુટના વિદ્વાનોની ત્રણ-ચાર પેઢીઓએ, કરોડો રૂપિયા ઇન્વેસ્ટ કરીને, પાંચ દાયકાથી વધુ સંશોધન કર્યું અને સર્વસ્વીકાર્ય શાસ્ત્રીય માપદંડો દ્વારા નક્કી કર્યું કે ‘મહાભારત’માં કયા કયા ક્ષેપકો છે, જે તેઓએ દૂર કર્યા. મૂળ પાઠમાં શાબ્દિક ફેરફારો કરીને અર્થનો અનર્થ કરતી ચેષ્ટાઓ દૂર કરી. આમ છતાં હજુ આને ફાઇનલ વર્ઝન તરીકે સ્વીકારતાં કેટલાક વિદ્વાનો અચકાય છે. તેનાં મજબૂત કારણો પણ છે. ભવિષ્યમાં આ જ સંસ્થા કે પછી અન્ય કોઈના દ્વારા વધુ મોટું ખેડાણ થશે ત્યારે ખ્યાલ આવશે કે બીજા કયા કયા ક્ષેપકો ‘મહાભારત’માં હતા.

ફળ( ફ્રુટ)નો માવો કે ફળના ગર્ભ માટે વપરાતા સંસ્કૃત શબ્દ અને માંસ માટે વપરાતા સંસ્કૃત શબ્દમાં સામ્ય હોવાને કારણે કેટલાક વિદ્વાનો એવો પ્રચાર કરતા થઈ ગયા હતા કે વાલ્મીકિ રામાયણમાં લખ્યું છે કે રામ-સીતા માંસાહારી હતા. વાસ્તવમાં એમના ફળાહારનો એ ઉલ્લેખ છે

‘મનુસ્મૃતિ’ વિશે આ લેવલનું કામ હજુ થયું નથી. ‘મનુસ્મૃતિ’માં કયા ક્ષેપકો છે અને કયા મૂળ શ્લોકો છે તે વિશેનું સંશોધન હજુ અધૂરું છે. મૂળ ગ્રંથમાં લખાયેલા પણ અત્યારે ભુલાઈ ગયેલા શ્લોકોમાં શું હતું તેની પણ કોઈને ખબર નથી. આટલું જ નહીં, ‘મનુસ્મૃતિ’ની જે આવૃત્તિઓ (વર્ઝન્સ) ઉપલબ્ધ છે તેમાંના શ્લોકોના સ્થળકાળના સંદર્ભો સમજ્યા વિના પ્રજાને ભરમાવવાની એક બહુ મોટી રાજકીય રમત ચાલી અને સનાતન સંસ્કૃતિમાં માનનારાઓને ‘મનુવાદી’ તરીકે વગોવવાનું ચાલુ થયું. આ મતનું રાજકારણ હતું જેમાં એક તબક્કે સફળતા તો મળી પણ એમાં નુકસાન ભારતનું થયું.

કેટલીક વખત સંસ્કૃત ન જાણનારાઓ અર્થનો અનર્થ કરી બેસતા હોય છે. કેટલીક વખત જાણી જોઈને અર્થનો અનર્થ કરવામાં આવતો હોય છે. કેટલીક વખત જે જમાનામાં આ ગ્રંથો લખાયા હોય ત્યારે અમુક શબ્દનો અર્થ થતો હોય તેનો હવે સાવ જુદો જ અર્થ થતો હોય એવું પણ બને.

દાખલા તરીકે ફળ( ફ્રુટ)નો માવો કે ફળના ગર્ભ માટે વપરાતા સંસ્કૃત શબ્દ અને માંસ માટે વપરાતા સંસ્કૃત શબ્દમાં સામ્ય હોવાને કારણે કેટલાક વિદ્વાનો એવો પ્રચાર કરતા થઈ ગયા હતા કે વાલ્મીકિ રામાયણમાં લખ્યું છે કે રામ-સીતા માંસાહારી હતા. વાસ્તવમાં એમના ફળાહારનો એ ઉલ્લેખ છે.

