ભોજન વિશેની એકવીસ સુવર્ણમુદ્રાઓ — હરદ્વારના યોગગ્રામમાં ૨૨મો દિવસ : સૌરભ શાહ

( ગુડ મૉર્નિંગ : ચૈત્ર વદ છઠ, વિક્રમ સંવત ૨૦૭૮. શુક્રવાર, ૨૨ એપ્રિલ ૨૦૨૨)

આજે બાવીસમી એપ્રિલ છે. દંતાલિવાળા સ્વામી સચ્ચિદાનંદ આજે આયુષ્યનાં 90 વર્ષ પૂરાં કરીને જીવનના દસમા દશકમાં પ્રવેશી રહ્યા છે. બ્રાહ્મમુહૂર્તમાં જાગીને સૌ પ્રથમ એમને યાદ કરીને ભગવાન પાસે એમના સ્વાસ્થ્યભર્યા શતાયુ માટે પ્રાર્થના કરી.

રૂમમાં જ નેત્ર પક્ષાલન અને જલનેતિની વિધિ પૂરી કરી હળદર-તુલસી-આદુનો કાઢો પીવા ડાયનિંગ હૉલમાં ગયો. કપરકાબીમાં આપે. ગરમ હોય. ધીમે ધીમે ચા પીતાં હોઈએ એમ પીએ તો કોઠામાં ગરમાહટ આવી જાય. ઘરે જઈને પણ આ ચાલુ રાખવા જેવું છે.

યોગાભ્યાસ માટેના ગાર્ડનમાં હવે સૂર્યપ્રકાશ વહેલો ફેલાવા માંડે છે. અહીં પહેલી એપ્રિલે આવ્યો ત્યારે બીજા દિવસની યોગસેશનમાં સવારે પાંચ વાગ્યે પહોંચ્યો તે વખતે કાળું ડિબાંગ અંધારું હતું. હવે આછો અજવાસ જોવા મળે છે. થોડી જ મિનિટોમાં આકાશમાં લાલિમા પથરાઈ જાય છે અને સાડા પાંચ સુધીમાં તો લાગે કે સવાર પડી ગઈ! મુંબઈમાં સાડા છ-સાત વાગ્યે હોય એટલું અજવાળું થઈ જાય.

સ્વામીજી જે મંચ પરથી યોગાભ્યાસ કરાવી રહ્યા છે તેની ડાબી બાજુએ આંબાનું ઘનઘોર વૃક્ષ છે. અહીં બેઠાં બેઠાં એના પર લાગેલા મો’ર દેખાય છે. વલસાડની આફૂસ કેરીઓ તો પાકીને ઘરોમાં ખવાતી થઈ ગઈ હશે. આ કદાચ દશહરીનો આંબો હશે. આ પ્રદેશમાં મેજૂનમાં દશહરી ખવાતી હોય છે.

આજે મને એક નવી વાત સૂઝી. યોગાસન તેમ જ પ્રાણાયામ શીખવાં હોય ત્યારે સમૂહમાં એકબીજાનું જોઈને અને યોગાચાર્યની સૂચના હેઠળ શીખીએ તે બરાબર છે. પણ એક વખત પ્રેક્ટિસ પડી ગયા પછી અને ઇન્સ્ટ્રક્શન્સની કોઈ આવશ્યકતા નથી એવું સમજાઈ ગયા પછી યોગાસન એકાન્તમાં કરવાં જોઈએ, સમૂહમાં નહીં. પ્રાણાયામ તો ખાસ એકાન્તમાં જ કરવાનાં. મને તો એ જ વાત ઠીક લાગે છે. પછી જેવી જેની મરજી. હું મુંબઈ જઈને ઘરમાં કે પછી નીચે સોસાયટીના ગાર્ડનમાં એકાન્તમાં જ યોગાસન અને પ્રાણાયામ કરવાનું વિચારું છું. બની શકે તો કોઈ પ્રકારનો અવાજ પણ નહીં. સંગીત પણ નહીં. કમ્પલીટ મૌન. વાણીનું અને શ્રવણનું પણ મૌન. આ તો એક સાધના છે, અંગકસરત નથી.

આજે સ્વામીજીએ એક અતિ ગંભીર વાત કહેતાં કહેતાં બધાંને બહુ હસાવ્યા. સ્વામીજી યોગગ્રામમાં આવીને સાજા થઈ રહેલા તેમ જ સાજા થઈ ગયેલા લોકોને ઊભા કરી કરીને એમની પાસેથી એમની બીમારીની તેમ જ સાજા થવાની પ્રક્રિયાની માહિતી પૂછતા હતા. એમાંથી કોઈકને મંચ પર પણ બોલાવી લેતા હતા. અચાનક એમણે કહ્યું, ‘આ તમામ લોકોને મેં કંઈ જ નથી કહ્યું કે તમારે શું બોલવાનું છે? તેઓ ખરેખર સ્વ અનુભવો આપણી સાથે અને ‘આસ્થા’ ચેનલ દ્વારા દુનિયાના 170 કરતાં વધુ દેશોમાં અત્યારે જે કરોડો લોકો જોઈ રહ્યા છે એમની સાથે વહેંચી રહ્યા છે.’

