આ કે મેરે હાથોં મેં, હાથ ના યે છૂટેગા

સન્ડે મોર્નિંગસૌરભ શાહ

‘અચ્છા મિસ્ટર રાજુ, રિહાઈ મુબારક હો’ જેલરના આ વાક્યથી શરૂ થતી ૨૨ રીલની ફિલ્મ ગાઈડનું પહેલું ગીત છે: વહાં કૌન હૈ તેરા મુસાફિર, જાયેગા કહાં. આ ગીત વિશે, એમાં આવતા ‘ક્યું નાચે સપેરા’ શબ્દપ્રયોગ વિશે, એક સ્વતંત્ર લેખ સન્ડે મૉર્નિંગમાં જ લખાઈ ગયો છે. ‘ક્યોં નાચે સપેરા’વાળો અંતરો ફિલ્મમાં નથી, રેકૉર્ડમાં છે. એસ. ડી. બર્મને ગાયેલું આ ગીત શૈલેન્દ્રના શબ્દો માટે જેટલું યાદગાર છે, એટલું જ બર્મનદાના કંઠ માટે પણ પ્રિય છે. જેલની બદનામી પછી દુનિયામાં બહાર પડતા દિલના સાફ માણસની પીઠ પર વડીલનો હૂંફભર્યો હાથ પસવારીને જે શીખામણ આપે તેવો અનુભવ તમને આ ગીત સાંભળીને થાય. જે શહેરમાં રાજુ ગાઈડ રાજા બનીને ઘૂમતો હતો એ શહેર હવે એને ચોર ગણીને ધુત્કારશે એવો ભય છે. રાજુ કોઈ અજાણી દિશામાં ચાલ્યો જાય છે. રાજુને મનમાં તો ખબર જ છે કે જેલમાંથી છૂટયા પછી બહારની દુનિયામાં એને કેવો જાકારો મળવાનો છે: કોઈ ભી તેરી રાહ ના દેખે, નૈન બિછાએ ના કોઈ/ દર્દ સે તેરે કોઈ ના તડપા, આંખ કિસી કી ના રોઈ/ કહે કિસકો તૂ મેરા, મુસાફિર જાયેગા કહાં…

બર્મનદાદાના કંઠમાં છુપાયેલું દર્દ જ્યારે સહાનુભૂતિમાં પલટાઈને સૂર રેલાવે છે ત્યારે ફિલ્મનો સમો બંધાઈ જાય છે.

આ ગીત પછી અલમોસ્ટ પોણો કલાક સુધી નૉનસ્ટૉપ વાર્તા આગળ ને આગળ ધસમસતી રહે છે. રોઝી, માર્કો, મા-બધાનો પરિચય થઈ જાય છે અને છેવટે રોઝી જ્યારે માર્કોને પોતાની જિંદગીથી દૂર કરવાના પ્રથમ પગલાંરૂપે ઉદયપુરની બજારમાંથી દસ રૂપિયાના ઘૂંઘરુ લઈને બાકીના ૯૦ રૂપિયાની ટિપ દુકાનદારને આપીને પોતાના માટે અણમોલ એવી દુનિયામાં પગ માંડે છે ત્યારે ‘ગાઈડ’નું બીજું ગીત મંડાય છે: કાંટો સે ખીંચ કે યે આંચલ… આ ગીતમાં અત્યાર સુધી તમે વહીદાજીના લાજવાબ નૃત્યના સ્ટેપ્સ પર મુગ્ધ થતા રહ્યા છો. હવે જુઓ તો એમના ચહેરા પરની ખુશીના હાવભાવ નીરખજો. આનંદના એક્સ્પ્રેશન્સ આટલી વિવિધ રીતે હજુ સુધી કોઈ વખત હિન્દી ફિલ્મના પડદા પર નથી જોયા. કલ કે અંધેરોં સે નીકલ કે દેખા હૈ આંખેં મલતે મલતે… વાળો અંતરા શરૂ થાય છે તે વખતના એમના ચહેરા પરના ભાવ તો જિંદગી આખી માટે યાદ રહી જાય. પોણીયા બાંયનું બ્લાઉઝ પહેરેલાં વહીદાજીના માથાથી પગ સુધી વ્યાપી ગયેલો ઉમંગ, ઉત્સાહ તમને પણ ઉત્સવના વાતાવરણમાં ખેંચીને લઈ જાય. આખાય ગીતની સાઈડ રિધમમાં ઘૂંઘરુનો અવાજ છેવટ સુધી છે. આ અવાજ રોઝીના જીવનનો મધ્યવર્તી સૂર છે. કોઈ બતા દે મૈં કહાં હૂં શબ્દો જ્યારે અંતરામાં બીજી વખત ગવાય છે ત્યારે બેઉ હાથને ચહેરા પર લાવીને વહીદાજી જે અદા કરે છે તે એવી અંકિત થઈ ગઈ છે મનમાં કે એ છબિની સાથે પ્યાસા સહિતની તમામ વહીદાજીઓ તમને ફીકી લાગે.

