(‘તડકભડક’ : સંદેશ, સંસ્કાર પૂર્તિ)
ગુજરાતી ભાષાની એક અતિ પ્રસિદ્ધ નવલકથાના લેખક અને માત્ર બાવન વર્ષનું આયુષ્ય પામનાર ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી (ગોમાત્રિ)નો જન્મ ૧૮૫૫ની સાલમાં ૨૦ ઑક્ટોબરના રોજ થયો અને ૧૯૦૭ની ચોથી જાન્યુઆરીએ એમનું અવસાન.
ઈ.સ. ૧૯૪૩માં ભાવનગરની શામળદાસ કૉલેજમાં ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીના તૈલચિત્રનું ઉદ્ઘાટન કરતાં બળવંતરાય ક. ઠાકોરે ગોવર્ધનરામના અક્ષરદેહ સાથેના પોતાના સંબંધ વિશે કહેલું: ‘મ્હારાં સાહિત્યજીવન અને લેખન પ્રવૃત્તિમાં મ્હારા પૂજ્ય સર્જક ગો.મા.ત્રિ. સાથે મારે લેણું નીકળ્યું છે એને મ્હારું મોટું સદ્ભાગ્ય માનું છું.’
આ કિસ્સો ક્વોટ કરતાં ગોવર્ધનરામ પર થીસિસ લખીને પીએચ.ડી.ની પદવી મેળવનાર વિવેચક સ્વ. રમણલાલ જોશી ઉમેરે છે: ‘એ સદ્ભાગ્ય માત્ર બળવંતરાયનું જ નહીં પણ ગુજરાતી વિવેચનાનું પણ છે.’ આનું કારણ આપતાં રમણલાલ જોશી કહે છે કે ગોવર્ધનરામ વિશે તેમ જ એમની મહાનવલ ‘સરસ્વતીચંદ્ર’ વિશે ગુજરાતીમાં જે સમૃદ્ધ વિવેચન થયું એમાં બ.ક.ઠા.નો સિંહફાળો છે.
બ.ક.ઠા. ઈ.સ. ૧૯૦૫માં ગો.મા.ત્રિ.ના પ્રત્યક્ષ પરિચયમાં આવેલા – અમદાવાદમાં પહેલી ગુજરાતી સાહિત્ય પરિષદ મળી ત્યારે પરિષદ પ્રમુખ તરીકે ગોવર્ધનરામના નામની દરખાસ્ત બળવંતરાયે મૂકેલી અને આનંદશંકર બાપુભાઈ ધ્રુવે આ દરખાસ્તને ટેકો આપ્યો હતો.
ગોવર્ધનરામે જીવનનાં પાછલાં વર્ષોમાં ‘માધવરામ સ્મરિકા’માં લખ્યું છે કે એમના પરદાદા (પિતા માધવરામના દાદા, દાદા ધીરજરામના પિતા) મોહનરામ વિખ્યાત વેપારી હતા. રતલામ, વડોદરા, સુરત અને નડિયાદમાં તેમની દુકાનો હતી. વખત જતાં ધંધામાં ખોટ આવી અને દુકાનો બંધ થઈ. મોહનરામનું મૃત્યુ થયું.
પોતાની આગલી ત્રણ પેઢીઓ વિશે અને તે વખતની સામાજિક પરિસ્થિતિઓ વિશે ગોવર્ધનરામે લખ્યું છે. તેર વર્ષની ઉંમરે ગોવર્ધનરામના ભાઈ નરહરિરામનો જન્મ થયો (પાછળથી પ્રિન્સેસ સ્ટ્રીટમાં એમના નામે એન. એમ. ત્રિપાઠીની કું. નામની પ્રકાશન સંસ્થા શરૂ થઈ જે થોડા દાયકા પહેલાં આટોપી લેવાઈ).
એ જ ઉંમરે ગોવર્ધનરામનું હરિલક્ષ્મી સાથે લગ્ન થયું. (છ વરસ બાદ ૧૮૭૪માં રાધા નામની બાળકીને જન્મ આપીને હરિલક્ષ્મી સુવાવડમાં મૃત્યુ પામી). લગ્ન પછી ગોવર્ધનરામ મુંબઈ આવ્યા અને એલ્ફિન્સ્ટન સ્કૂલમાં દાખલ થયા. ૧૮૭૧માં, સોળ વર્ષની વયે તેઓ મેટ્રિક પાસ થયા. એ પછી બી.એ.ની પરીક્ષામાં પહેલીવાર ફેલ થયા અને બીજી વાર, ૧૮૭૫માં સેકન્ડ કલાસમાં પાસ થઈ ગયા. આ વર્ષો દરમ્યાન એમનું લેખનકાર્ય શરૂ થઈ ગયું હતું.