હજારો વર્ષ પહેલાંની ક્યાં વાત કરીએ. આજની જ વાત કરીએ. ત્રીસેક વર્ષ પહેલાંના એક લેખમાં મેં ખખડધજ, જાજરમાન અને અભિભૂત જેવા શબ્દો વિશે પ્રકાશ પાડ્યો ત્યારે ભલભલાને નવાઈ લાગી હતી. સાર્થ ગુજરાતી જોડણીકોશ તપાસો તો ખબર પડશે કે ‘ખખડધજ’ એટલે ‘(વૃદ્ધ છતાં) મજબૂત બાંધાનું, દમામદાર, ભવ્ય.’ પણ જેમણે સાર્થ ગુજરાતી જોડણીકોશ નથી વાંચ્યો એવા દાદાનાં વખાણ કરવાના ઇરાદે તમે એમને કહી જુઓ કે, ‘દાદા, તમે તો ખખડધજ છો’ પછી જુઓ દાદાજી ડંગોરો લઈને તમને ફટકારે છે કે નહીં. ભગવદ્‌ ગોમંડળ કોશમાં ‘જાજરમાન’ શબ્દના અર્થ છે: આકરા મિજાજનું, કરડું, કરડા મિજાજનું, તીખું, ઘણું ભયંકર, ઘણું વધી ગયેલું, બાળી નાખનાર. એ પછી એના સારા, અત્યારે પ્રચલિત એવા અર્થ પણ એમાં છે.

‘અભિભૂત’નો અર્થ બેઉ જગ્યાએ એ જ છે જે પ્રચલિત અર્થ કરતાં સાવ જુદો જ છે. ભગવદ્‌ ગોમંડળ કહે છે કે: ‘અભિભૂત’ એટલે ગભરાયેલું, વ્યાકુળ, તિરસ્કાર પામેલ, માનભંગ થયેલું, હારેલું, પરાજય પામેલું. સાર્થ ગુજરાતી જોડણી કોશ પણ કહે છે કે ‘અભિભૂત’ એટલે હારેલું, અપમાનિત. અને પછી અત્યારે પ્રચલિત અર્થ આપે છે – પ્રભાવિત, અંજાયેલું.

દરેક વાત તમારા સુધી જ્યારે પહોંચે છે ત્યારે ધ્યાનથી સમજવાનું કે કયા શબ્દોનો ઉપયોગ થાય છે, શા માટે એ શબ્દો વપરાય છે. મૂળમાં જે શબ્દો વપરાયા છે તેનો સંદર્ભ જોવાનો હોય. આ ઉપરાંત સ્થળકાળ પણ જોવાનાં હોય

આવા તો બીજા અનેક શબ્દ છે. જેમ કે ‘નિહાર’. કૉલેજ સમયના એક મિત્રને ત્યાં પુત્રજન્મ થયો ત્યારે એ ‘નિહાર’ નામ રાખવા માગતો હતો. મેં એને કહ્યું હતું કે ‘નિહાર’નો એક અતિ પ્રચલિત અર્થ છે શબને સ્મશાને પહોંચાડવા માટે જોઈતો સામાન. અર્થાત્ ઠાઠડી, કફન, દોણી વગેરે. ‘નિહાર’નો એક અર્થ મળમૂત્રાદિની ઉત્સર્ગક્રિયા પણ થાય. હિમ-બરફ અથવા ઝાકળ એવા નિહારના અર્થ પણ જાણીતા છે.

દરેક વાત તમારા સુધી જ્યારે પહોંચે છે ત્યારે ધ્યાનથી સમજવાનું કે કયા શબ્દોનો ઉપયોગ થાય છે, શા માટે એ શબ્દો વપરાય છે. મૂળમાં જે શબ્દો વપરાયા છે તેનો સંદર્ભ જોવાનો હોય. આ ઉપરાંત સ્થળકાળ પણ જોવાનાં હોય. આજથી બસો-પાંચસો-હજાર-પાંચ હજાર વર્ષ પછીનો કોઈ ઇતિહાસકાર સંશોધન કરીને ડૉક્યુમેન્ટ્સ સાથે તે જમાનાની પ્રજાને ભરમાવી શકે કે ‘ભારતમાં તો 2020ની 25 માર્ચ પછી પ્રજા ઘરની બહાર પગ મૂકે તો તેને દંડ થાય એવી જોગવાઈ કરવામાં આવી હતી.’ એની પાછળ શું કારણ હતું તે ગપચાવી દેવાનું.

‘મનુસ્મૃતિ’ માટેની ગેરસમજણમાં આવી બધી બાબતોનો ઘણો મોટો ફાળો છે.

સાયલન્સ પ્લીઝ!

હે, કરુણામય પરમાત્મા! હું સ્વર્ગસુખ, દિવ્યભોગ તથા રાજ્યપ્રાપ્તિની કોઈ કામના કરતો નથી. પરંતુ હે, પ્રભુ! આધિ-વ્યાધિ વગેરે દુઃખોથી પીડાતા તમામ લોકોના રોગ અને સંતાપ દૂર થઈ જાય અને સૌ કોઈ સ્વસ્થ તથા આનંદમય જીવન જીવે એવી મારી શુભકામના છે.

