માતા અને પિતા – બેઉનું સરખું મહત્ત્વ છે : સૌરભ શાહ

(તડકભડક: ‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, રવિવાર, 8 મે 2022)

થોડા દિવસ પહેલાં હરદ્વારના આશ્રમમાં ચિકિત્સા માટે પોતાની માતાને લઈ આવેલા એક યુવાન દીકરાને જોઈને મારા પગ થંભી ગયા. ભોજનકક્ષમાં ડાયનિંગ ટેબલ પરની ખુરશી હટાવીને વ્હીલચૅર ગોઠવીને માતાને બેસાડી હતી. લંચ ટાઇમ હતો. જુવાનજોધ દીકરો માતાની વ્હીલચૅરની બાજુમાં ઝૂકીને ઉભો હતો અને ધીરજપૂર્વક એક એક કોળિયો માના મોઢામાંથી મૂકતો હતો. હું ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. આ દૃશ્ય જોઈને મારા પગ ત્યાં જ થીજી ગયા. આંખ ભરાઈ આવી. મા-દીકરાના ભોજન સમયમાં ખલેલ પહોંચાડું કે નહીં એવો એક સેકન્ડ વિચાર કર્યો પણ પછી રહેવાયું નહીં એટલે દીકરાના માથા પર હાથ મૂકીને આશીર્વાદ આપતાં કહ્યું, ‘તમે ખૂબ પુણ્યશાળી કાર્ય કરી રહ્યા છો, ભાઈ’ અને માતાજીને પગે લાગીને કહ્યું, ‘બહુ ભાગ્યશાળી છો, મા તમે.’ બાજુમાં જ આ દીકરાના પિતા બેઠા હતા. એમને સંબોધીને કહ્યું, ‘કેવા સરસ સંસ્કાર તમે કુટુંબમાં આપ્યા છે. ભગવાન સૌનું ભલું કરો.’

આંખ લૂછીને મેં ત્યાંથી વિદાય લીધી પણ એક વિચાર મારા મનમાંથી ખસતો નહોતો. જે ઉંમરે કૉલેજના દોસ્તારો-બહેનપણીઓ સાથે ધીંગામસ્તી કરવાની હોય એ ઉંમરે આ દીકરો માતાની સેવા માટે બધું છોડીને માતાપિતા સાથે યોગાશ્રમમાં આવીને ભાવપૂર્વક બીમાર માતાની સેવા કરી રહ્યો છે.

આજની યુવાપેઢીને સતત કોસ્યા કરતા વડીલોને આવા અસંખ્ય દૃશ્યો કેમ દેખાતાં નહીં હોય?
માએ તો સાજેમાંદે દીકરા-દીકરીને સાચવ્યા જ હોય છે. પિતાએ પણ પોતાના માટે એક નવું શર્ટ કે નવા શૂઝ ખરીદવાની ઇચ્છા પર કાબૂ રાખીને એ રકમ પોતાનાં સંતાનોને પૉકેટ મનીરૂપે કે એમની બર્થડે જેવા પ્રસંગોને ઉજવવા માટે ચૂપચાપ એમના હાથમાં મૂકી દીધી હોય છે.

બાળકોના ઉછેરમાં મા-બાપનું એકસરખું મહત્ત્વ હોવાનું. સંતાનોને સંસ્કાર આપવામાં મા-બાપ બેઉનો ઇક્વલ ફાળો હોવાનો. આમ છતાં આપણે તો એક જ વાતનું રટણ કરતાં હોઈએ છીએ: ‘જનનીની જોડ સખી નહીં જડે રે લોલ.’ જાણે પિતાશ્રીની જોડ ગલીએ ગલીએ મળી જવાની હોય!

દરેક વ્યક્તિના જીવનમાં એની માતાનો જેટલો ફાળો હોય છે એટલો જ ફાળો પિતાનો પણ હોવાનો. એટલે જ તો આપણા ઋષિમુનિઓએ માતૃદેવો ભવઃની સાથે તરત જ લખ્યું કે પિતૃ દેવો ભવઃ. પરંતુ આપણને માત્ર માતાએ લડાવેલાં લાડકોડ જ દેખાતાં હોય છે કારણ કે તે પ્રત્યક્ષ હોય છે. પિતાનો ફાળો અપ્રત્યક્ષ હોય છે.

દરેક કુટુંબમાં માબાપનો રોલ ગુડ કૉપ-બૅડ કૉપ જેવો હોવાનો. સંતાનને ખખડાવવાની, એના પર ગુસ્સે થવાની જવાબદારી માતાઓ પોતે નિભાવવાને બદલે પિતાને સોંપી દેતી હોય છેઃ ‘પપ્પાને આવવા દે, તારી વાત છે.’ મોટા ભાગે મા પોતે આવી જવાબદારીમાંથી છટકી જતી હોય છે. બાળકને સારું સારું ખવડાવવાની, ખર્ચો કરીને સ્કૂલ ટ્રિપમાં મોકલવાની, નવાં કપડાં અપાવવાની, માંદગી દરમ્યાન સંભાળ રાખવાની જવાબદારી મા નિભાવતી હોય છે. પિતા આજીવિકા રળવામાં બિઝી હોય છે. સંતાનને ખ્યાલ નથી આવતો કે માતાના લાડપ્યાર પાછળ જે પૈસો ખર્ચાતો હોય છે તે ભગવાન ઉપર બેઠાંબેઠાં વરસાવતો નથી, એ પૈસો ઝાડ પર પણ ઉગતો નથી; બાપ દિવસ-રાત કાળી મજૂરી કરે છે ત્યારે એ પૈસો ઘરમાં આવે છે અને ખર્ચાય છે.

પિતાની આ મહત્તા સંતાનો ભાગ્યે જ સમજતા હોય છે. વર્ષો પહેલાં એપેન્ડિક્સના ઇમરજન્સી ઑપરેશન પછી બેહોશીમાંથી થોડોથોડો બહાર આવી રહ્યો હતો ત્યારે મારા પપ્પા મને જોવા હૉસ્પિટલમાં આવ્યા હતા. મમ્મીએ કહ્યું, ‘જો પપ્પા, તારી ખબર કાઢવા આવ્યા છે.’ મને પાછળથી કહેવામાં આવ્યું હતું કે તે વખતે મારા મોઢામાંથી આ શબ્દો નીકળ્યા હતાઃ ‘મમ્મી, તું મને ખૂબ ગમે છે, પપ્પાને અહીંથી જવા દે!’

હાલાંકિ એ ઑપરેશન પપ્પાના પૈસે થયું હતું, પપ્પાએ એમની ઓળખાણવાળા મોટા ડૉક્ટરને ફોન કરીને હૉસ્પિટલ વગેરેની વ્યવસ્થા ગોઠવી હતી અને એની સામે મમ્મીએ તો નાનપણમાં હું સાદા ચંપલને બદલે ગાદીવાળાં ચંપલ ખરીદી લાવ્યો ત્યારે એ નવા ચંપલે ચંપલે ફટકારીને બદલાવી આવવા માટે બાટાની દુકાને પાછો મોકલ્યો હતો. પણ આમ છતાં જિંદગી આખી હંમેશાં એ જ વિચાર મનમાં રહ્યા કરેઃ ‘મમ્મી મને ખૂબ ગમે છે, પપ્પાને જવા દે.’

જીવનમાં બહુ મોડેથી રિયલાઇઝ થયું કે આપણા ઉછેરમાં માતા જેટલો જ ફાળો પિતાનો પણ હોય છે. ત્યાં સુધીમાં પિતાની પાછલી અવસ્થા આવી પહોંચી હતી. પશ્ચાતાપરૂપે એમની માંદગીઓ વખતે યથાશક્તિ એમની પડખે રહ્યો ત્યારે એમણે એમના સ્કૂલના જમાનાના અંગત મિત્રને મારા વિશે કહ્યું હતું: ‘મારો દીકરો તો શ્રવણ છે.’

માતા પ્રત્યેનો આદરભાવ વ્યક્ત કરવામાં આપણે પિતા પ્રત્યેના ઋણ સ્વીકારનો ભાવ વ્યક્ત કરવાનું ચૂકી જતાં હોઈએ છીએ એવું મને હંમેશાં લાગ્યું છે. વર્ષો પહેલાંના એક લેખમાં આ જ કેન્દ્રવર્તી વિચાર રાખીને મેં લખ્યું હતું: ‘માતા તો ભગવાનનું સ્વરૂપ છે જ પણ શું પિતા રાવણનો અવતાર હોય છે?’ આવું કહીને મેં માતાની અવગણના કર્યા વિના જીવનમાં પિતાની મહત્તાનાં ગુણગાન ગાયાં હતાં.

એ જમાનામાં ગુજરાતીમાં વિવિધ મહાનુભાવો પાસે પોતાની માતા વિશે લખાવીને એનાં સંપાદનો પ્રગટ કરવાનો ટ્રેન્ડ શરૂ થયો હતો. એક વખત મને પણ આવું આમંત્રણ એક અંગત મિત્ર દ્વારા થઈ રહેલા સંપાદનમાં લખવાનું મળ્યું. મેં સ્વીકાર્યું. બે-ત્રણ વખત લખવાની કોશિશ કરી પણ પંદર દિવસ પછી મેં ક્ષમા માગીને કહી દીધું કે ‘એક-બે પૅરેગ્રાફ લખ્યા પછી હું આગળ નથી લખી શકતો.’

એ પછી જ મેં ‘શું પિતા રાવણ છે?’ વાળો લેખ લખ્યો હતો. અને એના થોડાં વર્ષ પછી ગુજરાતીમાં પિતા વિશેના લેખોનાં સંપાદનો પ્રગટ કરવાનો ટ્રેન્ડ શરૂ થયો હતો.

પૂરેપૂરા નિખાલસ બનીને જો કહેવાનું હય તો હું કહીશ કે આપણે મા-બાપ તરીકે આપણાં સંતાનો માટે જે કંઈ કરીએ છીએ તે કંઈ આપણી ફરજના ભાગરૂપે નથી કરતા પણ આપણને આપણા સંતાનો માટે પ્રેમ છે, એમના પર વહાલ આવે છે એટલા માટે કરીએ છીએ. એમના મોઢા પર સ્મિત જોવા માટે કરીએ છીએ. એમના સુખ માટે આપણી સગવડો ઓછી કરીએ છીએ એને ‘ત્યાગ’નું નામ આપવાની જરૂર નથી. કારણ કે અંતે તો એવું કરવામાં આપણને આનંદ મળે એવો આપણો ‘સ્વાર્થ’ હોય છે. સંતાનો આપણી પાછલી ઉંમરે આપણા ઘડપણની લાકડી બનશે એવો સ્વાર્થ ન હોય તો પણ વર્તમાનની ઘડીએ એમના મોઢા પર સ્મિત આવે એવો સ્વાર્થ તો હોવાનો જ. એટલે જ મા-બાપ તરીકે આપણે એમની દરેક માગણીને ખુશી ખુશી સંતોષવાની કોશિશ કરતા હોઈએ છીએ અને ક્યારેક તો એમણે માગણી પણ ન કરી હોય એવી એવી ચીજવસ્તુઓ એમના માટે લાવીને પરમ તૃપ્તિ અનુભવતાં હોઈએ છીએ.

આ જ સમીકરણથી, આપણે મા-બાપ તરીકે આપણાં સંતાનો માટે જે કંઈ કરીએ છીએ એવું જ આપણા માતા-પિતાએ આપણા માટે કર્યું છે એવું, વિચારીશું તો હું જે કહેવા માગું છું તે આખી વાત તમને સરળતાથી સમજાઈ જશે.