આ નાની ઉંમરે જ એમણે ત્રણ સંકલ્પ કરી લીધા હતા: ૧. એલ.એલ.બી.ની પરીક્ષામાં પાસ થવું, ૨. એ પછી મુંબઈમાં વકીલાત કરવી અને કદી કોઈની નોકરી કરવી નહીં અને ૩. લગભગ ૪૦મા વર્ષે ધંધા-વ્યવસાયમાંથી નિવૃત્તિ લઈને બાકીની ઉંમર સાહિત્યલેખનમાં ગાળવી.
૧૮૭૬માં લલિતાગૌરી સાથે બીજું લગ્ન થયું. એ પછીના વર્ષો વ્યવહારુ સંન્યાસની પોતાની વિભાવના સ્પષ્ટ કરતો નિબંધ એમણે લખ્યો જેનું જાહેરમાં વાચન પણ થયું. બળવંતરાય ઠાકોરના મત મુજબ આ નિબંધ ગોવર્ધનરામના ‘વિચારમિનારાના પાયા’ રૂપ છે. એ વખતે ગોવર્ધનરામની ઉંમર એકવીસ.
બે વર્ષ પછી, ૧૮૭૯ના આરંભે ગોવર્ધનરામે ભાવનગર રાજ્યના દીવાન શામળદાસના પર્સનલ સેક્રેટરી તરીકેની નોકરી લીધી. માંદગીને લીધે એલ.એલ.બી.માં વારંવાર ફેલ થતા છેવટે ૧૮૮૩માં પાસ થયા. ભાવનગર-જૂનાગઢનાં રાજ્યોમાં સારી સારી નોકરીઓની ઑફર આવી છતાં મુંબઈમાં વકીલાતની પ્રેક્ટિસ કરવા ૧૮૮૩ના અંતમાં ભાવનગર છોડ્યું.
૧૮૮૪માં વકીલાત શરૂ કરી અને ૧૮૮૫માં ‘સરસ્વતીચંદ્ર’ લખવાનું શરૂ કર્યું. ઉંમર વર્ષ ત્રીસ. ૧૮૮૭માં પહેલો ભાગ પ્રગટ થયો. ૧૮૯૨માં ‘સરસ્વતીચંદ્ર’નો બીજો ભાગ પ્રગટ થયો. ત્રીજા ભાગનું લેખનકાર્ય ૧૮૯૬માં પૂરું થઈ ગયેલું પણ રાજકીય પરિસ્થિતિને લીધે ૧૮૯૮માં એનું પ્રકાશન થયું. ૪૩ વર્ષની ઉંમર થઈ ગઈ હતી. વીસ-બાવીસમા વર્ષે કરેલો (૪૦મા વર્ષે નિવૃત્તિ લેવાનો) સંકલ્પ અમલમાં મૂકવાનો વખત થઈ ગયો હતો.
નિવૃત્તિપ્રશ્ર્ન અંગેનું મનોમંથન એમની સ્ક્રેપબુકોમાં વેધકતાથી વર્ણવાયું છે એવું રમણલાલ જોશી નોંધે છે. છેવટે ગોવર્ધનરામને તેમના કાકા મનસુખરામ તરફથી નિવૃત્ત થવાની રજા મળે છે અને નર્મદે કલમની સામે જોઈને ૧૮૫૮માં ‘આજથી હું તારે ખોળે છઉં’ કહ્યું હતું એવો જ નિર્ણય ગોમાત્રિએ લીધો. ૪૦ નહીં તો ૪૩, પણ છેવટે નિવૃત્તિનો નિર્ણય અમલમાં મુકાયો.
મુંબઈ છોડવાની તૈયારી કરી. ૧૮૯૮ની ૧૯મી ઑકટોબરના બુધવારે રાત્રે સાડા નવ વાગ્યે મુંબઈથી છૂટતા મેલમાં વતન નડિયાદ જવા માટે ગોવર્ધનરામ બેઠા. નડિયાદ આવ્યા પછી કચ્છની દીવાનપદની નોકરી મોટા પગારે મળતી હતી તે ઠુકરાવી. બે ચાર સારા કેસો મળતા હતા તે પણ લીધા નહીં.