—મહાભારતના દ્રોણપર્વમાં રાજા રતિદેવે કહેલાં શુભવચન.

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

•••
આ લેખ તમને ગમ્યો? ન્યુઝપ્રેમીને સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

9 COMMENTS

  1. After reading your article on “Manusmrut” I can to know that how the meaning of same word change at different time and situation. Artical of Manusmruti is really admirable.

  2. સૌરભભાઈ આપનો આભાર..

    ગોંડલ સ્ટેટ ના રાજા ભગવદ્દ સિંહ બાપુ એ ગુજરાતી ભાષાના લગભગ પોણા ત્રણ લાખ કરતાં પણ વધારે શબ્દો અને એના અર્થ દર્શાવતો ગ્રંથ ભગવદ્ગોમંડલ નામે બનાવ્યો.

    દર 3 -4 દિવસે મારે આ ગ્રંથ ની જરૂર પડે છે અને હું ઉપયોગ કરું છું. આજ ના જમાના માં આ ગ્રંથ વસાવવો અને વાંચવો મુશ્કેલ હોવાથી ગુજરાતી લેક્સિકોન નામના ગ્રુપે ભગવદ્ગોમંડલ નામની જ એક એપ બનાવી છે. હું આ એપ જ વાપરું છું. ગમે ત્યારે ગમે તે સ્થળે ઉપયોગ કરું છું.

    Google Play Store માં જઈ ને download કરી શકાય.

    આ કોમેન્ટ લખવાનો હેતુમાત્ર એટલો જ કે આપણા આ શબ્દકોશ નો ફાયદો હું ઉઠાવુ છું તો આપ પણ લાભ લઈ શકો છો.

  3. प्रत्येक लेख माहिती अने ग्यान सभर होय छे.

  4. આપના લેખથી ઘણી સરસ માહિતી મળી,મેકોલેવાળી શિક્ષણપદ્ધતિ અને સામ્યવાદી વિચારશ્રેણીવાળા ઇતિહાસકારોએ આપણા સનાતન ધર્મગ્રંથોનો તથા આપણ ઇતિહાસને એવો વિકૃત ફેલાવો કર્યો છે કે નવી પેઢીમાં આપણાષદેશ અને આપણી સંસ્કૃતિ માટે ભ્રમ પેદા થયો છે.
    આવા વધુ લેખની અપેક્ષા છે.

  5. You are a living encyclopaedia… Thank you for bringing such information to us that .. “we don’t even know that we don’t know!”
    I want you to write on this subject…. Today’s youth (age grp: 20 to 50) lacking “દેશભક્તિ”…… , Let’s guide them…. What motherland is….. For love of which youth gave up their life during independence and today’s youth migrating and taking over the slavery of the same country for money!!!!

  6. અહા!!! આપને વંદન સાહેબ…. 🙂

    ‘મનુસ્મૃતિ’ ના પ્રથમ લેખ બાદ એ વિશે હજુ થોડું આપ તરફથી લખાય તેવી હદયેચ્છા હતી, મારી પ્રાર્થના આપ સુધી પહોચી ગઈ હોય તેવી પ્રતિતી થઈ…. 🙂

    તમે આપેલી શબ્દાર્થો, તત્વાર્થો, ભાવાર્થોની ઉદાહરણો સહિતની સમજ અમારામાં ઉંડી અસર કરી ગઈ, સમજો કે ‘સજાગ’ બનાવી ગઈ…. 🙂

  7. શબ્દો ની પણ ગરિમા હોય છે ;શબ્દ શણગારે કે સળગાવે;દેવભાષા સંસ્કૃત માં એક જ શબ્દ ના અનેક અર્થ નીકળી શકે છે એટલે ઘણીબધી પ્રતિક્રિયા વામપંથી માનસિકતા ધરાવતા કહેવાતા વિદ્વાનો એ એમની વિચાર ધારા ને અનુરૂપ થાય તેવા અર્થઘટન કર્યા છે. આપનાં જેવાં સંસ્કૃતિપ્રેમી (ભક્ત નહીં લખું કેમ કે અત્યારે એનું અર્થ ઘટન મોદી ભક્ત કરી નાખ્યું છે 🤔)લેખકોએ સાફ સફાઈ શરુ કરી છે.

  8. સરસ જાણકારી.
    આવી વધુ જાણકારી તથા માહિતી સહિત ટીપ્પણી આપવા વિનંતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here