પદ્મશ્રી કે કલમની સાધુતા

ગુડ મૉર્નિંગ

સૌરભ શાહ

ચંદ્રકાન્ત બક્ષી, અશ્વિની ભટ્ટ કે હરકિસન મહેતાને એમના કામ બદલ કોઈ પદ્મશ્રી અવૉર્ડ મળ્યો નહોતો. આમ છતાં આજની તારીખેય, એમનાં પુસ્તકો અનેક વિદ્યમાન લેખકો કરતાં વધુ વંચાય છે, વધુ વેચાય છે.

નર્મદ, મુનશી કે મેઘાણીને પણ એમના જમાનાના પદ્મશ્રીને સમકક્ષ હોય એવાં કોઈ માનઅકરામોથી નવાજવામાં આવ્યા નહોતા. આજેય એમનું સાહિત્ય ગુજરાતી પ્રજામાં ધબકે છે.

પદ્મશ્રી કે એવા કોઈ સરકારી ખિતાબો કે અન્ય પારિતોષિકો, ઈનામો, સન્માનોનાં સર્ટિફિકેટ મળવાથી કોઈ લેખક પોતે ઑલરેડી હોય એના કરતાં મોટો બની જતો નથી. અને આવાં ઈનામો-સન્માનો ન મળવાથી કોઈ લેખકની હેસિયત ઓછી થઈ જતી પણ નથી.

પંડિત શિવકુમાર શર્મા, વિરાટ કોહલી કે શ્યામ બેનેગલને સરકારે પદ્મ અવૉર્ડ્સથી નવાજ્યા

છે. ન નવાજ્યા હોત તો એમની પ્રતિભા, લોકપ્રિયતા કે હેસિયતમાં તસુભારનો ઘટાડો ન થયો હોત. સરકારે નવાજ્યા છે એને કારણે એમની પ્રતિભાને, એમના પ્રદાનને રેક્ગ્નિશન મળ્યું છે એવું પણ હું નથી માનતો. રેક્ગ્નિશન તો તેઓ સૌ પામી જ ચૂક્યા હતા, એમને આ સરકારી માનસન્માનો મળ્યાં તે પહેલાં. હું જો શિવકુમાર, વિરાટ કે બેનેગલ હોત તો મને ક્યારેય સરકારનાં પદ્મ અવૉર્ડ્સની લાલસા ન હોત (આ હસ્તીઓમાં પણ ક્યારેય દેખાઈ નથી) પરંતુ જો સરકારે સામેથી મને આપ્યું હોત તો મેં આવું સન્માન સ્વીકારી લીધું હોત. પણ હું પંડિતજી, કોહલી કે શ્યામબાબુના ક્ષેત્રમાં નથી. મારું ક્ષેત્ર જુદું છે. હું સંતૂરવાદક, ક્રિકેટર કે ફિલ્મમેકર નથી. હું લેખક, પત્રકાર અને સાહિત્યકાર છું. એ લોકોએ પોતપોતાના ક્ષેત્રમાં જેવું પ્રદાન કર્યું છે એવું જ કૉન્ટ્રિબ્યુશન હું મારા ક્ષેત્રમાં કરી રહ્યો છું તે છતાં મારાથી સરકાર દ્વારા અપાતા પદ્મશ્રી, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ જેવાં સન્માનો ન લેવાય. દૂરથી પણ ન અડકાય. લઉં તો મારી વિશ્ર્વસનીયતાને લાંછન લાગે. મારી કલમના તપ પર પાણી ફરી વળે.

હિંદુત્વ અને હિંદુ સંસ્કૃતિ વિશે ગૌરવ વ્યક્ત કરતાં મારાં લખાણો વાંચીને આ દેશની ચોક્કસ જમાતના પેટમાં તેલ રેડાય છે. એ જમાતનું નામ છે સેક્યુલરિયાઓ (જેમનો પ્રાસ રોહિન્ગ્યાઓ સાથે બંધબેસે છે). નરેન્દ્ર મોદીની એક વ્યક્તિ તરીકે, એમની કાર્યશૈલીની, એમની નીતિરીતિ અને એમના શાસનની ખૂબીઓને હું વર્ણવતો હોઉં ત્યારે આ કેટલાક લોકો કહેતા હોય છે કે હું તટસ્થ નથી, નિરપેક્ષ નથી, મારે નરેન્દ્ર મોદીની ટીકા પણ કરવી જોઈએ.