પછી અચાનક ઊભા થઈને બોલ્યા, ‘આ કંઈ પેલા ઈસાઈઓનાં પાખંડ નથી કે અગાઉથી ગોઠવણ કરી રાખેલું નાટક સ્ટેજ પર થાય.’ પછી પોતે બે હાથ ઝુલાવી, પગ વાંકા કરીને લથડિયાં ખાતાં બોલ્યા, ‘પહેલાં આ માણસ આવી રીતે ચાલતાં અહીં આવ્યો હતો અને હવે જુઓ ચમત્કાર-કેવો ટટ્ટાર થઈ ગયો છે- એમ કહીને એના પર પાણી છાંટીને એને સાજો કરી દે!’ આટલું કહીને બાબાએ ફરી આવા તમાશબીનોની નકલ કરી અને ધ્રુજતા હોય એવો અભિનય કરીને પાદરીના ‘ચમત્કાર’ પછી સાજા થઈ ગયા હોય એવું નાટક કેવી રીતે થતું હોય છે તે બતાવ્યું બધા બહુ હસ્યા. બાબાને પણ મિમિક્રી કરવાની મઝા પડી ગઈ. પણ વાત ઘણી સિરિયસ હતી. પેલું ઈસાઈઓનું પાખંડ છે અહીં ખરેખર રોગ-મુક્તિ પામેલા કે રોગમાંથી છુટકારો મેળવી રહેલા સાચા કિસ્સાઓ છે. બાબા જાણે છે કે દુનિયામાં એવા ઘણા લોકો હોય છે જેઓ પોતાની ભવાઈને લીલાનો દરજ્જો અપાવવા માટે તમારી લીલાને ભવાઈ ગણીને ઉતારી પાડતા હોય છે.

બાબાએ આજે એક સટિક સૂત્ર આપ્યું: ‘આહાર હી ઉપચાર હૈ.’

રોજેરોજની આહાર પદ્ધતિ કેવી હોવી જોઈએ એ સમજવા માટે આપણે ફરી એક વાર વૈદ્ય બાપાલાલભાઈને કન્સલ્ટ કરવા પડશે. ‘દિનચર્યા’ પુસ્તકનાં 33 પ્રકરણોમાંથી સૌથી લાંબું ચૅપ્ટર ભોજન વિષયક છે. 28 પાનાંના આ પ્રકરણ ઉપરાંત પુસ્તકના છેવાડે પરિશિષ્ટમાં તેઓએ આઠ-દસ પાનાં ભોજનને લગતાં સુભાષિતોનું કલેક્શન આપ્યું છે. ચરક અને મનુ ઉપરાંત ગીતા, વિષ્ણુપુરાણ, મહાભારત અને સ્કન્દપુરાણના શ્લોકોનો પણ એમાં સમાવેશ થાય છે.

બાપાલાલભાઈએ લંબાણપૂર્વક સમજાવેલી વિગતોને નટશેલમાં મૂકતાં પહેલાં એમણે પ્રકરણના અંત ભાગમાં આપેલી આ સલાહ ખાસ ધ્યાનમાં રાખીએ: ‘ખોરાકની બાબતમાં બધાને એક જ લાકડીથી હાંકવાના ન હોય.’

આ સુવર્ણસલાહનો અર્થ એ થયો કે તમારા ઉછેર, શરીરના બાંધા, તમારા વ્યવસાય અને તમે કયા પ્રદેશમાં વસો છો એ બધું જ ગણતરીમાં લેવાનું હોય. આ ઉપરાંત સીઝન મુજબ, ઋતુ મુજબ, આહારમાં યથોચિત ફેરફારો કરતાં રહેવાનું હોય. એટલું જ નહીં તમારા શરીરની સ્વસ્થતામાં કોઈ ગરબડ સર્જાય ત્યારે પણ તમારા માટે નિશ્ચિત કરેલા રોજિંદા ખોરાકમાં તબદીલી જરૂરી બની જાય. ક્યારેક આહાર ત્યજીને નકોરડા કે અન્ય પ્રકારના ઉપવાસ કરવા પડે તો ક્યારેક અમુક વખત પૂરતું કેટલાક પદાર્થોની પરેજી પાળવી પડે.

હવે પછીની બાપાલાલભાઈની ટિપ્સ વાંચતી વખતે ઉપલો ફકરો ફરી એક વાર વાંચી જઈને મનમાં બરાબર સંઘરી લેવાનો.

1.ભોજન પહેલાં આદુની કચુંબર અને સિંધવ લૂણ ખાવું હિતાવહ છે. આથી જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે. જિહવા અને કંઠ શુદ્ધ થાય છે અને ભોજનમાં ઋચિ વધે છે. બાપાલાલ વૈદ્યે પાદટીપમાં આ શ્લોક ટાંકીને પોતાની વાતનું પ્રમાણ આપ્યું છેઃ ભોજનાગ્રે સદા પથ્યં લવણાર્દ્રકભક્ષણમ્, અગ્નિ સન્દીપનં રુચ્ય જિહવાકંઠવિશોધનમ્. હવે પછી સંસ્કૃત શ્લોક વચ્ચે ટાંક્યા વિના આપણે સડસડાટ આગળ વધીશું.