સાચું પૂછો તો વિદેશી ગ્રીટિંગ્સ કાર્ડ કંપનીઓને ધીકતી કમાણી કરાવતા મધર્સ ડે, ફાધર્સ ડે, વેલેન્ટાઇન્સ ડે વગેરે ડેઝની ઉજવણીને ભારતની સંસ્કૃતિમાં કોઈ સ્થાન જ નથી. આપણે તો રોજ ભગવાનને પ્રાર્થના કરીને એમને મા-બાપ સાથે ભાઈ-મિત્ર સાથે સરખાવતાં હોઈએ છીએ: ત્વમેવ માતા, પિતા ત્વમેવ; ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ… માતા-પિતા પ્રત્યેનો આદર આનાથી વધુ બીજી કઈ રીતે વ્યક્ત થઈ શકે?

વિશ્વની કોઈ પણ સંસ્કૃતિએ પોતે જેમની આરાધના કરતા હોય તે ઈશ્વર, ગૉડ કે ખુદા કે પછી નિરાકારની તુલના મા-બાપ સાથે ક્યારેય નહીં કરી હોય.

માતાનાં ગુણગાન જેવું જ આપણે ત્યાં દીકરી વિશે ચાલતું રહ્યું છે. દીકરી વહાલનો દરિયો, દીકરી તો આમ ને દીકરી તો તેમ. કેમ ભાઈ, દીકરો શું માથે પડેલો પથરો છે! જોકે, એ આખો વિષય જુદો છે. ફરી કોઈ વાર!

આપણી સંસ્કૃતિમાં માતા-પિતા બેઉનું સરખું મહત્ત્વ છે. ધરતી જો માતા છે તો સૂરજ પિતાના પિતા – દાદા છે. મા સરસ્વતી, મા લક્ષ્મી, મા શક્તિની આરાધના કરીએ છીએ તો શિવ, રામ, કૃષ્ણને જગતના તાત તરીકે એટલા જ ભાવપૂર્વક પૂજીએ છીએ. માતા વિના આપણું અસ્તિત્વ જ ન હોત એ વાત સો ટકા સાચી. શું પિતા વિના આપણું અસ્તિત્વ હોત? અને એથીય આગળ વધીને કહીએ કે સંતાન જન્મે છે ત્યારે જ એક સ્ત્રી-એક પત્નીને માતાનું બિરૂદ મળે છે. સંતાન જન્મે છે એ પછી એક પુરુષ – એક પતિ પિતા બને છે. જેમ માતા-પિતા સંતાનને જન્મ આપે છે એમ એક સંતાન સ્ત્રી-પુરુષને માતા-પિતા બનાવે છે.

પાન બનાર્સવાલા
માએ મા, બીજા બધા વગડાના વા!
-જૂની ગુજરાતી કહેવત

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

•••
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

6 COMMENTS

  1. સાચી વાત છે, માતા પિતા અથવા પિતા માતા બન્ને આદરણીય છે. ગર્ભાધાનથી માતા સાથેની નજદીકી વધુ રહે તેથી તેનું વધુ આકર્ષણ નૈસર્ગિક છે . સ્વાનુભવ પછી સાચી વાત બખૂબી સમજાય છે. સંતાન વિહીન વ્યક્તિને જીવનની આખરી પળોમાં અધૂરપનો વસવસો સતાવે તે જાણ્યું / જોયું છે.
    પશ્ચિમી સમાજની ચિંતા છોડી આપણે આપણો સાંસ્કૃતિક વારસો નિભાવતા રહીયે, ભયો ભયો.

  2. સાચી વાત છે સૌરભ ભાઈ. મારા મનમાં જે વિચારો ઘણા વર્ષોથી હતા એ આ આર્ટિકલ માં વાંચવા મળ્યા.

  3. તો શું !!! બાપ એ બાપ, બીજા બધા સાપ ???
    બાપ છે તો આપ છો.. નહીં તો…??

    સૌરભભાઈ,

    કોમેન્ટ ગમી હોય તો હામી ભરજો.. બાપ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here