શું કામ? તટસ્થ દેખાવા? નિરપેક્ષ દેખાવા? બૅલેન્સ્ડ દેખાવા? આવું કરનારાઓ બીજા ઘણા છે. કેટલાય લેખકો-પત્રકારો-ટીવી એન્કરોને તમે આવી તટસ્થતા ધરાવતા જોયા છે. હું એવો નથી. ક્યારેય નહોતો. બનવું પણ નથી. મારે તટસ્થ રહેવું નથી, પક્ષ લેવો છે. જે સારું છે, સાચું છે તેનો પક્ષ લેવો છે. ખોંખારો ખાઈને લેવો છે. દૂધ અને દહીં બેઉમાં પગ રાખીને મારે નિરપેક્ષતાના દેખાડા નથી કરવા.

મારી આ ઍટિટ્યુડ જોઈને રોહિન્ગ્યા સેક્યુલરિયાઓ જ્યારે મારા પર આક્ષેપ લગાવતા થઈ ગયા કે હું હાથમાં કટોરો લઈને પદ્મશ્રીનો અવૉર્ડ લેવા માટે ઊભેલા ગુજરાતી રાઈટરોની લાઈનમાં જોડાઈ ગયો છું ત્યારે હસતાં હસતાં હું કહેતો કે તમે લોકો શું મારી હેસિયત પદ્મશ્રી જેટલી જ ગણો છો! હું તો પદ્મભૂષણ કે પદ્મવિભૂષણને પણ મારા માટે નાના અવૉર્ડ્સ માનું છું. મને આવા કોઈ પદ્મ અવૉર્ડ્સની લાલસા નથી. મારે તો આવતા સાડાબેતાળીસ વર્ષ દરમિયાન એવું કામ કરી જવું છે જેથી મારા મર્યાના પાંચ-પચ્ચીસ વર્ષ બાદ તે વખતની સરકાર મને મરણોત્તર ભારતરત્ન આપીને યાદ કરે. સરદાર વલ્લભભાઈ પટેલ કે બાબાસાહેબ આંબેડકર પોતાના જીવન દરમિયાન જેવું કામ કરી ગયા એ કક્ષાનું કામ કરવાની ભગવાન મને શક્તિ આપે એવી પ્રાર્થના હૃદયમાં સંઘરીને હવે પછીના સવા ચાર દાયકા હું એક પછી એક પડાવ પાર કરતો રહું એવી ભાવના સાથે હું લખું છું.

હસતાં હસતાં કહેવાયેલી આ વાતને આજે ર૦૭૪ની લાભપાંચમના દિવસે, હું તમારી સમક્ષ અતિ ગંભીરતાથી મૂકી રહ્યો છું. મારા વિરોધીઓ પણ જ્યારે તલપાપડ છે, મને પદ્મશ્રી અવૉર્ડ મેળવતો જોવા માટે, તો આજે નહીં તો કાલે, એ આવે પણ ખરો. પણ મોદી સરકાર તરફથી (કે પછી ભવિષ્યના પી.એમ. યોગી આદિત્યનાથની સરકાર તરફથી, કે પછી કોઈ પણ સરકાર તરફથી) મને પદ્મશ્રી, પદ્મભૂષણ કે પદ્મવિભૂષણ અવૉર્ડ આપવામાં આવશે તો હું તે સ્વીકારીશ નહીં. એનો વિનમ્રતાપૂર્વક અસ્વીકાર કરીશ. અને મારે કંઈ જાહેરમાં નકારીને કોન્ટ્રોવર્સી ઊભી કરવી નહીં પડે એની ખબર છે. પદ્મશ્રી કે એવા કોઈ પણ ખિતાબો માટે તમારું નામ અનાઉન્સ થાય તે પહેલાં રાષ્ટ્રપતિ ભવનમાંથી (કે સરકારના લાગતાવળગતા ખાતામાંથી, દા.ત. અર્જુન અવૉર્ડ હોય તો રમતગમત વિભાગમાંથી) તમને ફોન કરવામાં આવતો હોય છે. તમારું નામ જાહેર થાય એ પહેલાં જ તમને જાણ થઈ જતી હોય છે. તમારે આ સન્માન ન મેળવવું હોય તો તમે વિનમ્રતાપૂર્વક નકારી શકો છો. મારા સુધી આવી કોઈ વાત આવે ત્યારે મારે શું કરવું એ વિશે હું એકદમ સ્પષ્ટ છું. મારું નામ કન્સિડર કરવાવાળાઓનો આભાર માનવાનો. મોદીસાહેબને એક ખાનગી પત્ર લખવાનો, જેમાં આ અસ્વીકારનો મતલબ એમના પ્રત્યેનો કોઈ અવિવેક નથી એવો ખુલાસો કરીને ત્રણ લેખોની સિરીઝમાં કટિંગ મોકલી આપી એમનો આભાર માનવાનો. બસ.