બાપાલાલ વૈદ્યે સ્પષ્ટ લખ્યું છેઃ ‘ગુજરાતના મધ્યમ વર્ગનો ખોરાક દાળ, ભાત, રોટલી, શાક, દૂધ, દહીં વગેરે છે. જે પૂર્વજોએ આ ખોરાકની યોજના કરી છે તે પૂર્વજો મોટા આપણને ખૂબ માન થાય છે. આ ખોરાક સંપૂર્ણ છે એમ કહેતાં મને જરાકેય સંકોચ થતો નથી.’

2. ‘અષ્ટાંગહૃદયમ્’માં વાગ્ભટે લખેલી સલાહ (સૂ.સ્થ.અ. 5-15) ટાંકીને બાપાલાલભાઈ કહે છે કે જમતી વખતે પાણી પીવામાં જરાય નુકસાન નથી. આ વિવાદાસ્પદ પ્રશ્નને જોઈએ તે કરતાં વધુ મહત્ત્વ અપાયેલું છે. પાણીની જ્યારે તરસ લાગે ત્યારે પી લેવું. વાગ્ભટ્ટના શબ્દો છેઃ ‘ભોજનની મધ્યમાં પાણી પીવાથી શરીર બહુ જાડું નહીં કે બહુ પાતળું નહીં તેવું સમાન રહે છે. ભોજનના અંતમાં પાણી પીવાથી શરીર સુકાય છે, જ્યારે ખાતાં પહેલાં પાણી પીવાથી શરીર સ્થુળ બને છે. કેટલાક લોકો માને છે કે જમતાં પહેલાં પાણી પીવાથી શરીર સુકાય છે અને જમ્યા પછી પીવાથી સ્થુળ બને છે. પણ એક બાબતે આપણી પ્રાચીન વિદ્યા સહમત છે કે જમવાની મધ્યમાં કે જમતાં જમતાં નાનાનાના ઘૂંટડે પાણી પીવાથી તે અમૃત જેવું કામ કરે છે અને અન્નનું પાચન કરીને ધાતુસમતા સાધે છે. સુશ્રુતે પણ કહ્યું છે કે ઉત્તરોત્તર સ્વાદિષ્ટ ભોજન જમવું જોઈએ અને ખાતાં ખાતાં વારંવાર પાણીથી મુખપ્રક્ષાલન સાધવું જોઈએ. આ પ્રમાણે ઘૂંટડો ઘૂંટડો પાણી પીવાથી જીભ સાફ રહે છે અને ભોજન પહેલાં જેવું જ રુચિકર બને છે (સુશ્રુત સૂ.46-483).

ભોજન કર્યા પછી તરત જ પાણી પીવાથી તે વિષ જેવું અહિતકર બને છે. ભોજન પચી ગયા બાદ (ખાધાના બે-ત્રણ કલાક પછી) પાણી પીવાથી શરીરમાં શક્તિ-બળ આવે છે.

એટલું ધ્યાન રાખવાનું કે જમતાં જમતાં પાણી પીઇએ તે થોડું-થોડું જ હોય. બહુ પાણી પીવાથી અન્નનું ઠીક પાચન થતું નથી અને પાણી ન પીવાથી પણ અન્ન પચતું નથી.

3. બાપાલાલ વૈદ્યે સ્પષ્ટ લખ્યું છેઃ ‘ગુજરાતના મધ્યમ વર્ગનો ખોરાક દાળ, ભાત, રોટલી, શાક, દૂધ, દહીં વગેરે છે. જે પૂર્વજોએ આ ખોરાકની યોજના કરી છે તે પૂર્વજો મોટા આપણને ખૂબ માન થાય છે. આ ખોરાક સંપૂર્ણ છે એમ કહેતાં મને જરાકેય સંકોચ થતો નથી.’

આટલું કહીને તેઓ ઉમેરે છેઃ ‘(મોટા ભાગની) રાંધનાર સ્ત્રીઓને આહારનું જરા પણ જ્ઞાન નથી એટલે તેમને જ્ઞાન આપવાની જરૂર છે… આપણે શું ખાવું જોઈએ અને શું નહીં તેટલું જો સ્ત્રીઓ જાણી જાય તો આપણા આહારશાસ્ત્રની ખૂબ જ ખિલવણી થાય એમ છે.’

બાપાલાલજીએ લગભગ સો વર્ષ પહેલાં કરેલી આ ટિપ્પણને ટીકારૂપે ન લેતાં સમજણ વિકસાવવા માટેની નિર્દોષ સલાહરૂપે સૌએ લેવી જોઈએ.

દૂધ સાક્ષાત અમૃત છે. તે દૂધ નીરોગી ગાય-ભેંસનું હોવું જોઈએ…બાપાલાલભાઈની સલાહ છે કે દરેક વ્યક્તિઓએ હંમેશાં એકથી દોઢ શેર (લગભગ અડધાંથી પોણાં લીટર) દૂધ હંમેશાં પીવું જોઈએ

4. આજકાલ કેટલાક દોઢડાહ્યા વેજિટેરિયનોએ ‘વેગન’ ફૂડની ફેશન શરૂ કરી છે તેઓની દલીલ હોય છે કે દૂધ તો ગાયના વાછરડા માટે હોય છે, આપણાથી એને ભૂખ્યું રખીને ન પીવાય. તેઓ દૂધમાંથી બનતી તમામ સામગ્રીઓને ખોરાકમાંથી દૂર કરી નાખે છે- માખણ, દહીં, છાશ, ચીઝ, માવો, પનીર વગેરે.

આ વિદેશી ટ્રેન્ડ હવે ભારતમાં આવ્યો છે. કમનસીબી છે. બાકી, આપણે ત્યાં પરંપરાગત રીતે સમૃદ્ધિ માટે કહેવાતું આવ્યું છે કે, ‘અહીં દૂધ-ઘીની નદીઓ વહેતી’. મહર્ષિ ચરકે કહ્યું છે કે ‘દૂધ ઓજને વધારનાર છે. જે જીવનોપયોગી અથવા જીવનને લંબાવનાર ખાદ્ય પદાર્થો છે તે બધામાં દૂધ ઉત્તમ છે- પ્રવર જીવનીય છે- દૂધ તો રસાયન છે.’ (ચરક સૂ.27-212). રસાયન એટલે જે દ્રવ્યના સેવનથી જરા અને વ્યાધિ દૂર થાય છે.

દૂધ સાક્ષાત અમૃત છે. તે દૂધ નીરોગી ગાય-ભેંસનું હોવું જોઈએ. (ડૉ. પ્રકાશ કોઠારી ભેંસને બદલે ગાયના દૂધની, ગાયના ઘીની પ્રખર હિમાયત કરતા હોય છે. તેઓ પોતાની વાત સમજાવતાં દાખલો આપતા હોય છેઃ ‘કોનામાં તાકાત વધારે? આખલામાં કે પાડામાં!’)
બાપાલાલભાઈની સલાહ છે કે દરેક વ્યક્તિઓએ હંમેશાં એકથી દોઢ શેર (લગભગ અડધાંથી પોણાં લીટર) દૂધ હંમેશાં પીવું જોઈએ.

જેમને દૂધની એલર્જી હોય કે પછી કોઈ ત્વચારોગ કે અન્ય રોગના ઉપચાર દરમ્યાન દૂધ ઉત્પાદન લેવાની મનાઈ હોય એમની વાત જુદી છે, એમણે પરેજી પાળવાની હોય. બાકી, ઇન જનરલ દૂધ અમૃત છે એમાં કોઈ શંકા નથી, વેગન-વાળા જે કહે તે.

5. મનુનો શ્લોક ટાંકીને બાપાલાલભાઈ કહે છે કે ‘જે હાથપગ ધોઈને જમવા બેસે છે તે દીર્ઘાયુ થાય છે.’
ઉપરાંત ‘ક્ષેમકુતૂહલ’ ગ્રંથને ટાંકીને તેઓ કહે છેઃ ‘જમતી વખતે ધોયેલાં વસ્ત્રો પહેરવાં જોઈએ… સુંદર, રમ્ય (અને સ્વચ્છ) સ્થાનમાં પ્રિય મિત્ર અથવા આત્મીયજન સાથે જમવા બેસવું જોઈએ.’

6. છોકરાં રડતાં હોય, મા ઘાંટા પાડતી હોય, બૂમબરાડા હોય, ગંદકી હોય—અને આવાં બીજાં કારણો જેનાથી મનને આઘાત પહોંચે એવા સ્થાને જમવા બેસવું નહીં. સુંદર પાટલા બિછાવ્યા હોય (કે આજના જમાનામાં સરસ રીતે ડાઇનિંગ ટેબલની સજાવટ કરી હોય), સુગંધી અગરબત્તીઓ પ્રગટાવી હોય, મોટા સ્વચ્છ થાળ કે પતરાળાં પર ભોજન પીરસાતું હોય એવા મનોરમ્ય સ્થાને જમવા બેસવું જોઈએ. જ્યાં માખોનો બણબણાટ હોય, મચ્છરોનો ગણગણાટ હોય, માથું ફાટતી દુર્ગંધ હોય ત્યાં જમવા ન જવું જોઈએ.

7. જમતી વખતે તન્મયતાથી જમવાનું. ખાતી વખતે બહુ હાહા હીહી કે બીજી આડીઅવળી વાતો ન કરતાં શાંતિથી, એકાગ્રતાથી જમવું જોઈએ. મન બીજા વિચારોમાં ભટકતું હોય ત્યારે ખાવા બેસવું યોગ્ય નથી.

8. હંમેશાં ગરમાગરમ અને તાજો ખોરાક ખાવો જોઈએ. ગરમાગરમ એટલે દઝાય એવો નહીં પણ ખોરાક તૈયાર થાય કે તરત જ એ અર્થમાં. મહર્ષિ ચરક કહે છે કે ઉષ્ણ ખોરાક જમવાથી જમવામાં સ્વાદ આવે છે, જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે અને ખાધેલું જલદી પચી જાય છે, વાયુનું સારી રીતે અનુલોમન થાય છે, કફ સુકાઈ જાય છે.

9. ખોરાક સ્નિગ્ધ ખાવો જોઈએ. લૂખો ખોરાક ખાવો અહિતકર છે. (આજકાલ ઘી વગરની લુખી રોટલી કે કોરા ખાખરા વગેરે ખાવાનો ટ્રેન્ડ કેટલાક આહારશાસ્ત્રીઓ/ડૉક્ટરોએ શરૂ કરાવ્યો છે. ડૉ.મનુ કોઠારીએ મારા પિતાએ સ્ટેન્ટ મૂકાવ્યા પછી કોરી રોટી ખાવાનું શરૂ કર્યું તો એમને ઘી ચોપડેલી રોટલી શરૂ કરાવી હતી અને અઠવાડિયે કંઈક મીઠાઈ પણ ટેસથી ખાજો એવી સલાહ આપીને તાત્કાલિક આંતરડાના કેન્સરની ગાંઠનું ઑપરેશન ન કરાવવાની સલાહ આપી હતી, જેને કારણે મારા પિતા બે વર્ષ વધુ જીવ્યા અને જલસાથી જીવ્યા. – સૌ.શા.)

10. સ્નિગ્ધ ખોરાકમાં મિષ્ટાન્નનો સમાવેશ થાય. જમતી વખતે હંમેશાં થોડો મધુર પદાર્થ ખાવામાં આવે તો સારું. મિષ્ટ પદાર્થથી દેહની અભિવૃદ્ધિ થાય છે, ખોરાક સ્વાદિષ્ટ લાગે છે. સ્નિગ્ધ ખોરાક ઉપર જ બલ, વર્ણ, બુદ્ધિ અને સાહસ નિર્ભર છે (લો, આ તો ભાવતું’તું ને બાપાલાલ વૈદ્યે કહ્યું).

11. માત્રાસર ખાવું જોઈએ. માત્રા એટલે યોગ્ય પ્રમાણ. બહુ ઠાંસી ઠાંસીને ખાનાર જલદી મરે છે. જે માફકસર ખાય છે તેનું આયુષ્ય લંબાય છે, મળમૂત્રનો સુખેથી નિકાલ થાય છે; વાત-પિત્ત-કફના ઉપદ્રવ થતા નથી.

જેમ બહુ ઉતાવળે નહીં તેમ બહુ ધીમે પણ ન ખાવું. કેટલાક જમતી વખતે કલાક-દોઢ કલાક લગાડતા હોય છે. આ પણ ઠીક નથી: બાપાલાલ વૈદ્ય

12. પ્રથમ લીધેલો ખોરાક જ્યાં સુધી પેટમાં બરાબર પચી ન જાય ત્યાં સુધી ફરીથી જમવું ન જોઈએ. ખોરાક બરાબર પચી જવાનાં ચિહ્નોઃ શરીર હલકું લાગે, મોંનો સ્વાદ સરસ હોય, ખાટા-ખારા કે બીજા ઓડકારો ન આવે, ઝાડા-પેશાબનો બરાબર ખુલાસો રહે, જઠરાગ્નિ પ્રદીપ્ત લાગે. જો પેટમાં ગડગડાટ થતો હોય, દુર્ગંધી અધોવાયુ (ફાર્ટિંગ) થતો હોય, ઓડકાર આવતા હોય, શરીર ભારેખમ લાગતું હોય તો ન ખાવું.

13. ખૂબ ચાવીને ખાવું. ચાવવાથી ખોરાક જ્યારે જઠરમાં જાય ત્યારે એને પચાવવાની મહેનત પડતી નથી. વળી જેમ ખોરાક ચવાતો જાય તેમ એની મીઠાશ વધતી જતી હોવાથી ખાવાની મઝા વધારે આવે છે અને એ દરમ્યાન જઠરમાં જઠરરસનો સ્રાવ થવા માંડે છે. અજીર્ણનો રામબાણ ઇલાજ ચાવીને ખાવું એ છે. ચાવીને ખાવાથી દાંત સુદૃઢ રહે છે. ચાવીને ખાવાથી ઓછું ખવાય છે અને ઓછું ખાનારાઓ વધારે ખાનાર કરતાં નીરોગી હોય છે.

14. જેમ બહુ ઉતાવળે નહીં તેમ બહુ ધીમે પણ ન ખાવું. કેટલાક જમતી વખતે કલાક-દોઢ કલાક લગાડતા હોય છે. આ પણ ઠીક નથી. બહુ વિલંબ કરવાથી ખાવાનું ઠંડું પડી જાય, વધુ ખવાય છે, જોઈએ તેવી તૃપ્તિ થતી નથી.

15. આપણને જે ખોરાક માફક આવતો હોય તે જ ખાવો. બીજો ખોરાક ગમે એટલો ગુણસંપન્ન હોય પણ તે જો આપણી પ્રકૃતિને માફક ન આવતો હોય તો ન ખાવો. કેટલાકને દૂધ માફક નથી આવતું તો કેટલાકને દહીં માફક નથી આવતું, કેટલાકને આમલીની ખટાશ માફક નથી આવતી તો કેટલાકને ભાત માફક નથી આવતો. કેટલાકને બાજરી જ માફક આવે છે. આમ ભિન્ન ભિન્ન પ્રકૃતિવાળા મનુષ્યોને ભિન્ન ભિન્ન વસ્તુ માફક આવે છે.

‘છએ છ રસને ખોરાકમાં સ્થાન આપવું. મધુર, ખાટું, તીખું, નમકીન, કડવું, તૂરું —બધા જ સ્વાદવાળા ખોરાક ખાવાની ટેવ પાડવી. માફકસર છએય રસ ખાવાથી શરીર સારું રહે છે’

16. ખાવાનો સમય નિશ્ચિત રાખો. નિયમસર જમી લેવાનું-ઝાઝું વહેલુંમોડું નહીં થવા દેવાનું. વખતસર ભોજન આરોગ્યની વૃદ્ધિ કરનારું છે એવું મહર્ષિ ચરકે કહ્યું છે.

17. વિરુદ્ધ આહારનો ત્યાગ કરવો. દૂધ સાથે નમક કે કાંદા કે લસણ, મૂળા ન ખવાય. કઠોળ સાથે દૂધ ન લેવાય. આવા અનેક વિરુદ્ધ આહારો છે જે ત્યજી દેવા.

18. છએ છ રસને ખોરાકમાં સ્થાન આપવું. મધુર, ખાટું, તીખું, નમકીન, કડવું, તૂરું —બધા જ સ્વાદવાળા ખોરાક ખાવાની ટેવ પાડવી. માફકસર છએય રસ ખાવાથી શરીર સારું રહે છે. કાયમ માટે એકલા દૂધ ઉપર રહેનાર નીરોગી કે બળવાન ન રહી શકે. ‘મરચાં અને આમલી તો ખાવાં જ ન જોઈએ.’ એવું કહેનારા વેદિયા છે. ચરક સ્પષ્ટ શબ્દોમાં કહે છેઃ ‘સર્વ રસોના સેવનથી બળમાં વૃદ્ધિ થાય છે જ્યારે અમુક એક જ રસનું સેવન કરવાથી દુર્બળતા આવે છે’. ખોરાકના પ્રયોગ કરનારા માણસોએ આ યાદ રાખવા જેવું છે એવું બાપાલાલે વૈદ્યે કહ્યું છે. જોકે, અમુક વખતે કોઈ બીમારીના ઉપચારરૂપે જ્યારે ઉપવાસ વગેરે થતાં હોય તે સમયગાળાને અપવાદ ગણવો જોઈએ એવું મને યોગગ્રામમાં આવીને લાગે છે. રૂટિનમાં, નૉર્મલ લાઇફ જીવાતી હોય તે દરમ્યાન, ચરકની અને બાપાલાલભાઈની વાત સાથે સો ટકા સંમતિ.

19. જમ્યા બાદ બરાબર મોં સાફ કરવું. ખૂબ કોગળા કરવા. જમ્યા પછી રાજાની જેમ શાંત ચિત્તે બેસીને કલાકેક આરામ કરવો. જમીને તરત કામે લાગવાથી અન્ન પચવામાં વાંધો આવે. વામકુક્ષિ કરવી. ડાબે પડખે સૂઈ રહેવું-ઊંઘી ન જવું પણ શાંતિથી સૂઈને પડ્યા રહેવું. ખાઈને જે આરામથી સૂતો નથી તેને તંદ્રા લાગુ પડે છે. ખાઈને જે ઊંઘી જાય છે તેનું શરીર જાડું થઈ જાય છે. જે આંટા મારે છે તે આયુષ્ય પ્રાપ્ત કરે છે અને ખાઈને જે દોડે છે તેની પાછળ મૃત્યુ પણ દોડે છે.

20. જમતી વખતે પહેલાં મધુર રસયુક્ત પદાર્થ ખાવો, મધ્યમાં ખાટા-ખારા રસવાળો ખોરાક લેવો અને અંતે બાકીનું ભોજન કરવું. જમ્યા પછી છાશ અચૂક પીવી. (બપોરના ભોજન પછી છાશ. રાતના ભોજન સાથે દૂધ હોય. દહીં બ્રેકફાસ્ટમાં હોય, રાત્રે હરગિજ નહીં).