‘ગાઈડ’નું દરેક ગીત સાંભળીને પૂરું કરો એટલે તમને લાગે કે આ ગીત ફિલ્મનું શ્રેષ્ઠ છે. પણ જેવું નેક્સ્ટ ગીત સાંભળો કે તમને લાગે કે ના, ના, એ નહીં, આ જ ગીત બેસ્ટ છે. વન, ટુ, થ્રીની શ્રેષ્ઠતાના ક્રમથી કંઈક અધિકગણી ઊંચાઈએ ગાઈડનાં ગીતો છે. આ ગીતોની વિશેષતા એ છે કે દરેક ગીતની શરૂઆત પહેલાંના સંવાદ અત્યંત અર્થસભર છે. આવનારા ગીતનો માહોલ આ સંવાદોથી જ શરૂ થઈ જાય છે. એચ.એમ.વી.એ કદાચ પહેલી જ વાર ગીતોની એલ.પી.માં ગીત પહેલાંના સંવાદ પણ મૂક્યા. ‘ગાઈડ’ પછી તો ખૈર, ઘણી બધી ફિલ્મોમાં ગીત તથા ગીત પહેલાંના સંવાદની રેકૉર્ડ્સ આવી. ‘આનંદ’ અને ‘અમરપ્રેમ’ની રેકૉર્ડ્સ આવી જ યાદગાર રેકૉર્ડ્સ છે. બીજી પણ ઘણી છે.

રોઝી અને રાજુનો સંબંધ આગળ વધે છે ત્યારે એક તબક્કે તમને લાગે છે કે બેઉ જણાએ હવે એકબીજાની સાથે રહીને એક નવી જિંદગી શરૂ કરી દેવી જોઈએ. તમારી આ લાગણી વ્યક્ત કરતાં રાજુ કહે છે: ‘રોઝી, મૈં તુમ્હારે લિયે સપને દેખના ચાહતા હૂં, ઉન સપનોં કો રૂપ દેના ચાહતા હૂં, મુઝે ઈજાજત દો.’ આના જવાબમાં રોઝી નિખાલસતાથી કહે છે: ‘મેં તુમ્હેં કુછ નહીં દે સકતી, કોઈ વાદા નહીં કર સકતી… મુઝે ઉલઝન મેં મત ડાલો રાજુ, મેરી પરછાંઈ કહીં તુમ્હેં બરબાદ ન કર દે…’ આ સાંભળીને રાજુ પથ્થર પર ખેંચાતી લકીર જેવા શબ્દોમાં રોઝીને કહે છે: ‘ઠંડેપન સે એક બાત સુનોગી. તુમ કોઈ વાદા નહીં કર રહી હો. તુમ્હારા હાથ અપને દિલ પર રખકર મૈં એક વાદા કરના ચાહતા હૂં…’ અને મોહમ્મદ રફીના અવાજમાં કોઈ પણ પ્રેમીને પ્રેમના આરંભે ગાવાનું મન થાય એવું ગીત શરૂ થાય છે: તેરે મેરે સપને અબ એક રંગ હૈ, જહાં ભી લે જાયેં રાહી, હમ સંગ હૈ.