મારા પદ્મશ્રીબદ્મશ્રીના અસ્વીકારથી દુનિયામાં કંઈ આભ તૂટી પડવાનું નથી. હું જાણું છું કે ગુજરાતી પત્રકારો-લેખકો-સાહિત્યકારોમાં મારાથી સિનિયર, મારા સમકાલીન તેમ જ મારી પછીની પેઢીનાઓમાં એવા કેટલાય છે જેમની હેસિયત પદ્મશ્રી વગેરે મેળવવાની છે અને એમાંના કેટલાકની એવી ઈચ્છા પણ હશે. મારા ભાગના પદ્મશ્રીનો ક્વૉટા જો એમાંના કોઈ માટે વપરાય તો હાથમાં ફૂલનો ગુચ્છો લઈને એમને હૃદયપૂર્વકનાં અભિનંદન આપવાની કતારમાં હું ચોક્કસ જ જોડાઈશ. તેઓ જો આવો અવૉર્ડ લે તો એને કારણે તેઓ કંઈ મારી આંખમાં નાના નથી થઈ જતા. એમની હેસિયત, મારી નજરમાં એટલી જ રહેવાની જેટલી આવા અવૉર્ડ લીધા પહેલાં હતી. ર૦૦૮માં રાજદીપ સરદેસાઈ અને બરખા દત્તને તેમ જ તે પહેલાં તથા તે પછી અનેક પત્રકારો કે લેખકો કે સાહિત્યકારોને પદ્મશ્રીનો ખિતાબ મળ્યો જ છે.

એક નાની વાત કરીને લેખ પૂરો કરું.