21. જઠરાગ્નિને પ્રાચીનોએ અગ્નિહોત્ર (અર્થાત્ હવન, હોમ, યજ્ઞ) સાથે સરખાવ્યો છે. જઠરાગ્નિ ઉપર જ આયુષ્ય, વર્ણ, બલ, સ્વાસ્થ્ય, ઉત્સાહ, ઓજ અને તેજ નિર્ભર છે. અગ્નિહોત્રમાં જેમ અપવિત્ર વસ્તુ ન હોમાય તેમ જઠરાગ્નિનું સમજવું – જે તે વસ્તુઓ પેટમાં ન પધરાવાય. જઠરાગ્નિ મંદ હશે અને અન્ન જો આમા શયમાં પચશે જ નહીં યા અધકચરું પચ્યું હશે તો ગમે એટલો પૌષ્ટિક કોરાક પણ તમારા શરીરનાં રક્ત, માંસ, અસ્થિ વગેરેને પોષણ નહીં પહોંચાડી શકે. એટલું જ નહીં ઊલટાનું તમે જાતજાતની બીમારીઓ નોતરશો. શરીરના મેટાબોલિઝમને બરાબર ચલાવવાનું કામ આ જઠરાગ્નિ દ્વારા થાય છે.

સુશ્રુતે કહ્યું છે એમ પ્રાણીમાત્રના પ્રાણ અન્ન ઉપર નિર્ભર છે. આહારથી જ દેહ ટકે છે… જઠરાગ્નિનું સ્વાસ્થ્ય આહાર ઉપર જ નિર્ભર છે.

બાપાલાલભાઈએ આપેલી આ ૨૧ સુવર્ણમુદ્રાઓ જેમની પાસે છે એ કરોડપતિ છે.

તાજા કલમ:
ગઈ કાલનો લેખ પોસ્ટ થયા પછી ‘ન્યુઝપ્રેમી’ના નિયમિત વાચક ડૉ. વિરલ દેસાઈ (nisheshcureconcepts@gmail.com) તરફથી એક મૂલ્યવાન કમેન્ટ આવી છે જે અહીં શેર કરી છે. ડૉ. વિરલભાઈનો ખૂબ ખૂબ આભાર. તેઓ લખે છે:

“બાપાલાલ વૈદ્ય….એટલે આયુર્વેદનો એક આખો યુગ સાંભરે…
જે 150-200 વર્ષ પહેલાંના જમાનામાં આયુર્વેદ સાવ લુપ્તપ્રાય જેવી દશામાં હતો, અંગ્રેજો એ સાવ નિર્મૂળ કરી દીધો હતો અને જનમાનસમાં એલોપેથી એટલે જ ચિકિત્સા એમ થવા થવામાં હતું ત્યારે આયુર્વેદના કેટલાક મનિષીઓએ આયુર્વેદ પુનઃ પ્રતિષ્ઠા માટે ભારે જહેમત આદરી હતી. એ યુગની છેલ્લી કડીમાં બાપાલાલ આવે.

આયુર્વેદના હસ્તલિખિત મૂળ ગ્રંથોને ખૂણે-ખૂણેથી શોધવા, ભારે મહેનતથી તેને સમિક્ષિત કરવા, અધિકૃત આવૃત્તિ બહાર પાડવી, અધિકૃત અનુવાદ કરવા, સંદિગ્ધ અને લુપ્ત ઔષધીઓને ઓળખવી, દવાઓ અને ચિકિત્સાની સિસ્ટમ ગોઠવવી, એજ્યુકેશન અને ટ્રેનિંગ – રિસર્ચ વગેરેનું માળખું ગોઠવવું આ બધાનું કામ કેટલાક લોકોએ ના કર્યું હોત તો આપણને અત્યારે આ આયુર્વેદ મળત જ નહિ. જાદવજી ત્રિકમજી આચાર્ય, પ્રિયવ્રત શર્મા, બાપાલાલ વૈદ્ય, ઝંડુ ભટ્ટજી, ભિક્ષુ અખંડાનંદ, જયકૃષ્ણ ઈન્દ્રજી, ચંદ્રકાંત શુક્લ, ડો. પી.એમ.મહેતા, વૈદ્ય શોભન, પ્રજારામ રાવળ કેટલા નામ ગણીએ!! બધાય અપ્રતિમ પુરુષાર્થના ધણી.

બાપાલાલ ભાઈએ સતત લખ્યું છે. વગડે-વગડે સંશોધન, ચિકિત્સા ઉપરાંત રોજના આટલા પાના લખવા જ એવા એ કૃતનિશ્ચયી. તેમનો નિઘંટુ આદર્શ ગ્રંથ જો અંગ્રેજીમાં હોત તો તેને વિશ્વભરના સંશોધકોને ઘેલું લગાડયું હોત. અંગ્રેજી, લેટિન, હિન્દી, ગુજરાતી, સંસ્કૃત, મરાઠીમાંથી અઢળક સંદર્ભો ટાંકીને પોતાની વાત સમજાવે તેવા બહુશ્રુત વિદ્વાન. તેમના બીજા એક ગ્રંથનું નામ છે સંસ્કૃત સાહિત્યમાં વનસ્પતિ.