આ ગીતમાં ફોર્ટી પ્લસના દેવસા’બ કેટલા યંગ લાગે છે! એમને એવરગ્રીન હીરો કઈ એમનેમ નથી કહેવામાં આવ્યા. તેરે દુખ અબ મેરે, મેરે સુખ અબ તેરે; તેરે યે દો નૈના ચાંદ ઔર સૂરજ મેરે ગાતી વખતે દેવસા’બ રોઝીના ચહેરાને સ્પર્શે છે અને એની પછી લાખ મના લેં દુુનિયા, સાથ ના યે છૂટેગા, આ કે તેરે હાથોં મેં હાથ ના છૂટેગા… વાળો અંતરા શરૂ થાય છે ને ત્યાં જ દેવસા’બ રોઝીને ભેટે છે. પ્રેક્ષકો પહેલીવાર આ સ્પર્શ જુએ છે પણ એ પ્રથમ સ્પર્શમાં જે ડિગ્નિટી છે, જે આદર-સન્માન છે તે તમને ખાતરી કરાવે છે કે આ બંનેને એક કરનારું તત્ત્વ શારીરિક આકર્ષણ નથી, કંઈક બીજું જ છે. જીવનની જેમ હિંદી ફિલ્મોમાં પણ જ્યારે જ્યારે આવા નાજુક ભાવ વ્યક્ત કરતી ક્ષણો આવે છે ત્યારે એ ઐતિહાસિક બની જતી હોય છે.

‘ગાઈડ’માં હવે પછી જે ગીત આવે છે તેનો ઉલ્લેખ ગયા વખતના લેખમાં ઉતાવળે કરતી વખતે ટૅક્નિકલ ગોસ્મોટાળો થઈ ગયો જેની જાણકારી મોટાભાગના રીડર્સને નથી થઈ. પણ સંગીતના જાણકારો તો વાંચતાંવેંત પામી ગયા અને પામી ગયા એટલું જ નહીં, વાંચીને સવારના પહોરમાં મને ફોન કરીને ખખડાવી નાખ્યો. વિગતો નેક્સ્ટ લેખમાં સુધારી લઈશું. ત્યાં સુધી ફરી એકવાર ‘ગાઈડ’નાં ગીતો જોઈએ, માણીએ, ગણગણીએ.

કાગળ પરના દીવા

તમારી જૂની સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સંમેલનમાં ક્યારેય નહીં જતા. ત્યાં તમને એટલા બધા બુઢિયાઓ મળી જશે જેવો દાવો કરતા હશે કે યાર, આપણે એક જ ક્લાસમાં સાથે ભણતા હતા!

– વૉટ્સએપ પર વાંચેલું.

સન્ડે હ્યુમર

બકો: પકા, આ વાંચ્યું કે?

પકો: શું?

બકો: કેડિલા ફાર્માસ્યુટિકલ્સના માલિક રાજીવ મોદીએ છૂટાછેડા મેળવવા પત્નીને ભરણપોષણ પેટે ૨૦૦ કરોડ ચૂકવ્યા.

પકો: અને એ પહેલાં રિતીક રોશને સુઝાનથી છૂટાછેડા લેવા માટે ૪૦૦ કરોડ ભરણપોષણના ચૂકવેલા.

બકો: પકા, વિચાર તો કર, માણસો કેવા કંટાળતા હશે!

( મુંબઇ સમાચાર : રવિવાર, 4 નવેમ્બર 2018)

3 COMMENTS

  1. ગાઇડના બધા જ ગીતો કમાલ છે. બોલ ચડે કે સંગીત? હરેક ગીત અલગ દુનિયામાં ખોવાઇ નાખે તમને. પડદા પર ગવાયેલા આ ગીતો પાકુ હકીકતમાં પણ હજારો વખત ગવાયા હશે. દેવ સાહેબ અને વહીદાજી ની જગ્યાએ ચહેરા બદલાયા હશે પણ પ્રેમ ની લાગણી ની અભિવ્યક્તિ નહીં. આ કે મેરે હાથો મે હાથ ના યે છૂટેગા….. પ્રેમી યુગલના આજીવન બોલ….મહમદ રફી ના અવાજ માં ગવાયેલુ એક સદાબહાર રોમાંટિક ગીત તેરે મેરે સપને સપને અબ એક રંગ હૈ નો દિલને સ્પર્શી જનારો અંતરો….. આવતા રવિવારનો ફરીથી એક વખત ઇંતેજાર…

  2. I think snake dance by Waheedaji was one of the most outstanding shot in the movie. Her dance and expressions were simply wonderful.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here