ર૦૦રની ર૭ ફેબ્રુઆરીએ ગોધરા હિન્દુ હત્યાકાંડ થયો તે પછી અનેકવાર મારે મારાં પ્રવચનોમાં તેમ જ એક વાર, મારી તે વખતે બીજા એક પ્રકાશનમાં પ્રગટ થયેલી કૉલમમાં, સ્પષ્ટતા કરવી પડી હતી. ર૦૦૩માં છપાયેલા મારા એક પુસ્તકના ૭૫મા પાના પર એ તમને વાંચવા મળશે. મેં લખ્યું છે: પત્રકારો આર્કિટેક્ટ જેવા છે. એમણે નકશા બનાવી આપવાના હોય. એ નકશા સ્વીકારવા જેવા લાગે તો રાજકારણીઓએ, ઉચ્ચ સરકારી અધિકારીઓએ અને સમાજસેવકોએ એના પરથી નેશન બિલ્ડિંગનું, રાષ્ટ્રના ઘડતરનુંં કામ કરવાનું હોય. પત્રકારે પોતે નકશા બનાવવાનું છોડીને બિલ્ડરની જવાબદારી લેવા દોડી જવાનું ન હોય. આ મારી અંગત માન્યતા છે. કોઈ સંમત ન થાય એવું પણ બને, પરંતુ પત્રકારે રાજકારણમાં પ્રવેશવું ન જોઈએ એ બહુ સ્પષ્ટતાપૂર્વક હું માનું છું. આ એક વાત. હવે બીજી વાત જે ગુજરાતની ચૂંટણી (ર૦૦રની વિધાનસભાની ચૂંટણીનો ઉલ્લેખ છે) પહેલાં વધુ પ્રસ્તુત હતી અને હજુ પણ છેક અપ્રસ્તુત નથી થઈ ગઈ. આ લખનારને કોઈ પણ રાજકીય પક્ષ પાસેથી ચૂંટણીની ટિકિટની કે કોઈ પણ સરકાર પાસેથી કોઈ પણ પ્રકારના હોદ્દાની અપેક્ષા નથી. સામેથી આવે તો પણ તેનો સાભાર અસ્વીકાર કરવો એવો નિશ્ર્ચય છે. જો કોઈને ખબર પડે કે આ સંકલ્પ તૂટ્યો છે તો મુંબઈ આવીને તમારે મારા મોઢા પર ડામર ચોપડવાનો. ડામરના પૈસા મારી પાસેથી લેવાના, મારું સરનામું તમને કોઈ પણ સેક્યુલરવાદી ઝનૂની પાસેથી મળી રહેશે…

આ તબક્કે મારે એમાં એટલું જ ઉમેરવાનું કે આ ઑફર જો હું પદ્મશ્રીનો ખિતાબ સ્વીકારું તો પણ ખુલ્લી જ રહેશે.

સ્વામી આનંદને ૧૯૬૭માં દિલ્હીની સાહિત્ય અકાદમીએ ‘કુળકથાઓ’ માટે રૂપિયા પાંચ હજારનું પારિતોષિક અર્પણ કરવાનું ઠેરવ્યું હતું. સ્વામીદાદાએ પોતાનું ગૌરવ કરવા માટે અકાદમીનો હૃદયપૂર્વક આભાર માનીને પોતે સાધુ હોઈને એ અંગેના સમારંભમાં હાજર રહેવાનો કે પારિતોષિકની રકમ લેવાનો ઈનકાર કર્યો હતો. વીતેલાં ત્રણેક વર્ષ દરમિયાન પૂજ્ય મોરારિબાપુ તથા બાબા રામદેવને પદ્મખિતાબ આપવાની હિલચાલ થઈ ત્યારે તેઓએ પણ સ્વામી આનંદના પગલે ચાલીને પોતાનું સાધુપણું દીપાવ્યું હતું. આ એક બાબતમાં (આ જ બાબતમાં અન્ય બીજી કોઈ બાબતમાં નહીં.) મારી કલમની સાધુવૃત્તિ હું જાળવી રાખવા માગું છું.

આજનો વિચાર

ચંદ્રકો પામવાની લાહ્યમાં કે એને પામીને પોતાની નીતિમત્તાને વિસરી જનારા મેં ઘણા જોયા. તમે તમારા સિદ્ધાંતોને વળગી રહો છો એ સિદ્ધિ મેડલો મેળવવા કરતાં કંઈક ગણી અધિક છે.

– ફુઆદ અલ્કબરોવ (સ્કૉટિશ એક્ટિવિસ્ટ)

એક મિનિટ!

સુપ્રીમ કોર્ટમાં દલીલ રજૂ કરતા એક ગુજરાતી ઍડવોકેટે કહ્યું:

‘માય લૉર્ડ, પત્નીની મંજૂરી વગર એની સાથે સેક્સ સંબંધો બાંધવાની ક્રિયાને જો બળાત્કાર ગણવામાં આવે તો મારી નામદાર અદાલતને અરજ છે કે પતિની મંજૂરી વગર પત્ની શૉપિંગ કરી આવે એને ધોળે દહાડે લૂંટ કરવાનો ગુનો ગણવામાં આવે…’

( મુંબઇ સમાચાર : મંગળવાર, 24 ઓક્ટોબર 2017)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here