તેમના ચરક સંહિતાના ઊંડા અભ્યાસને લઈને તેમને અમદાવાદની વી. એસ હોસ્પિટલના ડોક્ટરોએ વાર્તાલાપ માટે આમંત્ર્યા હતા. ચરકનો સ્વાધ્યાય એ પુસ્તકમાં આ ખૂબ ગહન અને માર્મિક વાર્તાલાપ સંગ્રહિત છે.

બાપાલાલ વૈધનુ એક ચોટદાર વાક્ય “જ્યાં એક ચમચી હરડે કે એક ચમચી દિવેલની જ જરૂર હોય ત્યાં દર્દીને દવાખાનામાં દાખલ કરીને એકસ રે પાડીને સેલાઈન ચઢાવીને હેરાન કરવો એ ઊંટવૈદુ જ ગણાવું જોઈએ”

તમારા લેખ નિમિત્તે આ બધું યાદ આવ્યું સૌરભભાઈ!
તમને અને તમારા વાચકોને ગમશે.”

• • •

સ્વામી રામદેવના હરદ્વારસ્થિત પતંજલિ યોગગ્રામમાં ૫૦ દિવસ રહેવાના અનુભવ પર લખાતી સૌરભ શાહની સિરીઝના અત્યાર સુધીના લેખોમાંથી તમે કોઈ મિસ કર્યા હોય તો આખું લિસ્ટ આ લિન્ક પર ઉપલબ્ધ છે:

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

•••
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

8 COMMENTS

  1. Respected Sourabh Bhai,
    Thank you for this article. I ordered the book ‘Dincharya’ from amazon and started reading it. It is really a gem. I am planning to distribute copies of it to my family and friends on my birthday so no one should miss this wisdom and knowledge.
    Regards,
    Hetal

  2. બાપાલાલ વૈદ્ય સુરત રત્ન હતા. એમની ગુજરાત મિત્ર મા આવતી આરોગ્ય વિશે ની કોલમ ખૂબ જ્ઞાન વર્ઘક હતી.
    એમની યાદ તાજી કરાવી
    આભાર

  3. સૌરભ સર ખુબજ ઉપયોગી અને જરૂરી માહીતી આપે આપી છે. ઘણી ખોટી માન્યતાઓ નું ખંડન થયું. ખૂબ ખૂબ આભાર માનુ છું. ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ 🙏🙏💐💐❤️❤️ સવામીજી ભગીરથ કાર્ય કરી રહ્યા છે અને સફળ થઈ રહ્યાં છે. તેજ આપણા ભારતવાસીઓ નું સૌભાગ્ય છે. ઈશ્વરની અસીમ કૃપાથી સૌનાં ઉપર સદા બની રહે….

  4. સૌરભભાઈ નમસ્તે
    ખૂબ સુંદર લેખથી જીવનચર્યા બદલાવાની શરૂઆત કરી દીધી. બધા લેખ ચીવટથી વાંચીને બીજા દિવસની રાહ જોવાય છે.
    જરુર રુબરુ મળવા પ્રયત્ન કરીશ.
    અમદાવાદ આવોતો જરુર જણાવશો.

  5. થેંક્યું વેરી મચ, સૌરભભાઈ. લેખમાં મારો નામ સહિત ઉલ્લેખ કરવા બદલ.

    આયુર્વેદના નામે અગડમ-બગડમ પણ બહુ ચાલ્યું છે. જ્યારે આ લેખોમાં આપ યોગગ્રામના અનુભવો ઉપરાંત વિશુદ્ધ આયુર્વેદની પણ સૂક્ષ્મ સમજ આપી બહુ મોટી રાષ્ટ્રસેવા કરી રહ્યા છો.

    અત્યારે આરોગ્ય જાળવણી વિશે બહુ લખાય છે પણ વિશુદ્ધ આયુર્વેદ આધારિત આરોગ્ય જાળવણી વિશે?? બેઉમાં સૂક્ષ્મ ફેર છે.

    ચરક સંહિતામાં કહ્યું માત્ર વૈદ્યોએ જ નહિ પણ રાજાઓએ, શિક્ષકોએ, ધનિકોએ અને સમાજના સર્વે શ્રેષ્ઠીઓએ પણ આવા વારસારુપ આયુર્વેદના માર્મિક જ્ઞાનનો અભ્યાસ અને પ્રસાર કરવો. સ્વાશ્રયી આરોગ્ય જાળવવાનું કાર્ય હવે એક સાર્વજનિક ફરજ બનવું જોઈએ. (ગોંડલના રાજવી ભગવતસિંહજીએ આયુર્વેદનો આવો ઊંડો અભ્યાસ કરેલો).

  6. My grandfather lived for 97 years. For entire life he was healthy except last 2 years.
    Important to note here is that whenever he had fever or sickness, એ ઘી થી તરબતર શીરો ખાતા. No medicines.
    His daily food was a litre of milk and routine kutchhi food that’s it.
    Life was very simple for him.

    And I think we are going back to that philosophy for good.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here