૧૮૯૮ના ડિસેમ્બરમાં એમણે લાઠી અને જૂનાગઢના પ્રવાસો કર્યા. ઈ.સ. ૧૯૦૦ના વર્ષની ૨૬મી ડિસેમ્બરે એમણે ‘સરસ્વતીચંદ્ર’નો ચોથો ભાગ પૂરો કર્યો. ૧૯૦૨માં મોટી દીકરી લીલાવતીનું અવસાન થયું. બહુ મોટો આઘાત. લીલાવતીના જીવન પરથી ‘લીલાવતી જીવનકલા’ પુસ્તક લખાયું જે એક જમાનામાં દરેક સંસ્કારી ગણાતા ગુજરાતી ઘરની શોભા ગણાતું.
૧૯૦૭માં ગોમાત્રિનું અવસાન થયા પછી ‘લંડન ટાઈમ્સ’માં પણ એમની સાહિત્યસેવાઓને બિરદાવવામાં આવી. બાવન વર્ષના આયુષ્યકાળમાં શરીરની, મનની, કૌટુંબિક અને સાંસારિક વિટંબણાઓનો સામનો કરતાં કરતાં ગુજરાતી ભાષાને અને સાહિત્યને બે ડગલાં આગળ લઈ જતી વિરાટકથા ‘સરસ્વતીચંદ્ર’ના ચાર ભાગનું સર્જન ગો.મા.ત્રિ.નું સૌથી મોટું પ્રદાન છે.
ગોવર્ધનરામે ‘સરસ્વતીચંદ્ર’ના પહેલા ભાગમાંની અંગ્રેજી પ્રસ્તાવનામાં કહ્યું છે તેમ એમના ચિત્તમાં જે કંઈ અંકિત થયેલું હતું તેને નિબંધોના રૂપમાં રજૂ કરવાની એમને ઈચ્છા હતી, પરંતુ પ્રજાના આંતરિક જીવનને ઘાટ આપવા કથાસાહિત્ય એ સવિશેષ ઉચિત માધ્યમ છે એમ એમને લાગ્યું, અને તેમાંથી જે પ્રજાને વાંચતી કરવાની છે એને માટે તો ખાસ એમ લાગવાથી તેમણે નવલકથાનું માધ્યમ પસંદ કર્યું.
ગો.મા.ત્રિ. કહે છે કે નવલકથા વાંચનારી પ્રજાની રુચિ અનુસાર વર્તવું એના કરતાં નવલકથાના ધર્મો ઘણા વધારે, ઉચ્ચ અને પવિત્ર છે. નવલકથા વાંચનારાના જુદા જુદા વર્ગોનું પૃથક્કરણ કરતાં ગો.મા.ત્રિ. કહે છે: એક, માનવશાસ્ત્રના અભ્યાસ અર્થે નવલકથા વાંચનારો સત્યશોધક વર્ગ છે. બે, નવલકથામાંથી સુંદરતા વગેરે (અર્થાત્ મનોરંજક તત્ત્વો જેવાં) પોતાને રુચતાં તત્ત્વ શોધી બાકીનો ભાગ પડતો મૂકનારો સારશોધક વર્ગ છે, અને ૩. ભણેલાં અને અભણ માણસોનો સર્વસામાન્ય વર્ગ જેમની વાંચવાની વૃત્તિનાં ચોક્કસ કારણો હોય છે (અર્થાત્ સમય પસાર કરવા માટે વાંચનારો વર્ગ).
ગો.મા.ત્રિ. કહે છે કે આ બધા વર્ગના વાચકોની રુચિને અનુકૂળ થવા કરતાં એમનું ભલું થાય એ પ્રકારનું વાચન નવલકથાકારે આપવું જોઈએ. નિબંધમાં લખવાના વિચારોને નવલકથારૂપે લખનાર ગોવર્ધનરામનું તીર લક્ષ્યને વીંધે છે કે નહીં એની ફેરવિચારણા ગઈ સદી દરમ્યાન એકાધિકવાર થઈ છે.
કાલે ફરી એકવાર કરીએ.
પાન બનારસવાલા
તમારાં કર્મો એ તમારાં પોતાનાં હોવાં જોઈએ, તમને કહેવામાં આવ્યું એટલા કારણે તમારે કામો કરવાં જોઈએ એમ નહીં, પણ એ કામો તમને કરવા જેવાં લાગ્યાં માટે એ કરવાં જોઈએ.
– ગોવર્ધનરામ મા. ત્રિપાઠી (‘સમ રૂલ્સ ઑફ કૉન્ડક્ટ’માં)
• • •
( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર 090040 99112 પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો